મમતાનો માળો ને માળાની મમતા

આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
પંખીના ઘરને માળો અને માણસના નિવાસને ઘર કહ્યું છે. બંનેમાં હૂંફ છે, મમતા છે પણ પંખીનો માળો પોતાના પુરુષાર્થથી બને છે….
'મા ળો' શબ્દને આપણે કેવળ પક્ષીઓના ઘરનો પર્યાય માનીએ છીએ, પણ માળો બને છે કેવી રીતે નિહાળ્યું છે? ચકલીનો માળો, સુગરીના માળા જેટલો કલાત્મક નથી હોતો. સુગરીના માળા જેવું કાગડાના માળામાં સૌંદર્ય નથી હોતું. કેવળ તરણાં એકઠાં કરવાથી જ માળો નથી બનતો, એમાં પંખી જોઈએ, ચાંચ જોઈએ, તરણું જોઈએ - એ ત્રણેય વચ્ચે સંવાદ પણ જોઈએ. ચકલી જ નહિ દરેક પંખી તરણાને નહિ મમતાને માળામાં ગોઠવે છે. મમતાના દ્રાવણમાં ભીંજાયેલું તરણું જ માળાનું અંગ બને છે. માળો બનવાનું નિમિત્ત બને છે. માળામાં જે બખોલ રચાય છે એ બખોલ મમતાનાં ઇંડા માટેની હોય છે. આ સમજણ અબોલ જીવને કોણ આપતું હશે? તે સાવ નકામાં તણખલાં પંખીની ચાંચમાં જઈ સોનેરી બની જતા હશે? તણખલાંની બરછટતા ક્યાં ચાલી જાય છે. મમતાની મુલાયમતા ક્યાંથી પ્રવેશ કરે છે? એ પ્રયાસ નર-માદા બંનેનો હોય છે. ત્હોયે માળો કોનો? તો માદાનું નામ જ બોલાય છે. પંખી મમતાનો માળો બનાવે છે માણસને માળાની મમતા હોય છે.
માળા પંખીએ પંખીએ નોખા. કોઈના માળામાં કોઈ જતા રહેવાની ભૂલ પણ ના કરે. કોયલ-કાગડી બંને વચ્ચે કોઈ સેતુબંધ હશે કે શું? એકના માળામાં બીજો પ્રવેશ કરી શકે. માળાનું સ્થાપત્ય જાણવા જેવું હોય છે. કેટલાક માળા તો ગમે તેવા વરસાદમાં અંદર પાણી ના પ્રવેશે એવા હોય છે. કબૂતરનો અને કલાડાનો માળો સુંદર નથી હોતો, સુગરીનો માળો કળાત્મક હોય છે. માળા ક્યાં કરવા, ક્યારે કરવા, કેવડા કરવા તે અંગેની કોઈ નિશાળો હોતી નથી. છતાં પંખીઓ કળાત્મક માળા બનાવી માણસોને બોધ આપે છે. પંખી માણસોની જેમ માળાની હંમેશાં માયા રાખતાં નથી. પંખીના માળામાં મમતા ઉછરે છે. મમતા ટહુકે છે.
પંખીના ઘરને માળો અને માણસના નિવાસને ઘર કહ્યું છે. બંનેમાં હૂંફ છે, મમતા છે પણ પંખીનો માળો પોતાના પુરુષાર્થથી બને છે. માણસનું ઘર બાપદાદા તરફથી પણ મળે, પુરુષાર્થ વગરના માણસો પણ ઘરવાળા હોય. પંખીમાં એવો અપવાદ ના ચાલે. નર અને માદા પંખીના લગ્નજીવનના કોઈ કરાર હોતા નથી, કોઈ ઢોલ-નગારાં વાગતાં નથી, નથી કોઈ જાહેર મેળાવડા કે રિસેપ્શનો ગોઠવાતા, છતાં પંખી-પ્રાણી જગતનું દામ્પત્યજીવન માણસના દામ્પત્યજીવન જેટલી સમસ્યાઓથી ઘેરાયેલું હોતું નથી. આ વિશેષતાથી માળો શબ્દ વ્હાલો લાગે છે. નિયંતા એ જગતને 'વિશ્વનીડ' બનાવીને જે બૃહદ અને વ્યાપકતા ઉપરાંત આત્મીયતાનાં અમૃત છાંટવાનો પ્રયત્ન કર્યો છે તે બેનમૂન છે.
પંખીને માળો બનાવવા માટે કોઈ આર્કિટેક્ટ કે કોઈ જ એન્જિનિયરની જરૂરત ઊભી નથી થઈ છતાં પંખીના માળામાં ઠંડી-ગરમી અને વર્ષાએ કોઈ ખાસ તારાજી સર્જી નથી. માણસોના ઘરમાં તો બીજે ચોમાસે પાણી પડે અને લીંપણ કરતા પ્લાસ્ટર-ધાબાનો તાપ વધારે જ લાગે. આને માણસ વિકાસ ગણે છે. પંખીને એ.સી.ની જરૂર નથી પડી. પંખીને નથી તાવ આવતો કે નથી લાગતી લૂ. કોઈ દાક્તર ઇન્જેક્શન આપી તેની આગળ છળ કરતો નથી. માણસ ઘરમાં ચોરેલું, ગેરમાર્ગે ભેગું કરેલું સંઘરે છે એ જ ઘરમાં ભગવાનનો રૂમ પણ રાખે છે. જે ઘરમાં તે માબાપની ઉપેક્ષા કરે છે એ જ ઘરમાં તે પત્નીને પ્રેમ નામનું નાટક કરી છેતરે પણ છે. પંખી ક્યાં પોતાનાં સંતાનોની ચિંતા કરે છે? છતાં કોઈ પંખીનાં સંતાનો ગરીબાઈનો અનુભવ કરી, નિસાસો નાખતાં જોયાં નથી. પંખી, પ્રાણી જગતમાં લાગણીનો અભાવ નથી હોતો. પણ પુરુષાર્થ અને પરિતોષનો ભાવ હોય છે. તરણાં જ સિમેન્ટ, તરણાં જ રેતી, તરણાં જ પાણી… એમાં ભળે છે મમતાનું મિશ્રણ. એક એક તરણું મમતાના દ્રાવણમાં દ્રવી જઈને પંખીના ઘરની ઇંટ બને છે.
નિરક્ષર પંખી જગતના માળાને કળા પ્રેમીઓ એમનેમ કળાત્મક કહેતા હશે? પંખીને ભલે કળાનો ખ્યાલ નહિ હોય, સૌંદર્યશાસ્ત્રનો અભ્યાસ નહિ હોય પણ એના મોટા ભાગના માળા સુંદર અને કળાત્મક હોય છે. સુઘરી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇંડા સરકી ના પડે, અન્ય ભક્ષક પંખી, પ્રાણીથી સુરક્ષિત રહે, પવન પાડી ન નાખે, વીંછી સાપ પહોંચી ના શકે એવી સલામત જગ્યા તે શોધી કાઢે છે. માળામાંથી હૂંફ પ્રાપ્ત થતી હોય છે. એ હૂંફ કોની? નિર્જીવ તરણાંની? પંખીના પગની? પંખીની પાંખોની? પંખીની ઝીણી આંખોની? કે પછી પંખીની ચાંચની? કે એ બધા દ્વારા સંવાદિતારૂપે જન્મ લેતી કુદરતી મમતાની હૂંફની? એમાંથી માણસ જાતે પદાર્થપાઠ પણ શીખવા જેવો છે. માણસો મમતાનો માળો બનાવવાને બદલે માળાની મમતામાં ઘેલા થઈ જાય છે. માળાની મમતા ખતરનાક હોય છે તે જીવનને હણી લઈને આત્માની સપાટીને ઝાંખી પાડનારી હોય છે. માણસ જાત એક કરતાં વધારે માળા (ઘર) બનાવે છે. છતાં એ ઘર વગરનો હોય છે એનો શું મતલબ?
માણસને માળાની મમતા છે. બંગલો બનાવી પ્રતિષ્ઠા સંતોષે છે. માણસ પોતાના બંગલાની આગળ જે નામકરણનો મોહ રાખે છે ત્યાં સુધી ઠીક છે, પણ એ બોલતાં 'અમારો' 'મારા' સાર્વજનિક વિશેષણનો જ્યારે ઉપયોગ કરે છે, તેનાથી બંગલાની વિશાળતા સંકીર્ણ થઈ જાય છે અને એમાં વસનારાની વૃત્તિઓ ઇન્દ્રિયાભિમુખ વધારે બની જતી હોય છે. પંખીનાં નામ વગરનાં ઘર એટલે જ જ્ઞાનીઓની વાણીમાં વાસ કરતાં હોય છે. આપણે પણ આપણા માળામાં મમતાના ટૌકા ઉછેરીએ.




