ગ્લોબલ હેલ્થ મિશનને હંફાવતી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કંપનીઓ

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું માનીએ તો પાણીની જેમ પૈસા વેરીને ધનવાન કંપનીઓ દુનિયા આખીની સરકારોના નિર્ણયોને કોર્ટમાં પડકારે છે ને એ રીતે પોતાનો ધંધો જમાવી રાખે છે
હ્યુ મન ઈવોલ્યુશનના મુખ્ય પાંચ સ્ટેપ્સ છે : હોમો હેબિલિસ, હોમો ઈરેક્ટસ, હોમો હીડેલબર્ગેસિસ, નિએન્ડરથલ અને હોમો સેપિયન્સ.
ફૂડ ઈવોલ્યૂશનના પણ મુખ્ય પાંચ સ્ટેપ્સ છે : કાચો ખોરાક, શેકેલો ખોરાક, રાંધેલો ખોરાક, સ્વાદિષ્ઠ ખોરાક અને પ્રોસેસ્ડ ફૂડ.
લાખો વર્ષથી ખોરાકનું ઈવોલ્યૂશન ખૂબ ધીમે ધીમે થતું હતું. અનાજ કે શાકભાજીને સાચવવાની પદ્ધતિ બેહદ પરંપરાગત હતી. લાંબો વખત ચીજવસ્તુઓને સાચવી શકાતી નહીં. અનાજને સાચવવા હવા ન લાગે તે રીતે કોઠારો બનતા હતા, પરંતુ તે સિવાયની ખાદ્યસામગ્રી સ્ટોર કરી રાખવી તે છેક ૧૯મી સદી સુધી કપરું કામ હતું.
૧૯મી સદીમાં ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક વિકસી. સદીઓથી જે બદલાયું ન હતું એ માત્ર બે સદીમાં બદલાઈ ગયું. ફ્રેન્ચના સંશોધક નિકોલસ એપ્પર્ટે ૧૮૦૯માં પહેલી વખત મોડર્ન પ્રિઝર્વેશન ટેકનિકની પૂર્વજ સમી કેમિકલ પ્રોસેસની ટેકનિક વિકસાવી. એનાથી ભવિષ્યના ફૂડ પ્રોસેસિંગનો પાયો નખાયો. છેક ૧૯૦૧માં જર્મન રસાયણશાસ્ત્રી વિલહેમ નોર્મેને આજે ફૂડ પ્રિઝર્વેશન માટે જે કેમિકલ પ્રોસેસની જરૂર છે એ વિકસાવી.
૧૯૩૦-૪૦માં અમેરિકા-યુરોપમાં આ બધી ટેકનિક્સના પરિણામે અલગ અલગ પ્રકારની કૂકીઝ અને સોફ્ટ ડ્રિંક્સ બનાવતી કંપનીઓએ માર્કેટ સર કર્યું. વિશ્વયુદ્ધમાં પેકેટ્સ ફૂડની ડિમાન્ડમાં વધારો થયો. કૂકીઝ-સોફ્ટ ડ્રિંક્સ સિવાયની ખાદ્યસામગ્રીનું પેકેજિંગ થવા લાગ્યું. પ્રિઝર્વેશન સાયન્સ, પેકેજિંગ અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થયો. ૧૯૮૦ પછી અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની અનેક વસ્તુઓ માર્કેટમાં આવી ગઈ. પ્લાસ્ટિક પેકેજિંગની સવલત અને મશીનરીના વિકાસથી ખાદ્યસામગ્રીનું પ્રોડક્શન, સાચવણી અને ટ્રાન્સપોર્ટેશન સરળ બન્યું. ૩૦-૩૫ વર્ષ પહેલાં દુનિયાની વસતિમાંથી ૧૩.૪ ટકા લોકોની જીભે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનો સ્વાદ લાગી ચૂક્યો હતો.
ને આજે તો ગ્લોબલી ૫૫થી ૬૦ ટકા લોકો ડેઈલી ખોરાકમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ આરોગે છે. જંક ફૂડ પણ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો જ ભાગ છે. પ્રોસેસ કરીને સાચવી રાખવામાં આવતી બ્રેડ, ફ્રોઝન પિઝા, ઈન્સ્ટન્ટ નૂડલ્સ, ફ્લેવર્ડ યોગર્ટ, ફ્રોઝન ફ્રૂટ્સ અને જ્યૂસ, પ્રોસેસ્ડ મિલ્ક, અમુક ડાયટ પ્રોડક્ટ, બેબી ફૂડ્સ, વેફર્સ, ચવાણુ, ચિપ્સ જેવી ખાદ્યસામગ્રી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કહેવાય છે.
જેમ જેમ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડે માર્કેટ સર કર્યું તેમ તેમ તેની ડાર્ક સાઈડ પણ સામે આવી. ચટપટી-ટેસ્ટી ખાદ્યસામગ્રી શરીરમાં શું અસર કરે છે તેના પર ફોકસ થવા લાગ્યું ને ભયાનક દુષ્પરિણામો ધ્યાનમાં આવ્યા. સફાળી જાગેલી દુનિયાભરની સરકારોએ નિયંત્રણો મૂકવાનું શરૂ તો કર્યું, પણ ત્યાં સુધીમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ મેકર કંપનીઓ એટલી શક્તિશાળી બની ગઈ કે હવે સરકારો પણ તેમની સામે હાંફી રહી છે.
જોન્સ હોપકિન્સના એક રિસર્ચમાં જણાયું કે ૩૨ પ્રકારની મેડિકલ કન્ડિશન પાછળ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સને સીધું કનેક્શન છે. ઓબેસિટીમાં તો મુખ્ય વિલન જ આ પ્રોસેસ્ડ ફૂડ છે. ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર વગેરેમાંય પ્રોસેસ્ડ ફૂડમાં વપરાતા કેટલાય પદાર્થો વિલન છે. જેને લાઈફસ્ટાઈલ ડિસીસ કહેવાય છે એની પાછળ લોકોની બદલાતી જીવનશૈલી, ફૂડ હેબિટ્સ, ઊંઘ, સ્માર્ટફોનનું વળગણ, વધતો જતો સ્ક્રીનટાઈમ ઉપરાંત અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એક રીઝન છે.
સ્વિટ્ઝર્લેન્ડના હેલ્થ એક્સપર્ટ્સ પણ આવી જ ચેતવણી આપી ચૂક્યા છે. યુનિવર્સિટી ઓફ ઝ્યુરિકના સંશોધનમાં ચોંકાવનારું તારણ નીકળ્યું કે જંક ફૂડની અસર છેક ત્રીજી પેઢી સુધી પહોંચે છે. ખાસ તો મહિલાઓના શરીરમાં જંક ફૂડની જે આડઅસર થાય છે તે તેના પૌત્ર-પૌત્રીમાં પણ જોવા મળી હતી. હાઈ ફેટ જંક ફૂડ મેટાબોલિક ડિસઓર્ડરને નોતરું આપે છે. ગર્ભવતી મહિલાના શરીરમાંથી એ ડિસઓર્ડર તેના આવનારા પુત્ર-પુત્રીની શરીરમાં પહોંચે છે અને એમાંથી જિન્સ મારફતે એ રોગો છેક ત્રીજી પેઢી સુધી ટ્રાન્સફર થાય છે. ડો. ડારિઆ પેલેજે કહ્યું હતું કે અમારી ટીમે અસંખ્ય લોકોની ખાવાની આદતોનો અભ્યાસ કરીને તેના પૌત્ર-પૌત્રીઓના શરીરનો સ્વાસ્થ્ય અહેવાલ તૈયાર કર્યો હતો ત્યારે આ ચોંકાવનારો ખુલાસો થયો હતો.
મેડિકલ જર્નલ લેન્સેટમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ: ટાઈમ ટુ પુટ હેલ્થ બિફોર પ્રોફિટ - એવા નામથી એક અહેવાલ છપાયો હતો. લેન્સેટ લખે છે, કેટલાય રોગો સાથે પ્રોસેસ્ડ ફૂડનું લિંકઅપ હોવા છતાં આ બિઝનેસ બેરોકટોક ચાલી રહ્યો છે. શક્તિશાળી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કંપનીઓ અબજોનો નફો જાળવી રાખવા માટે પોલિટિકલ ટેકટિક અજમાવે છે ને એ રીતે માર્કેટ પર દબદબો બનાવી રાખે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના પરિણામે બદતર થઈ રહેલી ખોરાકની આદતો એ જાહેર આરોગ્ય સામે સૌથી મોટો
ખતરો છે.
આવી જ ચેતવણી વિખ્યાત મેડિકલ જર્નલ બીએમજેમાં ૨૦૨૪માં અપાઈ હતી. નિષ્ણાતોના રિસર્ચના આધારે પબ્લિશ થયેલા રિપોર્ટમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડની વધતી પોપ્યુલારિટી સામે લાલબત્તી ધરવામાં આવી હતી: લોકોના સ્વાસ્થ્ય સામે જે જોખમ ખડું થયું છે ને લાઈફસ્ટાઈલ ડિસીસનું પ્રમાણ વધ્યું છે તેની પાછળ પ્રોસેસ્ડ ફૂડનું ડાઈરેક્ટ કનેક્શન જોવા મળ્યું છે.
દુનિયાભરના નિષ્ણાતો આ રીતે પ્રોસેસ્ડ ફૂડ ન ખાવાની સલાહ આપે છે. સરકારોના સ્વાસ્થ્ય મંત્રાલયો, સરકારી હેલ્થ એક્સપર્ટ્સ પણ વારંવાર ચેતવણી આપતા થયા એટલે ગવર્નમેન્ટ પૉલિસી બનવા લાગી, ગ્લોબલી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો ફેલાવો રોકતા કાયદા બન્યાં તો એ કાયદાઓને પણ શક્તિશાળી કંપનીઓએ ભરી પીધાં!
ભારત, ફ્રાન્સ, ઈઝરાયલ, મેક્સિકો, બેલ્જિયમ જેવા ૧૫ દેશોએ નેશનલ હેલ્થ ગાઈડલાઈનમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી બચવાની સલાહ આપી છે. ભારતમાં કેન્દ્ર સરકારે ઈકોનોમિક સર્વેમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને લઈને ચેતવણી આપી હતી. ૮૫ દેશોએ પેકેટ્સ પર હેલ્થને લગતી ચેતવણી આપવાનું ફરજિયાત બનાવ્યું છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ પર અંકુશ લગાવતી જોગવાઈ ૪૫-૫૦ દેશોએ કરી છે. ૨૫-૩૦ દેશોએ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ પર એક્સ્ટ્રા ટેક્સ
લગાવ્યો છે.
ચીલી, નોર્વે, બ્રિટન જેવા દેશોએ ટીવીમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની જાહેરાતો પર નિયંત્રણો મૂક્યા છે. એટલું જ નહીં, આ દેશોમાં સ્કૂલ-કોલેજની સ્પોન્સરશિપમાં પણ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ મેકર કંપનીઓને સામેલ કરવામાં આવતી નથી. પણ તોય એનાથી એટલો મોટો ફરક આ કંપનીઓને પડતો નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)નો એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે કે મોટાભાગની કંપનીઓ દુનિયાભરની સરકારોના નિયમો સામે કોર્ટમાં લડે છે ને સરકારોના હેલ્થ મિશનોને નબળા પાડે છે. આ પ્રકારના પ્રથમ મલ્ટિ-કન્ટ્રી એનાલિસિસમાં જણાયું એમ કોકાકોલા, પેપ્સિકો, ફેરેરો, શિંગ્નૂક્સ, મોંડલેઝ ઈન્ટરનેશનલ, ડેનોન જેવી કેટલીય મલ્ટિનેશનલ કંપનીઓ અમેરિકા-બ્રિટન સહિતના દેશોની સરકારો સામે કોર્ટમાં જંગ લડી રહી છે. દુનિયામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ કંપનીઓના ઓછામાં ઓછા ૨૩૫ કેસ ચાલી રહ્યાં છે.
આ કેસોમાં સરકારોના વિવિધ નિર્દેશોના વિરોધમાં થયેલી અરજીથી માંડીને પેકેટ્સમાં સૂચના લખવાના આદેશ સુધીના નિયમોને પડકારાયા છે. ડબલ્યુએચઓ કહે છે કે દુનિયાના ઓબેસિટી વિરૂદ્ધના કેમ્પેઈનિંગમાં આ કંપનીઓ અવરોધો ખડા કરી રહી છે. ખ્યાતનામ વકીલોને કરોડોની ફી આપીને રોકી રાખે છે અને પાણીની જેમ પૈસા વેરીને ભલભલી સરકારોને જે તે દેશના કાયદાની છટકબારીથી જ હંફાવે છે.
કેસોનો તુરંત નિકાલ આવે નહીં તેનો ફાયદો કંપનીઓ ઉઠાવે છે. જે દેશોએ કાયદામાં જોગવાઈ કરી હોય ને ફેરફાર કર્યા વગર ચાલે તેમ જ ન હોય તો કંપનીઓ નમતું મૂકીને પેકેટ્સમાં કે જાહેરાતોમાં જરૂરી ફેરફાર કરી નાખે છે. નહીંતર કેસ ચાલતો હોય ત્યાં સુધી સરકારના આદેશને માન્યા વગર બેરોકટોક જાહેરાતોથી માર્કેટમાં દબદબો જાળવી રાખે છે. શક્તિશાળી કંપનીઓના આવા વલણથી લાઈફસ્ટાઈલ ડિસીસ અને ઓબેસિટી સામેના સરકારના કેમ્પેઈનને તો અસર પડે જ છે, પરંતુ સરકારોના કરોડો રૂપિયા કંપનીઓ સામે કેસ લડવામાં વેડફાય જાય છે એ અલગ.
વેલ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જે એક ફેક્ટરની વાત નથી કરી એ છે પોલિટિકલ ફંડિંગ. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ કંપનીઓ દુનિયાભરની સત્તાધારી પાર્ટીઓ અને મુખ્ય વિપક્ષી પાર્ટીઓને ડોનેશન્સ આપે છે. પાર્ટીઓ સાથે વાટાઘાટો કરતાં ખાસ માણસો દરેક દેશમાં એક્ટિવ હોય છે. જેનું કામ જ એ છે કે મોટો નિર્ણય થાય તે પહેલાં કંપનીઓને જાણ કરવામાં આવે કે જેથી નવો કાયદો કે નવી જોગવાઈ શક્ય એટલી મોડરેટ કરી શકાય. જ્યાં સુધી આવું વિષચક્ર ચાલતું રહેશે ત્યાં સુધી આપણાં સુધી વિષ પણ પહોંચતું રહેશે!
પાંચ વર્ષમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું માર્કેટ બમણું થયું
પાંચ-છ વર્ષમાં જ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું ગ્લોબલ માર્કેટ સાતથી આઠ ટકાના દરે વધતું હતું. ૨૦૧૯-૨૦માં આ સેક્ટરનું ગ્લોબલ માર્કેટ ૫૫૦ અબજ ડોલર હતું. ૨૦૨૫ના અંતે ૧ ટ્રિલિયન અબજ ડોલર થયું છે. ૨૦૨૫થી ૨૦૨૯ના ગાળામાં આ માર્કેટ ૯થી ૧૦ ટકાના દરે વિકસશે. જો આ ટ્રેન્ડ ચાલશે તો ૨૦૩૧-૩૨ સુધીમાં આ માર્કેટ ૧.૮ ટ્રિલિયન કે કદાચ બે ટ્રિલિયન ડોલરે પહોંચી જાય તો નવાઈ નહીં રહે. જે દેશોમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ અને જંક ફૂડનું કન્ઝમ્પશન ઝડપભેર વધતું જાય છે એમાં ચીન, સાઉથ કોરિયા, જાપાન, બ્રાઝિલ જેવા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.









