Ravi Purti

'જેન ઝી' એ શોધેલી શબ્દાવલિ મા-બાપ ના સમજે ત્યારે?

By GS Team
5 Sep 20263 mins read
'જેન ઝી' એ શોધેલી શબ્દાવલિ મા-બાપ ના સમજે ત્યારે?
  • શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
  • કન્ટેન્ટ રાઇટર અને ઇન્ફલુઅન્સરની વાતો સાંભળીને ૧૫ થી ૩૦ વર્ષના બાળકો અભદ્ર શબ્દનો ઉપયોગ સહજતાથી કરી રહ્યા છે…

જં તરમંતરના યુવાનોએ જે ભાષાનો ઉપયોગ કર્યો તે ભાષાનો ઘણાંને ખ્યાલ નો'તો. આવું બોલી શકાય ? આપણી બેબી સ્ક્રીન પર ગાળો બોલે છે અને અભદ્ર ચેનચાળા કરે છે. અરે આ છે ૧૫ થી ૩૦ વર્ષના યુવાનો જેને જેન ઝી કહેવામાં આવે છે. આ બાળકો ઇન્ટરનેટ સોશ્યલ મિડીઆ અને કોમ્પ્યુટર સામે રાખી મોટા થયા છે એટલે એમની વિચારધારા અને વર્તન જુદા જ પ્રકારના થઈ ગયા છે. હવે ૩૦ થી ૪૫ વર્ષના એમના માબાપ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે.
બાપ કરતાં બેટા સવાયા હોય છે પણ તાજેતરના રિપોર્ટ પ્રમાણે જેન ઝી તેમના માબાપ કરતાં નબળી પુરવાર થઇ છે. વૈજ્ઞાનિકોના મતે ટેકનીક અને સ્ક્રીન શિક્ષણને કારણે તેમનામાં ધ્યાન લગાડવાની ક્ષમતા ઘટી છે. તેઓ સમસ્યાનું નિરાકરણ કરી શકતા નથી. તેઓ 'સ્વેગ'માં આગળ પણ અક્કલમાં માબાપ કરતાં પાછળ છે.
તેઓએ યુટયુબ, ટિકટોક અને ટિવચ પરથી ઘણાં શબ્દો તફડાવ્યા છે. મિલેનિઅલ પેઢીને એટલે કે તેમના માબાપને આ શબ્દો અને બાળકનું કોમ્પ્યુટરાઇઝડ વર્ઝન સમજ પડતું નથી.
માબાપને આ અટપટા શબ્દોનો મહાવરો ના હોવાથી મુંઝવણ થાય છે. મા-બાપે આ જેનઝીની વિડીઓ પરથી આવેલી ભાષા સમજવી પડશે જોકે આ વાત સરળ નથી તે નીચેની વાત પરથી સમજાશે.
જેન ઝીની ભાષા એટલી વિચિત્ર છે કે તમે જે સમજો એનાથી ઊલ્ટી જ હોય છે. તે બોલશે, 'નો સ્વેટ' હવે આનો સાદો અર્થ 'પરસેવો નથી' એવો થાય પણ એ કહે છે 'નો પ્રોબ્લેમ'.
ક્યારેક તે બોલે છે, 'શેક અ લેગ' એટલે કે ડાન્સ કરો એવો થાય પણ એ કહે છે, 'જલ્દી કરો.'
ઓટીપી કોઇને આપવાનો નહિ પણ જેન ઝી કહે છે, 'યુ આર માય ઓટીપી'. ના સમજયા ને ? ઓટીપી એટલે 'વન ટુ પેર' તુ મારી સાચી જોડી છે ! હવે 'આઇ લવ યુ' આઉટડેટેડ થઇ ગયું છે ! ૧૨૩ આઉટ, ઓટીપી ઇન.
૬૭ એટલે કોને ખબર, 'કેપ' છે એટલે જુઠુ છે. કુકડ એટલે થાકી જવું. આઇ એમ કુક્ડ આફટર ટ્રેકિંગ. પુકી એટલે સુંદર. તુ પુકી લાગે છે. આવા શબ્દો છે દેલુલુ, 'નો કેપ', 'બેટ', 'ઇટ્સ ગિવિંગ' વગેરે તમને આવા શબ્દો સમજ પડે છે ? તે શો ઓફ કરે છે એવું નહિ કહેવાનું. જસ્ટ કહો, 'ફલકસિંગ'. તમે બાબાને પૂછશો ફૂટબોલ રમવાની મઝા આવી ને તો હથેળીનું ડમરૂ વગાડતા એ બોલશે, 'મિડ' એટલે ? ક્યારેક કહેશે, 'કે'. એટલે શું ? પહેલાં શોર્ટ હેન્ડમાં લખાતું હવે આ પ્રજા શોર્ટ હેન્ડમાં બોલે છે. તમને નથી ખબર ? સીક્સ સેવન (કોને ખબર) આજકાલ ફિલ્મી ગીતોની સાથે તે 'હો, હો, હો, હો આહ' એવા અવાજો કાઢે છે….!!
કન્ટેન્ટ રાઇટર અને ઇન્ફલુઅન્સરને સાંભળી સાંભળીને એની વિચારધારા બદલાઈ ગઈ છે. આપણે શાળામાં હતા ત્યારે કોમ્પ્યુટર નો'તા કલાસરૂમની ભીંત પર સતત સુવાક્યો વાંચવા મળતાં.
દેશી હિસાબના ઘડિઆ વચ્ચે પણ સુવાક્યો જોવા મળતા. આપણાં માબાપ અવારનવાર ઠપકો આપી કહેતા, 'બેટા, મીતભાષી બનો.' 'કોઈનું અપમાન કરવું પાપ છે.' તમારા બાળકને કહેશો તો એ કહેશે - વોટ અ ક્રેપ….!!
આ જેન ઝીએ તાજેતરમાં જંતરમંતર ખાતે અનેક મર્યાદા કુદાવી. સારા શબ્દોમાં રજુઆત ના કરી. પૈસા કે મસ્તી ખાતર અત્યંત અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો. હવે માબાપને ખબર પડી કે તેમના આ ૧૫ થી ૩૦ વર્ષના બાળકો કઇ કક્ષાએ પહોંચી ગયા છે. દક્ષિણ ગુજરાતની ગાળો તમે સાંભળી હશે પણ જંતરમંતરની 'રીલ' સુરતી ગાળોથી કંયાયે આગળ છે અને એ જેન ઝીની ઓળખ આપે છે.
માતા પ્રેમથી બાળકને કહે છે. બેટા તારે માટે બટાકાનું શાક બનાવ્યું છે. તો બેટો કહે છે, 'ફાઇન શીટ' અરે શીટ એ તો ગંદો શબ્દ છે. મમ્મી મુંઝાય છે. ક્યારેક ગુસ્સે થાય છે વખાણ કરવા અંગુઠા પર આંગળી ટેપ કરી એ ડેડને કહે છે, 'ક્લોક ઇટ'.
હવે સિનિઅર સિટિઝન બાપાને આ કેમ સમજાય ? બ્રો, આઇ લવ યુ બટ હેટ યુ… !?