5000 વર્ષ જૂનું શિવાલય, અર્જુનની પ્રતિજ્ઞા ન તોડવા ભીમે શિવલિંગ સ્થાપ્યું; જાણો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhimnath Mahadev: ગુજરાતના ભાલ પ્રદેશનું ધંધુકા ગામ. આ ગામથી 15 કિલોમીટર દૂર આવેલું છે હજારો વર્ષ જૂનું શિવાલય. આ પાંડવકાલિન શિવાલય 5000 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. પાંડવો વનવાસમાં અહીં આવ્યા હતા અને ભીમે ભાઈનું પ્રણ ન તૂટે તેથી અહીં શિવલિંગ સ્થાપ્યું હોવાની માન્યતા પણ છે. આવો જાણીએ આ શિવાલયનો રોચક ઇતિહાસ…

શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, 5000 વર્ષ પહેલાં દ્વાપરયુગમાં પાંડવો 14 વર્ષના વનવાસમાં નીલકા નદીના કિનારે આવ્યા હતા. તેમને એક વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહેવાનું હતું. તે સમયે અર્જુનને એવું પ્રણ હતું કે, મહાદેવજીની પૂજા-અર્ચના કર્યા વગર અન્નનો એક દાણો મોઢામાં ન મૂકવો. ત્યારે પાંડવો ધંધુકા આવ્યા ત્યારે ત્યાં આસપાસ કોઈ શિવાલય ન જોવા મળ્યું. એટલે ભાઈનું પ્રણ ન તૂટે તેથી ભીમે એક યુક્તિ અજમાવી. જાળના વૃક્ષની નીચે એક શિવલિંગ જેવો આકાર હતો. ભીમે ત્યાં ફૂલ ચડાવ્યા, જળ ચડાવ્યું અને અર્જુનને મનાવી લીધો કે, હમણાં જ અહીં કોઈ પૂજા કરીને ગયો છે. અર્જુને ભીમની વાત સાચી માની લીધી અને તેણે પણ મહાદેવજીનું શિવલિંગ હોવાનું ગણીને પૂજા-અર્ચના કરી અને ભોજન લીધું હતું.

ભીમે ગદા મારી પથ્થરના બે ભાગ કરી નાંખ્યા
ત્યારબાદ અચાનક ભીમ ખડખડાટ હસવા લાગ્યો અને સમગ્ર હકીકત જણાવતા કહ્યું કે, જે શિવલિંગની પૂજા કરવામાં આવી હતી, તે ઉપજાવી કાઢવામાં આવ્યું હતું અને અર્જુનની પ્રતિજ્ઞા તૂટી ગઈ છે. આ સાંભળીને અર્જુન ખૂબ જ ચિંતિત થયો હતો અને તે જ જગ્યાએ તેણે ભગવાન શિવની આરાધના શરૂ કરી દીધી હતી. ભાઈને હતપ્રત થયેલો જોઈને ભીમે શિલા પર ગદા મારી અને પથ્થરના બે ભાગ કરી નાંખ્યા. ગદાના પ્રહારથી આ પથ્થર શિવલિંગ આકારનો બની ગયો હતો અને તેમાંથી સહસ્ત્રદૂધની ધારાઓ વહેવા લાગી હતી. આખરે શિવજી ત્યાં પ્રગટ થયા હતા અને પાંડવોને આશીર્વાદ આપ્યા હતા. આ રીતે અહીં શિવલિંગની સ્થાપના થઈ હતી.

વરખડીના વૃક્ષમાંથી ઝરે છે પ્રસાદ
તે સમયે જ્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાં આવેલું આ વરખડી (જાળ)નું વૃક્ષ લીલુંછમ છે. જેમાંથી ચૈત્ર અને વૈશાખ માસમાં ખાંડ જેવો સફેદ પ્રસાદ ઝરે છે તેને સૌ ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આ શિવાલય ‘ભીમનાથ મહાદેવ’ તરીકે ઓળખાય છે.




