Ravi Purti

વિવેકની એકલવ્ય-નિષ્ઠા

By GS Team
19 Sep 20267 mins read
TukuTouch Logo
કેરળના ઉષા સૂલાપાનીએ 'ધ વન-સ્ટ્રો રેવોલ્યુશન' પુસ્તકથી પ્રેરિત થઈને રસાયણમુક્ત ખેતી અપનાવી. તેમણે પતિ સાથે 'થાનલ' સંગઠન દ્વારા ભારતમાં સ્વદેશી ચોખાની જાતોનું સંરક્ષણ કર્યું. 'સેવ અવર રાઇસ' અભિયાન હેઠળ 6 રાજ્યોના 30,000 ખેડૂતોને જોડી, લુપ્તપ્રાય જાતોને બચાવી. તેઓ મહિલા સશક્તિકરણ અને યુવાનોને કૃષિમાં જોડવા પણ પ્રયત્નશીલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિવેકની એકલવ્ય-નિષ્ઠા
  • આજકાલ - પ્રીતિ શાહ
    છત્તીસગઢના ભિલાઈમાં રહેતા વિવેક શંગારીએ ચાર વર્ષની ઉંમરે માતાની વાત્સલ્યપૂર્ણ છત્રછાયા ગુમાવી એટલું જ નહીં, પરંતુ પિતાને જુગાર અને દારુનું વ્યસન હોવાથી તેમણે વિવેક અને તેની નાની બહેનને તેના નાના ભાઈને સોંપી દીધા અને તે જવાબદારી વિવેકના કાકાએ અનિચ્છાએ સ્વીકારી. અગિયાર વર્ષની ઉંમરે ભિલાઈમાં સ્કૂલથી છૂટીને એક ગલીમાં ચાલતો જઈ રહ્યો હતો, ત્યારે એક જગ્યાએ ઊભા રહીને જોયું તો ટૅક્નિશ્યનો બીબીસી માઈક્રો કેમેરા લગાવી રહ્યા હતા અને સ્ક્રીન પર પિંગ પોંગની રમત ચાલી રહી હતી. તેમાં તેને રસ પડયો, પરંતુ ૧૯૮૭માં ભિલાઈમાં કોઈ કમ્પ્યૂટર શીખવે તેવા શિક્ષક નહોતા.
    દસ રૂપિયામાં કમ્પ્યૂટર વાપરવા આપતા. તે રીતે વિવેક કમ્પ્યૂટર શીખ્યો, પણ અભ્યાસમાં નબળો હોવાથી કૉલેજના પ્રથમ વર્ષમાં હતો ત્યારે એના કાકાએ ફીના પૈસા આપવાના બંધ કરી દીધા અને ઘરમાંથી કાઢી મૂક્યો. એણે એક કમ્પ્યૂટર સંસ્થાના માલિકનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે તે કોડિંગ કરી શકે તેમ છે. માલિકે તેની પરીક્ષા લઈને ચકાસણી કરી. અહીં તેને ઇન્સ્ટ્રક્ટર અને લેબ આસિસ્ટન્ટ તરીકે પાર્ટ ટાઈમ નોકરી મળી અને ત્યાં રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. ત્યાં વીસ કમ્પ્યૂટર અને સેંકડો પુસ્તકો વચ્ચે રહીને વિવેક ઘણું શીખ્યો. ૧૯૯૮માં તેનો એક મિત્ર બઁગ્લુરુથી આવ્યો અને તેને પુસ્તકો આપ્યાં. પુસ્તકો જે અખબારમાં વીંટાળેલા હતા તેમાં બઁગલુરુની એક કંપનીની જાહેરખબર હતી. તે વાંચીને ઉછીના પૈસા લઈને બઁંગલુરુની ટિકિટ ખરીદી અને ત્યાં જઈને પરીક્ષા આપીને પાછો આવ્યો. પોતાની પાસે તો ફોન નહોતો, તેથી કમ્પ્યૂટર ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટનો નંબર આપેલો તેથી તેના પર ફોન આવ્યો અને મહિને સાત હજાર રૂપિયાની નોકરીનો પ્રસ્તાવ મળ્યો. કંપનીએ જણાવ્યું કે તેની પાસે કોઈ ડિગ્રી ન હોવાથી અન્ય કર્મચારી કરતાં ઓછો પગાર મળશે.
    વિવેક શંગારી બઁગલુરુ પહોંચ્યો, ત્યારે તેને જણાવવામાં આવ્યું કે તેની નોકરીમાં એએનએસઆઈ કોમન લિસ્પ અને કેલકુલસનો પણ સમાવેશ થાય છે. આ જાણતાં તે થોડો ભય પામ્યો અને મૂંઝાયો, કારણ કે સ્કૂલમાં તેના ગણિત શિક્ષકે તેના વર્ગમાં બધાની સામે તેની નિષ્ફળતા જાહેર કરી હતી, તેથી તેને લાગ્યું કે તે આ નોકરી કદાચ નહીં કરી શકે, પરંતુ અમેરિકામાં રહેતા કંપનીના માલિકે તેને તે અંગેનાં પુસ્તકો મોકલ્યાં, માર્ગદર્શન આપ્યું અને તે ધીરજથી શીખશે તો તે સફળ થશે તેવી ક્ષમતા તેનામાં છે તેવો વિશ્વાસ દાખવ્યો. ધીમે ધીમે વિવેકને અહેસાસ થવા લાગ્યો કે તે ગણિતનો એક નિષ્ફળ વિદ્યાર્થી નહોતો, પરંતુ એક એવો વિદ્યાર્થી હતો કે જેને યોગ્ય રીતે ભણાવવામાં આવ્યો નહોતો. તે નવું શીખવામાં એટલો તલ્લીન થઈ ગયો કે બીજાને શીખવવા લાગ્યો. શનિ-રવિની રજામાં તેના સહકર્મચારીઓને શીખવવા લાગ્યો. નવા વિદ્યાર્થીઓ, સુરક્ષા ગાર્ડનાં બાળકો, કર્મચારીનાં બાળકો, પડોશીઓમાં જેમના બાળકો શીખવા માગતા હતા તે સહુને શીખવવા લાગ્યો.
    વિવેક કહે છે કે, 'મારી કંપનીએ મને સંસાધન આપ્યા અને મેં પૂર્ણ સમર્પિત થઈને કંપનીમાં કામ કર્યું. તેના પરથી શીખવા મળ્યું કે તમે જેટલું આપો છો, તેટલું તમને પાછું મળે છે. ઈ. સ. ૨૦૦૦માં તેનો પગાર ચાળીસ હજાર થયો. એ પછી તો એણે આઈસીએસ, આઈસીઆઈસીઆઈ વનસોર્સ, એંડેલ જેવી અનેક કંપનીઓ સાથે કામ કર્યું. ત્યારબાદ તેણે ૨૦૦૬માં અન્ય સાથે મળીને એસએનગેજ નામની કંપની સ્થાપી. એ જ વર્ષે તેણે વિચાર ફાઉન્ડેશન અને કોડક્રાફ્ટ નામની કંપની શરૂ કરી. તેમને ન આવડતી બાબત કોમન લિસ્પથી એક વખત ભયભીત થયેલા વિવેક શંગારીની કંપની કોડક્રાફ્ટ તેનું જ કેન્દ્ર બની. એઆઈને કારણે લિસ્પ એન્જિનિયરની માગ ઘણી વધી છે. ૧૯૮૭માં ભિલાઈની ગલીમાં સ્કૂલમાં અભ્યાસ કરતાં કરતાં વિવેક જે શીખ્યો, તે વર્ષો પછી કામ આવ્યું. તેની કંપની કોડક્રાફ્ટમાં સૌથી વધારે લિસ્પ એન્જિનિયર હતા અને તેને ફોર્ચ્યુન ૧૦૦ કંપનીએ ૨૦૧૩માં ખરીદી લીધી.
    સંઘર્ષ અને સિદ્ધિનો અનુભવ કરનાર વિવેક શંગારી કહે છે કે, 'મારી પાસે મારું ઘર છે, મેડિકલ ઇન્સ્યોરન્સ છે. આર્થિક સ્થિતિ સારી છે. તેનાથી વિશેષ એક વ્યક્તિને કેટલું જોઈએ ? એમ કહીને એણે પોતાની મોટાભાગની મિલકત દાન કરીને સહુને ચોંકાવી દીધા. તેણે એકલવ્ય ટ્રસ્ટની સ્થાપના કરી. એકલવ્ય ટ્રસ્ટ એવા જરૂરિયાતમંદ બાળકોને મદદ કરે છે જેઓ શિક્ષણનો ખર્ચ વહન કરી શકતા નથી. તે બાળકોની અન્ય જરૂરિયાતો પણ પૂરી કરે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ફરીને જે બાળકો કામ કરે છે તેમના માતા-પિતાને સમજાવે છે કે તેઓ બાળકને સ્કૂલે મોકલે. તેને ભણવા દો, રમવા દો, એક બાળક તરીકે જીવવા દો. ટ્રસ્ટ તેનો ખર્ચ ભોગવશે, ટ્રસ્ટે બે વર્ષમાં ત્રણસો બાળકોને સહાય કરી છે. તેઓ એક બાળક પાછળ પ્રતિવર્ષ એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. તેઓ માને છે કે તેઓ નાના હતા ત્યારે બ્રહ્માંડે તેમની મદદ કરી ત્યારે એમણે નક્કી કરેલું કે એવો કોઈ સમય આવશે અને પૈસા હશે તો જેટલું તેમને મળ્યું છે, તેથી અધિક બ્રહ્માંડને પાછું આપીશ.
  • ઉષાએ સર્જી જાગરૂકતા

પુ સ્તકો વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન આણે છે, તેવું જ પરિવર્તન તિરુવનંતપુરમમાં રહેતા ઉષા સૂલાપાનીના જીવનમાં 'ધ વન-સ્ટ્રો રેવોલ્યૂશન' પુસ્તક વાંચવાથી આવ્યું. જાપાનના માસાનોબૂ ફુકુઓકાના આ પુસ્તકે ઉષાના જીવનની દિશા બદલી નાખી. રાસાયણિક ખેતીની વિરુદ્ધ ઘોષણાપત્ર જેવા આ નાના પુસ્તકે તેમને રસાયણો વિના ખેતી કરવા અને ખેતીને માત્ર ઉત્પાદનને બદલે અલગ દ્રષ્ટિકોણથી જોવાની સમજ આપી. રાસાયણિક જંતુનાશકોના છંટકાવનાં દુષ્પરિણામો દેખાવા લાગ્યા, તેથી ઉષા સૂલાપાની અને તેના પતિ થાનલ નામના સંગઠન સાથે જોડાયા. તેમણે એમના સહયોગીઓ સાથે મળીને દોઢ દાયકા સુધી ભારતના અનેક રાજ્યોની યાત્રા કરીને સ્વદેશી ચોખાની અનેક જાતોને સુરક્ષિત કરી.
૨૦૦૩માં પેસ્ટિસાઇડ એક્શન નેટવર્ક એશિયા પૅસિફિક દ્વારા ક્ષેત્રીય સ્તર પર 'સેવ અવર રાઇસ' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં થાનલ સંગઠને સ્વદેશી ચોખાની જાતો અને પારિસ્થિતિક ખેતીનું આંદોલન ઊભું કરવામાં મદદ કરી. બે દાયકા કરતાં પણ વધુ સમયથી 'સેવ અવર રાઈસ' અભિયાનનું નેટવર્ક ભારત ઉપરાંત શ્રીલંકા, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, ચીન, ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઇલૅન્ડ, વિયેટનામ સહિત સમગ્ર એશિયામાં ચાલે છે. તેના દ્વારા રાઈસ ડાયવર્સિટી બ્લોક અને સામુદાયિક બીજનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં પારંપરિક જાતોનો સંગ્રહ કરવાને બદલે તેને ઉગાડવી, વધારવી અને સાચવવાનો ઉદ્દેશ છે. ખેડૂતોના ખેતરમાં તેને જીવિત રાખવાનો ઉદ્દેશ છે.
પોતાના અનુભવની વાત કરતા ઉષા સૂલાપાની કહે છે કે પહેલાં કેટલાક ખેડૂતો બીજ મેળામાં આવતા ખચકાટ કે સંકોચ અનુભવતા હતા, તેઓ આજે પોતાનું જ્ઞાાન અન્યને વહેંચે છે. તેઓ બીજ સંગ્રાહકના નિષ્ણાત બની ગયા છે. તેમાંના કેટલાંકે તો સામુદાયિક બીજ બઁક શરૂ કરી છે તો કેટલાકે ખેડૂત-ઉત્પાદક કંપનીઓ સ્થાપિત કરી છે. વ્હોટ્સએપ ગ્રૂપમાં પણ ખેડૂતો પોતાના અનુભવોની વાત કરીને એકબીજાને માર્ગદર્શન આપે છે. પંચાયત સ્તર પર બીજ બઁંકોમાં લાલ, કાળા અને સોનેરી રંગના ચોખા જોવા મળે છે. આ અભિયાન દરમિયાન વિલુપ્ત થવાની અણી પર હતી તેવી જાતો વિશે જાણકારી મળી. આવી જાતો વિશે એક-બે ખેડૂતો જ જાણતા હતા અને તેઓ તેમના ખેતરમાં નાના ખૂણામાં તેને ઊગાડતા હતા. આ અભિયાન દરમિયાન આવા બીજને શોધવામાં અને દસ્તાવેજીકરણ કરવામાં મદદ મળી. આજે ખેડૂતો આવા ચોખાની ખેતી કરી રહ્યા છે જેમાં તમિલનાડુના મપ્પિલઈ સાંબા અને મુલ્લાન કઝમા, કેરળની રક્તા સાલી અને કર્ણાટકની રાજામુદી જાતનો સમાવેશ થાય છે.
એક સમયે સાડા સાત લાખથી આઠ લાખ હેક્ટર જમીન હતી તે ૨૦૨૩-૨૪માં ૧.૮ લાખ હૅક્ટર થઈ ગઈ છે. ખેતી પર થતો ખર્ચ, શ્રમનો અભાવ, રિયલ એસ્ટેટનો વિકાસ ઉપરાંત જલવાયુ પરિવર્તનને કારણે સતત અનિશ્ચિતતા વચ્ચે ખેતી કરવી પડે છે. ક્યારેક પૂર આવે છે તો ક્યારેક દુષ્કાળ ! ઉષા સૂલાપાની ખેતીની ઈકોસિસ્ટમ સાથે જોડાયેલી સંસ્થાઓ સાથે કામ કરે છે. જલવાયુ પરિવર્તનને અનુકૂળ કૃષિ નિર્માણની નીતિ વિશે પરામર્શન કરે છે. કિસાન સ્વરાજની સંચાલન સમિતિના સભ્ય તરીકે રાષ્ટ્રીય સ્તરે પોતાનું યોગદાન આપી રહ્યાં છે. 'સેવ અવર રાઇસ' અભિયાન છ રાજ્યોમાં ચાલી રહ્યું છે.
ઉષા સૂલાપાની લૈંગિક ન્યાય પર ભાર મૂકે છે. તેમનું માનવું છે કે આધુનિક ખેતીમાં મહિલાઓને નિર્ણય લેવાની માન્યતા આપવાને બદલે તેને માત્ર એક મજૂર તરીકે સીમિત કરી દીધી છે. મહિલાઓ પાસે જમીન કે બીજની માલિકી હોતી નથી તેને કારણે બજાર મૂલ્ય નિર્ધારણ કરતી વખતે પણ તેની ભાગીદારી જોવા મળતી નથી. જ્યારે વાસ્તવિકતા તો એ છે કે જૈવિક તેમજ પ્રાકૃતિક ખેતીમાં મહિલા મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. તેઓ યુવાનોને પણ બીજ ઉત્સવ, ખાદ્યમેળા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સોશિયલ મીડિયા, સ્કોલરશિપ દ્વારા આમાં સામેલ કરવા માગે છે. દક્ષિણ ભારતમાં પારંપરિક ચોખાની જાતો અંગે લોકોમાં જાગરૂકતા આવે તે માટે ફૂડ વ્લોગર, ફિલ્મ સ્ટાર, ડાયેટિશિયન, ડૉક્ટરો જેવા અનેક લોકોનો તેમણે સંપર્ક કર્યો. સુંદરબનના ખેડૂતોએ આશરે બસો જેટલી ચોખાની જાતનું સંરક્ષણ અને પ્રચાર કર્યો છે, તો કર્ણાટકના માંડયા જિલ્લાના ખેડૂત પાસે તેરસો જેટલી ચોખાની જાત છે. અસમના કાઝીરંગા રાષ્ટ્રીય ઓર્કિડ અને જૈવ વિવિધતા પાર્કમાં ચોખાનો સંગ્રહ છે તો કેરળમાં અલુવા સ્ટેટ સીડ ફાર્મમાં ચોખાની દુર્લભ જાતો છે. આજે આ અભિયાન સાથે છ રાજ્યોના ત્રીસ હજાર ખેડૂતો જોડાયા છે. ઉષા સૂલાપાની ઇચ્છે છે કે યુવાનો અનાજના આ પારિસ્થિતિકી તંત્રને માત્ર ભૂતકાળના અવશેષરૂપે નહીં, પરંતુ એવા સ્વરૂપે જુએ કે તેના દ્વારા સાર્થક આજીવિકાનું નિર્માણ થઈ શકે છે તેવું લાગે. કૃષિનીતિમાં ખેડૂતોની મહત્ત્વની ભૂમિકાની આવશ્યકતા હોય છે. બીજ બચાવવાનો ઉદ્દેશ માત્ર પાકને બચાવવો તેવો નથી, પરંતુ પેઢીઓથી તેની આસપાસ વિકસિત થયેલ જ્ઞાાન, ભોજન, આજીવિકા અને ઈકોસિસ્ટમને સુરક્ષિત કરવાનો છે.