Ravi Purti

'તીન દેવીયાં' એડલ્ટ ફિલ્મ હતી?

By GS Team
14 Nov 20265 mins read
'તીન દેવીયાં' એડલ્ટ ફિલ્મ હતી?
  • બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
  • પ્રોડયુસર અમરજીતને એમ હશે કે આપણા દેવઆનંદ ઉપર આમેય દેશભરની લાખો છોકરીઓ 'જાન છીડકે' છે, તો એમાંથી માત્ર 'ત્રણ' દેવીઓને દેવઆનંદની પાછળ ફિદા થતી બતાડવામાં શું વાંધો ?

હે ડીંગ વાંચીને ચોંકી ગયા ને ? પરંતુ આજે પણ તમે યુ ટયુબ ખોલીને જોઈ શકો છો, ફિલ્મ શરૂ થતાં પહેલાં જે સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ બતાડે છે એમાં સ્પષ્ટ, મોટા, કેપિટલ 'એ' દેખાય છે !
આપણને થાય કે ભૈશાબ, 'તીન દેવીયાં'માં એવું તે વળી શું 'એડલ્ટ' હતું ? તો સાહેબો, એ જમાનામાં પડદા ઉપર બે ફૂલો ટકરાય.. ભમરો ફૂલની અંદર જતો દેખાય… અને પછી પાણીનો ધોધ છૂટતો બતાડે… એ પછી શું જોવા મળતું હતું ?
તો સૌ જાણો છો, નેક્સ્ટ સીનમાં હિરોઈન હીરોને કહેતી હોય : 'મૈં માં બનનેવાલી હું !'
મતલબ કે હિન્દી ફિલ્મોમાં 'સિમ્બોલિઝમ'ની આ ભાષા તમામ પ્રેક્ષકોને (નાનાં બાળકોને પણ) આવડતી હતી ! આવા જમાનામાં એક હેન્ડસમ હીરો ત્રણ ત્રણ હીરોઈનો સાથે રોમાન્સ કરે… દરેકની જોડે મસ્ત રોમેન્ટિક ગાયનો પણ ગાય… અને ત્રણે ત્રણેને મીઠી મીઠી વાતો કરીને 'ફેરવે' (અમદાવાદી ભાષા મુજબ)…. એવું બધું તમે ૧૮ વરસથી નાનાં માસૂમ બાળકોને શી રીતે
બતાડી શકો?
પાછું એવું પણ નથી કે બીજી બે હિરોઈનો 'ચાલુ' છે, કે પછી દેવઆનંદને 'ફસાવે' છે. કે એમની કોઈ ખતરનાક 'ચાલ' હોય !
અચ્છા, દેવ આનંદ પણ કોઈ ભેદી સસ્પેન્સ ખોલવા માટે એમની જોડે 'પ્યાર કા નાટક' કરતો હોય એવું ય નથી ! ઉલટું, એપણ એમને મસ્ત 'ભાવ' આપે છે ! સાલું, આમાં તો બિચારું એ જમાનાનું ઓડિયન્સ પણ કન્ફ્યુઝ થઈ જાય ને ?
પણ પ્રોડયુસર અમરજીતને એમ હશે કે આપણા દેવઆનંદ ઉપર આમેય દેશભરની લાખો છોકરીઓ 'જાન છીડકે' છે, તો એમાંથી માત્ર 'ત્રણ' દેવીઓને દેવઆનંદની પાછળ ફિદા થતી બતાડવામાં શું વાંધો ?
અમરજીતને એમ પણ હશે કે જ્યારે જ્યારે ચાન્સ મળે ત્યારે દેવઆનંદને ચારે બાજુથી અડધો-પોણો ડઝન છોકરીઓ ઘેરી વળતી હોય એવું બતાડયા કરીશું તો દેશભરની છોકરીઓ વારંવાર બ્લેકમાં ટિકીટો લઈ લઈને 'તીન દેવીયાં' જોવા માટે રીતસર પડાપડી કરતી હશે !
બેશક, દેવઆનંદ પાછળ છોકરીઓ પાગલ હતી, પણ બધીને ફિલ્મ જોતાં જોતાં એમ થયું હશે કે 'દેવ તો મારો છે, તોપછી પેલી બીજી બે ચૂડેલો કોણ છે?'
જે હોય તે, અમરજીતને આશા હતી એટલી ફિલ્મ ચાલી નહીં. (એ વરસે કમાણીમાં ૧૮ મા નંબરે રહેલી) પરંતુ જો તમે આજે પણ દેવઆનંદના આશિક હો, અને 'આન્ટી' તો શું 'અંકલ' પણ હો, તો મિત્રો ફિલ્મી વારતા ગઈ તેલ લેવા.. તમે દેવઆનંદની અદાઓ, એનો ચાર્મ અને એની ડ્રેસિંગ સેન્સ પર ફરીથી (વન્સ મોર સહિત) ફીદા થઈ શકો છો ! કેમકે ફક્ત અદાઓથી મોહી શકે એવો એક્ટર હજી દેવઆનંદ સિવાય બીજો કોઈ પાક્યો નથી ! કસમ સે !
લેખમાં અત્યાર સુધી આપણે અમરજીતનું નામ લીધા કરીએ છીએ પણ જે રીતે 'હમ દોનોં' વિશે ભાંડો ફૂટી ગયેલો કે 'આ તો વિજય આનંદે ડિરેક્ટ કરેલી', એ જ રીતે દેવાઆનંદે રહી રહીને પેપર ફોડેલું કે 'તીન દેવીયાં' તો મેં જ ડિરેક્ટ કરેલી!
ચાલો, માની લઈએ. પણ પછી જ્યારે તમે 'પ્રેમ પૂજારી' જુઓ ત્યારે પાક્કો ડાઉટ પડે ! કે બોસ, ખરેખર 'તીન દેવીયાં' દેવ સાહેબે ડીરેક્ટ કરી હશે ? અચ્છા, માની લો કે અમરજીતે ડીરેક્ટ કરી છે, તો બોસ, 'ગેમ્બલર' જોયા પછી તો ખાતરી થઈ જાય કે અમરજીતનું તો પરદા પર માત્ર નામ જ હતું !
તો પછી 'કામ' કોનું હતું ?
તમે ગાયનોનાં પિક્ચરાઈઝેશનો જુઓ…
'અરે યાર મેરી તુમ ભી હો ગજબ…' અને 'લિખા હૈ તેરી આંખો મેં…' અહીં રીતસરની વિજય આનંદની છાપ દેખાય છે. બાકી કોને એવો વિચાર આવ ેકે નંદાને 'ખચ્ચર' પર બેસાડીને દેવઆનંદને એની પાછળ પાછળ પિકનિકની બાસ્કેટ અને સામાનની બેગ ઉઠાવીને ચાલતા હસમુખા 'કુલી' જેવો દેખાડી શકાય?
એમાંય, 'ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત…' ગાયનની તો વાત જ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તમે માર્ક કરજો, આખેઆખો એ પાર્ટીનો સીન સળંગ ૨૦ મિનિટ ચાલે છે ! અહીં હોલમાં કમસે કમ ૪૦-૫૦ મહેમાનો છે. પરંતુ બીજી ફિલ્મોમાં જે રીતે ગાયન દરમ્યાન બબૂચક પ્રેક્ષકોની જેમ મહેમાનોને ઊભા રાખી દેવામાં આવે છે એવું અહીં નથી ! બલ્કે લગભગ દરેક વ્યક્તિની ચોક્કસ આઈડેન્ટીટી પણ છે. ખાસ પ્રકારની મૂવમેન્ટ્સ અને ડાન્સનાં સ્ટેપ્સ વગેરે તો છે જ, પણ ડીટેઈલ્સ જુઓ… ક્યાંક પિયાનો પર ઓલમોસ્ટ મદહોશ બનીને ઢળી ચૂકેલી યુવતી છે, તો ક્યાંક એ જ પિયાનોના 'હૂડ' નીચેથી ત્રણ જુવાનીયા આવીને દેવઆનંદને દારૂ ઓફર કરે છે ! અને અફ કોર્સ, પોણો ડઝન છોકરીઓ અહોભાવથી દેવઆનંદની આજુબાજુ ગોઠવાઈને રીતસર 'આહ' તો ભરી જ રહી છે !
પરદા પર ભલે નામ અમરજીતનું હોય અને ભલે દેવઆનંદજી દાવો કરતા હોય, પણ આ કમાલ ગોલ્ડી સિવાય બીજા કોઈની હોઈ જ ના શકે ! શું કહો છો ?
જોકે આખી ફિલ્મ ગોલ્ડીના હાથે નહીં જ બની હોય. કેમકે જો બની હોત તો આ ૨૦ મિનિટનો લાંબો સીન કપાઈને બારેક મિનિટનો થઈ ગયો હોત ! અને છેલ્લે નંદાને સાવ સંતાકૂકડી રમતી હોય તેમ પ્રગટ કરીને ફિલ્મનો હેપ્પી એન્ડીંગ ના લવાયો હોત ! ઉલ્ટું, એના બદલે, દેવઆનંદ છેક નંદાના ગામડે એને મનાવવા જાય. રીસાયેલી નંદા (એની પરીક્ષા લેવા માટે કદાચ) આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય… ત્યારે દેવઆનંદનો વલોપાત, પીડા અને પશ્ચાતાપ જોઈને નંદાને (અને પ્રેક્ષકોને) ખાતરી થાય કે હા, દેવની સાચી 'દેવી' તો આ જ છે !
આના બદલે બતાડયું શું ? એક 'રંગીન દુ:સ્વપ્ન' ! ફિલ્મ બની રહી હતી બ્લેક એન્ડ વ્હાઈટમાં, પણ જમાનો કલરનો આવી ગયેલો એટલે છેવટે એવો રસ્તો કાઢ્યો છે કે દેવઆનંદ એક 'હિપ્નોટિસ્ટ' પાસે જાય છે ! ત્યાં એને બીજી બે દેવીઓ સાથેનાં લગ્નજીવનનાં 'ફ્યુચર' દેખાય છે ! જે ડરામણાં છે, છતાં મસ્ત 'કલરમાં' છે, બોસ ! આથી દેવઆનંદને ભાન થાય છે કે બેટા, મેરેજ માટે તો આ સીધીસાદી નંદા જ સારી પડશે ! (જે માનસિકતા આજે પણ દરેક પુરુષની છે જ.)
પણ એવાં બધાં વાંકો કાઢવામાં શું મળવાનું ? આપણે એમ માનીએ ફિલ્મ એન્જોય કરવાની કે દેવઆનંદ સાહેબ એમના જમાનાથી ૫૦ વરસ આગળ હતા ! શું કહો છો ?
જો દેવઆનંદના ફેન હો, તો આજે પણ એન્જોય કરી શકશો. ગેરંટી છે બોસ.