ઉચ્છિષ્ટ ચાંડાલિની : તંત્રની નવમી મહાવિદ્યાનું પ્રાગટય

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- દૈવીય ભોજન અને દૈવીય મિલન વેળા દૈવીય ઘટના ન બને તો જ નવાઈ! ખોરાકના જે કણ નીચે પડયા, એમાંથી જોતજોતામાં એક સ્વરૂપનું પ્રાગટય થયું
દે વાધિદેવ મહાદેવના નવાસવા લગ્ન થયા હતા. સ્મશાનવૈરાગી શિવ સદીઓ સુધી સમાધિમાં લીન રહ્યાં. દેવી સતીના આત્મવિલોપન બાદ તેમના હૃદયને પોતાની આકરી તપસ્યા થકી મા પાર્વતીએ જીતી લીધું હતું, પરંતુ લાંબા સમય સુધી સંસારથી અલિપ્ત રહ્યા હોવાને લીધે મહાદેવ હજુ પણ પૂર્ણપણે નવા લગ્નજીવનમાં ઠરીઠામ નહોતાં થઈ શક્યાં.
એક દિવસ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીએ કૈલાશ મુલાકાતે જવાનો નિર્ણય લીધો. એમની ઈચ્છા હતી કે નવાસવા પરણેલાં દેવી પાર્વતી અને ભગવાન શંકરને શુભેચ્છા આપી આવીએ અને થોડું સાંસારિક જ્ઞાન પણ!
પોતાની સાથે તેઓ ભેટ સ્વરૂપે કેટલીક ભોજનસામગ્રી અને પકવાન લઈને કૈલાશ પહોંચી ગયાં. મા પાર્વતી અને ભગવાન શંકર એમને જોઈને અત્યંત પ્રસન્ન થયાં. દેવી લક્ષ્મીને જોઈ મા પાર્વતીને લાગ્યું કે આખરે એમની બહેન સમી લક્ષ્મી કૈલાશ પધારી. ઔપચારિકતા પૂર્ણ કર્યા પછી બંને ભાઈઓ અને બંને બહેનો - હરિ, હર, ગૌરી અને પદ્મા - એકસાથે ભોજન ગ્રહણ કરવા બેઠાં. સૌએ નિરાંતે ભોજન કર્યુ. હાસ-પરિહાસ અને અલકમલકની વાતો કરતાં કરતાં જ્યારે તેઓ ભોજન કરી રહ્યાં હતાં, ત્યારે અનાયાસે જ ખોરાકના અમુક કણ નીચે જમીન પર પડતાં હતાં. ભોજન વેળા જો વાતચીત કરવામાં આવે, તો એંઠા કણ જમીન પર પડે એ સાવ સ્વાભાવિક બાબત છે.
દૈવીય ભોજન અને દૈવીય મિલન વેળા દૈવીય ઘટના ન બને તો જ નવાઈ! ખોરાકના જે કણ નીચે પડયા, એમાંથી જોતજોતામાં એક સ્વરૂપનું પ્રાગટય થયું. કુમારી સ્વરૂપ! યુવાન કન્યા. અત્યંત દેખાવડી, સહેજ શ્યામ વર્ણ, લલાટ પર હજારો સૂર્ય સમાન તેજ, ફૂલડાં ઝરતું સ્મિત અને અત્યંત મેધાવી રૂપની સ્વામિની!
તંત્રશાસ્ત્રએ આ સ્વરૂપને નામ આપ્યું : માતંગી - નવમી મહાવિદ્યા! દેવી મા સરસ્વતીનું તાંત્રિક સ્વરૂપ માતંગી તરીકે ઓળખાય છે. એમના એક હાથમાં ખોપરી છે, બીજા હાથમાં વીણા છે, ત્રીજા હાથમાં ખડ્ગ અને ચોથો હાથ વરમુદ્રામાં છે. એમના ખભા પર શુક (પોપટ) બિરાજમાન છે.
હરિહર અને બંને દેવીઓ સમક્ષ જ્યારે આ સ્વરૂપનું પ્રાગટય થયું, ત્યારે તેઓ અત્યંત પ્રસન્ન થયાં. કુમારી સ્વરૂપે એમનું સ્તુતિગાન કર્યુ. મહાદેવે એમને વરદાન આપતાં કહ્યું કે, 'આપનું પ્રાગટય અમારા ઉચ્છિષ્ટ અર્થાત્ એંઠા ભોજનમાંથી થયું હોવાથી સંસાર આપને ઉચ્છિષ્ટ ચાંડાલિની તરીકે ઓળખશે.'
મા માતંગીને એ સમયથી જ ઉચ્છિષ્ટ ચાંડાલિની તરીકે પણ પૂજવામાં આવે છે. ભગવાન ઉચ્છિષ્ટ ગણપતિના અર્ધાંગિનીને દેવી વિઘ્નેશ્વરી, હસ્તિપિશાચી અને સાથોસાથ ઉચ્છિષ્ટ ચાંડાલિની પણ કહેવામાં આવે છે. આ બંને સ્વરૂપો - ઉચ્છિષ્ટ ગણપતિ અને ઉચ્છિષ્ટ ચાંડાલિની - ની સાધના પૂર્ણપણે તંત્રોક્ત વિધિ-વિધાન સાથે જ થઈ શકે. આ લખનારે પણ ઉચ્છિષ્ટ ગણપતિની સાધનાને તંત્રોક્ત વિધિ-વિધાન સાથે કરી છે, જેમાં એંઠા ભોજનને મોંમાં રાખીને મૂળ તાંત્રિક મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જુદી જુદી સામગ્રીને મોંમાં રાખવાથી જુદા જુદા ફળ પ્રાપ્ત કરવા સંભવ છે. આથી, મોટાભાગે આ સાધના કામ્ય પ્રયોગ સિદ્ધ કરવા માટે થતી હોય છે. લવિંગ, એલચી, ગોળ વગેરે જેવા દ્રવ્યોએ મોંમાં રાખી સૂર્યાસ્ત થયા બાદ આ સાધના થઈ શકે, જેમાં દશાંશ હવન પણ આવશ્યક છે. ઉચ્છિષ્ટ ગણપતિના નવાર્ણ અર્થાત્ નવ અક્ષરના મંત્ર વડે થતી સાધના પ્રચંડ ફળ આપવામાં સક્ષમ છે. ઓમ સ્વામી નિમત 'સાધના એપ'માં પ્રાપ્ત આ સાધના મૂળત્વે ચાર પ્રકારના ફળ આપે છે : (૧) શત્રુદમન (૨) કૉર્ટ-કેસમાં રાહત (૩) ધન-ધાન્ય-સંપત્તિ પ્રદાયક અને (૪) શ્રીવિદ્યા સાધનાની પૂર્વતૈયારીરૂપે કરવામાં આવતું અનુષ્ઠાન.
મૂળ મુદ્દા પર પરત ફરીએ. મહાદેવે કુમારી સ્વરૂપનું નામકરણ કરવા ઉપરાંત બીજું વરદાન એ પણ આપ્યું કે શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા અને વાણી પર પ્રભુત્વ સ્થાપિત કરવા માટે માતંગી માતાની ઉપાસના થશે. તદુપરાંત, સમસ્ત વિશ્વ પર આધિપત્ય સ્થાપિત કરવા માટે પણ માતંગી મહાવિદ્યાની સાધના બ્રહ્માસ્ત્ર સમાન પૂરવાર થશે. આ જ વાતને ધ્યાનમાં રાખીને ઋષિ મતંગે પણ દેવી માની સાધના કરી હતી, જેના વિશે વધુ વિગતે વાત કરીશું આવતાં અંકે.









