આત્માનું અસ્તિત્વ : સત્ય-અસત્યના મધ્યબિંદુએથી!

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- અંકિતના પિતાની આત્મા એમને ઘર વેચવાથી રોકી રહી છે, એવી તેની માન્યતા ગણતરીની ક્ષણોમાં જ ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી
સા ઉથ મુંબઈનું કદાચ એ એકમાત્ર એવું એપાર્ટમેન્ટ હશે, જે દેખાવમાં પોશ નહીં પણ ઠીકઠાક હતું! પાંચમાંથી ત્રણ ફલોર્સ ખાલીખમ હતાં. એ ફલોર્સ કોલેજિયન અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સિગારેટ ફૂંકવાનો અડ્ડો બની ગયા હતાં! રાત પડયે ફ્લેશલાઇટ્સ સાથે કેટલાક અજાણ્યા લોકો પણ અહીં અવરજવર કરી લેતાં. ટોપ ફલોર એટલે કે પાંચમા માળે પહોંચીને મેઘનાએ ત્રણ-ચાર વખત ડોરબેલ દબાવવી પડેલી, ત્યારે છેક દરવાજો ખૂલ્યો હતો.
'ચા લઈશ?' શ્રીમતી પવારે મેઘનાને સોફા પર બેસાડીને રસોઈઘરમાં જતાં પૂછયું.
'જી, ફક્ત પાણી!' મેઘનાની આ આદત હતી. કામ પર જાય ત્યારે વાતચીત કે ઔપચારિકતામાં ખોટો સમય બગાડવો તેને પોસાતો નહોતો. આથી, તે સીધી મુદ્દા પર આવી, 'ઘરમાં બની રહેલી ઘટના અંગે જણાવશો, મિસિસ પવાર?'
પાછલા થોડા દિવસોથી શ્રીમતી પવાર અને એમનો પરિવાર કેટલીક અલૌકિક ઘટનાઓનો સામનો કરી રહ્યા હતાં. દીકરા અંકિતને નોકરી માટે બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ જવું પડે, એટલે એ સવારથી નીકળી જાય પછી ઘરમાં પત્ની અને મા રહે! પિતાનો સ્વર્ગવાસ વર્ષો પહેલાં થઈ ચૂક્યો હતો.
'થાય છે એવું કે અંકિતનું લેપટોપ રાતે બે વાગ્યાની આસપાસ અચાનક ગાયબ થઈ જાય અને થોડી વાર પછી ફરી એની જગ્યાએ ગોઠવાયેલું જોવા મળે!' મિસિસ પવારે સર્વપ્રથમ બનેલી ઘટના અંગે જણાવ્યું, 'એ પછી કોઈક અદ્રશ્ય તાકાતો દ્વારા દીવાલો પીટવાની ઘટના અને કાચની ચીજો ફોડવાના બનાવો વધતાં ગયા!' શ્રીમતી પવારના અવાજમાં સહેજ ડર ઉમેરાયો હોય એવું લાગ્યું, 'એ પછી મેં અને અંકિતે તાત્કાલિક ધોરણે મારી પુત્રવધૂ અને પૌત્રને થોડા દિવસ માટે મામાના ઘેર મોકલી દીધાં!'
એટલામાં અંકિત પણ ઓફિસેથી ઘરે આવી ગયો. થોડા અઠવાડિયા પહેલાં જ તેણે પોતાની આ દાયકાઓ જૂની પ્રોપર્ટી વેચીને નવા ઘરમાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો હતો. એ સમયથી જ પેરાનોર્મલ ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. મેઘના તુરંત જાણી ગઈ કે ઘરમાં કંઈક તો એવું છે, જે નથી ઈચ્છતું કે આ પ્રોપર્ટી વેચાઈ જાય!
તેણે પોતાના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ EMF મીટર અને ઈલેક્ટ્રોનિક વોઇસ ફિનોમેનન ઈફઁ મીટર સાથે ઘરમાં સંશોધન આદર્યુ.
ઈવીપી મીટરમાં સ્પષ્ટપણે એક અવાજ ઝીલાયો, જે એવું કહી રહ્યો હતો કે, 'ઘર વેચવાનું નથી!'
'તમારી પહેલાં આ ઘરમાં કોણ રહેતું હતું?' મેઘનાએ અંકિતને પૂછયું.
'અમે જ આ ફ્લેટના પહેલાવહેલા માલિક હતાં.' અંકિતે કહ્યું. કઈ રીતે એમના પૂર્વજોએ આ ઘર ખરીદ્યું હતું, અને તેના દિવંગત પિતાને આ પ્રોપર્ટી સાથે કેટલો લગાવ હતો એ હકીકત પણ જણાવી.
મેઘના ઘડીના છઠ્ઠા ભાગમાં આખો ખેલ સમજી ગઈ. તેણે તરત અંકિતને કહ્યું, 'તારા પિતાની આત્મા નથી ઈચ્છતી કે ઘર વેચાય!'
ઘરના કેટલાક ફોટોગ્રાફ ક્લિક કરીને મેઘના ત્યાંથી પોતાના ઘરે જવા નીકળી.
ઘરે પહોંચીને હજુ તો માંડ તેણે શાવર લીધો હશે, ત્યાં તેનું માથું સખત રીતે દુ:ખવાની શરૂઆત થઈ. થોડીવારમાં તેના મિત્ર સિદ્ધાર્થનો તેના મોબાઇલ પર ફોન આવ્યો.
'મે..મેઘના!' તેના અવાજમાં થથરાટ હતો, 'ખરાબ સમાચાર છે!'
'શું થયું?' મેઘનાનું કાળજું બેસી ગયું.
'તું જે ફોટો ક્લિક કરીને લાવી, એનું મેં પૃથક્કરણ કર્યુ… અને..'
'અને શું?' મેઘનાનો સ્વર ઊંચો થઈ ગયો.
'એ ફ્લેટમાં એક નહીં, અનેક આત્માઓ છે!'
અંકિતના પિતાની આત્મા એમને ઘર વેચવાથી રોકી રહી છે, એવી તેની માન્યતા ગણતરીની ક્ષણોમાં જ ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી.
આ એ સત્યઘટના છે, જે મુંબઈમાં બની હતી. ઈન્ડિયન પેરાનોર્મલ સોસાયટીના ફાઉન્ડર ગૌરવ તિવારી પર અંગ્રેજી ભાષામાં લખાયેલું પુસ્તક 'ધ ઘોસ્ટ હન્ટર'માં આ અંગે વિગતવાર વર્ણન છે. અંકિતના ઘરમાં બૌદ્ધ લામાઓએ આવીને શુદ્ધિકરણની ક્રિયા કરી, પરંતુ ત્યારથી લઈને આજ સુધીમાં એ આત્માઓ વાસ્તવમાં પાંચમો ફલોર છોડી ચૂકી છે કે નહીં, એ વાતનો કોઈ પુરાવો મળ્યો નથી!









