Ravi Purti

ફૂટબોલ જગતમાં ફ્રાન્સના પ્રભુત્વ પાછળ ડિડિયર ડેસ્ચેમ્પ્સના સુપરબ્રેઈનની કમાલ

By GS Team
5 Jul 20265 mins read
ફૂટબોલ જગતમાં ફ્રાન્સના પ્રભુત્વ પાછળ ડિડિયર ડેસ્ચેમ્પ્સના સુપરબ્રેઈનની કમાલ

Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
૫૭ વર્ષના ડેસ્ચેમ્પ્સ ફૂટબોલ વર્લ્ડ કપને ખેલાડી તરીકે અને કોચ તરીકે જીતવાની સિદ્ધિ ધરાવતા ઈતિહાસના માત્ર ત્રણ અને હયાત હોય તેેવા એકમાત્ર લેજન્ડ તરીકેની સિદ્ધિ ધરાવે છે

દ રેક નવી શરુઆતના સમયે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે અને તેની સાથે સાથે સંભવિત પડકારોને પહોંચી વળવાની યોજના પણ ઘડાતી જ હોય છે. જોકે, તમામ તૈયારીઓ અને આયોજનો પછી જ્યારે સફરની શરુઆત થાય ત્યારે તમામ જવાબદારી સુકાનીના શિરે સોંપી દેવાની હોય છે. અણધાર્યા પડકારો અને વિઘ્નોનોનું જે ત્વરિત નિર્ણય શક્તિથી આકલન કર્યા બાદ તેનો ઉકેલ શોધી કાઢે છે, તે જ સુકાની તેના જહાજને કિનારા સુધી પહોંચાડવામાં સફળ રહે છે. દરેક સફળતા માટે શક્તિની અનિવાર્યતા તો રહે જ છેે, પણ તેની પાછળ રહેલી યુક્તિ એ જ સુવર્ણમાં ભળેલી સુગંધ સમાન બની રહે છે.
હાલમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં આખી દુનિયાની નજર સુપરસ્ટાર ખેલાડીઓ મેસી, રોનાલ્ડો તેમજ એમ્બાપ્પે તેમજ હેરી કેન પર મંડાયેલી હોય છેે. જોકે, જ્યારે પણ તેઓ ગોલ કરે છે કે, ટીમને સફળતા મળે છે, ત્યારે આ સુપરસ્ટાર્સની નજર તેમની ટીમના કોચ તરફ સ્વાભાવિક તરીકે જ મંડાયેલી હોય છે. ફૂટબોલ વર્લ્ડ કપમાં મેેદાન પર રમતાં ૧૧ ખેલાડીઓને કોચની વ્યુહરચનામાં પોતપોતાની ભૂમિકા ભજવવાની હોય છે અને જો આમ થાય તો જ ટીમને ધારેલી સફળતા સાંપડી શકે છે.
એક સમયે ફૂટબોલ જગત પર બ્રાઝિલ અને જર્મનીનો દબદબો હતો, ત્યાર બાદ અનુક્રમે ફ્રાન્સ અને તે પછી સ્પેને આગવો પ્રભાવ પાડયો હતો. ત્યાર બાદ છેલ્લા એક દશકમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ફ્રાન્સે સુપરપાવર તરીકેનું સ્થાન હાંસલ કર્યું છે. ફ્રાન્સના ફૂટબોલમાં ભૂતકાળની ભવ્યતાનો પુન:રોદય કરનારા સુપર બ્રેેઈન તરીકે ટીમના હેડ કોચ ડિડિયર ડેસ્ચેમ્પ્સનો ફાળો પાયારુપ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ચાહકોના દબાણમાં આવી જઈને ખેલાડીઓની નિષ્ફળતાના વાંકે કોચને હકાલપટ્ટીના ડામ દેનારા દેશોને માટેે ફ્રાન્સે અલગ જ ઉદાહરણ પુરું પાડયું છે. ૫૭ વર્ષના ડેસ્ચેમ્પિસન છેલ્લા ૧૪ વર્ષથી લગાતાર ફ્રાન્સની ટીમના હેડ કોચ તરીકેના સિહાંસન પર આરુઢ રહ્યા છે. તેઓ ફૂટબોલ વર્લ્ડ કપને ખેલાડી અને કોચ તરીકે જીતવાની સિદ્ધિ ધરાવતા માત્ર ત્રણ લેજન્ડ સુપરસ્ટાર્સમાં સ્થાન ધરાવે છે.. ફૂટબોલર તરીકેની ડિફેન્સિવ મીડફિલ્ડરની ભૂમિકા ભજવનારા ડેસ્ચેમ્પ્સ ૧૯૯૮માં વર્લ્ડ ચેેમ્પિયન બનેલી ફ્રાન્સની ટીમના કેપ્ટન હતા. તેમની જ આગેવાનીમાં ઝિદાન સહિતના સ્ટાર્સ તૈયાર થયા અને તેઓએ ૨૦૦૦માં યુરો કપ પણ જીત્યો હતો.
ખેલાડી તરીકે વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિના બરોબર ૨૦ વર્ષ બાદ તેઓના માર્ગદર્શનનમાં તૈયાર થયેલી ફ્રાન્સની ટીમે વિશ્વવિજેતા તરીકેની ટ્રોફી હાંસલ કરી. આ સાથે ડેસ્ચેમ્પ્સે ફૂટબોલના સુપર બ્રેઈન્સ એવા બ્રાઝિલના મારિયો ગઝાલો અને જર્મનીના ફ્રેન્ઝ બેકેનબાવરની બરોબરી મેળવી લીધી. ગઝાલો ૧૯૫૮ અન ૧૯૬૨માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી બ્રાઝિલની ટીમમાં સામેલ હતા,જ્યાં તેમના સાથી ખેલાડી તરીકે પેલે હતા. આ પછી તેઓએ ૧૯૭૦માં હેડ કોચ તરીકે બ્રાઝિલને વિશ્વવિજેતા બનાવ્યું, ત્યારે પણ ટીમમાં પેલે હતા. જર્મનીના લેજન્ડ ફ્રેન્ઝ બેકેનબાવરે ૧૯૭૪માં પશ્ચિમ જર્મનીને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ ૧૯૯૦માં તેમના માર્ગદર્શનમાં ફૂટબોલ જગતમાં જર્મની ફરી સુપર પાવર તરીકે ઉભરી આવ્યું હતુ. ડેસ્ચેમ્પ્સ આવા ધુરંધરોની સમકક્ષ સ્થાન મેળવ્યું છે.
ફ્રાન્સના દિગ્ગજ સુપરસ્ટાર ડેસ્ચેમ્પ્સ બાળપણમાં હેન્ડબોલ, લોંગ જમ્પ તેમજ રગ્બી જેવી રમતો પર હાથ અજમાવી ચૂક્યા હતા. જોકે, થોડા સમય બાદ તેમને અહેસાસ થયો કે, ફૂટબોલમાં તેઓની કુશળતા વધુ ખીલી ઉઠે છે. તેમની પ્રાથમિક તાલીમ નેન્ટેસની યુથ એકેડમી ખાતે પુરી થઈ અને તે જ કલબમાંથી તેમણે પ્રોફેશનલ ખેલાડી તરીકેની કારકિર્દી શરુ કરી. રક્ષા પંક્તિના ખેલાડી તરીકે તેઓ હરિફ ટીમના સ્ટ્રાઈકર્સની મુવમેન્ટનો સટીક અંદાજ લગાવી લેતા અને બોલ પર નિયંત્રણ મેળવીને તેઓ આક્રમણ પંક્તિના એવા ખેલાડીને પાસ આપતાં કે ગોલ ફટકારવો આસાન બની જતો. ફ્રાન્સના સ્ટ્રાઈકર્સ માટે તેમની ભૂમિકા આશીર્વાદ સમાન હોવાથી તેઓને 'વોટર કેરિયર' (પાણી પુરું પાડનારા ખેલાડી) તરીકેની ઓળખ મળી.
ડેસ્ચેમ્પ્સે સ્થાનિક કલબ તરફથી કારકિર્દીની શરુઆત કરી હતી અને તેમણે માર્સેઈલે કલબને સફળતા અપાવ્યા બાદ ઈટાલીયન લીગમાં યુવેન્ટ્સ તરફથી કમાલનો દેખાવ કર્યો. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ૧૯૮૯માં શરૂ થઈ અને તે સમય ફ્રાન્સનું ફૂટબોલ તળિયે હતું. તે સમયે ફ્રાન્સની ટીમ ૧૯૯૦ અને ૧૯૯૪માં ફૂટબોલ વર્લ્ડકપમાં ક્વોલિફાય થવામાં પણ નિષ્ફળ રહી હતી. નવા જોશની સાથે કારકિર્દીનો પ્રારંભ કરી રહેેલા ડેસ્ચેમ્પ્સની સાથે અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ પણ જોડાયા અને તેમણે ફ્રાન્સના ફૂટબોલને પુન: ધબકતું કરવાનું પ્રણ લીધું. કલબ ફૂટબોલની સફળતાના પગલે ૧૯૯૮માં વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયેલા ફ્રાન્સના કેપ્ટન તરીકે ડેસ્ચેમ્પસની પસંદગી કરવામાં આવી. ટીમમાં ઝિદાનની સાથે પેટ્રિક વિયેરી,થિયરી હેનરી, લિલિયન થુરામ, પેેટિટ, રોબર્ટ પિરેસ જેવા સ્ટાર્સ સામેલ હતા અને તેમણે ફ્રાન્સને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યુ.
યુરો કપ ૨૦૦૦માં ચેમ્પિયન બન્યા બાદ ડેસ્ચેમ્પ્સે આંતરરાષ્ટ્રીય સ્તરેથી વિદાય લીધી અને કલબ ફૂટબોલર તરીકેની કારકિર્દી પૂર્ણ કર્યા બાદ ફૂટબોલ કોચ તરીકેની જવાબદારી સંભાળી લીધી. દરમિયાનમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમ ૨૦૧૦ના વર્લ્ડ કપમાં આંતરિક ટકરાવના કારણે વિવાદમાં રહી હતી. ખેલાડીઓએ પ્રેક્ટિસનો પણ બહિષ્કાર કર્યો હતો. આ પછી ૨૦૧૨માં ફ્રાન્સની ટીમને ફરી બેઠી કરવાની જવાબદારી ડેસ્ચેમ્પ્સને સોંપવામાં આવી. તેમના માર્ગદર્શનમાં ફ્રાન્સની ટીમ ૨૦૧૪ના વર્લ્ડ કપમાં ક્વાર્ટ ફાઈનલમાં હાર્યું અને ત્યાર બાદ યુરો કપમાં રનરઅપ બન્યું હતુ.
ફૂટબોલ કોચ તરીકે નવીન તકનિકને અમલમાં મૂકવાનો ડેેસ્ચેમ્પ્સનો વિચાર યુવા ખેલાડીઓમાં લોકપ્રિય બનવા માંડયો. તેમણે માટુડી, ગ્રીઝમેન, જીરોડ, પોગ્બા, એનગોલો, તેમજ એમ્બાપ્પે જેવા સિતારાઓની પ્રતિભાને નિખાર આપ્યો. તેમના માર્ગદર્શનમાં સતત બીજો વર્લ્ડ કપ રમવા ઉતરેલું ફ્રાન્સ ૨૦૧૮માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું. તેમની 'એસિમેટ્રિકલ સિસ્ટમ'માં ટીમનું ડિફેન્સ વધુ મજબુત બનતું અને અચાનક આક્રમણ હરિફ ટીમ માટે ચોંકાવનારું બની રહેતું. વળી, તેઓ ખુબ જ હળવેકથી બોલને પોતાના હાફમાં પાસિંગથી ફરતો રાખતા અને આ દરમિયાન અચાનક જ ડિફેન્ડર તેની પાવરફૂલ કીક વડે સ્ટ્રાઈકર્સને માટે બોલ ફિડ કરતો. તેમના આ અણધાર્યા આક્રમણોને ખાળવા હરિફ ટીમ માટે લગભગ અશક્ય બની જતા.
ફ્રાન્સની ટીમે ૨૦૨૨ના વર્લ્ડ કપમાં પણ ફાઈનલ સુધીની સફર ખેડી હતી અને આખરે ચેમ્પિયન બનેલી આર્જેન્ટીનાની ટીમની સામે જોરદાર સંઘર્ષ કર્યો હતો. હાલમાં ડેસ્ચેમ્પ્સનું ફ્રાન્સના હેડ કોચ તરીકેનું ૧૪મું વર્ષ ચાલી રહ્યું છે અને તેઓ ફરી વખત ફ્રાન્સને વિશ્વવિજેેતા બનાવવાનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ વર્લ્ડ કપ દરમિયાન જ તેમના માતા જિનેટનું અવસાન થયું હતુ અને તેમના અંતિમ સંસ્કાર માટે તેમને સ્વદેશ પરત ફરવું પડયું હતુ. તેઓ ફ્રાન્સ અને સ્વિડન વચ્ચેની આખરી લીગ મેચમાં હાજર રહી શક્યા નહતા. જોકે ત્યાર બાદ તેમણે ફ્રાન્સના ફૂટબોલ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવતા ટીમ સાથે તરત જોડાવાનો નિર્ણય લીધો હતો. ડિડિયરે આ વર્લ્ડ કપ બાદ હેડ કોચ તરીકે વિદાય લેવાની જાહેરાત કરી દીધી છે. હવે તેમનું સ્વપ્ન સાકાર થશે કે નહીં તેે તો આવનારો સમય કહેશે.