પહેલા શ્વાસની યાદ : સાચો અનુભવ કે સાંભળેલી વાર્તા?

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
ત મારી સૌથી જૂની, પહેલવહેલી યાદ કઈ છે? જરા આંખો બંધ કરીને, સ્મૃતિના ઊંડાણમાં ડૂબકી લગાવો. કદાચ બાળપણમાં ઉજવાયેલો કોઈ રંગીન જન્મદિવસ, ખભે દફતર ભરાવીને, ધૂ્રજતા પગલે ગયેલા શાળાનો પહેલો દિવસ, કે પછી વ્હાલથી માથે હાથ ફેરવતી દાદીમાનો હૂંફાળો ખોળો. માનવમન આવા સ્મૃતિચિત્રોને આજીવન વહાલથી સાચવી રાખે છે. પણ વિચારો ? શું કોઈ માણસ પોતાના, ખુદના જન્મની ક્ષણને યાદ રાખી શકે ખરો? માતૃગર્ભમાંથી બહાર આવીને, આ ધરતી પર પહેલો શ્વાસ લીધો તે ઘડી, કોઈના માનસપટલ પર અંકિત રહી શકે ખરી? વિશ્વપ્રસિદ્ધ 'બીટલ્સ' રોક બેન્ડના દંતકથારૂપ ગાયક અને સંગીતકાર, સર પાલ મેકકાર્ટની એક અત્યંત ચોંકાવનારો દાવો કરે છે. તેઓ કહે છે કે 'તેમને તેમની પ્રસૂતિ સમયની ઘટનાઓ બિલકુલ યાદ આવે છે! એ ક્ષણે ઑપરેશન થિયેટરમાં થતો, ચીપિયાઓનો તીણો ખણખણાટ, નવજાત શિશુ તરીકે પોતાને દુનિયામાં લાવનારા ડૉક્ટરનો ચહેરો, અને તેમનો આખો દેખાવ, આ બધું જ, તેમના મનમાં જાણે ગઈકાલે જ બન્યું હોય તેવું તાજું છે. પરંતુ, આ ખરેખર તેમના મનની એક સાચી અને વાસ્તવિક યાદ છે? કે પછી સમય જતાં, મગજે જાતે જ રચી લીધેલી કોઈ આભાસી કલ્પના છે ? તે તેમને ખુદને પણ ખબર નથી!
અભિમન્યુથી ફ્રોઇડ સુધી : સદીઓ જૂનો કોયડો
આ એક સીધા અને સરળ લાગતા સ્વીકારમાં, આધુનિક મગજવિજ્ઞાન એટલે કે ન્યુરોસાયન્સનો, સૌથી મોટો વણઉકેલાયેલો કોયડો છુપાયેલો છે. આધુનિક પ્રયોગશાળાઓનાં સંશોધનો સાબિત કરે છે કે 'નાનાં શિશુઓ બધું જ શીખી શકે છે, પળેપળનું ગ્રહણ કરી શકે છે અને અવનવી માહિતીને યાદ પણ રાખી શકે છે. તેમ છતાં આપણે જ્યારે પુખ્ત વયે પહોંચીએ છીએ, ત્યારે આપણા પોતાના જ જીવનનાં શરૂઆતનાં બે-ત્રણ વર્ષો, આપણી સ્મૃતિમાંથી એકદમ ભૂંસાઈ ગયેલાં કેમ માલૂમ પડે છે? માનવ સ્મૃતિએ કોઈ હાઈ-ડેફિનેશન વીડિયો ૅકૅમેરા નથી કે 'જે તમામ ઘટનાઓને જેમની તેમ ટેપ કે હાર્ડ ડ્રાઈવમાં રેકોર્ડ કરી રાખે.' તો શું જન્મની ક્ષણ જેવી અતિપ્રારંભિક ઘટનાને યાદ રાખવી, જૈવિક રીતે શક્ય છે ખરી ? ઇતિહાસના પાનાંઓમાં ઊંડા ઊતરીએ તો, આ કોયડો માનવજાત માટે ક્યારેય નવો રહ્યો નથી. સદીઓ જૂની મહાભારતની કથા કહે છે કે 'સુભદ્રાના ગર્ભમાં રહેલા અર્જુનપુત્ર અભિમન્યુએ, પિતાના મુખેથી ચક્રવ્યૂહ ભેદવાની ગુપ્ત વિદ્યા સાંભળી લીધી હતી. તેને ગર્ભાવસ્થામાં જ યાદ રાખી લીધી હતી.' પૌરાણિક દ્રષ્ટિએ આ એક ચમત્કારિક દંતકથા હોઈ શકે છે. જે આજે કોઈ પ્રયોગશાળામાં ચકાસાયેલું વિજ્ઞાન નથી.
આધુનિક મનોવિજ્ઞાનની દુનિયામાં આ કોયડાને, સૌપ્રથમ વાર ચોક્કસ નામ આપનાર ચિકિત્સક હતા : સિગ્મંડ ફ્રાઇડ. વર્ષ ૧૯૦૫માં પ્રકાશિત થયેલા, તેમના સીમાચિહ્નરૂપ પુસ્તક 'થ્રી એસેઝ આન ધ થિયરી ઑફ સેક્સ્યુઆલિટી'માં, તેમણે બાળપણની યાદોના આ રહસ્યમય અભાવ માટે, સૌપ્રથમ 'ઇન્ફન્ટાઇલ એમ્નેસિયા' શબ્દ પ્રયોગ વહેતો મૂક્યો હતો. ફ્રૉઇડની માન્યતા એવી હતી કે 'માનવમન પોતાની શિશુઅવસ્થાની અસહ્ય અને ઉત્તેજક લાગણીઓ કે યાદોને અચેતન મનમાં સભાનપણે દબાવી દે છે.' જોકે વીસમી સદીની શરૂઆતથી આજના અદ્યતન સંશોધનો સુધી આવી પહોંચીએ તો, વિજ્ઞાનની તસવીર ઘણી બદલાઈ ચૂકી છે. અસલ વૈજ્ઞાનિક કોયડો એ નથી કે 'શિશુ માહિતી સંગ્રહી શકે છે કે નહીં? અસલ કોયડો એ છે કે 'શિશુઅવસ્થા દરમિયાન અનુભવાયેલીએ ઘટનાઓ, કોઈ વિગતવાર અંગત પ્રસંગ એટલે કે એપિસોડિક મેમરી તરીકે, ફરીથી આપણને પાછી કેમ મળતી નથી?
દાદીમાની વાર્ર્તાની જેમ, બદલાતી યાદ
સ્મૃતિ વિજ્ઞાનમાં મગજના જે ચેતાકોષીય જૂથમાં, ચોક્કસ યાદ સંગ્રહાયેલી હોય, તેને 'એન્ગ્રામ' કહેવામાં આવે છે. આ એન્ગ્રામ અથવા સ્મૃતિચિહ્નોને શોધી કાઢવાની વૈશ્વિક મથામણમાં, આ બંને વૈજ્ઞાનિકોનું યોગદાન પાયાનું રહ્યું છે. જાસેલિનની લેબોરેટરી ખાસ કરીને એ દિશામાં કામ કરી રહી છે કે 'મગજના અબજો ન્યુરોન્સમાંથી, છેવટે કયા ચોક્કસ ચેતાકોષો? કોઈ નવી ઘટનાને સ્મૃતિપટલ પર 'પકડી' રાખે છે.
જો તબીબી પારિભાષિક ગૂંચવણો છોડીને, સાદી સરળ ભાષામાં સમજીએ તો, માનવ સ્મૃતિ એ કબાટના કોઈ ખાનામાં, કાયમ માટે સાચવી રાખેલો કોઈ જૂનો સ્થિર ફોટોગ્રાફ નથી. માનવ મગજનો હિપ્પોકેમ્પસ નામનો ભાગ, નવી યાદોનું નિર્માણ કરવામાં કેન્દ્રવર્તી એન્જિન જેવો છે. જે ક્યારેય એકલદોકલ કામ કરી શકતો નથી. ઘટનાની સ્મૃતિ ઘડવા માટે આંખોની દૃષ્ટિ, અંતરની લાગણી, ભાષા અને સેરેબ્રલ કૉર્ર્ટેક્સમાં ચાલતો લાંબા ગાળાનો સંગ્રહ, આ બધાં ન્યુરલ નેટવર્ક્સનું એક વિશાળ સંકુલ જાળું એકસાથે કામ કરે છે. શિશુઅવસ્થામાં મગજનું, આ આખું બાયોલોજિકલ નેટવર્ક હજી કાચું હોય છે. જે ધીમે ધીમે બંધાઈ રહ્યું હોય છે.
બીજી સૌથી મહત્ત્વની હકીકતએ છે કે 'યાદ જ્યારે પણ તાજી કરવામાં આવે છે, ત્યારે તે દર વખતે મગજમાં ફરીથી રચાય છે.' આપણા ઘરમાં દાદીમા, એકની એક જૂની વાર્તા દર વખતે પોતાની શૈલીમાં, થોડી નવી રીતે ઉમેરો કરીને કહે છે. બરાબર એ જ રીતે આપણું મગજ, ભૂતકાળને વાગોળતી વખતે, મૂળ અનુભવમાં પાછળથી સાંભળેલી જાણકારી, પોતાની કલ્પનાઓ અને કુટુંબીજનોએ કહેલી, નવી વાતોને અજાણતાં જ ભેળવી દે છે. આવા સમયે એ પારખવું અશક્ય બની જાય છે કે 'આમાંથી કઈ વિગત તેણે પોતે પ્રત્યક્ષ અનુભવી હતી? કઈ વિગત વાતો સાંભળીને મગજે ઉપજાવી કાઢી હતી?' મનોવૈજ્ઞાનિક પરિભાષામાં, આ ગૂંચવણને સ્રોત-નિરીક્ષણ એટલે કે સોર્સ મોનિટરિંગની મર્યાદા કહેવાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા મનોવિજ્ઞાની ડેનિયલ શક્ટર, પોતાના પુસ્તક 'ધ સેવન સિન્સ ઑફ મેમરી'માં, સ્મૃતિની આવી નિર્દોષ ભૂલને 'મિસઍટ્રિબ્યુશન' તરીકે ઓળખાવે છે. આ સિદ્ધાંત પ્રયોગશાળાઓમાં પણ વારંવાર પુરવાર થયો છે.
યાદ ભૂંસાઈ નથી, રસ્તો ખોવાયો છે?
પ્રખ્યાત વિકાસલક્ષી મનોવિજ્ઞાની પેટ્રિશિયા બૉઅર, આ ઘટનાને મગજનો એક સુગ્રથિત અને ક્રમિક વિકાસ ગણે છે. તેમના મતે, બાળપણથી લઈને પુખ્તાવસ્થા સુધીમાં, મગજમાં કોઈ અનુભવ નોંધાવાની, સચવાવાની, ગોઠવાવાની અને જરૂર પડે ત્યારે, તેને ફરીથી પાછો મેળવવાની જૈવિક પદ્ધતિઓ સતત પરિવર્તન પામતી રહે છે. આ જ દિશામાં આગળ વધીને, વર્ષ ૨૦૧૨માં જાણીતા ન્યુરોવૈજ્ઞાનિકો શીના જૉસેલિન અને પાલ ફ્રેન્કલૅન્ડની જોડીએ, એક અનોખી વૈજ્ઞાનિક પરિકલ્પના રજૂ કરી હતી. તેમણે મગજના મુખ્ય સ્મૃતિ કેન્દ્ર એવા હિપ્પોકેમ્પસમાં, સતત પેદા થતા નવા ચેતાકોષો એટલે કે ન્યુરોજેનેસિસની પ્રક્રિયા, જૂની જમા થયેલી યાદોના વાયરિંગને અસર કરે છે? કે કેમ?એ અંગેના ઊંડા સંશોધનોની વિસ્તૃત સમીક્ષા કરી છે. તેઓ પ્રયોગશાળામાં સાદાં, રંગબેરંગી રમકડાંઓની મદદથી, શિશુઓની યાદશક્તિ, ગ્રહણશક્તિ અને યાદ રાખવાની ક્ષમતાની ચોક્કસ ચકાસણી કરે છે.
તેમના દ્વારા લખાયેલા પ્રખ્યાત સંશોધન ગ્રંથ 'રિમેમ્બરિંગ ધ ટાઇમ્સ ઑફ અવર લાઇવ્ઝ : મેમરી ઇન ઇન્ફન્સી એન્ડ બિયોન્ડ'ને, કાગ્નિટિવ ડેવલપમેન્ટ સોસાયટી તરફથી, અત્યંત ગૌરવપૂર્ણ 'બુક ઑફ ધ યર'નો એવોર્ડ એનાયત થયો હતો. વર્ષ ૨૦૧૪માં પેટ્રિશિયા બાઅરે, સંશોધક મરિના લાકના સાથે મળીને, એક સીમાચિહ્નરૂપ પ્રયોગ કર્યો હતો.
તેમણે માત્ર ત્રણ વર્ષની વય ધરાવતાં, નાનાં ભૂલકાંઓની તાજી યાદોની, વિગતવાર નોંધ લીધી હતી. ત્યારબાદ વર્ષો પછી, એ જ બાળકો જ્યારે મોટાં થયાં ત્યારે, તેમની સ્મૃતિની પુન: ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રયોગનું પરિણામ ચોંકાવનારું હતું :બાળકની ઉંમર સાતેક વર્ષની આસપાસ પહોંચે છે, ત્યારે તેની ત્રણ વર્ષની વયની, પેલી બાળપણની સ્મૃતિઓ રહસ્યમય રીતે ધૂંધળી અને ઝાંખી પડવા લાગે છે!
બાઅરના ઊંડા વિશ્લેષણ મુજબ, માનવીય મગજમાં જ્યારે ભાષા અને પોતાના ખુદના અસ્તિત્વની સભાનતા એટલે કે 'હું'ની ભાવના આકાર લે છે. ત્યારે જ વ્યક્તિગત યાદોનું કાયમી જોડાણ રચાવું સરળ બને છે. માતા-પિતા બાળકની સાથે ભૂતકાળની વાતો, જે રીતે વાગોળે છે. એ સામાજિક સંવાદ, બાળપણની સ્મૃતિને સ્થિર માળખું આપવામાં, ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આ વાત કોઈ વિજ્ઞાનકથા નથી, પરંતુ આપણા દરેકના બાળપણને સીધી સ્પર્શતી વાસ્તવિકતા છે.
ન ભૂંસાયેલું, ન અકબંધ : સત્યની વચ્ચેની ભૂમિ
વર્ષ ૨૦૨૧માં પ્રકાશિત થયેલા, એક રસપ્રદ સંશોધન અભ્યાસ 'વૉટ ઇઝ યોર અર્લિયેસ્ટ મેમરી? ઇટ ડિપેન્ડ્સ' મુજબ, કોઈ પણ વ્યક્તિની સૌથી જૂની યાદ કઈ ઉંમરની છે? તેનો આધાર સંશોધક દ્વારા, તેને કઈ ઢબે અને કેવો પ્રશ્ન પૂછવામાં આવે છે? તેના પર રહેલો છે!
સમયના પ્રવાહમાં ફરી એકવાર, વિજ્ઞાનના ભવિષ્ય તરફ દ્રષ્ટિ કરીએ તો, એક વાત દીવા જેવી સ્પષ્ટ થાય છે : 'ઇન્ફન્ટાઇલ એમ્નેસિયા' પાછળ, કોઈ એકલદોકલ વૈજ્ઞાનિક કારણ જવાબદાર નથી. આજના ન્યુરોસાયન્ટિસ્ટ્સ એ સમજવા મથી રહ્યા છે કે 'બાળકના મગજનો કુદરતી વિકાસ, વિસ્મૃતિ એટલે કે ભૂલવાની જૈવિક પ્રક્રિયા, ભાષાનું ઘડતર, સામાજિક વાતચીત અને પોતાની જાતનો એક અંગત ક્રમબદ્ધ ઇતિહાસ ગોઠવવાની માનસિક શક્તિ, આ બધું ભેગું મળીને સ્મૃતિનું સંચાલન કેવી રીતે કરે છે? જો કોઈ બાળપણની યાદ, સભાનપણે આપણા ધ્યાનમાં ન આવતી હોય, તો તેનો અર્થ એવો કદાપિ નથી કે 'મગજમાંથી એ માહિતી કાયમ માટે, કચરાપેટીની જેમ ભૂંસાઈ ગઈ છે! સાથોસાથ એ જૂની યાદ અંદર ક્યાંક અખંડ અને અકબંધ સ્વરૂપે સચવાયેલી જ પડી છે. તેવો હઠાગ્રહ રાખવો પણ, વિજ્ઞાનની દ્રષ્ટિએ ભારે ઉતાવળ ગણાશે.
'એન્ગ્રામ' પરનું સંશોધન, ભવિષ્યમાં ભયાનક આઘાતજનક ઘટનાઓ પછી થતા, પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર અને સ્કિઝોફ્રેનિયા જેવા ગંભીર માનસિક રોગોની, સચોટ સારવાર શોધવા માટે વરદાનરૂપ નીવડી શકે છે. જોકે આ દિશાનું સંશોધન હાલના તબક્કે મુખ્યત્વે ઉંદરો પર સફળતાપૂર્વક ચકાસાયું છે. અહીં સૌથી મોટો પડકાર, લોકપ્રિય વિજ્ઞાન લખાણોમાં ઊભો થતો અતિસરળીકરણનો છે. અખબારો કે માધ્યમો ઘણીવાર આવા ગહન તારણોને, બે અત્યંત પાતળા અને ભ્રામક સૂત્રોમાં વહેંચી નાખે છે. કાં તો એવું માની લેવાય છે કે 'બાળકનું મગજ બધું સાફ કરી નાખે છે', અથવા એવો અંધવિશ્વાસ કેળવાય છે કે 'જે યાદ મનમાં આટલી ચોખ્ખી દેખાય તે સાચી જ હોવી જોઈએ!' વાસ્તવિકતામાં આ બંને દાવા અધૂરા અને વૈજ્ઞાનિક રીતે અપરીપક્વ છે. આખરે માનવ મગજ એક જાદુઈ કેલિડોસ્કોપ છે. જ્યાં હકીકત અને કલ્પના વચ્ચેની ભેદરેખા હંમેશાં આછી અને રહસ્યમય બની રહે છે.




