Ravi Purti

જીવન પરિવર્તનની જડીબુટ્ટી

By GS Team
12 Sep 20267 mins read
જીવન પરિવર્તનની જડીબુટ્ટી
  • આજકાલ-પ્રીતિ શાહ
  • આર્મસ્ટ્રૉંગ પામેનું માનવું છે કે અભ્યાસક્રમમાં પૂર્વોત્તર અંગે પ્રકરણ હોવું જોઈએ. તેઓ માને છે કે આઈ.એ.એસ. બનવા પાછળ ચોક્કસ ઉદ્દેશ હોવો જોઈએ

મ ણિપુરના આઈ.એ.એસ. અધિકારી આર્મસ્ટ્રૉંગ પામેને મણિપુરના લોકો 'મિરેકલ મૅન' કહે છે. ૧૯૮૪માં મણિપુરના અંતરિયાળ ગામ ઈમ્પામાં આર્મસ્ટ્રૉંગ પામેનો જન્મ થયો હતો. મણિપુરના તામેંગલોંગ જિલ્લાના તૌસેમ તાલુકાના ઈમ્પા ગામમાં અત્યંત કઠિન મુશ્કેલીઓ અને કપરા સંઘર્ષ વચ્ચે તેમનું બાળપણ પસાર થયું. એમના પિતા પ્રાથમિક શિક્ષક હતા અને માતા ગૃહિણી. સાત સંતાનોના શિક્ષણ અને ભરણપોષણ માટે પિતા અથાક પરિશ્રમ કરતા હતા. એમના પિતા સુથારીકામમાં કુશળ હતા, તેથી આર્મસ્ટ્રૉંગ સવારે ચાર વાગ્યે ઊઠતાં અને છ વાગ્યે લાકડા લઈને પાછા આવતાં. માતા પથ્થર તોડવાનું કામ કરતી. તેમાં પણ મદદ કરતા. ઝેલિયાનગ્રોંગ સમુદાયના જેમે ભાષી જનજાતિમાંથી આવતા આર્મસ્ટ્રાઁગનું શિક્ષણ મણિપુરમાં થયું. તેમના ગામથી સૌથી નજીકનું શહેર પચાસ કિમી. દૂર હતું અને એવો કોઈ રસ્તો નહોતો કે જેના પર વાહન ચલાવી શકાય. કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને વાંસના સ્ટ્રેચર પર સુવડાવી, નદી પાર કરીને, પચાસ કિમી. દૂર ચાલીને દવાખાને લઈ જવામાં આવતી. ઘણી વાર દર્દીનું રસ્તામાં જ મૃત્યુ થઈ જતું. એક દિવસમાં ગામ પહોંચી શકાતું નહીં.
આર્મસ્ટ્રાઁગનું દસમા ધોરણ સુધીનું શિક્ષણ મણિપુરની યુનાઈટેડ બિલ્ડર્સ સ્કૂલમાં થયું. ત્યારબાદ તેઓએ શિલોંગની સેન્ટ એડમંડ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. પિતા નિયમિત પૈસા મોકલી શકતા નહીં, તેથી ઘણી વાર ત્રણ દિવસમાં એક જ વખત ભોજન કર્યું હોય એવું પણ બનતું. બારમા ધોરણ પછી તેમણે દિલ્હીની સ્ટીફન કૉલેજમાંથી ૨૦૦૫માં ભૌતિકશાસ્ત્ર સાથે સ્નાતકની ડિગ્રી મેળવી, પરંતુ તેમનું સ્વપ્ન આઈ.એ.એસ. બનવાનું હતું. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારે પંદરમી ઑગસ્ટે ધ્વજવંદન કરવા જવાનું હતું. એક જોડી જ યુનિફોર્મ હતો અને બૂટ ફાટેલા હતા. ઝંડો લહેરાવવા ડેપ્યુટી કમિશનર આવ્યા હતા અને સહુ તેમને સલામ કરીને માન આપતા હતા. આ જોઈને આર્મસ્ટ્રાઁગે શિક્ષકને પૂછયું, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આવા પદ પર પહોંચીને જ સમાજમાં પરિવર્તન લાવી શકાય. તે વાત એમના મનમાં ઊંડે સુધી અંકિત થઈ ગઈ. ૨૦૦૭માં ઇન્ડિયન રેવન્યૂ સર્વિસમાં જોડાયા, પણ આઈ.એ.એસ. બનવાનું સ્વપ્ન અધુરું હતું. ૨૦૦૯માં તેઓ જેને જનજાતિના પ્રથમ આઈ.એ.એસ. બન્યા. ત્યારબાદ તૌસેમમાં જ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક થઈ. તેઓએ મણિપુરના એકત્રીસ ગામોમાં ચાલીને લોકો કેવી રીતે રહે છે તેનો ખ્યાલ મેળવ્યો. વર્ષો પછી પણ પરિસ્થિતિમાં કશું પરિવર્તન આવ્યું નહતું. આર્મસ્ટ્રાઁગે ઇમ્ફાલ જઈને તપાસ કરી તો રાજ્ય પાસે એવું કોઈ ફંડ નહોતું. તેને માટે કેન્દ્ર પાસેથી મંજૂરી અને ફંડ મેળવવા પડે. એમાં ત્રણ-ચાર વર્ષ પસાર થઈ જાય.
એમણે ફોકલોંગમાં ત્રણસો લોકો સાથે મિટિંગ કરીને પૂછયું કે, 'તેઓની જરૂરિયાત શું છે ?' એક બાણું વર્ષના વૃદ્ધે ઊભા થઈને કહ્યું કે, 'જો તમે અહીં રસ્તો બનાવશો તો હું મારા પાંચ મહિનાનું પેન્શન એક હજાર રૂપિયા તમને આપીશ.' એમની આ વાત સાંભળતા જ એક પછી એક યુવાનો, ફાયરવૂડ અને ફિશિંગની વ્યક્તિઓ, વિમેન્સ સોસાયટીના સભ્યોએ ઊભા થઈને સહુએ તેમાં સૂર પુરાવ્યો. તેમણે રેવન્યૂ ઑફિસર તરીકે નોકરી કરી હતી, તેથી બચતના પાંચ લાખ રૂપિયા હતા. તે પાંચ લાખ, તેના ભાઈ દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના લેક્ચરર તરીકે કાર્યરત હોવાથી તેમણે એક લાખ આપ્યા. માતાએ અને બહેને પણ થોડા પૈસા આપ્યા. સૌપ્રથમ તો પોતાના કુટુંબનું ફંડ મેળવીને ફેસબૂક પર અપીલ લખી. જેમ જેમ ખબર પડતી ગઈ તેમ દેશમાંથી જ નહીં, પરંતુ અમેરિકા, કેનેડા અને યુ.કે.થી પણ ફંડ આવ્યું. આશરે પચાસ લાખ એકત્ર થયા. ૨૦૧૨ જુલાઈમાં કામ શરૂ થયું. હથોડી, છીણી, પાવડા, કોદાળી જેવા સાધનો લઈને અઢીસો ગ્રામજનો સવારથી કામ શરૂ કરતા, જેમાં એકસો સ્ત્રીઓ હતી. શરૂઆતમાં લોકો કહેતા કે ૧૯૮૧માં સરકારે અહીં સડક બનાવવા એકસો એક કરોડ મંજૂર કરેલા, પણ સડક બની નથી. ૨૦૧૨ જુલાઈથી શરૂ થયેલ આ કામ વરસાદના દિવસો સિવાય સતત ચાલ્યું અને ૨૦૧૩ની ૧૭ ફેબ્રુઆરીએ લોકો માટે આ સડક ખુલ્લી મૂકી. તેને નામ આપ્યું 'પીપલ્સ રોડ'. જે ગામમાં આઝાદી પછી ચોપન વર્ષે વીજળી આવી હતી અને ૨૦૧૨માં વાહનો આવ્યા હતા. ૨૦૧૭માં તામેંગલોંગમાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક થઈ. દસ વર્ષની ઉંમરે ફાટેલા બૂટ સાથે ધ્વજવંદન કરનારના મનમાં આઈએએસ બનવાનું બીજ રોપાયું હતું તે જ મેદાન પર ૨૦૧૭માં આર્મસ્ટ્રાઁગે વરસતા વરસાદ વચ્ચે ધ્વજવંદન કર્યું. તેઓ નાના હતા, ત્યારે એમને હંમેશા ઉત્સુકતા રહેતી કે ડેપ્યુટી કમિશનરની ઑફિસ કેવી હશે, તેથી તેઓ દર મહિનાના બીજા શુક્રવારે ચાળીસ બાળકોને બોલાવતા અને તેમની સાથે સાંજનું ભોજન કરતા હતા. ૨૦૨૦માં મણિપુરના બેંતાળીસ ગામોમાં ફરીને હાઈવે બનાવવા માટે લોકોને પોતાનું વળતર જતું કરવા સમજાવ્યા અને હાઈવે-૧૩૭નું નિર્માણ થયું. તેમનું માનવું છે કે અભ્યાસક્રમમાં પૂર્વોત્તર અંગે પ્રકરણ હોવું જોઈએ. તેઓ માને છે કે આઈ.એ.એસ. બનવા પાછળ ચોક્કસ ઉદ્દેશ હોવો જોઈએ.

કુમુદિનીની અનોખી કામયાબી
કુમુદિની સ્વૈન ઇચ્છે છે કે દરેક મહિલા ખેડૂત આત્મનિર્ભર બને. ખેતી હવે માત્ર સખત પરિશ્રમ સુધી સીમિત નથી. ટૅક્નૉલૉજી તેમના માટે સન્માન અને નેતૃત્વનું માધ્યમ બની શકે તેમ છે

ઓ ડિશામાં રહેતી કુમુદિની સ્વૈને બી.એસસી. સુધીનો અભ્યાસ કર્યો હતો અને વર્ષો સુધી ડેરી ક્ષેત્રમાં કામ કર્યું. ત્યાંની જાણીતી મિલ્ક મંત્રા અને સુંદરાની ડેરીમાં પણ કામ કરેલું, પરંતુ કોરોનાકાળ સમયે લોકડાઉન આવતા તે અને તેના પતિ જે કંપનીમાં કામ કરતા હતા તે બંધ પડી. બે દીકરાઓ સાથે ઘર કેમ ચલાવવું તેની મૂંઝવણ થઈ. તે સમયે ગામમાં રહેલી જમીન યાદ આવી. ઓડિશાના ખોર્ધા જિલ્લાના બલિયંતા તાલુકાના શ્રીરામપુર નામના ગામમાં તેમની બે એકર જમીન હતી. તેઓ પોતાને ગામ આવ્યા અને ખેતરમાં શાકભાજી ઊગાડવાનું શરૂ કર્યું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેને ખ્યાલ આવ્યો કે ખેતી તેની આજીવિકાનું સાધન બની શકે તેમ છે, પરંતુ સાથોસાથ તેની સાથે જોડાયેલી સમસ્યાઓનો પણ અનુભવ કર્યો.
કુમુદિની સ્વૈને પોતાની આસપાસના ખેડૂતો સાથે વાતચીત કરી. તેમની જરૂરિયાત શું છે તે જાણ્યું અને માહેરા ફાર્મર પ્રોડયુસર કંપની લિમિટેડની સ્થાપના કરી. આમાં એને ખોર્ધાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તત્કાલીન પ્રમુખનું માર્ગદર્શન પણ મળ્યું. કુમુદિની કહે છે કે ખેડૂતોને સામૂહિક સંગઠન પર ભરોસો અપાવવો અને તેમાં મૂડીરોકાણ કરવા પ્રેરિત કરવા મુશ્કેલ કામ હતું. એમને સમજાવવું પડયું કે આ સંગઠન કેવી રીતે કામ કરશે. શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની મૂડી એકત્ર થઈ અને બાકીની મૂડી ફાયનાન્સ કંપનીમાંથી ઉછીની લીધી. પાંચ એકર જમીન ભાડે લીધી. બાર હજાર સ્ક્વૅર ફૂટ પર મશરૂમની ખેતી કરી. અન્ય ફળોના છોડ વાવ્યા અને થોડી જમીન પર મરઘાંપાલન માટે શેડ બાંધ્યો.
કુમુદિની સ્વૈન સતત નવા અને સરળ ઉપાય અંગે વિચારતી. પાક લીધા પછી જે ભૂંસું નીકળે તેને બાળી નાખવામાં આવે છે. તે ભૂસાનો મશરૂમની ખેતીમાં ઉપયોગ કર્યો, જેનાથી ઘરેથી કામ કરનારી સ્ત્રીઓની આવકમાં વૃદ્ધિ થઈ. મશરૂમના બીજને સંગ્રહિત કરવા માટે કાચની બોટલને બદલે પોલીપ્રોપલીન બેગનો ઉપયોગ કર્યો, જે પદ્ધતિ સસ્તી અને વધુ વિશ્વસનીય બની. બકરીપાલન, સિલાઈ મશીનથી મહિલાઓને આવક થવા લાગી, પરંતુ એના જીવનમાં વળાંક આવ્યો ૨૦૨૨માં સરકાર દ્વારા શરૂ થયેલી કૃષિ ડ્રોન યોજનાથી. ડ્રોન ચલાવવાની તાલીમ લેવા પંદર દિવસ પૂણે ગઈ અને પ્રમાણભૂત લાયસન્સ સાથે પોતાને ગામ પાછી આવી. થોડા સમયમાં તેની માહેરા કંપનીએ તેનું પ્રથમ ડ્રોન મેળવ્યું. પંદર લાખ રૂપિયાનો ખર્ચ હોવાથી શરૂઆતમાં લોકો તે ખરીદવામાં ખચકાટ અનુભવતા હતા, પરંતુ કુમુદિનીએ તેના ફાયદા દર્શાવ્યા. જંતુનાશકોના સીધા સંપર્કમાં રહેવું પડતું તેના બદલે ડ્રોન દસ લીટર નેનો યુરિયા અને જંતુનાશકોનો છંટકાવ એક એકર જમીન પર માત્ર છ મિનિટમાં કરે છે અને તેને લગતો ખર્ચ પણ સિત્તેર ટકા ઓછો આવે છે. જે મહિલાઓએ ક્યારેય કોઈ મશીન ચલાવ્યા નહોતા તે હવે ડ્રોન ચલાવે છે. તેનું બીજું પરિણામ એ આવ્યું કે લોકો તેમને સન્માનપૂર્વક જુએ છે.
કુમુદિનીએ જોયું કે પાક તૈયાર થાય પછી સૌથી મોટો પ્રશ્ન તેને ખરીદશે કોણ અને કેટલી કિંમત મળશે તેનો હતો. તેણે ઈ-નેશનલ એગ્રિકલ્ચર માર્કેટના પ્લેટફોર્મ પર માહેરા કંપનીને સમગ્ર ભારતના ખરીદારો સાથે જોડી, જેનાથી ખેડૂતો સીધા ખરીદારો સાથે જોડાયા અને તેમની આવકમાં સાઠ ટકાનો વધારો થયો. ખેડૂતોને પ્રથમવાર એવો અહેસાસ થયો કે તેમના પાક ઉપર તેમનું નિયંત્રણ છે. માહેરા ખેડૂતોને બીજ, ખાતર, મશીનરી અને બજારનો સંપર્ક કરાવી આપે છે. ચાળીસ વર્ષની એક મહિલા પોતાના દખ્યા ફાઉન્ડેશન અંતર્ગત ડિસ્પોઝેબલ ઉત્પાદન બનાવતી હતી અને પચીસ હજાર રૂપિયા કમાતી હતી. તે માહેરા સાથે જોડાઈને તેનો વ્યાપ વધાર્યો અને આજે તે ત્રીસ મહિલાઓને રોજગાર આપે છે. આજે તેને પ્રતિ માસ ચાળીસથી પચાસ હજાર રૂપિયાની કમાણી થાય છે. તેનું એક સ્વપ્ન હતું કે અન્ય મહિલાઓને મદદ કરવી તે સ્વપ્ન માહેરા સાથે જોડાવાથી પૂરું થયું તેનો તેને આનંદ છે.
ત્રીસ વર્ષની એક યુવતી ઘરની જવાબદારી સાથે બાળકોને સંભાળતી હતી. આવકનું કોઈ સ્વતંત્ર સાધન નહોતું અને તેવી કોઈ જાણકારી પણ નહોતી, પરંતુ તે માહેરા સાથે જોડાઈ. કૃષિ સંસ્થા દ્વારા તાલીમી કાર્યક્રમ અંતર્ગત બે બકરીથી શરૂઆત કરી. આજે બે વર્ષની અંદર તેની પાસે પંદર બકરી થઈ ગઈ છે. જે સ્ત્રીઓ માહેરા કિસાન ઉત્પાદન કંપની સાથે જોડાઈ છે, તેઓને તાલીમ, માર્ગદર્શન અને સહયોગ મળે છે. તેનાથી સમયની બચત થાય છે, આવક વધે છે. આજે કુમુદિનીના પતિ પણ ડ્રોન ચલાવે છે અને તેમણે બીજું ડ્રોન ખરીદ્યું છે. કુમુદિનીને જે સામૂહિક સંગઠનમાં ખેડૂતોને પોતાની સાથે જોડવામાં સંઘર્ષ કરવો પડયો હતો, તેમાં આજે એક હજાર ખેડૂતો તેના સભ્ય છે અને તેમાં સિત્તેર ટકા મહિલા છે. કુમુદિની સ્વૈન ઇચ્છે છે કે દરેક મહિલા ખેડૂત આત્મનિર્ભર બને. ખેતી હવે માત્ર સખત પરિશ્રમ સુધી સીમિત નથી. ટૅક્નૉલૉજી તેમના માટે સન્માન અને નેતૃત્વનું માધ્યમ બની શકે તેમ છે. આ તો હજી શરૂઆત છે.