મંત્રરૂપી બીજ અને સિદ્ધિરૂપી ફળ!

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- 'ઐં' આખા સંસારની ઉત્ત્પત્તિ માટેનું કારણભૂત બીજ છે. ભગવાન બ્રહ્મા હોય કે પછી મધુ-કૈટભ સમાન રાક્ષસ, બંનેને ફળ આપનારું બીજ છે આ!
વા ક્-સિદ્ધિ પ્રદાન કરનારા વાગ્બીજની સાધનામાં જે વિનિયોગ ઉપયોગમાં લેવાય છે, એના વિશે ગયા અઠવાડિયે વિસ્તારમાં વાત માંડી હતી. વિનિયોગના છ અંગોમાંના બે 'ઐં' બીજ અને 'હ્રીં' શક્તિના હોવા પાછળનું કારણ જાણવાની સમજૂતી હવે આગળ વધારીએ.
વાગ્બીજ અર્થાત્ 'ઐં' બીજમંત્રનો વિનિયોગ :
બ્રહ્મા ઋષિ છે અને દેવતા મહાસરસ્વતી છે, 'ઐં' બીજ છે. આમ છતાં 'હ્રીં' શક્તિ કેમ? હ્રીં તો માયાબીજ છે, મા લક્ષ્મી, ત્રિપુરસુંદરી અને ભુવનેશ્વરીનો બીજમંત્ર છે. જોવા જેવી વાત એ છે કે સાધના વાગ્બીજ અર્થાત્ દેવી મહાસરસ્વતી અને મા માતંગીની છે. આ સાધનાના વિનિયોગમાં મા લક્ષ્મીના બીજમંત્રનું શું પ્રયોજન?
ભારતના અંતરિયાળ વિસ્તારોમાં એક લોકપ્રચલન છે. આજકાલ તો મેટ્રોસિટીના લોકો પણ આમાં વિશ્વાસ ધરાવે છે. એમનું માનવું છે કે મા લક્ષ્મી હંમેશા જિજ્ઞાસુ બનીને મા સરસ્વતીની પાછળ જાય છે. દેવી સરસ્વતી શું કરી રહી છે, એમનો નિવાસ ક્યાં છે એ જાણવામાં દેવી લક્ષ્મીને બહુ રસ! જ્યાં દેવી સરસ્વતી જાય, એમની પાછળ પાછળ મા લક્ષ્મી પણ એ સ્થાન પર સ્થિર થાય.
આખી વાતનું તાત્પર્ય એ કે જ્ઞાન થકી સમૃદ્ધિ આપોઆપ પ્રાપ્ત થાય છે. ધ્યાન માત્ર જ્ઞાન કેન્દ્રિત કરવામાં હોય, તો ઐશ્વર્ય અને સંપત્તિ તો મળવાના જ છે! આથી, પ્રાચીન ભારતમાં રંકથી માંડીને રાજા સુધીના લોકોએ પોતાના સંતાનને ગુરુકુળમાં જ શિક્ષા આપવી એવો નિયમ હતો. આ વાત સુદામા જેવા ગરીબથી માંડીને શ્રીકૃષ્ણ સમાન અવતારી બાળક અને શ્રીરામ સમાન રાજકુમારને પણ લાગુ પડતી. શિક્ષા પૂર્ણ કર્યા પછી સૌકોઈ પોતપોતાનો સ્વધર્મ નિભાવવા નીકળી પડતા. સૌને એ વાતની જાણ હતી કે જ્ઞાન વિના પ્રાપ્ત થતું ઐશ્વર્ય ક્ષણિક હોય છે. વગર શિક્ષાએ પ્રાપ્ત થતી સમૃદ્ધિ અથવા સંપત્તિ લાંબા સમય સુધી સ્થિર રહેતી નથી. શ્રી અર્થાત્ લક્ષ્મી તો આમ પણ ચંચળ જ હોય છે. એમને એક સ્થાન પર સ્થિર અને સ્થાયી રાખવા માટે બે પ્રકારની ઊર્જા સહાયભૂત થઈ શકે. (૧) સ્વયં નારાયણ, જેમના વૈકુંઠમાં લક્ષ્મી સ્થિર છે અને (૨) દેવી સરસ્વતીની કૃપા, જે જ્ઞાન અને વૈરાગ્યના આશીર્વાદ આપી જાણે છે.
આથી, આ બે સંજોગો સિવાયના એકપણ વિકલ્પોમાં મા લક્ષ્મીને સ્થાયી કરી શકવા સંભવ નથી. આ કારણોસર, વાગ્બીજના વિનિયોગમાં 'ઐં' બીજ છે અને 'હ્રીં' શક્તિ છે. 'ઐં' અર્થાત્ જ્ઞાનનું બીજ, વૈરાગ્યનું બીજ, વિદ્યાનું બીજ, સદ્બુદ્ધિ પ્રદાન કરનારું બીજ.
ગુજરાતીમાં એક કહેવત છે, 'જેવું વાવો, એવું લણો'! જેવું બીજ હશે, એવું વૃક્ષ ઊગશે. જેવું બીજ હશે, એવું ફળ પાકશે. જેવું વાવશો, એવું જ પ્રાપ્ત કરશો. અહીં અગત્યની વાત એ છે કે મનુષ્યની ચેતનામાં 'ઐં' બીજરૂપી ફળ વાવવા માટે ઋષિ-મુનિઓએ વિનિયોગમાં તેને સ્થાન આપ્યું. જો ચિત્તમાં વાગ્બીજ વાવવામાં આવે, દેવી સરસ્વતીને મસ્તિષ્કમાં સ્થાયી થવાની પ્રાર્થના કરવામાં આવે, તો ભવિષ્યમાં જે ફળ પ્રાપ્ત થશે, એના લીધે મનુષ્ય છકી નહીં જાય, મોહાંધ નહીં થાય.
વિદ્યાનું બીજ આગળ જઈને વિદ્યા જ આપશે. સાથોસાથ, મા લક્ષ્મીની કૃપા પણ લઈને આવશે. આથી, એ સમયે માણસની બુદ્ધિ સ્થિર રહે, એ કુંઠિત ન થઈ જાય એ માટે બીજનું વાવેતર સાત્ત્વિક હોય, એ સુનિશ્ચિત કરવું જરૂરી છે. 'ઐં' આખા સંસારની ઉત્ત્પત્તિ માટેનું કારણભૂત બીજ છે. ભગવાન બ્રહ્મા હોય કે પછી મધુ-કૈટભ સમાન રાક્ષસ, બંનેને ફળ આપનારું બીજ છે આ! હવે એ નિર્ણય સાધકના હાથમાં રહે છે કે તેણે બ્રહ્મા બનીને સાત્ત્વિક રીતે પોતાના જીવનમાં નિર્માણની પ્રક્રિયા આગળ વધારવી છે કે પછી મધુ-કૈટભ બનીને તામસિકરૂપે અવિદ્યા પ્રાપ્ત કરવી છે!
વિનિયોગમાં આગળ 'હ્રીં' શક્તિ કેમ છે, એના વિશે આવનારા અંકે વાત કરીશું.




