Ravi Purti

ગણપતિના બાહ્ય રૂપની પાછળ છુપાયેલાં ગુપ્ત ગહન રહસ્યો!

By GS Team
12 Sep 20266 mins read
ગણપતિના બાહ્ય રૂપની પાછળ છુપાયેલાં ગુપ્ત ગહન રહસ્યો!
  • જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
  • એક સમયે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ તિબેટ, ચીન, જાપાન, કોરિયા, પૂર્વ એશિયા, પ્રાચીન એસિરિયામાં ગણપતિ પૂજા પ્રવર્તમાન હતી…

મ હિમા રૂપનો છે કે સ્વરૂપનો? રૂપ એ પ્રગટપણે દ્રષ્ટિગોચર થાય છે અને સ્વરૂપ એની પાછળ અપ્રગટ રૂપે રહેતું હોય છે. બાહ્ય રૂપ એ તો માત્ર વિચારબિંદુ કહેવાય, હકીકતમાં તો એની પાછળ રહેલી ભાવના અને ગહનતાના સિંધુને ખોળવાનો હોય છે. ગણપતિની અનંતચતુર્દશીના દિવસે એમના બાહ્ય આકાર પાછળના ગહન અર્થનો વિચાર કરીએ. બાહ્ય આકાર પ્રમાણમાં નાનો હોય છે, કિંતુ એની પાછળ એનું વૈચારિક સ્વરૂપ અતિ વિરાટ હોય છે.
ગણપતિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે. સર્વકાર્યની સિદ્ધિ માટે લોકો પહેલું એમનું સ્મરણ કરે છે. 'ગણપતિ બાપ્પા મોરિયા'નો અર્થ છે 'ગણપતિ બાપ્પાને નમસ્કાર'. પ્રત્યેક શુભકાર્યમાં સર્વપ્રથમ એમનું સ્મરણ કરવામાં આવે છે. પછી તે ભૂમિપૂજન હોય કે લક્ષ્મીપૂજન હોય, ગ્રહશાંતિ હોય કે કોઈ ઉદ્દઘાટન સમારંભ હોય, સત્યનારાયણની કથા હોય કે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા હોય - સર્વત્ર પ્રારંભ તો ગણપતિ પૂજનથી જ. કોઈ પણ મંગલકાર્યની સિદ્ધિ માટે એમની અમીદ્રષ્ટિની અપેક્ષા રાખવામાં આવે છે. ગણપતિ અર્થ છે ગણનો પતિ. શાસ્ત્રો કહે છે કે શિવગણના તેઓ અગ્રેસર હતા, મોવડી હતા અને એ રીતે આ સર્વપ્રથમ થતું ગણપતિ- પૂજન કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે ફળદાયી
બને છે.
એક બીજો અર્થ એ પણ છે કે ગણ એટલે મન. કોઈ પણ કાર્ય સિદ્ધ ક૨વા માટે સૌપ્રથમ મનની સ્વસ્થતા જોઈએ, સ્વસ્થતા ન હોય તો એ કામમાં વારંવા૨ અવરોધ આવે. ચંચળ મન કશું સિદ્ધ કરી શકતું નથી. કાર્યસિદ્ધિ માટે સ્થિર અને શાંત-સ્વસ્થ મન જોઈએ. જો મન અસ્થિર હોય, તો એમાં અવારનવાર અવરોધો આવતા રહે છે અને આરંભેલું કાર્ય સફળ થતું નથી. એટલે કે ગણપતિની આરાધના હોય અને એ રીતે મનની પરમ શાંતિ અને સ્થિરતા હોય, તો વિઘ્નો નડે નહીં અને સફળતા સાંપડે.
આ કાર્યસિદ્ધિ કોને સાંપડે? ભૌતિકતાની આંધળી દોડ કરનાર માણસને આ કાર્યસિદ્ધિ સાંપડે? વિશાળ રાજસત્તા, અપાર ધનસંપત્તિ કે ભોગોપભોગની સામગ્રી મેળવવા માટે રાતદિવસ મથતા માનવીની કાર્યસિદ્ધિની આ વાત નથી. આવા ઉપાસકોને તો કોઈ સિદ્ધિ મળે જ નહીં, બલ્કે સંપત્તિ, વૈભવ કે ભોગ-પ્રાપ્તિની સિદ્ધિઓનું મહિમાગાન નહીં કરનારાઓને ગણપતિ પાસેથી રિદ્ધિ સિદ્ધિ મળે છે. ગણપતિને 'વક્રતુંડ' કહે છે. 'વક્રતુંડ' એટલે મુખ મરડીને રહેનારા. જેઓ આવી ભૌતિક સુખસામગ્રીની સદંતર ઉપેક્ષા કરે છે, એને જ ગણપતિ રિદ્ધિસિદ્ધિ બક્ષે છે.
ગણપતિ એ ગણાધ્યક્ષ અથવા તો આપણે કહીએ તો નેતા છે, અને એ નેતાનું વાહન મૂષક (ઉંદર) છે. જરા વિચાર કરીએ તો અન્ય દેવોના વાહન કેવા હોય છે! શંકરનું નંદી, ઇન્દ્રનું ઐરાવત, વિષ્ણુનું ગરૂડ, કાર્તિકેયનું મયૂર, અંબિકાનું વાઘ એમનાં વાહનરૂપે છે. તો પછી સવાલ એ જાગે કે ગણપતિનું વાહન ઉંદર (મૂષક) કેમ? ગણપતિનું વાહન મૂષક (ઉંદર) હોવાની પાછળ અનેક મર્મો છૂપાયેલા છે. સૌપ્રથમ તો એ ગણપતિ ગણાધ્યક્ષ હોવાથી એને સર્વત્ર ભમવું પડતું હોય છે. ઝડપથી અહીં-તહીં દોડવું પડતું હોય છે. આવા ગણપતિએ તો ઘરઘરમાં પ્રવેશ કરવાનો હોય છે. જો શંકરની પેઠે પોઠિયાનું વાહન હોય, તો એ ક્યાંથી નાના ઘરમાં પ્રવેશ કરી શકે? જ્યારે ઉંદર તો કોઈ પણ ઘરમાં આસાનીથી પ્રવેશ કરી
શકે છે.
વળી ઉંદર એ ફૂંકી ફૂંકીને માનવીને કરડે છે. માનવીના મનને એ મીઠું કે ગમતું લાગે છે, પરંતુ જ્યારે ખ્યાલ આવે ત્યારે એને ખબર પડે કે આ તો ઉંદરે મારું અંગ કરડી ખાધું છે. શાસ્ત્રગ્રંથો અહીં ઉંદરને માયાના પ્રતીક તરીકે દર્શાવે છે. માયા લોભામણી છે, આકર્ષક છે અથવા તો ફૂંકી ફૂંકીને કરડી ખાનારી છે, માયામાં માણસ લીન હોય ત્યારે એને કશાનું ભાન ન રહે, પણ એકાએક એક દિવસ એને ખ્યાલ આવે કે આ માયાને કારણે એ કેટલા બધાં સંકટોથી ઘેરાઈ ગયો છે અને મુસીબતોને નિમંત્રી બેઠો છે! ગણપતિ પાસેથી નેતૃત્વ અને તત્ત્વજ્ઞાતા શીખવા મળે છે. અને સાચો નેતા કે સાચો ફિલોસોફર એ હોય કે જે માયાને અંકુશમાં રાખી શકે. ગણપતિ ઉંદર પર સવારી કરીને માયાને અંકુશમાં રાખે છે. એક ત્રીજી વાત એ છે કે આપણી ઇન્દ્રિયોને આકર્ષક ભોગવિલાસની સામગ્રીનો ભોગ કરવાની વૃત્તિ હોય છે. બહેકેલી વૃત્તિઓનું પ્રતીક આ મૂષક છે અને એના પર ગણપતિ જેવા ઇન્દ્રિયવિજયી સવાર થઈને રહે છે.
વળી ઉંદર જેમ ફૂંકી ફૂંકીને આપણને કરડતો હોય છે, એ જ રીતે આપણા જીવનમાં પણ આપણે ન જાણીએ તે રીતે આપણા વર્ષો વ્યતીત થતા રહે છે. વાતવાતમાં યુવાની છટકી જાય છે અને વૃદ્ધત્વ ઘેરી વળે છે. જિંદગીનાં અમૂલ્ય વર્ષો વેડફાઈ જાય છે, ત્યારે ગણપતિનો સંદેશ એ છે કે આ કાળ પર અંકુશ મેળવો. જીવનનાં વર્ષોને હેતુ વિના વ્યર્થ ગાળશો નહીં. સમય પર સવારી કરીને અમૂલ્ય સમયનો યથાર્થ ઉપયોગ કરી જાણો. આ મૂષકનો મર્મ નહીં જાણનારને ગણપતિના આ વાહનનો હેતુ ક્યાંથી સમજાય?
ગણપતિનું વિશાળ ઉદર તરત નજરે ચડે છે. એમનું મોટું પેટ દર્શાવે છે કે સાચા નેતા કે તત્ત્વજ્ઞા સહુની વાત સાંભળે છે, સહુનાં સુખદુ:ખ જાણે , છે, પરંતુ એ વાત કોઈને કહેતા નથી, સઘળી વાત એમના વિશાળ ઉદરમાં સમાઈ જાય છે. આનો મર્મ એ છે કે આવા નેતા હોય, તો જ સહુ કોઈ એમના પર વિશ્વાસ મૂકે. એમના ૫૨ પોતાની શ્રદ્ધા ટેકવે. કારણ કે જો એ કોઈનું ગુપ્ત રહસ્ય પ્રગટ કરે, તો એ રહસ્ય કહેનાર ૫૨ ઘણી મોટી આપત્તિ આવે છે. વળી નેતા પ્રજાના સઘળાં દુ:ખોને પોતાનામાં સમેટી લે છે. તત્ત્વજ્ઞા કેટલીય વિચારધારાઓને પોતાના મનમાં રાખે છે અને આ સઘળું સમાવીને જગતનું મંગલ થાય એવું કાર્ય તેઓ કરતા હોય છે.
ગણપતિનું નાક હાથીની સૂંઢ જેવું છે. પશુ જગતમાં હાથી અત્યંત બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે. જેણે જગતનું મંગલ કરવાનું હોય, એણે જગતને પોતાની બુદ્ધિથી દોરવણી આપવાની હોય છે. ગણાધ્યક્ષનું કર્તવ્ય એ છે કે પોતાના ગણોને ઉચિત દિશાદર્શન આપતા રહે. વળી વખત આવ્યે આ હાથી ખૂંખાર સિંહને પણ ભગાડી શકે છે. એનો અર્થ એ કે એનામાં એવું પરાક્રમ હોય છે કે જે પોતાના પરાક્રમથી જ સિદ્ધિ હાંસલ કરતો હોય છે. એનો અર્થ જ એ કે ગણપતિ સમાજમાં પરાક્રમ અને તેજસ્વીતા આપે છે. વળી હાથી પરોપકારી હોય છે. એ પોતે ભોજન કરતો હોય, ત્યારે થોડાં કોળિયા આમ તેમ ઉડાવતો હોય છે. એનો અર્થ જ એ કે પોતે પોતાનું વિશાળ પેટ ભરી રહ્યો છે, પણ સાથોસાથ એને નાનાં પેટવાળા જીવજંતુઓની એટલી જ ચિંતા છે. નેતા મોટા માણસોની ચિંતા કરે, એની સાથોસાથ નાની વ્યક્તિઓની ભૂખની ચિંતા કરે જ ને! આમ એક પ્રકારની સામાજિક શ્રેયની ભાવના ગણપતિમાં જોવા મળે છે.
આવો નેતા કેવો હોય? સૂપડાં જેવાં. જે વ્યર્થ બાબતોમાં એક ક્ષણ પણ ગાળતો ન હોય, નકામી વસ્તુઓને દૂર તત્કાળ ફેંકી દેતો હોય. સતત તકેદારી રાખતો હોય કે વ્યર્થ, હાનિકારક બાબતોને સહેજે મહત્ત્વ આપતો હોય નહીં. જેમ સૂપડામાં અનાજને છાંડવામાં આવે અને ફોતરા ફેંકી દેવામાં આવે, તેમ ગણપતિના સૂપડા જેવા સતત હાલતા કાન ફોતરાં જેવી વ્યર્થ નકામી અને હાનિકારક બાબતોને તત્કાળ ફેંકી દે છે. ગણપતિના બાહ્યરૂપની પાછળ કેવાં ગહન અર્થો સમાયેલાં છે!
હિંદુ ધર્મનો સર્વત્કૃષ્ટ મંત્ર ઁકાર છે. ગણપતિ એ ઁકારનું પ્રતીક છે. એમનું મસ્તક હાથીનું છે અને કુદરતમાં માત્ર હાથીનું મસ્તક જ ઁકારને મળતું આવે છે. વળી એમનું મસ્તક હાથીનું છે તો એમની સવારી ઉંદર પર છે. હાથી પ્રાણીઓમાં સૌથી મોટું પદ ધરાવે છે, જ્યારે ઉંદર સાવ નાનું શરીર ધરાવે છે. આનો અર્થ જ એ કે મોટામાં મોટા પ્રાણીથી માંડીને નાનામાં નાનાં પ્રાણીના સર્જક ગણપતિ છે.
એક સમયે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ તિબેટ, ચીન, જાપાન, કોરિયા, પૂર્વ એશિયા, પ્રાચીન એસિરિયામાં ગણપતિ પૂજા પ્રવર્તમાન હતી. વિઘ્નહર્તા દેવ ગણપતિ વિશે પ્રાચીન સાહિત્યમાં ઘણી કથાઓ અને સ્તોત્રો મળે છે. આ વિઘ્નેશ્વ૨ના ઉદ્ભવ વિશે લિંગપુરાણ, શિવપુરાણ, વરાહપુરાણ, મત્સ્યપુરાણ, સ્કંદપુરાણ વગેરેમાં જુદી જુદી કથાઓ છે. વળી અથર્વશીર્ષ, ગણેશપુરાણ અને મુદગલ પુરાણ એ બે ઉપપુરાણ તથા બીજા અનેક સ્તોત્રોમાં ગણપતિ અંગેનું સાહિત્ય પ્રાપ્ત થાય છે.
અથર્વશીર્ષ ઉપનિષદ અનુસાર તો ગણપતિ એ પરબ્રહ્મ પરમતત્ત્વ છે. તેઓ જ સૃષ્ટિના રચિયતા, ધારણ કર્તા અને સંહર્તા છે. સકલ જગત એમનાથી ઉદ્ભવે છે, સ્થિતિ પામે છે અને તેમનામાં વિલીન થઈ જાય છે. તે પંચભૂતોને સ્વરૂપે છે. વાણીના સઘળાં રૂપો ગણપતિના છે. વળી એ જ ગણપતિ બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્રના દેવસ્વરૂપો છે તથા સર્વ અવસ્થાઓ અને ત્રણેય કાળથી તે અતીત છે. માનવશરીરના મૂલાધારમાં ગણપતિનું સ્થાન છે અને ભારતીય તંત્રપદ્ધતિમાં તો ગાણપત્ય સંપ્રદાય પણ છે.