દુશ્મન ઘરમાં જ હોય ત્યારે...

ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
'ઘરમાં જ દુશ્મનો છે, મારવા પડશે. ગઢવી મને કહેતા ગયા તા, દુશ્મનો સરહદે જ હોવા જરૂરી નથી, કોક દી ઘરમાં પણ મળી જાય. તે દી ઈને પૂરા કરવા પડે.'
'ઝા લા સાહેબ, એક બાઈ નદી કિનારેથી મળી છે, સાવ અધમરી હાલતમાં છે. સાવ ગાંડી બાઈ લાગે છે. - કોન્સ્ટેબલ મીનાબેને પોલિસ સ્ટેશનમાં આવતાની સાથે જ બુમ મારીને કહ્યું.
'મીના બેન, મારી મોટી બેન, આમ બુમો ના મારશો… તમે એક પોલીસકર્મી છો અને પોલીસ સ્ટેશનમાં ઊભા રહીને વાત કરો છો. તમારો અવાજ અને લાગણીઓ કાબુમાં રાખો. - ઝાલા સાહેબ બોલ્યા.
'સોરી સાહેબ. આ સામે પેલી બાઈ બેઠી, અમે આજે ગામતળે આંટો મારવા ગયા હતા ત્યાં આ બાઈ બેઠેલી દેખાઈ. ખબર નથી પડતી પણ કંઈક બોલ્યા કરે છે. ઘરમાં જ દુશ્મનો છે, મારવા પડશે. ઘરમાં જ દુશ્મનો છે મારવા પડશે. એવું બોલ્યા કરે છે, કંઈ સમજાતું નથી. મેં ઘણું પૂછયું પણ આ એક જ વાક્ય બોલ્યા કરે છે. નામ, ઠામ કશું જ ખબર નથી.' - મીનાબેને પેલી બાઈ તરફ ઈશારો કરીને કહ્યું.
'બેન શું નામ છે તમારું? ક્યાં રહો છો? આવી હાલત કેવી રીતે થઈ? કંઈક જણાવશો તો અમે તમારી મદદ કરી શકીશું.' - ઝાલા સાહેબે પેલી બાઈને કહ્યું.
'ઘરમાં જ દુશ્મનો છે, આપણે મારવા પડશે. - પેલી બાઈ એક જ વાતનું રટણ કર્યા કરતી હતી.
'મીના બેન એક કામ કરો, આમને મારા બાની સંસ્થામાં મોકલી આપો. બાપુજીને કહેજો કે ખાસ ધ્યાન રાખે અને બાને કહેજો કે આમને નવરાવી, તૈયાર કરીને રાખે. હું બપોર થતાં આવું છું. - ઝાલા સાહેબે કહ્યું અને મીના બેને હામી ભરી.
મીનાબેન પેલી બાઈને હાથ પકડીને પોલીસ સ્ટેશનની બહાર લાવી અને ફરી ગાડીમાં બેસાડીને નીકળી ગયા. ઝાલા સાહેબ પણ પોતાની ગાડીમાં ગોઠવાયા અને રાઉન્ડ ઉપર નિકળ્યા.
'બા, અંદર આવું કે?' - મીનાબેને ગાડીમાંથી ઉતરીને સાદ કર્યો.
'અરે આવો આવો. પૃથ્વીએ તમને કામ સોંપ્યું છે કંઈ. આજે આવવા દો એને… એના બાપુને કહીને ઠપકો અપાવું છું.' - રેવતીબાએ ડેલીમાંથી બહાર આવતા કહ્યું.
'અરે બા એવું કંઈ નથી. મને સાહેબે કોઈ અંગત કામ નથી સોંપ્યું. અમને એક બાઈ મળી હતી એની ભાળ મળે ત્યાં સુધી તમારા આશ્રમમાં રાખવાનું સાહેબે કહ્યું છે. હું એમને મુકવા આવી છું. એમને જરા તૈયાર કરીને રખાવજો ત્યાં સુધી સાહેબ આવી જશે. - મીનાબેને કહ્યું.
'ભલે. આવ્યા છો તો બધા ચા-પાણી કરો. ત્યાં સુધી હું આ બેનને નવરાવવાનું કહી દઉં. - રેવતીબાએ કહ્યું અને મીનાબેન અને બીજા બે મહિલા કોન્સ્ટેબલ પેલી બાઈને લઈને ઉતર્યા અને આશ્રમમાં અંદર ગયા.
તેઓ બહાર આંગણે મુકેલા ખાટલામાં ગોઠવાયા અને બે યુવતીઓ આવીને પેલી બાઈને લઈ ગઈ. બાપુજી સામે પરસાળમાં જ હુક્કો પીતા હતા અને સાથે બે પુરુષો તેમને કંઈક સમજાવતા હતા. મીનાબેને દૂરથી જ હાથ જોડીને જયમાતાજી કહ્યું. બાપુજીએ પણ દૂરથી હાથ ઉંચી કરી અભિવાદન ઝીલી આશીર્વાદ આપ્યા.
બા પાસેની ખુરશીમાં ગોઠવાયા અને બધા જાતભાતની વાતો કરતા હતા ત્યાં જ ચા-નાસ્તો આવી ગયા. બધાએ ચા-નાસ્તો શરૂ કર્યો ત્યાં આશ્રમના સ્ટાફની બે યુવતીઓ પેલી બાઈને લઈને આવ્યા. તેને જોઈને બાના હાથમાંથી ચાનો કપ પડી ગયો.
'દેવલ? આ તો દેવલ છે… અમારા ગામના જેસલ ગઢવીની પત્ની અને મારી મોટી બેનની બાળસખી.' - રેવતીબાએ કહ્યું. બાપુજી પણ આ સાંભળીને હિંચકેથી ઊભા થઈ ગયા અને તેમની પાસે આવ્યા.
'વાત હાચી છે હોં તમારી રેવતી… આ તો દેવલ જ છે. આ તો મરી… મન માનતું નહોતું. હવે આંખોને વિશ્વાસ નથી થાતો. - બાપુજી બોલ્યા.
'દેવલ હું રેવતી… પદ્માની નાની બેન… અંબાપુર ગામના મુખીની દીકરી… તને યાદ છે… - રેવતીબાએ દેવલનો હાથ પકડીને કહ્યું. દેવલ તેમની સામે જ જોઈ રહી.
'રેખા, જાઓ દેવલ માટે ચા-પાણી લેતા આવો. સુષ્મા પૃથ્વીભાઈને ફોન કરો કે તાકીદે ઘરે પહોંચે, બાપુએ તેડાવ્યા છે.' - રેવતીબાએ કહ્યું અને પેલી બંને યુવતીઓ ત્યાંથી જતી રહી.
'મીના, આ દેવલ છે. મારા ગામમાં રહેતી હતી. તેના લગન અમારા ગામના જ ગઢવીની ડેલીમાં થયા. જોગલબાપુના નાના દીકરા જેસલની હારે. જેસલ આપણી ફોજમાં ફોજદાર હતો. પાકિસ્તાન હારેની લડાઈમાં ખુંપી ગયો તો. તે દી થી દેવલના માથે આભ તૂટયું હતું. પરાણે બે વરહનું દાંપત્ય અને બાવી વરહની જુવાનજોધ દેવલ વિધવા થઈ ગઈ. એકાદ વરસ પછી એના સાસરીયામાં આગ લાગી હતી. આખું ઘર બળી મર્યાના વાવડ હતા. અમને એમ કે દેવલ પણ તેમાં જ ભુંજાઈ ગઈ હશે. આ તો દેવકૃપા છે કે, દેવલ આપણી વચ્ચે છે. - રેવતીબાએ કહ્યું અને બધા આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યા.
'બાપુજી કેમ મારતે ઘોડે તેડાવ્યો? એવું તો શું થઈ ગયું? - પૃથ્વીએ આશ્રમની ડેલીમાં આવતાની સાથે જ કહ્યું. તેને જોઈને મીનાબેન અને બાકીના કોન્સ્ટેબલ ઊભા થઈ ગયા.
'દીકરા તારા બાપુજીએ નહીં મેં તને તાબડતોબ તેડાવ્યો. તને યાદ છે પેલી દેવલની વાત મેં તને કરી હતી. અંબાપુરના ગઢવી પરીવારની?' - રેવતીબાએ કહ્યું. પૃથ્વીએ કંઈક યાદ કરીને માત્ર હકારમાં માથું ધુણાવ્યું.
'આ એ જ દેવલ છે. જે તારા ખાતાને રસ્તે રઝળતી મળી. આ કોઈ ગાંડી બાઈ નથી. આ તો અમારા આપા ગઢવીની દીકરી અને ફોજદાર જેસલ ગઢવીના પત્ની છે.' - રેવતી બા બોલ્યા.
'બા, એ તો ઘરના બધાય બળી મર્યા તા. તમારી કંઈક ભુલ થતી હશે. મને યાદ છે, આપણા દેવુભા ઝાલાએ જ રિપોર્ટ આપ્યો તો, પાંચ ડેડબોડી મળી હતી.' - પૃથ્વીએ જવાબ આપ્યો.
'પૃથ્વી એક કામ કર, આપા ગઢવીને ત્યાં તો કોઈ વધ્યું નથી. તું જગતાપને ઘેરેથી કોઈને તેડાવી લે. ઓળખ પરેડ કરી લે અને દેવલને સોંપી દે. બચારીને પાછું ઘર મળી જાય.' - બાપુજી બોલ્યા.
'જગતાપ… એ હરામખોર હજી જીવે છે… મેં તો આગમાં ભડકે બળતો જોયો તો… એ હરામી બચી ગયો. - એકાએક દેવલ બોલી પડી. બધા જ વિસ્ફારીત નજરે તેને જોઈ રહ્યા.
'જગતાપ… તારી નણંદનો દીકરો… એને ભુલી ગઈ. અહીંયા દેવાયતપુરામાં તો પરણાવી હતી એને. જગતાપ હવે સમજણો યુવાન થઈ ગયો છે.' - રેવતી બાએ કહ્યું. દેવલે માત્ર એક તુચ્છકાર ભરેલી નજરે તેમની સામે જોયું.
'ઘરમાં જ દુશ્મનો છે, મારવા પડશે. ગઢવી મને કહેતા ગયા તા, દુશ્મનો સરહદે જ હોવા જરૂરી નથી, કોક દી ઘરમાં પણ મળી જાય. તે દી ઈને પૂરા કરવા પડે.' - દેવલે કહ્યું.
'તો એ ઘરના લોકો ને… તમે…' - પૃથ્વી તુટક તુટક અવાજે બોલ્યો.
'ના. એમના પાપે. - દેવલે જવાબ આપ્યો.
'મારા ગઢવી, દેશ માટે ખપી ગયા પછી મારો જેઠ રાક્ષસ થઈ ગયો તો. હજી તો મહીનો દી નોતો થયો ને ત્યાં મારું શીલ લૂંટવા બાવરો થયો હતો હરામી… મેં મારી જેઠાણી અને સાસુને ફરિયાદ કરી તો બોલ્યા કે, ઘરમાં તો આવું ચાલે… એમાંય ઘરમાં કોઈ દીકરો જન્મ્યો નથી. તારા થકી એકાદ વારસ આવે તો વાંધો નથી. બંનેએ નફ્ફટાઈથી જવાબ આપ્યો તો. તેમાંય મારા કાકાજીનો દીકરો જગતાપ પણ જોડાયો. તેને પણ મારું શરીર ચુંથવું હતું.
'મને યાદ છે, પૂનમની રાતે બંને ભાયડા ચિક્કાર પીને આવ્યા હતા. ઘરમાં પણ આવીને દારૂની રેલમછેલ મચાવી હતી. અડધી રાતે મારી ઓરડાની ડેલી તોડી કાઢી અને અંદર ધસી આવ્યા.
બંને મારું શીલ લૂંટવા મથામણ કરી. મેં બંનેને હડસેલી લીધા. તેમણે મને ઢસડી, માર માર્યો, મારા લુંગડા ફાડયા. તો પણ હું પાછલા કમાડ સુધી પોંચી ગઈ.
'હું પાછલા કમાડથી બાર જવા જતી હતી ત્યાં જગતાપે મને ખેંચી અને મારા ઉપર ઘાસતેલનો કેરબો રેડવા લાગ્યો. મેં તેને લાત મારી અને તે પડી ગયો. કેરબો તેના હાથમાંથી છટકીને નીચે પડયો અને બધું ઘાસતેલ ત્યાં જ ઢોળાયું. પાછળ મારો જેઠ ફાનસ લઈને આવતો હતો તે પડયો અને આગ લાગી. હું કમાડમાંથી બાર નીકળી ગઈ. એ બધા પાપીઓ ત્યાં જ બળી મર્યા.
'હું અડધી રાતે જ ખેતરોમાંથી બહાર રોડ ઉપર આવી. હું મોટીના ઘરે જ જવા નીકળી પણ રસ્તામાં કોઈ મને ટક્કર મારી ગયું. મને પછી કંઈ જ યાદ નહોતું. જગતાપ જીવતો હોય તો પૂરો કરવો પડશે.' - દેવલ આટલું બધું બોલીને હાંફવા લાગી… આંખો લાલચોળ થઈ ગઈ. આશ્રમમાં ઊભેલા સૌ કોઈ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા.
પૃથ્વીએ પોતાની જાત સંભાળી અને બાપુજી સામે જોયું.
'કેસ ક્લોઝ્ડ. ઝાલાને જાણ કરી દેજો.' - બાપુજી બોલ્યા અને પૃથ્વીએ આંખ મિચકારી.









