ટાઈમ કેપ્સૂલ : એરટાઈટ ડબ્બામાં વર્તમાન સાચવવાની મથામણ!

સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
અમેરિકાની સ્વતંત્રતાનું 250મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આજના અમેરિકાની ઓળખ હોય એવી ચીજવસ્તુઓ ભવિષ્યની પેઢી માટે ટાઈમ કેપ્સૂલમાં બંધ થઈ છે. ટાઈમ કેપ્સૂલનો સિલસિલો ક્યારથી શરૂ થયો?
ટા ઈમ કેપ્સૂલનો જૂનામાં જૂનો પુરાવો ૧૭૨૬નો મળ્યો છે, પરંતુ 'ટાઈમ કેપ્સૂલ' શબ્દ પહેલી વખત ૧૯૩૯માં કોઈન થયો હતો. ન્યૂયોર્કમાં એ વર્ષે વર્લ્ડ ફેર યોજાયો હતો. દુનિયાના ૬૨ દેશોએ એમાં ભાગ લીધો હતો. જગતની ૧૪૦૦ સંસ્થાઓ સહભાગી થયેલી ને ૧૯૩૯-૪૦ની બે સીઝનમાં સાડા ચાર કરોડ લોકો એ જોવા આવ્યા હતા. ફેરમાં એક્ઝિબિશન્સથી માંડીને જાત-ભાતની એક્ટિવિટીઝ થઈ હતી. પરફોર્મન્સીસ, ફિલ્મ શોથી લઈને કલાકૃતિઓના પ્રદર્શનો અને ફૂડ સ્ટોલે આકર્ષણ જમાવ્યું હતું.
તે વખતે પહેલી વખત દુનિયાભરની એ સમયની મહત્ત્વની ચીજવસ્તુઓ એકઠી કરીને ખાસ પ્રકારના એરટાઈટ નળાકાર કન્ટેનરમાં મૂકીને જમીનમાં સાચવવાની એક ઈવેન્ટ પણ યોજાઈ હતી. અમેરિકાની ઈલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ કંપની વેસ્ટિંગહાઉસે એનું આયોજન કર્યું હતું. જે કન્ટેનર બન્યું તેને પહેલાં 'ટાઈમ બોમ્બ' નામ અપાયેલું, પરંતુ 'બોમ્બ' શબ્દ વિનાશનું પ્રતીક હોવાથી આયોજકોની ટીમમાં જ્યોર્જ એડવર્ડ પેન્ડ્રી નામના એક એક્ઝિક્યૂટિવે બોમ્બને બદલે 'ટાઈમ કેપ્સૂલ' નામ સજેસ્ટ કર્યું.
એ નામ પર તુરંત મહોર લાગી ગઈ ને એ રીતે 'ટાઈમ કેપ્સૂલ' નામથી ૧૯૩૯માં ટાઈમ કેપ્સૂલને દફન કરવામાં આવ્યું. બિયારણ, આઈન્સ્ટાઈનનો પત્ર, કલાકૃતિઓ, માઈક્રોફિલ્મ સહિતની ચીજવસ્તુઓને છેક ૬૯૩૯માં ખોલવામાં આવે તે રીતે જમીનની અંદર સાચવીને મૂકી દેવામાં આવી હતી. 'ટાઈમ કેપ્સૂલ'ના નામથી દુનિયામાં સત્તાવાર રીતે ચીજવસ્તુઓને સાચવવામાં આવી હોય એવો આ પહેલો બનાવ હતો. અત્યારે પણ ન્યૂયોર્કમાં ઘણાં પ્રવાસીઓ એ ટાઈમ કેપ્સૂલ સાઈટ જોવા જાય છે.
પોલેન્ડમાંથી ૧૭૨૬નું એક કન્ટેનર મળી આવ્યું છે, એને ફર્સ્ટ મોડર્ન ટાઈમ કેપ્સૂલ ગણવામાં આવે છે. એ કેપ્સૂલ કોપરમાંથી બન્યું હતું. સ્પેનના સોટિલો ડી લા રિબેરા નામના નાનકડાં ટાઉનમાંથી ૧૭૭૬નું એક ટાઈમ કેપ્સૂલ ૨૦૧૭માં મળી આવ્યું હતું. જેમાં એ સમયની ધાર્મિક ચીજવસ્તુઓનો સંગ્રહ મૂકાયો હતો. જીસસની એક મૂર્તિ હતી અને તે સમયના સ્પેનની આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક સ્થિતિ દર્શાવતાં થોડાં દસ્તાવેજો હતા.
અમેરિકામાં ૧૭૯૫ના વર્ષમાં પહેલી વખત ટાઈમ કેપ્સૂલ દફન કરવામાં આવ્યું હતું. અમેરિકાની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનારા સેમ્યુઅલ એડમ્સ અને પૌલ રીવેરાએ આ ટાઈમ કેપ્સૂલમાં એ વખતના દસ્તાવેજો સાચવ્યા હતા. ૧૮૫૫માં એ ટાઈમ કેપ્સૂલ ઓપન કરીને તેમાં નવી ચીજવસ્તુઓ ઉમેરવામાં આવી હતી અને ફરીથી બોસ્ટનના એ જ સ્થળે બંધ કરવામાં આવ્યું હતું. આ ટાઈમ કેપ્સૂલને ૨૦૧૫માં ખોલવામાં આવ્યું હતું અને ફરીથી ૨૧મી સદીની કેટલીય ચીજવસ્તુઓ ઉમેરીને નવેસરથી જમીનમાં એ જ સ્થળે દાટી દેવામાં આવ્યું હતું. જોકે, તે વખતે ઓબામાની સરકારે મીડિયા કવરેજની પરવાનગી આપી ન હતી. આ ટાઈમ કેપ્સૂલની વિશેષતા એ છે કે ૧૮મી સદીમાં ખુલ્યા પછી ૧૯મી સદીમાં ખોલાયું. ૨૦મી સદીમાં અકબંધ રહ્યું ને ૨૧મી સદીમાં અપડેટ કરીને ફરીથી દફન કરાયું. આ કેપ્સૂલ ઓપન કરવા માટે કોઈ ચોક્કસ સમયગાળો નક્કી થયો નથી.
બીજા બધા દેશોની સરખામણીએ અમેરિકામાં ટાઈમ કેપ્સૂલનું વળગણ વધારે જોવા મળે છે. ૧૮૭૬માં જ્યારે અમેરિકાએ સ્વતંત્રતાની ૧૦૦ વર્ષની ઉજવણી કરી ત્યારે એક ટાઈમ કેપ્સૂલ કેપિટલ બિલ્ડિંગમાં દફન કરવામાં આવ્યું હતું. એક પ્રકારના લોખંડના બોક્સમાં સોનાની પેન, કલાકૃતિઓ, રાજનેતાઓની તસવીરો રાખવામાં આવી હતી. યાદ રહે, ૧૮૭૬માં આ પદ્ધતિ માટે 'ટાઈમ કેપ્સૂલ' શબ્દ વપરાતો ન હતો એટલે તેને 'સેન્ચૂરી સેફ' નામ આપવામાં આવ્યું હતું. આ ટાઈમ કેપ્સૂલ બરાબર ૧૦૦ વર્ષ પછી ૧૯૭૬માં અનલોક થયું હતું. સત્તાવાર ડોક્યુમેન્ટેશન થયા પછી નક્કી કરેલા વર્ષે અનલોક કરાયેલું એ સંભવત: દુનિયાનું પ્રથમ ટાઈમ કેપ્સૂલ છે.
ભારતમાં પણ આવા ટાઈમ કેપ્સૂલ્સ લૉક થયાં છે. ઈન્દિરા ગાંધીએ ૧૯૭૩માં એક ટાઈમ કેપ્સૂલ દફન કર્યું હતું, જે એક હજાર વર્ષ પછી ઓપન કરવાનું હતું! પણ જનતા મોરચાની સરકારે ચાર વર્ષ પછી જ ૧૯૭૭માં કેપ્સૂલ બહાર કાઢી લીધું હતું! નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૧૦માં ટાઈમ કેપ્સૂલ મહાત્મા મંદિર સાઈટમાં લૉક કર્યું હતું. એ એક હજાર વર્ષ સુધી સચવાઈ રહે એવી રીતે ડિઝાઈન થયું છે. અયોધ્યાના રામ મંદિરના નિર્માણ વખતે પણ એક ટાઈમ કેપ્સૂલ જમીનની નીચે મૂકાયું છે.
વેલ, આવા ટાઈમ કેપ્સૂલના માધ્યમથી આજનો માનવી વર્તમાનને સાચવવા મથે છે, વર્તમાનની જાળવણી સાથે ભવિષ્યની એટલી ચિંતા કરતો નથી. વિકાસ માટે બેફામ દોટ મૂકીને પૃથ્વીને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે એ અટકશે નહીં તો વર્તમાન બચાવવાનો શો અર્થ? આજે પૃથ્વીની, વાતાવરણની બદતર હાલત જોઈને સવાલ એ થાય કે ૨૫૦ વર્ષ કે હજાર વર્ષ પછી આ પૃથ્વી પર માનવો રહેતાં હશે?
ફોસિલ : કુદરતી ટાઈમ કેપ્સૂલ
૧૭૬૯માં જન્મેલા ફ્રાન્સના પ્રકૃતિવિદ્ અને પ્રાણીશાસ્ત્રી જ્યોર્જ ક્યૂવિઅરે પ્રાણીઓના હાડકાનો અભ્યાસ કર્યો હતો અને પહેલી વખત જેને આપણે ફોસિલ કહીએ છીએ એ પ્રકારના હાડપિંજર મેળવીને એનો સમયગાળો નક્કી કરવા માટેના સંશોધનો હાથ ધર્યા હતા. ફોસિલ એટલે અશ્મિ. સજીવોના ફોસિલને જીવાશ્મિ કહેવાય છે. સદીઓ પહેલાં કોઈ સજીવનું શરીર ખાસ પ્રકારના વાતાવરણમાં, વિશેષ સ્થિતિમાં માટીમાં દટાઈ જાય તો એનો નાશ થતો નથી, એનું હાડપિંજર સદીઓ સુધી એમનું એમ સચવાઈ રહે છે, પહેલી વખત એવું તારણ જ્યોર્જ ક્યૂવિઅરે આપ્યું હતું. આ પ્રાણીશાસ્ત્રીના ધ્યાનમાં આવ્યું હતું કે ઘણાં કિટકો સહિતના સજીવો માટીમાં સૂકાઈ જાય છે અને તેનું શરીર કઠોર થઈને કુદરતી 'મમી' બને છે, પરિણામે તેનું સંરક્ષણ થાય છે. સામાન્ય રીતે કોઈ પણ સજીવનું શરીર વાતાવરણના સંપર્કમાં કે માટીમાં દટાયા પછી એમાં ભળી જાય છે, પરંતુ અમુક સજીવો કોઈ ખાસ પ્રકારના કાદવમાં કે માટીમાં કે લાવામાં સૂકાઈ જાય તો એનું શરીર કુદરતી રીતે જ સચવાઈ રહે છે. હાજપિંજર ઉપરાંત સજીવની ઉપરનું આવરણ વિશિષ્ટ સ્થિતિમાં સંગ્રહિત થઈ જાય છે અને સદીઓ સુધી એ જ સ્થિતિમાં રહે છે. ઘણાં સજીવોના શિંગડાંનો હિસ્સો, નખનો હિસ્સો કે વાળ મળી આવે છે. ફોસિલની વિસ્તૃત વ્યાખ્યા કંઈક આ પ્રકારે કરવામાં આવે છે - સજીવોના શરીરનો કોઈ પણ હિસ્સો, અવશેષો, છાપ અથવા તો કોઈ એક કાળે પૃથ્વી પર હયાત એવા સજીવના શરીરનો કોઈ ભાગ સંગ્રહિત થયેલો હોય અને પ્રાચીન સમય સાથે આજની માનવજાતને જોડી આપે તેને ફોસિલ કહેવામાં આવે છે. કુદરતે રચેલા 'ટાઈમ કેપ્સૂલ'માં આ ફોસિલ સદીઓ સુધી સચવાઈ રહે છે.
અમેરિકાનું ટાઈમ કેપ્સૂલ ૨૫૦ વર્ષ પછી ખુલશે
આ વર્ષ અમેરિકાની આઝાદીનું ૨૫૦મું વર્ષ છે. બ્રિટનના તાબામાં રહેલા અમેરિકાએ ૧૭૭૬માં આઝાદી મેળવી હતી. ૪થી જુલાઈ ૧૭૭૬માં આઝાદીનું ઘોષણાપત્ર તૈયાર થયું હતું એટલે એ દિવસ અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ ગણાય છે. આ વર્ષે ૨૫૦મું વર્ષ ઉજવાઈ રહ્યું હોવાથી અમેરિકાએ આ ઉજવણીની યાદમાં ૪૦૮ કિલો વજનનું એક ટાઈમ કેપ્સૂલ જમીનમાં દફનાવ્યું છે. આ ટાઈમ કેપ્સૂલ ૨૨૭૬માં ખોલવામાં આવશે. એ વખતની જનરેશનને ખ્યાલ આવે કે ૨૦૨૬માં, ૨૫૦ વર્ષ પહેલાંનું અમેરિકા કેવું હતું તે માટે આ પ્રયાસો કરવામાં આવ્યાં છે.
આ ટાઈમ કેપ્સૂલમાં ૫૦ રાજ્યોની ઓળખ હોય એવી ચીજવસ્તુઓ રાખવામાં આવી છે. જેમાં વિમાનના શોધક રાઈટ બંધુઓની યાદમાં પહેલા વિમાનનો કપડાંનો ટૂકડો, એઆઈની ભવિષ્યવાણી, વ્હેલનું હાડકું, આઈફોન ૧૭ પ્રો-મેક્સ, બાજ પક્ષીની પાંખ સહિતની રાજ્યોએ મોકલેલી ચીજવસ્તુઓ રાખવામાં આવી છે. તે સિવાય અમેરિકાના ઐતિહાસિક દસ્તાવેજોની નકલ પણ એમાં મૂકાઈ છે. હવા અને પાણીથી કેપ્સૂલને નુકસાન ન થાય તે માટે ખાસ આધુનિક ટેકનિકનો ઉપયોગ થયો છે. અમેરિકાની કળા-સંસ્કૃતિ અને ઈતિહાસનો પરિચય ભવિષ્યની પેઢીને મળે તે માટે આ હાઈટેક કેપ્સૂલ ફિલાડેલ્ફિયામાં ૧૦ ફૂટ ખાડો ખોદીને દફનાવાયું. નેશનલ પાર્ક સર્વિસની સત્તાવાર રેકોર્ડ બુકમાં તેની નોંધ થઈ એટલે ભવિષ્યની જનરેશનને એના લોકેશનનો ખ્યાલ આવશે.
મમી : પ્રાચીન ઈજિપ્તની ટાઈમ કેપ્સૂલ મેથડ?
મમી બનાવીને એ કાળનો માનવી પણ તેમનો વર્તમાન ભવિષ્યની જનરેશનને જણાવવાની કોશિશ કરતો હશે!
પ્રાચીન ઈજિપ્તમાં લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં મમીફિકેશનની પ્રક્રિયા થતી હતી. ઈજિપ્તમાં રાજા-રાણીના મૃતદેહોને વિશેષ ટેકનિકથી, રાસાયણિક પ્રક્રિયા પછી પિરામિડમાં સાચવી રાખવામાં આવતા. ખાસ પ્રોસેસ અને પિરામિડના બાંધકામના કારણે માનવ શરીરો સડતાં અટકી ગયા અને એક રીતે જીવાશ્મિ બની ગયા. ઈજિપ્ત ઉપરાંત મેસોપોટેમિયા અને માયા સંસ્કૃતિમાં પણ મૃતદેહો પર મમીફિકેશનની પ્રોસેસ થતી હતી. આ પણ એક પ્રકારે ટાઈમ કેપ્સૂલ જેવી જ મેથડ છે. તે સમયના માનવીઓનો આ પ્રોસેસ કરવા પાછળનો ઈરાદો શું હતો એ રહસ્ય છે, પરંતુ આજનો માનવી ચીજવસ્તુઓ સાચવીને સદીઓ પછીની જનરેશનને એમનો વર્તમાન કહેવા માંગે છે એમ શક્ય છે કે મમી બનાવીને એ કાળનો માનવી પણ તેમનો વર્તમાન ભવિષ્યની જનરેશનને જણાવવાની કોશિશ કરતો હશે!









