રામાયણ પાર્ટ 1ની મજા : ભારતના સંસ્કારવારસાની ફિલ્મી પડદે લહેરાતી વિશ્વવિજયી ભવ્ય ધજા!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- થ્રીડી આઈમેક્સમાં પણ ના સમાતી એવી વિરાટ નવી ફિલ્મમાં પ્રાચીન કથાનક અને પાત્રો સર્જકના સ્પર્શે આધુનિક પેઢી માટે મનોરંજન સાથે મંથન પણ આપે છે !
સૌ થી મોટી ચેલેન્જ જ રામાયણ જેવી સ્ટોરી ગ્રાન્ડ સિનેમેટિક કેનવાસ પર કહેવામાં શું આવે ? એ વાર્તા જે સદીઓથી ભારતમાં બચ્ચા બચ્ચાને મોઢે છે, હિંદુ ના હોય એ પણ જાણે છે….એ રામકથાને નવી રીતે કેમ કહેવી જેમાં દેશમાં પણ વખણાય ને પરદેશમાં તો છવાઈ જ જાય !
આ અઘરી કસોટીછે. એવું શું નવું થાય તો એ તે પડદા પરથી નજર જ ન હટાવે? અને જૂનું વળી સાવ બદલાવું ના જોઈએ. દિવ્ય પાત્રો માટે જડબેસલાક આદર દેખાવો જોઈએ. લોકોની આસ્થા પણ અકબંધ રહે ને એના વગરની ફોરેન જનરેશન પણ કનેક્ટ થવી જોઈએ. બેધારી તલવાર જેવો ઘાટ છે. લોકો બધું જાણે છે એટલે આપોઆપ ખેંચાણ અનુભવશે, અને એટલે જ ''આ આમ કેમ નથી'' જેવા સાસુછાપ વાંધાવચકા કાઢયા કરશે. બજેટ અને એટલે જોખમ મોટું છે તો કંઈ ભારત એક ખોજ જેવી નવતર પ્રયોગશીલ નાટક જેવી મોડર્ન આર્ટ ફિલ્મ તો બને નહિ. તો સ્પેકટાક્યુલર એન્ટરટેઇનર એવી કઈ રીતે બનાવવી કે જેમાં ડાયરેક્ટરનો એવો આગવો ટચ ઉમેરાતો જાય ?
નવી રામાયણ ફિલ્મ અને એના પ્રતિભાશાળી દિગ્દર્શકની આ અગ્નિપરીક્ષા હતી. ફિલ્મ એમાં બધી નહિ તો ઘણી ખરી જગ્યાએ ઈમર્સિવ (આલીશાન) છે, એટલી જ ઈમ્પ્રેસીવ (છાપ છોડનારી) બની છે. ઇન ફેક્ટ, આ એવી ફિલ્મ છે કે આટલી જાણીતી વાત છતાં એ જોયા પછી એનો ખુમાર કલાકો સુધી ઓસરે નહિ ને મનમાં ફરી ફરી એનું એક્શન રિપ્લે થયા કરે !ભારતમાં અગાઉ ના જોવા મળ્યો હોય એવો એપિક સ્ટોરીનો ગ્રાન્ડ સ્કેલ અને હાન્સ ઝીમરે ત્યારે કરેલું ધમાકેદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક. ગીતો તો આમ પણ એક બે લીટી સિવાય આવતા જ નથી. એના અમુક રાક્ષસોનાં લૂક બાદ કરતા વીએફએક્સ તો જબરદસ્ત છે.
વર્ષોનું તપ પૂરું થાય આપણી વાર્તા આ સ્તરે જોવાનું એનો ધરવ થાય છે આ જોઇને. પણ ઈફેક્ટસ સિવાય ઈમોશન ધરખમ છે ફિલ્મમાં. ડ્રામા ઓવર નથી. ઠહરાવને ખામોશીવાળો છે. પણ હૃદયને સ્પર્શી આંખના ખૂણા ભીંજવે એવો છે. તમે એમાં ખોવાઈ જાવ ને ખબર ના પડે સમયની એવું જડબેસલાક નેરેટિવ છે. દીવાલો પરના ચિત્રોની પણ ભવ્યતા અનેરી છે. ફિલ્મ એ સૃષ્ટિમાં ખેંચી જાય છે કે એક યુગમાં દેવતાઓ, અસુરો, મનુષ્યો અને પ્રાણીપંખીઓ એકમેક સાથે સંવાદ કરતા હોય ! કોસ્મિક યુનિવર્સનું એકત્વ.
ને મોટા પડદે જટાયુનો ક્લાઈમેક્સ તો ઓસ્કાર હલાવી દે એવો છે. (કાશ, અનુપમને બદલે અમિતાભનો અવાજ હોત નેરેશનમાં) ઓડિસી તો ફિક્કીફ્ચ લાગે આપણી સતરંગી મલ્ટીલેયર્ડ રામાયણ સામે ! ૮૦ વર્ષમાં ઇન્ટરનેશનલ લેવલ પર આપણા વારસાની ભવ્યતા આવી રીતે ભાગ્યે જ રજુ થઇ છે. આપણા જ દિગ્દર્શક ને કલાકારો ઓસ્કાર જેવી ઓળખના દરવાજે હકથી ટકોરા મારે એવી કૃતિ છે આ, જેમાં ઘણા સીન ટૂંકાવી દેવાયા હોય એવું લાગે પણ એનો મન પર જાદૂ લાંબો સમય મોંઘા પરફ્યુમની જેમ મહેકે છે. આ ફિલ્મ દુનિયાને રસ પેદા કરી શકે એમ છે કે ભારત શું છે, ભારતની પરિવારભાવના શું છે, આપણે કેવા સદગુણોને ઈશ્વર માનીને પૂજીએ છીએ. આપણા રામ કેમ માર્વેલ ડીસીના સુપરહીરોઝથી ક્યાંય ઉપર છે. આપણી સંસ્કૃતિના ઉદાત્ત મૂલ્યો કઈ રીતે વિશ્વથી વધુ મહાન છે. ભારતનો પિંડ કઈ કથાની માટીએ ઘડયો છે.
અલબત્ત, ફિલ્મની પટકથા રચવી એટલી આસાન નથી. અહલ્યા છોડો તો નાવ પણ છોડવી પડે. દરેક વખતે કોઈ જૂની ધરોહરને નવી પેઢી સમક્ષ પહોંચાડવા માટે મથે એ સાથે જ એક ચાંપલા ચોખલિયાઓનું ટોળું મધમાખીઓની માફક ડંખ મારવા દોડે 'મૂળ વાર્તામાં આમ નહોતું' ! અરે, બધું મૂળ વાર્તા મુજબ જ કરવાનું હોય તો પછી બે હજાર કરોડની રામાયણની ચોપડીઓ ના વંહેચી દે નમિત મલ્હોત્રા ને નીતિશ તિવારી ?
ઉપરાંત, રામાયણના તો સેંકડો વર્ઝન છે. અનેક એકબીજાથી અલગ લોકકથાઓ છે.એ બધી ધારાઓની ગંગોત્રી વાલ્મીકિ રામાયણ ગણો તો એમાં આજે રામકથામાં સુપર પોપ્યુલર એવો એક દિવસમાં અનેક મુરતિયા આવે એવો સીતા સ્વયંવર નથી. એમાં લક્ષ્મણરેખા નથી. પગ મને ધોવા દો ને રઘુરાયવાળો કેવટ નથી. શ્રવણવાળી નામ વિનાની સંક્ષિપ્ત છે. ખિસકોલીકર્મની વાર્તા કે રામેશ્વરમમાં રાવણના હાથે શિવપૂજન પણ નથી. આમાંનું ઘણુંખરું તુલસીદાસજીના રામચરિતમાનસમાં છે. પણ એમાં રાવણને રંભા ને વેદવતીનો શ્રાપ હતો, એ વાત જ નથી. વાલ્મીકિવાળો ઉત્તરકાંડ પણ નથી.
ટૂંકમાં, રામકથા પોતપોતાની આગવી રીતે ભારતમાં કહેવાતી આવી છે. એમાં છૂટછાટ લેવી જરાય નવીનવાઈની વાત નથી. એની કોર વેલ્યુઝ જળવાવી જોઈએ. રાવણનો અહંકાર અને રામની મર્યાદા. આમ પણ એકઝેટ જૂની ટેક્સ્ટ મુજબ બધું પિક્ચરાઈઝ કરવા બેસો તો તો ઇન્દ્રપુત્ર જયંતની વાત જ સેન્સર થઇ જાય અને સીતાહરણનો ફીઝીકલ સીન જોઇને લોકો થિયેટરમાં તોડફોડ કરવા લાગે એવું વર્ણન છે ! એવું પરિવર્તન તો જૂની પેઢીને જે લાંબી ખેચાયેલી મેલોડ્રામેટિક રામાનંદ સાગરની સિરીયલ ગમેલી એમાં પણ હતું. જેમ કે, પરશુરામ સીતારામના લગ્ન વખતે આવે એ સીન.
એટલે નવી રામાયણમાંભારત તો જાણે છે રામને. જગત જાણે એવા સ્કેલ અને એ સ્ટાઈલમાં હોવું જોઈએ. અને એટલે જ એ ગ્લોબલ જેન ઝી ઓડિયન્સને ગેમ ઓફ થ્રોન્સ કે લોર્ડ ઓફ ધ રિંગ્સ યાદ આવે એવા વિઝયુઅલ જોઈએ. એમને રસ પડે એ માટે હીરો (એમને માટે રામ સીધા ભગવાન ના થઇ શકે) જમાવતા પહેલા વિલનને બરાબર એસ્ટાબ્લિશ કરવો જ પડે. ફિમેલ કેરેક્ટરને વધુ સ્વતંત્ર અને મજબૂત બતાવવા પડે.
આ રામાયણમ્ પાર્ટ વન પર એટલે ઓળઘોળ થઇ જવાયું કે એમાં નીતિશ તિવારીએ અનેક દ્રશ્યોમાં હળવેકથી કૈંક અણધાર્યો રોમાંચ પેદા કર્યો છે. જેમ કે જેની ચર્ચા બહુ બધી વાર થશે એવો આઇકોનિક દસ માથાને એક જ સેલ્ફમાં રહેલા દસ વિચારોના વ્યક્તિત્વો તરીકે બતાવતો સીન. જેમ કે તરુણ રાવણને સંગીતની સાધના બાબતે ટોકતી મા વખતે વાદ્યના તંતુ પર પડીને ગુંજતું રક્તબિંદુ. જેમ કે રામની ઘંટારવ સાથે નિશાનબાજી કરતી પહેલી જ વાર રથને બદલે ઘોડેસવારી કરતી એન્ટ્રી. જેમ કે મિથિલાની નેપાળવાળી મૂળ ઓળખ સજીવન કરતી પૂર્વના દેશોના કોઈ પહાડી નગર જેવી રચના અને સાઈ પલ્લવીનો એ પ્રકારના ફીચર્સને અનુરૂપ ચહેરો.
હાઈન્ડસાઈટમાં જે પરમ પવિત્ર લાગે છે એ રામાયણમાં રામાનંદ સાગરની સીતા સતત દુ:ખિયારી બનીને આંસુ સારતી હોય એવી છાપ પડતી હતી. આપણા વારસામાં સીતાનું પાત્ર તો ફીઅરલેસ નારીનું છે જેમણે શિવધનુષનો ઘોડો બનાવી રમતા રમતા શસ્ત્રવિદ્યા શીખેલી. એ પતિને સવાલ પૂછે, સૂચન કરે ને જોડે લડે એવી સહચરી છે. અહીં સરસ રીતે સીતાને જુનવાણી દેખાડવાને બદલે આધુનિક બતાવ્યા છે, વસ્ત્રોમાં નહિ, ભાષામાં નહિ, પણ મિજાજમાં. એટલે એ રાવણના હરણ બાદ ભયભીત નથી. સાઈ પલ્લવીએ સીતાની માસુમિયત સાથે મક્કમતા બરાબર ઉપસાવી છે. બસ, નડે છે કોઈએ સાવ વિચિત્ર રીતે ગૂંથેલો અંબોડો. જે રૂપ વધારવાને બદલે ઘટાડે છે !
એવી રીતે આ ફિલ્મમાં દશરથ તરીકે ઓછા સીનમાં પણ યાદગાર અભિનય કરી ગયેલા અરુણ ગોવિલને રામ તરીકે ભલા પ્લાસ્ટિક સ્માઈલ કરતા સાધુજન બતાવવાના અતિરેકમાં જનતા ભૂલી ગઈ કે રામ એક સૂર્યવંશી યોદ્ધા હતા. જેમની પાસે ધૈર્ય અને શૌર્યનું રેર કોમ્બિનેશન હતું. જે રાજવી હતા, રક્ષક હતા. રસિક પણ હતા. નમ્રતા છતાં એમના વ્યક્તિત્વનો આસપાસ પ્રભાવ પડતો. એ આવશ્યક ના હોય ત્યાં સુધી ક્રોધ ના કરે, પણ શસ્ત્ર ઉગામે તો સામેના થથરી ઉઠે એવા વીર હતા. જેમની હાજરીમાં શાંતિ અને આંખોમાં દ્રઢતાનો અનુભવ થતો. જેમની પાસે પરાક્રમ ઉપરાંત વિવેકનું ઊંડું ચિંતન હતું.
રણબીર કપૂર શરૂઆતમાં પેલા ધુ્રજતા હોંઠવાળા ફાધર ઇસ્યુવાળા કન્ફ્યુઝ્ડ કિડ જેવો ક્યાંક લાગે છે (આમાં પણ બાપબેટાની વાત તો છે જ!), સ્વાભાવિકપણે હવે ખાલી ખોટી નેગેટીવ થિયરીઓ બનાવવાને જીવન માની બેઠેલા ફોલ્ડરિયા રાક્ષસોથી છલકાતા દેશમાં ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ જેવું સભાન પ્રેશર આ રોલમાં અપેક્ષાનું હોવાનું. પણ છતાં ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં રણબીર રામનું ચરિત્ર ઉપસાવી ફીલ કરાવી જ દે છે. સૌમ્ય ખરા પણ ઢીલા નહિ. મૌન ખરા પણ, માંદલા નહિ. સંયમિત ખરા, પણ શુષ્ક નહિ એવા રામ રણબીર કપૂરે આબાદ ઉપસાવ્યા છે. અભિનયથી, બોડી લેન્ગવેજથી. અને સ્વપ્નીલ છતાં ઓજસ્વી આંખોથી. એની અને સાઈ વચ્ચે રોમાન્સ પણ એકદમ ડીસન્ટ છતાં છે, તો જ સીતાનો વિરહ અનુભવાય ને. માત્ર કૌટુંબિક ફરજમાં ના હોય એ.
પણ ફિલ્મમાં યશ રાવણ તરીકે અપેક્ષાની બહાર છવાઈ ગયો છે. આ રાવણ ખરા અર્થમાં વિદ્વાન લાગે ને હરાવવો મુશ્કેલ પણ. એ દરબાર ભરીને ચર્ચાઓ નથી કરતો. બેફિકરાઈ અને પ્રચંડ આત્મવિશ્વાસથી લડે છે. એની બેક સ્ટોરીમાં વાયડાઓ કોમ્યુનિઝ્મના આરોપ લઇ આવ્યા છે, પણ દેવ દાનવોમાં એ અન્યાયબોધ અને શોષણ તો આપણા ગ્રંંથોમાં છે જ. યશને લીધે દુનિયાને ખબર પડશે કે પાત્રની રીતે થેનોસ કે જોકર તો બચોળિયું લાગે એવો ખૂંખાર ખલનાયક ભારતે હજારો વર્ષો પહેલા વિચારેલો. ખૂબસુરત રકુલ પ્રીત સિંહ અને યશ એ ભાઈ બહેનના પાત્રોમાં અહીં દેખાડવામાં આવ્યો છે હિમાલય જેવડો ગુરુર.
એ પડદા પરની પ્રેઝન્સ ગુરુરથી ઠાંસોઠાંસ ચમકાવે છે. સાક્ષાત એટીટયુડ છે. આ રાવણ કોઈ રણજીત ભજવતો એવો બ્યુટી માટે લાળ ટપકાવતો વાસનાંધ વિલન નથી. લોકો ઘરેણા પહેરે એમ એ મદ પહેરે છે. એની આંખમાં 'હું જ્યાંથી જે રીતે આગળ આવ્યો છું, પછી કોઈ શું ઉખાડી લેશે મારું'વાળી નફકરાઈ જ એને વધુ ઘાતક બનાવે છે. નિતેશભાઈએ અનેક જગ્યે જે આગવા ટચ મુક્યા છે એમાં એક સીતા એમ જ ભરોસો નથી મુક્તિ વેશ જોઇને પણ ઋગ્વેદના શ્લોકની ચેલેન્જ આપે છે ને રાવણ માત્ર લડવૈયો નથી, શિવ ઉપાસક સંગીત નૃત્ય અને વિદ્યાનો જ્ઞાતા છે એ આપોઆપ વગર કહ્યે દેખાઈ જાય છે. રાવણ સ્ટ્રંોંગ હોય તો જ રામ દેવતુલ્ય લાગે. કેઓસ વર્સીસ કામનેસનો, સ્ટાઇલ વર્સીસ સિન્સિયારિટીનો આ કોનફ્લિક્ટ છે.
અને આ ફિલ્મની મજા એ છે કે એ પાવર યાને શક્તિ / સત્તાના કાઉન્ટર વ્યુપોઈન્ટ્સ આપે છે. રાવણ શક્તિ હોય તો ભાઈ પાસેથી સત્તાસંપત્તિ છીનવી સુખી થવાને ન્યાય માને છે. રામ શક્તિ હોવા છતાં સત્તા સંપત્તિ ભાઈને આપી સસ્મિત દુ:ખ સ્વીકારવાને ન્યાય માને છે. કુટુંબ માત્ર મહેલો ને રજવાડી ઠઠારાથી નથી બનતું. એકબીજા માટે ત્યાગ કરવાની સમજદારી અને સંજોગો સામે સંઘર્ષ કરવાની બહાદૂરીથી બને છે. મનુષ્ય રામ ભાગ્ય સમજવાની કોશિશ કરતા અંતે ભાગ્ય બદલાવવાનો રણટંકાર કરે છે. પણ એમાં અભિમાન નથી, આત્મસન્માન છે. ફિલ્મ હળવેકથી ગૂંથી લે છે કે માણસ નિર્ણયો લે એ નીયતિ બને છે, અને ક્યારેક ધાર્યું ના થાય છતાં સહજભાવે આગળ એટલે વધવું જોઈએ કે આજની તકલીફ આવતીકાલની તકનો નકશો કંડારે !
આ લખાય છે ત્યારેહજુ ફિલ્મ રિલીઝ થયાનો પહેલો જ દિવસ છે ! બહુ જોઈ ગ્લેડિયેટર ને બેન હર. દૂર હટો એ દુનિયાવાલો, અબ રામાયણ કી બારી હૈ.
ફાસ્ટ ફોરવર્ડ
'શાસક પોતાના વચનનું પાલન ના કરે, તો પ્રજા એવા શાસકનું સન્માન નથી કરતી!'
(ફિલ્મમાં રામનો સંવાદ)




