વૈભવ સૂર્યવંશી : અસાધારણ સિદ્ધિ સાથે અકળાવનારી સમસ્યા!

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- સચિન તેંદુલકર અને યુવરાજ સિંહે નાની વયે સર્જેલા વિક્રમો વૈભવે ધરાશાયી કર્યા છે અને એમ છતાં આજે ભારતની પ્લેઇંગ- ઈલેવનમાં એને સ્થાન આપવામાં આવતું નથી
ક્યા રેક સિદ્ધિઓનો બોજ સમસ્યાઓને લઈને આવતો હોય છે. એવી પરિસ્થિતિ ૨૦૧૧ની ૨૭મી માર્ચે જન્મેલા પંદર વર્ષના વૈભવ સૂર્યવંશીની બાબતમાં જોવા મળે છે. ક્રિકેટમાં પંદર વર્ષની નાની વયનાં નાનાં-મોટાં પંદર જેટલાં વિક્રમો હાંસલ કરનાર વૈભવ સૂર્યવંશીની આક્રમક ઓપનિંગ બેટિંગે વિશ્વભરનાં ૨મતચાહકોને સ્તબ્ધ કરી દીધા છે, પરંતુ એની સાથોસાથ એની આસપાસ સતત એક વિવાદ વિંટળાયેલો રહે છે અને તે એ કે આવી અસાધારણ પ્રતિભા ધરાવતા ખેલાડીને શા માટે ભારતીય ટીમમાંથી વખતોવખત રુખસદ આપવામાં
આવે છે.
એક બાજુ એની શક્તિ જોઈને સહુ વિચારે છે કે જો એને બધી મેચોમાં ખેલવાની પૂરેપૂરી તક મળે તો ભારતીય ક્રિકેટનો અસાધારણ ખેલાડી બની શકે. સચિન તેંદુલકર અને યુવરાજ સિંહે નાની વયે સર્જેલા વિક્રમો વૈભવે ધરાશાયી કર્યા છે અને એમ છતાં આજે ભારતની પ્લેઇંગ- ઈલેવનમાં એને સ્થાન આપવામાં આવતું નથી.
નબળું બોલિંગ આક્રમણ ધરાવતા ભારતની પાસે અત્યારે કામયાબ ઓપનિંગ બેટ્સમેનો છે. અભિષેક શર્મા એ ટીમનો સ્થાપિત ઓપનર છે. પહેલા દડે જ સિક્સર લગાવવાનો મહાવરો ધરાવનાર અભિષેક શર્મા પાવ૨-પ્લેમાં મેચનો મિજાજ બદલી શકે છે. સંજુ સેમસનનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળો અનુભવ એને અભિષેક શર્માનો ઓપનિંગ સાથી બનાવે છે. વળી ઈશાન કિશન પણ ઓપનિંગ અને વિકેટકિપીંગ બંને કરી શકે છે. આવી પરિસ્થિતિમાં એ સ્વભાવિક છે કે વૈભવ સૂર્યવંશી ઓપનર તરીકે કઈ રીતે ટીમમાં સામેલ થઈ શકે ? પણ સવાલ એ છે કે એને ટીમમાં તક આપ્યા પછી સાતત્યપૂર્ણ રીતે શા માટે ખેલવા મળતું નથી.
ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં ત્રણ દાવમાં ૧૫૧ રન કરીને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બનેલા વૈભવને પછીની અફઘાનિસ્તાનની શ્રેણીમાં પ્રારંભે ટીમમાં સ્થાન મળ્યું નહીં. ઝીમ્બાબ્વે સામેની ત્રીજી ટી-૨૦માં એણે ૪૯ દડામાં ૮૧ રન કર્યા હતા. એની સિદ્ધિને કારણે ક્રિકેટચાહકો એની બેટિંગ જોવા અતિ આતુર હોય, ત્યારે જાણવા મળે કે એને ટીમની પ્લેઇંગ ઈલેવનમાંથી બાકાત રખાયો છે. એ પછી ફરી વાર ન્યુઝીલેન્ડ સામે આ ઘટના બની. ઝીમ્બાબ્વેમાં કામિયાબી મેળવનાર વૈભવે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ૧૯ દડામાં ૪૫ ૨ન કર્યા હતા અને છતાં ચોથી ટી-૨૦ મેચમાંથી એને બાકાત રાખવામાં આવ્યો અને એને સ્થાને ઈશાન કિશનને તક આપવામાં આવી. સંજુ સેમસન, ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશીને ઓપનીંગમાં આવી વારાફરતી તક આપવાનો
અર્થ શો ?
વૈભવને તક નહીં આપવાના કારણ રૂપે ટીમ મેનેજમેન્ટે એમ કહ્યું કે, 'ટીમનું સંતુલન જાળવવા માટે સિનિયર ખેલાડીઓને અવગણી શકાય નહીં.' ખેલાડી કદાચ ઘણો પ્રતિભાશાળી હોય, પરંતુ એ ટીમના સંતુલનમાં બંધબેસતો ન હોય તો એને ટીમમાંથી બહાર રાખવો પડે છે. આ વાત પણ સાચી છે કે અત્યારે ભારતની પાસે ઓપનિંગ બેટ્સમેનના સ્થાન અંગે સારી એવી સ્પર્ધા છે.
બીજી બાજુ એ પણ હકીકત છે કે પંદર વર્ષની વય ધરાવનારા આ ખેલાડીઓને ખેલવા માટે વધુ મેચોની જરૂર પડે છે. એની અસાધારણ સિદ્ધિએ એની પ્રતિભા પર મહોર મારી છે, પરંતુ એને એકાદ બે મેચમાં સામાન્ય દેખાવ કરવા માટે પછીની મેચની ટીમમાંથી બાકાત રાખવામાં આવે તે બરાબર નથી. આવી રીતે એને બહાર બેસાડી દેવાથી એની પ્રતિભાનો પૂરો વિકાસ થતો નથી અને એથીયે વધારે તો જુદા જુદા પ્રતિસ્પર્ધીઓ સાથે ૨મીને પોતાની બેટિંગ ટેકનિકની કસોટી કરવાની હોય છે તે કરી શકતો નથી.
વળી સાતત્યપૂર્ણ રમત રમવા મળે, તો ખેલાડીમાં આત્મવિશ્વાસ પણ જાગે છે અને તેથી એની ખેલવાની ક્ષમતા ઘણી વધી જાય છે. એ સાચું છે કે ક્યારેક વૈભવને નિષ્ફળતા મળી છે. ઇંગ્લેન્ડના ગોલંદાજોનાં શોર્ટપીચ દડા સામે વૈભવ સફળ થયો નહોતો, પરંતુ એ પછી ઝીમ્બાબ્વેમાં અસાધારણ પ્રદર્શન કર્યું અને ૧૯૬ના સ્ટ્રાઈક રેટ સાથે ૧૫૧ ૨ન કર્યા. બધાની ધારણા હતી કે એ પછી અફઘાનિસ્તાન સામેની મેચોમાં વૈભવને ખેલવાની તક મળશે, પરંતુ વૈભવને બદલે ફરી સંજુ સેમસનને સ્થાન આપવામાં આવ્યું.
ન્યુઝીલેન્ડમાં ફરી આવી જ ઘટના બની. એણે બીજી મેચમાં ૨૩૬ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી, પણ ચોથી ટી-૨૦ની ટીમમાંથી એને રુખસદ આપવામાં આવી. અગાઉની મેચમાં વૈભવે ૪૫ ૨ન બનાવ્યા હોવા છતાં એને પછીની મેચમાંથી બહાર બેસાડવામાં આવ્યો. આને કારણે ખેલાડીની બેટિંગના લય પર પણ અસર થાય છે. એને સતત એક અનિશ્ચિતતા રહે છે કે એ ટીમમાં સામેલ થશે કે પછી એને પેવેલિયનની ખુરશી પર બેસીને મેચ જોવી પડશે.
આમાં રસપ્રદ બાબત એ છે કે ઘણી વાર વૈભવ આક્રમક બેટિંગ કરીને પોતાની ક્ષમતા સાબિત કરે છે, પરંતુ આવો સારો દેખાવ કર્યા પછી પણ એને આગામી મેચમાં પ્લેઇંગ-ઈલેવનમાં સ્થાન મળતું નથી. વૈભવને માટે આ જેટલી સમસ્યા છે, એટલી જ સમસ્યા સિલેક્ટરોને માટે છે. સિલેક્ટરો નિવડેલા ખેલાડીઓ પર મદાર રાખવાનું વિચારીને વૈભવને પ્લેઇંગ-ઈલેવનમાંથી બહાર રાખે છે. એ પછી ક્યાંક એને તક મળે તો વૈભવ એની ક્ષમતા દાખવે છે, પરંતુ એને પોતાની ક્રિકેટ ક્ષમતાને સતત કસતા રહેવાની અનુકૂળતા સાંપડતી નથી.
જેમકે શોર્ટ બોલ સામે ખેલવામાં એને મુશ્કેલી પડે છે. એ મુશ્કેલી દૂર કરવા માટે એ સતત પ્રયત્નશીલ છે, પરંતુ એ ખેલવા માટે એને પૂરતી તકો મળવી જોઈએ. એની બેટિંગ સામે એક બીજો સવાલ એ છે કે એ લાંબા સમય સુધી સાતત્યપૂર્ણ બેટિંગ કરી શકતો નથી. જોકે એના વિક્રમો જોતાં આ વાતનો સ્વીકાર થઈ શકે તેમ નથી. નાની વયનાં અનેક વિક્રમો ધરાવનાર વૈભવે આઈ.પી.એલ.માં, રણજી ટ્રોફી અને દુલિપ ટ્રોફીમાં અને આંત૨૨ાષ્ટ્રીય સ્તરે ઘણી કામિયાબી બતાવી છે.
અંડર-૧૯ વર્લ્ડકપ ફાઈનલમાં એણે ઇંગ્લેન્ડ સામે ૮૦ દડામાં ૧૭૫ ૨નની ઐતિહાસિક ૨મત બતાવી હતી, જે આ સ્પર્ધાનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. આથી વિકેટ પર ટકી રહીને લાંબા સમય સુધી ખેલવાની એની ક્ષમતા એણે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બતાવવાની છે. એવી જ રીતે પોતાની ઇનિંગને આગળ વધારવાની કળા વિકસાવવાની એને જરૂ૨ છે, એમ ટીકાકારો કહી રહ્યા છે. પણ હકીકત એ છે કે આ એક એવો ઓપનિંગ ખેલાડી છે કે જેને લાંબા સમય સુધી સામે છેડે રહેલા બેટ્સમેનને સાચવી લઈને ખેલવાનું હોતું નથી. એની પાસે રનના ઝંઝાવાતની અપેક્ષા રાખવામાં આવે છે.
આમ વૈભવની બેટિંગકલા અંગે કરેલી ટીકાઓમાં બહુ ઝાઝો દમ નથી, પરંતુ સૌથી વિશેષ જરૂરિયાત તો એ છે કે એને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો વધુને વધુ અનુભવ મળે અને એની પ્રતિભા ઉજાગર થતી રહે. જુદાં જુદાં દેશની વિકેટ પર, જુદાં જુદાં વાતાવરણમાં અને જુદાં જુદાં પ્રકારની ઝડપી ગોલંદાજી ધરાવનારા ગોલંદાજો સામે એને વધુ તક મળે તે જરૂરી છે. સૌથી વિશેષ તો એણે સારો દેખાવ કર્યો હોય અને એ પછીની મેચમાં એને ટીમમાંથી બાકાત રાખવામાં આવે તે બાબત આઘાતજનક છે. એ ટીમ-મેનેજમેન્ટ સમજવું જોઈએ.
આને કારણે ખેલાડી પર માનસિક અસર થતી હોય છે. એમ પણ થાય કે કદાચ એ નિષ્ફળ જશે તો ટીમમાંથી બહાર ફેંકાઈ જશે. એવો ભય રહે છે, ધીરે ધીરે સંભાળીને વિકેટ બચાવીને રમવું કે પછી પોતાની સ્વાભાવિક આક્રમક ૨મત બતાવવી, તેની દ્વિધા એને સતાવવા લાગે છે. ઘણી વાર આક્રમક રમતને બદલે રક્ષણાત્મક રમત ખેલે છે. આમ આવી અનિશ્ચિતતા ખેલાડીના મન પર ઘેરી અસર કરતી હોય છે.
હા, એટલું સાચું કે વૈભવ પર આવી અસર થતી હોવાની કોઈ બાબત હજી સુધી જાણવા મળતી નથી. બલ્કે ક્યારેક તો એવું બન્યું છે કે આવી રીતે ટીમમાંથી બાકાત રહ્યા બાદ એ ટીમમાં પાછો ફરે છે, ત્યારે વધુ પ્રભાવક ૨મત બતાવે છે, પણ સૌથી મોટો સવાલ ખેલાડીની માવજત કરવાનો છે. આપણે ત્યાં ૨૦૧૬ની ૧૯મી ડિસેમ્બરે ઇંગ્લેન્ડ સામે કરુણ નાયરે અણનમ ૩૦૩ રન બનાવ્યા હતા અને પછીની ટેસ્ટમાંથી બાંગ્લાદેશ સામે એને બાકાત રાખવામાં આવ્યો હતો. અસાધારણ પ્રદર્શન છતાં ટીમમાં પોતાના સ્થાનની અનિશ્ચિતતા હોય તે ખેલાડીના દિમાગ પર કેવી અસર કરે છે ? નાયરની કારકિર્દી ત્રણેક ટેસ્ટમાં જ કરુણ અંજામ પામી.
એ જ રીતે કુલદીપ યાદવ, ઈશાન કિશન જેવા ખેલાડીઓને ઉત્કૃષ્ટ સફળતા પછી પણ ટીમની બહાર રાખવામાં આવ્યા હતા. કેટલાકને તો બીજા સિનિયર ખેલાડીઓની વાપસી થતા પોતાનું સ્થાન ગુમાવવું પડયું છે, પણ સૌથી મહત્ત્વની બાબત એ ખેલાડીના આત્મવિશ્વાસની છે. એનો ઘવાયેલો આત્મવિશ્વાસ પાછો હાંસલ કરવો ઘણો મુશ્કેલ હોય છે. આથી વૈભવ સૂર્યવંશી સાથે એક સાતત્યપૂર્ણ નીતિ અપનાવવાની જરૂ૨ છે. ટીમની અંદર-બહાર રાખીને એના મનમાં અનિશ્ચિતતાનો ભય ઊભો ક૨વાની જરૂ૨ નથી. આવા સમયે વૈભવે હરભજનસિંહ, પૃથ્વી શો અને શેફાલી વર્માને યાદ કરવા જોઈએ, જેમને પ્રારંભિક સફળતા પછી પુન: તક મેળવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડયો હતો.
મનઝરૂખો
ગુલામોના મુક્તિદાતા તરીકે જાણીતા વિલિયમ લોઇડ ગેરિસનને અત્યંત ગરીબીમાં બાળપણ વ્યતીત કરવું પડયું. એના સ્વચ્છંદી પિતા એકાએક ઘર છોડીને ચાલ્યા ગયા અને ધર્મનિષ્ઠ માતા પ૨ કુટુંબપાલનની સઘળી જવાબદારી આવી પડી.
નિરક્ષર માતા શું કામ કરે ? એણે શ્રીમંતોના ઘરમાં આયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને શ્વેત ધનિકોનાં બાળકોને ઉછેરવા લાગી. આ કામ પેટે સાવ નજીવી રકમ મળતી હતી, તેથી એને ભૂખ્યા અને ગરીબ લોકોને માટે ચાલતા સદાવ્રતમાંથી અનાજ લાવીને નિર્વાહ કરવો પડતો હતો.
ગરીબ ગેરિસન ક્યાં જાય ? આખરે તેરમા વર્ષે માંડ માંડ 'ન્યૂબરી હેરલ્ડ' નામના અખબારમાં કમ્પોઝિટર તરીકેની કામગીરી મળી.
ગેરિસનને આ કામમાં ખૂબ રસ પડયો. એ બીબાં ગોઠવવાની સાથોસાથ અખબારના લેખોને રસપૂર્વક વાંચવા લાગ્યો. એમાં રજૂ થયેલા વિચારો સમજવા લાગ્યો. આ કમ્પોઝિટરને એક દિવસ કલમ પકડવાનું મન થયું.
મનમાં ઘૂમતા વિચારોને ૨જૂ ક૨વા માટે એણે ચર્ચાપત્રો લખવાનું શરૂ કર્યું. એ વિચારવા લાગ્યો કે કમ્પોઝ કરી જાણું છું, લખાણ લખી જાણું છું, ત્યારે મારા વિચારો પ્રગટ કરવા પોતીકું અખબાર પ્રગટ કરું તો કેવું ?
બસ, પછી તો રાતદિવસ ગેરિસનના મનમાં પોતાના અખબારનાં સ્વપ્નો આવવા લાગ્યાં. પોતે વિચારે, પોતે લખે અને પોતે જ કમ્પોઝ કરીને અખબાર પ્રગટ કરે.
અંતે એક દિવસ સ્વપ્નસિદ્ધિ થઈ. એણે 'ફ્રી પ્રેસ' નામનું અખબાર શરૂ કર્યું અને નિર્ભયતાથી પોતાના વિચારો પ્રગટ કરવા લાગ્યો.
એણે અમેરિકામાં પ્રવર્તતી ગુલામીની પ્રથા સામેના પોતાના અવાજને બુલંદ કર્યો.
સત્યપ્રિય અને નીડર પત્રકાર તરીકે વિલિયમ ગેરિસન સર્વત્ર આદર પામ્યો.




