વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે, કોઇ લીલા સાદ જેવું લાગે છે સાવ ઓચિંતા ફૂટયાં તૃણો બેહદ, માટીમાં ઉન્માદ જેવું લાગે છે

સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
बरसात का बादल तो दीवाना है क्या जाने, किस राह से बचना है किस छत को भिगोना है
નિદા ફાઝલીના આ પાગલપનને સાકાર કરતુ ચોમાસું કેવુંક હશે આપણા માટે ?
જી રે…ગોરંભા ઊમટયા
ઘેઘુર આભમાં
ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
ઊંડે અજવાળા તબકી-
ઝબકી જાગતાં
જાણે ઝીણેરું ઝળકંતી તલવાર રે
જી રે..
તપતી માટીએ કીધી કંઇ કંઇ આરદા
ઊંચું ઝાંખે રે જળતળ થઈને સાબદા
વેરી તૂટયા તૂટયા કાંઈ વચનું વાયદા
ક્યાંથી ચડશે ક્યાં ઢળશે ચતરંગ સાયબો
કોઈ અણસારો ઊગે ના લગાર રે
જી રે…
કેવા ગઢની કુંવરીયું કોણે નોતરી
અક્ષત-કંકુ લૈ ઊભી જે આગોતરી
દીધી જળના સ્વયંવરની કંકોતરી
કરશે લેખા-જોખા ને અક્ષર માંડશે
મોંઘા મૂલે મુલવાશે મૂશળધાર રે
જી રે…
સં જુ વાળાની આ કવિતા હવે જે શબ્દો મ્યુઝિયમમાં મુકાઈ જવાના હોય એવું લાગે એ ગુજરાતીમાં વરસાદના આગમનની છડી તળપદી શબ્દો સાથે પોકારે છે. ગોરંભો જેવો શબ્દ ગુજરાતીઓને પણ ચોમાસું બેસી ગયા છતાં યાદ નથી આવતો. વરસાદ આવું આવું થાય એનો માહોલ બંધાય એ ગોરંભો. આકાશ વાદળછાયું બને. પવન ઠંડો ફૂંકાય અને ફરસ પર ચીકણો ભેજ બાઝવા લાગે એ ગોરંભો. ઓણ સાલ (આ વર્ષે) વરસાદ ઓછો ને ગોરંભો વધુ હોય એવા વાવડ છે. દલપત પઢિયાર યાદ આવી જાય કે 'ગોરંભો લઇ ગગન ઝળુંબે એક પડે ના ફોરું, તારે ગામે ધોધમાર ને મારે ગામે કોરું !'
કવિ અહીં વાદળ સાવજ જેવા શૂરા યોદ્ધા તરીકે કલ્પે છે. એટલે એમની ગર્જનામાં એમને ડણક સંભળાય છે ને ઝબૂકતી એમની વીજળી તલવારો જેવી લાગે છે. બફારા ને ગરમીમાં તપી ગયેલી માતીએ કૈંક અરજીઓ કરી છે અને જળસપાટી નીચે ઉતારી હોય ઉનાળો લંબાઈ જતા એણે વધુ ઉંચે જોવું પડે વરસાદી વાદળો માટે, જાણે ક્યાં આવી ચડશે એની સવારી એ કહેવાય નહિ. વાયદો તૂટી જાય તો આ લખાય છે ત્યારે હવે વર્ષોથી જૂનને બદલે જુલાઈમાં શિફ્ટ થયેલો વરસાદ આવે છે એ છપાય ત્યાં સુધીમાં ઉડી પણ જાય. પણ જો ધબધબાટી બોલાવી દે વરસાદ તો જાણે મેઘરાજાને વરવા માટે જળકુંવરી સજીધજીને મિલનની કંકોત્રી લખે એવો ઉત્સવ
રચાઈ જાય!
વર્ષો પહેલા લીલા પાંદડાના ક્લોરોફિલ હરિતદ્રવ્યની બાયોલોજી વાંચેલી ત્યારે થયેલું કે આપણી આસપાસ પ્રકાશ અને પાણીમાંથી જીવન બનાવતી નાની નાની કેવી ફેકટરીઓ કુદરતે સર્જી છે, જેને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના સરકારી સર્ટીફિકેટ કે સહાયની જરૂર નથી. એ ઉત્પાદન વેંચવા કે કમાવા નથી કરતી. એ એટલે લીલાછમ છે કે એને બસ પોતાનું હોવું જ નિભાવવું છે. વરસાદ પડયા પછી લીલુડી ધરતી થઇ હોય ત્યારે એના ટીપાં જોયા કરવાની પણ એક મજા હોય છે. છત પર નળિયા હોય તો એની ધારેથી પડતાં ટીપાં જૂના થઇ ગયા હોય એમ લાગે પણ હજુ બારીની રેલિંગ પર યુનિફોર્મમાં બેસેલા બાળકોની જેમ એ હારબદ્ધ ગોઠવાઈ જાય છે. આંગણે કોઈ વૃક્ષ કે છોડનું કૂંડું હોય કે કોઈ વેલ તો એમાંથી ટપ ટપ એ દડયા કરે છે. એવી સાક્ષી પરવા કે વરસાદ અમને સ્પર્શીને ગયો છે, એનો ખુમાર હજુ ઓસર્યો નથી !
રીડરબિરાદર શ્રધ્ધા વ્યાસ શાહ કેવી આહલાદક અભિવ્યક્તિ કરે છે! વાંચો : 'અત્યાર સુધીના સૌ વિચારો ધોવાઈ જાય એમ,એમાં હરખ શોક, સુખ દુ:ખ બધુય સાફ થઈ જાય એમ,એની ઠંડકથી સંપૂર્ણપણે મારો ખાલીપો ભરાઈ જાય એમ,દોગલાં કે કપટી, સ્વાર્થી સંબંધો સમૂળગા ધોવાઈ જાય એમ… ગુલાબી હથેળીઓ ચમકવા લાગે,કપાળ મારું તગતગે.અંગેઅંગ નવી બાળસ્મિત સમી તાજગી આવે, સકારાત્મક સમજનું સંયોજન પૂરાય એમ…ન્હાવું છે મારે વ્હાલા વરસાદમાં.
વાદળો ઓઢીને, વાતાવરણ બનીને,ન સ્ત્રી, ન પુરુષ, ન દીકરી, ન બહેન, ન પ્રેયસી, ન પત્ની, ન માતા.ન નામ, ન મોહ, ન સંબંધ. બસ એમાંથી દુન્યવી કશું જ નહિં.એક કાચી માટીનો ગારો બનીને હું ભીંજાઉને સતત પછી એટલું ન્હાઉં ,કે એ ધારાઓમાં જ ઓગળતી જાઉં… એ કાચી માટીની પગદંડીની કોરે વહેતી વહેતી દૂર દૂર પ્રદેશો વિચરતી, દેશ, વિદેશ ફરતી ફરતી છવાતી વિચરતી ઉખળતી પ્રસરતી જાઉં. ને અંતિમ સમયે ઋતુઓને તડકે રજ બની પૂજાના કુમકુમમાં ભળી કોઈક ઉંબરે સાથિયામાં સમાઉ. કયાંક આસ્થાથી કોઈકના ઈશ્વરને લલાટે તિલક બની જાઉં.કોઈ સુવાસિનીના પ્રેમનું ઈંન્દ્રધનુષ બની સેંથામાં સિંદૂર બની પૂરાઉં. કયાંક ભોળા બાલુડાંના નાનકડા હાથે મોંમાં માટી બની જાઉં.
અને અંતે યાત્રા પૂરી કરતાં કરતાં કોઈ મનમોજી દરિયાના મોહક મોજામાં રેતીને પલાળતાં ઉલાળતાં સાગરમાં સમાઈ જાઉં ! ભીંજાવું છે, ન્હાવું છે એવું આ વરસાદમાં.રેલાવું છે એમાં ને અંતે ઓગળી જાવું છે એ વરસાદમાં.વાદળ, વરસાદનું વાતાવરણ બની આખીય જિંદગી નવેસરથી લખવા ધોવાઈ જવું છે આ વરસાદમાં…'
બસ, આ જ તો છે વરસાદનો કસ. ચોમાસું આપણને જુનું ખંખેરીને નવું કરવા પ્રેરે છે. વરસાદ આવે ત્યારે બનતા ભજીયાંની જેમ એ ઋતુની પણ એક ખેંચી લેતી ખૂશ્બુ છે. બારિશ અચાનક બહુ વરસી પડે તો એની 'વેલ્યુ ડાઉન' થઇ જાય છે. પણ અત્યારે જે રીતે ગરમીમાં શેકીને તડપાવીને હાઉકલી કરે છે તો એની રાહ જોતા લોકો એના પર ઓવારી જાય છે. રોમાન્સમાં પણ આ ફંડા યાદ રાખવા જેવો છે. પ્રતીક્ષા પછી પ્રેમ આપો તો એનું મૂલ્ય છે. ને ધાર્યા મુજબ ના રહો થોડા અનપ્રેડિકટેબલ થાવ તો આપોઆપ સામી વ્યક્તિના મનમાં તમારું સ્થાન વધે છે. એ તમારા વિચારમાં રહે છે કારણ કે તમે વરસી જશો કે માત્ર દેખાઈને ગાયબ થઇ જશો એ નક્કી થઇ શકતું નથી !
ઘરમાં ઘૂસી આવે તે વરસાદ જુદો છે
અબોલાં ય તોડાવે તે વરસાદ જુદો છે
ચોખ્ખાં કરતો ઘસી-ઘસી પહાડોનાં અંગો
માતા જેમ નવડાવે તે વરસાદ જુદો છે
સરોવરને ક્યાં ખોટ ? પણ દાતાઓના દાતા
છલકતા છલકાવે તે વરસાદ જુદો છે
ભાન ભૂલી ભીંજાવું એ તે કઈ બલા છે ?
એનો અરથ સમજાવે તે વરસાદ જુદો છે
પાળા, પથ્થર, ભીત્યું, રસ્તા ને ફૂટપાથો
મૂઆને ફણગાવે તે વરસાદ જુદો છે!
ગત વર્ષે જ સ્વર્ગસ્થ થયેલા કવિ હર્ષદ ચંદારાણાની આ જાણીતી રચના આમ તો સાયન્ટીફિક ને ફિલોસોફિકલ ટ્રુથ સરળ શબ્દોમાં કહી દે છે. વરસાદ એક જ ઘટના છે. પણ એના સ્વરૂપ અને એના અર્થઘટન અલગ અલગ હોય છે. જેવો આપણો મૂડ એવો લાગે વરસાદ આપણને. વોંગ કાર વાઈની કલ્ટ ક્લાસિક બનેલી આર્ટહાઉસ ફિલ્મ ' ઇન ધ મૂડ ફોર લવ'માં પોતપોતાના જીવનસાથીની ઉપેક્ષાનો ભોગ બનેલા બે એક્લાવાયા જીવ, એક સ્ત્રી ને એક પુરુષ હોંગકોંગમાં (શૂટિંગ થાઈલેન્ડ થયેલું ) નૂડલ્સ લેવા એકલા એકલા આવે છે ત્યારે સાંકડી અંધારી ગલીઓમાં ને પગથિયાં પર વરસાદને લીધે જરાક ધીમી ચાલતી થયેલી દુનિયામાં એકમેકને મળ્યા ને જોયા કરે છે. એમાં કોઈ પ્રેમ નથી, આકર્ષણ પણ નથી. પણ વરસાદ પડતો હોય ત્યારે કોઈ સથવારાની જે ભૂખ લાગે એ મોસમનો મિજાજ શેર કરવાની, એની વાત છે.
પોલેન્ડની એના રાષ્ટ્રીય ઓળખ જેવા સંગીતકાર શોપાં (અંગ્રેજી સ્પેલિંગ પરથી ચોપિન બોલવાનું મન થાય એ)ના પેરિસમાં વીતાવેલા દિવસો પરથી એક ફિલ્મ બનીને ગયા વર્ષે આવેલી. એમાં એને ગમી ગયેલી સ્ત્રી સાથે શોપાં ટાપુ પર ફરવા જાય છે ત્યારે એની ટીબીની ત્યારની ઘટક બિમારી અવગણીને પણ ધોધમાર વરસાદમાં પલળે છે. અહીં જીવનમાં કશુંક જડી ગયાનો આનંદ વરસાદના વાતાવરણથી વ્યક્ત થાય છે. ને પછી એની તબિયત એમાં લથડી પડતા ગંભીર હાલતમાં એને ત્યાંથી ખસેડવા માટેની મથામણ એની પ્રેયસી કરે છે ત્યારે એ જ વરસાદ હોરર બનીને મોતની કાલિમાં ફેલાવતા ભય જેવો લાગે છે !
કોઈ બાળક માટે વરસાદ રમવાનાં છબછબિયાં છે તો કોઈ વૃદ્ધ માટે વરસાદ એ લપસી ના પડાય એ માટે ભરાયેલા ખાબોચિયાં છે. સરસ તૈયાર થઈને કોઈ ફંકશનમાં જવા માંગતી યુવતી કે અગત્યના કામથી ટ્રેન કે ફ્લાઈટ પકડવા માટે ભાગતા યુવક માટે વરસાદ શત્રુ છે, તો સ્કૂલ કોલેજના લેસન કે અણગમતી ડયુટીમાંથી છુટ્ટી અપાવતો વરસાદ મિત્ર છે. કોઈ સાહિત્યસંગીતની મહેફિલમાં એ પ્રેરણા આપતો ઉદ્દીપક છે તો કોઈ ગૃહિણી માટે સૂકાતાં કપડાં લેવાની ઉતાવળની ફડક છે. ખેડૂત માટે એ વરસાદ બેંક સ્ટેટમેન્ટ છે તો ઝુંપડપટ્ટીમાં રહેતા કંગાલો માટે હાઉસ રેન્ટ છે ! કોઈ મયુર કે દાર્દૂર (દેડકાં) માટે મેટિંગ કોલ છે, તો કોઈ રાહત કે બચાવની ફરજ માટે મીટિંગ કોલ છે ! ક્યાંક એ અકસ્માત સર્જતો યમ છે તો ક્યાંક એ ગરમાગરમ કોફીના શેરિંગનો પ્રેમ છે. કોઈને એ નડે છે, કોઈ એમાં ઉઘડે છે. કોઈ માટે એ સમરણની કેદ છે, તો કોઈ માટે સર્જનની મુક્તિ ! બધાનો વરસાદ અલગ છે. વરસાદનું રૂપ અલગ છે. ક્યાંક માના વહાલ જેવું, ક્યાંક બાપની ધોલ જેવું. ક્યાંક ઝરમર હસતા શિશુ જેવું તો ક્યાંક તોફાન મચાવી બધું ખેદાનમેદાન કરતા પશુ જેવું !
તાજેતરમાં આયર્લેન્ડના પ્રવાસ દરમિયાન એક પુસ્તક મળી ગયું ડબલિનમાં રઝળપાટ કરતા. મસ્ત રીતે રંગીન ચિત્રોથી સજાવાયેલું, ક્વોલિટી લે આઉટ પ્રિન્ટિંગ પ્રોડક્શનવાળું અને ૨૦૨૫માં 'બેસ્ટ આઈરિશ બૂક'નો ખિતાબ જીતી ગયેલી એ કિતાબનું નામ છે 'નાઈન્ટી નૈન વર્ડ્સ ફોર રેઇન ( એન્ડ વન ફોર ધ સન !) મન્ચાન મગાનનું લખેલું ને મેગ્ન લુડ્ડીએ સજાવેલું. મોટી સાઈઝની હાર્ડ બાઉન્ડ બુકમાં મોટે ભાગે દરેક પાને એક તરફ ચિત્ર છે ને બીજી તરફ સેલ્ટિક ભાષાનો વરસાદ માટેનો એક શબ્દ કે વાક્ય. એની અંગ્રેજી સમજૂતી સાથે ! એ વાંચો એમ ભાષા સાથે એ સંસ્કૃતિએ વરસાદના કેવા કેવા રંગો ઝીલ્યા છે એનો અહેસાસ થાય.
કડાકેદાર વરસાદ, લાગતો હોય એવો વરસાદ, બૂટની અંદર ઘુસી જતો વરસાદ, શીતળ લહેરખીઓવાળો વરસાદ, લપસી પડાય એવો વરસાદ, વરસાદ પછી ફરતા પોતાંનો સર સર અવાજ, વરસાદી ભેજની ગંધ, વરસાદમાં ફિક્કો સૂર્ય, વરસાદમાં રચાતું ધુમ્મસ, વરસાદમાં કાદવથી પોચી જમીન, વરસાદમાં ઉમટી પડતા પૂર,વરસાદમાં ખખડતા આવરણોનો અવાજ, એકધારી બારિશ, વર્ષાના છૂટાં ઝાપટાં…અને એમાં એક શબ્દ છે 'ઐટીઆલ'. મતલબ બે વરસાદ વચ્ચેનો ઉઘાડનો ઉલ્લાસમય ગાળો, જેમાં બહાર નીકળીને વરસાદ પડયા પછીનો વૈભવ જોઇને તાજામાજા થઇ શકાય બીજી વાર વરસાદ પડે એ પહેલા એ ચમકીલો સમય !
આપણે કેમ આવા સંસ્કૃત કે ગુજરાતી શબ્દોના ગ્રંથો નહિ બનાવતા હોય એવા સવાલ સાથે એક બીજો સવાલ થાય કે બનાવો તો પણ વાંચે કોણ ખરીદીને ! બાકી, આપણો વારસો તો મેઘરસનો વારસો છે. ભારતનો વરસાદ માત્ર વિરહવિષાદનો સેડ મૂડ નથી, એ તો રેઇન થકી હુસ્ન કે લાખો રંગ ને અંગ દેખાડવાની વિલાસી માદકતા છે. સેમ્પલ તરીકે વરસાદની ઋતુમાં 'મદકલકલા:' જેવો શબ્દ આપનાર અમરુકના અમરૂશતકનો આ એક શ્લોક ચાખો વરસાદમાં તાજી ન્હાયેલી યુવતીના વર્ણન માટે.
'સ્તનાભોગપ્રાપ્તં તનુ પરિસરં સ્નાનસલિલં, સમાશ્લિષ્ટા: કેશા: કરતલવિસૃષ્ટા: શ્રુતિપથા:।તથા ચેદં ગાત્રં સ્મરશરનિવાસોચિતતરં,કિલાભૂદ્દ્રષ્ટિસ્તત્વદનુ વિભવાદાશ્ચર્યમયી।।' અર્થાત્, વરસાદમાં ભીંજાવાનું સ્નાત્કર્યા પછી નાયિકાના સુડોળ સ્તનો પર જે પાણીનું પાતળું પડ બાકી રહી ગયું છે, જે તેના શરીરની લિસ્સી ચમક યાને ત્વચાની કાંતિને વધુ ઉઘાડી પાડે છે.એના સમાશ્લિષ્ટા: કેશા: એટલે ભીના વાળ જે પલળવાને લીધે એકબીજા સાથે વળગેલા છે, એ વાળને'કરતલવિસૃષ્ટા: શ્રુતિપ્રથાથ' એટલે કે એણે હાથ અંગડાઈ લેતો વાળીને (મુખ પર લટ ના આવે એમ) કાનની પાછળ હટાવ્યા છે, જેનાથી તેના ચહેરાનું સૌંદર્ય વધુ પ્રગટ થાય ! અને એ મોહક કમનીય અદાને લીધે એ ભીંજાયેલી રમણી સ્મરશર બની ગઈ છે.'સ્મર' એટલે કામદેવ અને 'શર' એટલે બાણ. નાયિકાનું ભીનું શરીર અને એનો આ સ્નાનને લીધે પુષ્ટ ઉરાજોની તંગ અણીઓ ઉપસે એમ કોણી વાળી પાછળ વાળ વાંધતો હાથ એ આખું દ્રશ્ય જ જાણે એના શિરીને કમાન બનાવે છે અને એના વક્ષને તીર ! એટલે એ સ્વયં હવે સ્ત્રી નહિ પણ વરસાદમાં ભીંજાઈને કામદેવનું બાણ બની ગઈ છે જે આરપાર વીંધી નાખે ભલભલા મહારથીને ! કામદેવના બાણોને ધારણ કરી પ્રહાર કરવા તૈયાર આ કાયાધનુષમાંથી તીરની જેમ આંખોમાં ભોંકાતા સહજ ઉન્મત્ત સૌન્દર્યને લીધે પુરુષ એને આશ્ચર્યચકિત થઇ નીરખ્યા કરે છે !
અહા, પરવીન શાકિરનો શેર આ શ્લોક વાંચતા યાદ આવી જાય : અબ ભી બરસાત કી રાતો મેં બદન તૂટતા હૈ, જાગ ઉઠતી હૈ અજબ ખ્વાહિશે અંગડાઈ કી !જોયું છે આવું દ્રશ્ય ? પરણિત યુગલોમાં પણ આ કાવ્યાત્મકતા નથી રહી ! આ રસિકતાનું રાજ ના માણે એમના માટે શીર્ષકના કવિ મનોજ ખંડેરિયાની એ જ ગઝલનો શેર :
ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે !
ફાસ્ટ ફોરવર્ડ
All you who sleep tonight
Far from the ones you love,
No hands to left or right,
And emptiness above –
Know that you aren't alone.
The whole world shares your tears,
Some for two nights or one,
And some for all their years.
(VikramSeth)









