'વો તીનોં કૌન થી?'... સાધના!

- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- છેલ્લે બધી 'પ્રેતાત્મા ટ્રિક્સ'ને ખુલ્લી પાડીને સમજાવવામાં આવી છે કે કબ્રસ્તાનનો દરવાજો 'આપોઆપ' નહીં, પણ પાતળી દોરી વડે બે જણા ખેંચતા હતા એટલે ખુલતો હતો…
૧૯ ૬૩ની વાત છે. કાશ્મીરનાં રણિયામણા પહાડો સંપૂર્ણપણે બરફથી છવાયેલાં છે. અહીં એક ફિલ્મના ગાયનનું શૂટિંગ ચાલી રહ્યું છે. સ્વાભાવિક છે કે શૂટિંગ જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ છે…
એ ભીડમાં ઊભેલા એક સરદારજીએ મોટેથી કોમેન્ટ કરી કે 'યે ફિલ્મ તો ફલોપ હો જાની હૈ ! ક્યું કિ હિરોઇન એક તો વિધવા હૈ, ઔર ઉપર સે ઉસ કી આવાઝ ભી મર્દાના હૈ!'
પૂછો, 'પુરૂષ'ના અવાજમાં ગાયન ગાઈ રહેલી એ હિરોઇન કોણ હતી ? એ હતી સાધના ! ફિલ્મ હતી 'વો કૌન થી ?' અને ગાયન હતું 'નૈના બરસે રીમઝીમ રીમઝીમ…'
હવે પૂછો કે ભૈશાબ, સાધના કોઈ 'પુરૂષ'ના અવાજમાં કેમ ગાતી હતી ? તો એની પાછળની કહાણી એવી છે કે ફિલ્મમાં તો આ ગીત ટુકડે ટુકડે વારંવાર આવતું રહે છે, પરંતુ કાશ્મીરમાં તે આખેઆખું ગવાય છે. અહીં સમસ્યા એ હતી કે ગીતની ધૂન તૈયાર હતી પણ ગાયિકા લતા મંગેશકર વિદેશની ટુરમાં ગયાં હતાં !
આ બાજુ ડિરેક્ટર રાજ ખોસલાએ સંગીતકાર મદનમોહન પાસે ઉઘરાણી કરી કે 'ભાઈ,' ગાયન લાવો ! મારે કાશ્મીરમાં શૂટ કરવાનું છે ! લતાજી વિદેશથી પાછાં આવે ત્યાં સુધી રાહ જોવાનું મને પોષાય તેમ નથી !'
મદનમોહનના મનમાં એક વાત તો નક્કી હતી કે આ અદ્ભૂત ગીત ગાશે તો લતાજી જ ! તો હવે કરવું શું ? એટલે એમણે વચલો રસ્તો કાઢ્યો. આખેઆખું ગીત ફૂલ ઓરકેસ્ટ્રા સાથે લતાજીના બદલે પોતે ગાઈને, રેકોર્ડ કરીને આપી દીધું !
આ જ ગીત કાશ્મીરમાં સાંભળતાં વેંત પેલા સરદારજી બગડયા હતા ! ખેર, પછી તો લતાજી પાછાં આવ્યાં ત્યારે ગીત ફરી રેકોર્ડ થયું, પણ લતાજીને મદનમોહનનું વર્ઝન એટલું બધું ગમ્યું હતું કે ફિલ્મની જે 'લોંગ પ્લે' રેકોર્ડ બહાર પડી તેમાં તેને આગ્રહ કરીને રખાવ્યું હતું ! (બાય ધ વે, લતાજી દર વરસે મદનજીને રાખડી બાંધતાં હતાં.)
'વો કૌન થી ?'ની બીજી એક માઈલસ્ટોન જેવી વાત એ હતી કે એ જ ફિલ્મથી અભિનેત્રી સાધનાની જે કપાળ પાસેની ચાર-પાંચ લટો કપાવવાની સ્ટાઈલ હતી તે સમયે ભારતનાં ગામેગામ સુધી એટલી લોકપ્રિય થઈ ગઈ હતી કે આજે પણ આખા ઇન્ડિયામાં તેને 'સાધના કટ' કહેવાય છે ! બોલો.
જોકે સાધનાએ પણ એ પછીની તમામ ફિલ્મોમાં આ 'સાધના કટ' જાળવી રાખ્યો હતો ! એમ તો રાજ ખોસલાનું જોઈને સુભાષ ઘાઈએ પણ 'પરદેશ' ફિલ્મમાં મહિમા ચૌધરીને લોન્ચ કરતી વખતે તેના વાળ 'સાધના કટ'માં કપાવેલા. એટલું જ નહીં, પોતે સતત 'મેન્ટરવેડા' કરીને મહિમા ચૌધરીને કહેતા હતા કે તારા વાળની સ્ટાઈલ બદલતી નહીં પણ મહિમા માની નહીં…સરવાળે થોડી ફિલ્મો પછી ખોવાઈ ગઈ ! બોલો.
'વો કૌન થી' બીજી એક રીતે પણ હિન્દી સિનેમાના વધુ એક 'ટ્રેન્ડ સેટર' બની ગઈ હતી ! કેમકે એ પછીની તમામ 'પ્રેતાત્મા' ટાઈપની ફિલ્મોમાં આ બે ચીજો ફિક્સ થઈ ગઈ હતી. એક, સફેદ સાડી અને બે, અડધી રાતે ભલતી સલતી જગ્યાઓ ઉપર 'હોન્ટિંગ' મેલોડી જેવું ગાયન ગાતી હિરોઇન !
અચ્છા, ખુદ રાજ ખોસલા આ એક 'પ્રેતાત્મા' ટાઈપની ફિલ્મથી અટક્યા નહોતા. ઉલ્ટું, સાધનાને જ લઈને આના પછી 'મેરા સાયા' અને 'અનિતા' બનાવી દીધી હતી. (આને લીધે સાધનાને 'ધ મિસ્ટરી ગર્લ'નું લેબલ લાગી ગયું હતું !)
જોકે ત્રણે ત્રણ ફિલ્મમાં ખરેખર તો કોઈ 'પ્રેતાત્મા' છે જ નહીં ! બલ્કે ત્રણે ત્રણ ફિલ્મોમાં એન્ડમાં એવું સસ્પેન્સ ખુલે છે કે સાધનાની એક 'જુડવા' બહેન હતી, જેને પ્રેતાત્મા તરીકે રજુ કરીને આખો ખેલ પાડી રહ્યો હતો ! જોગાનુજોગ એ પણ ખરો કે ત્રણમાંથી બે ફિલ્મોમાં એ વિલન પ્રેમ ચોપરા જ નીકળે છે ! ('અનિતા' સિવાય) એમ તો બે ફિલ્મોમાં સાધનાને ભૂત માની બેસનાર હીરો પણ મનોજ કુમાર જ છે.
આ મનોજ કુમાર પોતાની 'પીઠ એક્ટિંગ' માટે મશહૂર છે ! તમે પૂછશો કે આ 'પીઠ એક્ટિંગ' વળી શું છે ? શું મનોજ કુમારનો બરડો એટલો 'ભાવવાહી' હતો ? ના, બિલકુલ નહોતો ! મનોજ કુમારની બોચીના વાળ પણ એક્ટિંગ નહોતા કરી શકતા ! છતાં મનોજભાઈને પોતાની પીઠ દેખાડવાનું શી ખબર શું વળગણ હશે, તે દર ચોથા કે પાંચમા સીનમાં એ ભાઈ કેમેરા તરફ પીઠ ફેરવીને જ ડાયલોગ ફટકારતા હોય ! (છેલ્લે છેલ્લે પોતે પ્રોડયુસર બન્યા ત્યારે તો પીઠ પાછળ મુઠ્ઠી રાખીને પોતાનાં 'આંગળાં' વડે 'એકસ્પ્રેશન' આપતા હતા ! જોજો તમે !) મનોજભાઈને બરફ ઉપર સ્કેટિંગ કરતાં કરતાં હાડકાં ભાંગી જશે એવો કોઈ 'વહેમ' પણ હશે ! કેમકે 'શૌખ નઝર કી બીજલિયાં…' ગાયનમાં, તમે જોજો, છેવટે એને સાદી ખુરશીમાં બેસાડીને બરફ ઉપર લસરપટ્ટી કરાવવી પડી છે !
ફિલ્મનાં તમામ ગાયનો હિટ હતાં. (એક સિવાય) મજાની વાત એ છે કે 'લગ જા ગલે…' વાળું ગાયન. આજની મિલેનિયમ જનરેશનમાં એટલું બધું પોપ્યુલર થયું હતું કે ખુદ શ્રેયા ઘોષાલ સુધીની તમામ ગાયિકાઓએ તેને લાઈવ કોન્સર્ટમાં વારંવાર પરફોર્મ કરેલું છે. બાકી, 'જો હમને દાસ્તાં અપની સુનાઈ, આપ કયું રોયે ?' ગાયનના શબ્દો ધ્યાનથી સાંભળજો. એ આજની તમામ ઉંમરની મહિલાઓને લાગુ પડે છે ! કેમકે મહિલાઓ પોતે જ પોતાનાં દુ:ખણાં રડે, એ સાંભળીને આપણે બે આંસુ પાડીએ તો પૂછશે કે 'આપ ક્યું રોયે ?'ને જો ના રડીએ તો કહેશે 'બહોત, રોયે મગર અબ આપ કી ખાતિર ન રોએંગે….'
ફિલ્મની સ્ટોરીમાં મામલો એવો છે કે મનોજ કુમારને કોઈની વસિયતમાં બહુ મોટી મિલકત મળવાની છે, પણ જો એને 'પાગલ' સાબિત કરવામાં આવે તો વસિયત પ્રેમ ચોપરાને મળે. બરોબર ? આમાં છેલ્લે બધી 'પ્રેતાત્મા ટ્રિક્સ'ને ખુલ્લી પાડીને સમજાવવામાં આવી છે કે કબ્રસ્તાનનો દરવાજો 'આપોઆપ' નહીં, પણ પાતળી દોરી વડે બે જણા ખેંચતા હતા એટલે ખુલતો હતો…સાધના અને બીજા બે જણા બંગલામાંથી 'ગાયબ' નહોતા થતા, પણ દિવાલ પાછળ બાકોરું હતું…બબ્બે ઠેકાણે એક જ સાધના પણ એ જ રીતે દેખાડતા હતા….ચાલો, બધું બરાબર. પણ ખોસલા સાહેબ, એક સવાલનો જવાબ આપો….
પેલી કારનાં વાઈપર 'એની મેળે' ચાલુ બંધ શી રીતે થતાં હતાં ! શું બોનેટમાં કોઈ ઠીંગુજીને બેસાડી રાખ્યો હતો ?
= આઈકોનિક સોંગ નૈના બરસે રીમઝીમ રીમઝીમની ધૂન મદનમોહને પંદર વરસ પહેલાં એટલે કે છેક ૧૯૫૨માં બનાવી રાખી હતી. પરંતુ ધૂનને લાયક સિચ્યુએશન મળતી નહોતી.
= લગભગ આ વાર્તા ઉપરથી ગુરૂદત્ત 'રામ' નામની ફિલ્મ બનાવવા માગતા હતા, તે 'ધ વુમન ઈન વ્હાઈટ' નામની અંગ્રેજી નવલકથા હતી. જોકે ગુરૂદત્તે ફિલ્મ પડતી મુકી પછી એમના ખાસ મિત્ર રાજ ખોસલાએ એ જ પ્લોટ ઉપરથી 'વો કૌન થી ?' બનાવી.
= 'લગ જા ગલે…'નાં આજ સુધીમાં બે ડઝનથી વધુ રિ-મિક્સ વર્ઝન બન્યાં છે. જેમાંથી બે 'ઓફીશીયલ' વર્ઝનમાં તો ખુદ લતાજીનો અવાજ છે ! બોલો. ફિલ્મમાં હેલનનો મહત્ત્વનો રોલ છે. એને ફાળે બે ગીત આવ્યાં છે જેમાંનું એક છોડકર તેરે પ્યાર કા દામન હજીયે લોકપ્રિય છે.
= બેસ્ટ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી માટેનો ફિલ્મફેર એવોર્ડ કે.એચ. કાપડીયાને મળ્યો હતો.









