સ્ટીવ જોબ્સ ને ભારતનું સત્ય, હનુમાન અંશ ફિલ્મનું સત્વ!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- નીમ કરોલી બાબાના પરચા અને સાધનાની કથા કહેતી ફિલ્મ જે રીતે છવાઈ ગઈ કોઈ પ્રમોશન કે સ્ટાર વિના એ એક ચમત્કાર છે!
૧૯ ૭૪ની સાલ. ત્યારે એપલ જેવું તોતિંગ કોર્પોરેશન નહોતું. મેકિનટોશ પર્સનલ કોમ્પ્યુટર, પિક્સાર એનિમેશન, આઈપોડ, આઈફોન વગેરે કશાનું અસ્તિત્વ નહોતું. અસ્તિત્વ હતું સ્ટીવ જોબ્સનું. લગ્ન પહેલાના સંબંધને લીધે કુંતીએ કર્ણને ત્યાગેલો, એમ એની માતાએ ઓફિશ્યલી એ બાળકને દત્તક આપી દીધેલો. એ હવે યુવાન હતો. ટીનેએજરની માફક જ રેબેલ એન્ડ રેસ્ટલેસ હતો. વિદ્રોહી ચિત્તનો અજંપો એને કોરી ખાતો હતો. સપનાઓના પરપોટાં આર્થિક સંકડામણની અણીઓ ફોડી નાખતી હતી. એ વખતે એને અમેરિકામાં હિન્દુ ધર્મનો પરિચય થયેલો ઈસ્કોન મંદિરના સદાવ્રત થકી, જેની વાત એણે એના પ્રવચનોમાં કરી છે. તરૂણ ઉંમરે એને ઘણા વેસ્ટેનર્સની જેમ ભારત દેશ ચમત્કારિક રહસ્યકથા જેવો લાગતો હતો. એને થતું કે અહીં મારી સમસ્યાઓનું સમાધાન જડશે કદાચ.
આ નોર્મલ બાબત છે. અહીં ભારતમાં ઘણાને એવું લાગતું હોય કે આફ્રિકાના જંગલોમાં કશુંક ગેબી જડી આવશે. એની વે, માસાચ્યુએટસ (યુએસએ)ના રિચાર્ડ આલ્પર્ટ નામના એક યહૂદીએ ૧૯૬૭માં ભારતનો પ્રવાસ ખેડેલો. ત્યારે એમની મુલાકાત નીમ કરોલી બાબા સાથે થયેલી. પોતાને થયેલી અનુભૂતિઓનું પુસ્તક એમણે 'બી હીઅર નાઉ' નામથી લખ્યું ને નામ પણ બદલાવી સ્પિરિચ્યુઅલ ગુરૂ તરીકે રામદાસ કર્યું. એ ગાળો હિપ્પીયુગનો હતો. (હરે રામ હરે ક્રિષ્ણ - દેવ આનંદ ઝિન્નત અમાન યાદ છે ?) જેમાં અલગારી મસ્તીના ટ્રાન્સને ભારતીય આધ્યાત્મિક અનુભવો સાથે જોડવાનો ટ્રેન્ડ હતો. રામદાસ (રિચાર્ડ આલ્પર્ટ) પછી જેફરી કિગલ નામનો અમેરિકન યુવક ૧૯૭૦માં ભારત આવી નીમ કરોલી બાબાને (રામદાસના કહેવાથી) મળેલો. એને મ્યુઝિકમાં નેચરલ ઈન્ટરેસ્ટ હતો. ભારત મુલાકાત બાદ એણે પોતાનું નામ કૃષ્ણદાસ કરી નાખ્યું. જે આજે પણ અમેરિકામાં જીવે છે, લોંગ આઈલેન્ડ ન્યુયોર્ક ખાતે. હશીશના મની લોન્ડરિંગ માટે સજા પણ થયેલી અને ૨૦૧૩માં ગ્રેમી નોમિનેશન પણ મળેલું 'યોગા મ્યુઝિક' માટે.
આના પગલે પગલે ૧૯૭૪માં યુવા ઉંમરે હોય એવી ઓળખની તલાશમાં આધ્યાત્મિકતાની તરસ લઈ મિત્ર ડેનિયલ કોટ્ટે સાથે સ્ટીવ જોબ્સે ભારતમાં પગ મૂક્યો. આપણે ત્યાં કોઈ એક અંગ્રેજીમાં લખે એટલે કોપીયેસ્ટિયાઓ રેલોલનો ગરબો ઝીલવા આવી જાય. પણ સ્ટીવ જોબ્સની વોલ્ટર આઈઝકસન જેવા રિસર્ચ બેઝ્ડ બાયોગ્રાફીમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાતા સંશોધકની બાયોગ્રાફીમાં સ્ટીવ જોબ્સના આધારભૂત લખાણ/મુલાકાત સાથે ભારત પ્રવાસનો અનુભવ સવિસ્તર છે. એમાં આજકાલ વાઇરલ મેસેજમાં રોમેન્ટિસાઇન્ડ કરવામાં આવે એવું કશું નથી.
સ્ટીવ ભારત પહોંચ્યો એના વરસ પહેલા ૧૯૭૩માં નીમ કરોલી બાબાનો તો દેહત્યાગ થઈ ગયેલો. એ હિમાલય કૈંચી ધામ ને અન્ય જગ્યાઓ પર રખડયો. ત્યારે એ ફોરેનર યંગસ્ટર હતો, સેલિબ્રિટી નહિ. એને બહુ યાદગાર અનુભવ ન થયો. એનું મૂંડન એક જગ્યાએ ફરજીયાત કરાવાયું. કોઈ દિવ્ય આત્મસાક્ષાત્કારને બદલે ન સમજાય એવા વિધિવિધાનોથી એ અકળાયો. માંદો પડયો. મરડો થઈ ગયો. ઈન્ફેકશન લાગ્યું. વજન ખાસ્સું ઘટી ગયું. એના મનમાં ભારતની છાપ એક રળિયામણા ચૈતસિક દેશની હતી. પણ એણે જ નોંધ્યું કે અહીં તો અશિસ્ત અને ગંદકીના ઢગલા હતા. એનો ભ્રમ ભૂક્કો થઈ ગયો. ભારતમાં એને બહુ ગોઠયું નહિં. એટલી હદે કે જીવતેજીવ એણે ભારતમાં ડિમાન્ડ હોવા છતાં એક પણ ઓફિશ્યલ એપલ સ્ટોર
ખોલ્યો નહિ !
એટલે એપલનો લોગો બાબાના એઠાં સફરજનમાંથી ને એ બધી વાતો ટાઢાં પહોરના ગપ્પા છે. એપલ લોગોનો ઈતિહાસ ઓનલાઇન ઓથેન્ટિક છે. વાંચજો. મનગમતું રમકડું તૂટે ને બાળક જાત પર ખીજાય, એમ સ્ટીવ જોબ્સને જે જોઈતું હતું એ ભારતીય આશ્રમોની રઝળપાટમાંથી ન મળ્યું. હા, એની એ દિમાગી ખોજ અધ્યાત્મના ઝૂકાવને લીધે ઝેન બુદ્ધિઝમ તરફ એને ખેંચી ગઈ. આજે પણ કેલિફોર્નિયામાં 'સ્વામીઝ બીચ' જેમના નામે છે એ અમેરિકામાં ભારતીય દર્શન લઈ પહોંચેલા પરમહંસ યોગાનંદ (વીસમી સદીમાં બીજા બધા એમની પાછળ, એમના પછી ગયા)નું 'ઓટોબાયોગ્રાફી ઓફ ધ યોગી' વાંચી ભારત તરફ આકર્ષાઈ ગયેલો જોબ્સ જાપાનીઝ ઝેન માસ્ટર કોબુન ઓટોગાવા તરફ ફંટાઈ ગયો !
કોબુનના એ ફોટા પણ રાખતો જોડે. એમને કંપની મીટિંગોમાં લઈ આવતો. એમની હાજરીમાં જ અગાઉની બ્રોકન રિલેશનશિપ્સ બાદ લોરીન પોવેલ સાથે ૧૯૯૧માં એણે લગ્ન કરેલા. હા, છેલ્લા શ્વાસ સુધી કેન્સરની ઓલ્ટરનેટ થેરેપીમાં પણ એને ગેબી 'ઈસ્ટર્ન સ્પિરિચ્યુઆલિટી'માં રસ રહ્યો. પણ એની બીમારી એનાથી દૂર ન થઈ. અલબત્ત, ભારતમાંથી એને કશું ન જડયું એવું ય નહોતું. દિમાગમાં જે અંધાધૂંધી (કલટર) હતી, એ ક્લીયર થઈ. ઉતાવળને બદલે શાંતિ આવી. સૌથી અગત્યનું એ કે એને ભારત આવ્યા બાદ પશ્ચિમી 'સીસ્ટમેટિક ઈન્ટેકલેકચ્યુઅલ એપ્રોચ' યાને તર્કબદ્ધ બુદ્ધિપ્રધાન વ્યવસ્થાને બદલે 'પાવર ઓફ ઈન્ટયુઇશન' યાને અંત:સ્ફુરણા સમજાઈ. એમાં ભરોસો પડયો કે દિમાગને બદલે દિલથી સુનો. સાદગીનું મિનિમાલિઝમ એપલની ડિઝાઈનમાં આવ્યું. ઓછા બટન, નેચરલ કર્વવાળી ડિઝાઈન. જે કથાઓ વહે છે કે એણે ઝકરબર્ગને ભારત જવાની સલાહ દીધેલી, એ આ રીતે. ફેસબુક બાબતે થોટસ ક્લીન એન્ડ કલીઅર કરવા. માર્ક ઝકરબર્ગ જાહેરમાં ભારતીય બાબાઓથી પ્રભાવિત હોવાનું હજુ સુધી કહેતો નથી.
પણ એમાં નીબ કરૌરી ગામમાં સમય વીતાવ્યો ને એ અપભ્રંશ થતા નીમ કરોલી બાબા કહેવાયેલા ગુરૂ ફેમસ થઈ ગયા. પરદેશમાં પણ એમનું નામ છે. ભારતમાં ગાજતું તો હતું જ. પણ ગુંજતું કર્યું. 'હનુમાન અંશ' ફિલ્મે. અગાઉ નોંધપાત્ર કામ નથી કર્યું. ટિપિકલ સિવાય, એવા વિશાલ ચતુર્વેદીની અવધૂતી ફિલ્મમેકિંગ સ્ટાઇલ રંગ લઈ આવી ૨૧ વર્ષની લંડનમાં ઈકોનોમિક્સ ભણેલી પ્રોડયુસર અનુપ્રિયા નાગરના કન્વિકશન સાથે. ફિલ્મ દિલથી બની, તો દિલ સુધી તરત પહોંચી. એની સ્ક્રિપ્ટ મેનિપ્યુલેટિવ કે મેન્યુફેકચર્ડ નથી. 'મહા અવતાર નરસિંહા' અને ગુજરાતી 'લાલો' બાદ સરપ્રાઇઝંગલી કેવળ વર્ડ ઓફ માઉથ પર 'હનુમાન અંશ' બ્લોકબસ્ટર નીવડી. આ ત્રણે ફિલ્મોમાં એક કોમન ફેક્ટર છે. આપણે મોટા થયા જે ભાવ અને ભક્તિની સનાતન કથાઓ સાથે, એ ભારતનું એમાં પ્રતિબિંબ છે. ગળથૂથીમાં (હવે આનું અંગ્રેજી કેવી રીતે કરવું) જે ભારતની કહાની છે, એનો પડઘો આ ત્રણે ફિલ્મો પાડે છે. લાલો કે હનુમાન અંશમાં ચમત્કાર હોવા છતાં એ ચમત્કાર
મેઇનસ્ટ્રીમ નથી.
હનુમાન અંશની સફળતા અઠ્ઠે ગઠ્ઠે નથી. નવા લોકોની છે, પણ નબળી ફિલ્મ નથી. સિનેમાની રીતે એની સાઉન્ડ ડિઝાઇન, લાઈટિંગ, સિનેમેટોગ્રાફી જેવા ટેકનિકલ પાસા ઉત્તમ છે. ગુજરાતી ફિલ્મોની જેમ લો બજેટ વિડિઓ ફિલ્મ નથી લાગતી. આવી ફિલ્મોમાં હોય એવા લાઉડ મેલોડ્રામા વિનાનું વાર્તાકથન સરળતાથી એવું વહે છે કે પૂરી થાય (આમ તો પુરી નથી થતી, જાણી જોઈ ઉત્કંઠા વધે એમ અધૂરી મુકાઈ છે ) થાય ત્યારે પણ લાગે હજુ ચાલુ હોત તો વાંધો ન આવત ! એક્ટિંગ પણ સરસ. ખાસ કરીને મુખ્ય ભૂમિકામાં લાલોના શ્રુહ્યદની જેમ શોભિનવ સત્યાના ફ્રેશ ફેસની ઇમ્પેક્ટ આવે છે.
પણ ફિલ્મનો હીરો એનું સંગીત પણ છે. રામ હનુમાન શિવના ભજનો એવા જનપદી અવાજમાં ગવાયા છે કે તમને રીતસર બાબાના મેડિટેશનની જેમ ટ્રાન્સમાં લઈ જાય ! સાધુ તિવારીનો પહાડમાંથી કાંસાની ગાગર રગડતી હોય એવો ભજનનો ભાતીગળ અવાજ છે. પ્રજ્ઞાચક્ષુ સુનિલ તો ટ્રેનમાં ગાતો એમાંથી આવ્યો છે. રૂપાના સિક્કા જેવા અવાજોમાં સરળ બુંદેલી અવધી મિક્સ કરેલા ભજનો બરાબર ટાઇમિંગ સાથે પ્લેસ કરાયા છે. પાર્વતી ગીતમાં તો મજાકિયા અંદાજ છે, વર્ષોથી જાણીતી શિવની પ્રેમકથાનો.
નીમ કરોલી બાબાએ સેટ પર પણ ચુસ્ત શાકાહાર સાથે કામ કરતી ટીમને ગેબમાંથી આશીર્વાદ વરસાવ્યા કે નહીં એ ખબર નથી, પણ ફિલ્મ સામાન્ય રીતે થિયેટરમાં ન આવતા ઓડિયન્સને ખેંચવામાં સફળ થઈ છે ને હવે તો એનું માર્કેટિંગ પણ સજ્જડ જામી ગયું છે. ક્યો એક્ટર એવું કોઈ નામ નથી લેતું પણ એને બદલે કેવી રીતે આસિસ્ટન્ટ સત્યાને રોલ ગયો કે એક કપિરાજ કેવી રીતે સેટ પર હતા (એન્ડ ક્રેડિટમાં પણ છે ) કેવી રીતે રિજેકશન થયું, બધી સ્ટોરીઝ
આવે છે.
પણ મુદ્દાની વાત એ કે ભારતની અસલી આસ્થાની સહજ સુગંધ એમાં છે. અગાઉ પણ લખ્યું છે કે આ દેશ માટે શ્રદ્ધા એ ઉતારી શકાય એવું વસ્ત્ર નથી, પણ ત્વચા છે. આ ફિલ્મમાં એ નાડ બરાબર પકડાઈ છે. એમાં ભારતની સારપ સાચવતો માનવતાની ભક્તિવાળો અસલ અલગારી દેહાતી સાધુઓ જેવો મસ્ત ભાવ છે. એ ઝીલવા પણ જોવા જેવી છે. સુપરસ્ટાર રીલરજવાડી બાબાબેબીઓનો રાફડો ફાટયો છે, ત્યારે અહીં મૂળ સાધુતાનો સાદ અને નિસર્ગનો નાદ છે. સર્જક નરેન્દ્રસિંહ રાણા નોંધે છે એમ મજા એ છે કે ફિલ્મમાં ચમત્કારોની વાત છે. પણ એને વટાવવામાં નથી આવ્યા. જૂની ધાર્મિક ફિલ્મોની જેમ. ફોકસ સાધના પર છે. એક સહજ સાધુ જીવ છે જેને કશું પ્રાપ્ત નથી કરવું. ફોટા નથી પડાવવા સેલિબ્રિટી જોડે. બ્રાન્ડ નથી બનાવવી. મંદિર પણ છોડવું પડે તો બનાવીને સ્થાનિક લોકોને સોંપી ચાલતા થવું છે. પદ પ્રતિષ્ઠા પ્રભાવ નથી જોઈતો. બસ, ભગવાનની ભક્તિ કરવી છે. ભૂખ્યાને ભોજન આપવું છે. ટુકડો ત્યાં હરિ ઢૂકડો વાળો સોરઠી સંતો વાળો ભાવ છે. ૧૨ વર્ષે ઘર છોડયા બાદ સાધક તરીકે બાબા રાજકોટ અને મોરબી પાસે વવાણીયા રહ્યા એની અસર હશે ? ખબર નથી.
એટલે ફિલ્મ સહજ લાગે છે. બીમાર માણસને સારવાર માટે લઈ જવાની વાત પણ છે. માત્ર પરચા નથી. ભવિષ્ય અંધકારમય લાગે તો એ બદલવા કર્મ કરવાની પણ વાત છે. ટ્રેનવાળી સિક્વન્સ સિવાય ફિલ્મ ખાસ મેલોડ્રામેટિક પણ નથી, જે આ જોનરની હોય છે. ઊલટું રમૂજ છે. અહીં ચમત્કાર વ્યક્તિપૂજાને બદલે કુદરતની કમાલ જેવા લાગે છે, કારણ કે એની પાછળ એ વેંચવાનો ભાવ બાબાનો પણ નથી. ક્રેડિટ બધી નરસિંહ મહેતાના શામળશાની જેમ ભગવાનને
અપાઈ છે.
લાલો અને હનુમાન અંશની સફળતાનું વધુ એક સામ્ય એ છે કે અત્યારે આપણી કોમન પબ્લિક અનેક સમસ્યાને લીધે અંદરથી અકળાયેલી અને હતાશ છે, આર્થિક ખેંચ અને અનિશ્ચિત ભાવિ અનુભવે છે. એમાં આ ફિલ્મો ભગવાનનો ભરોસો આપીને આશાની થેરેપી આપે છે ! દુ:ખદર્દ દૂર કરે એવા મિરેકલ લોકો ઝંખે છે હાલ. પણ ધર્મમાં ઘુસી ગયેલા ધંધાથી નારાજ પણ છે. આ બધું કનેક્ટ થાય એવી ફિલ્મ બનવી જોઈએ. લખાવી પણ જોઈએ. બાકી કૃષ્ણાવતારમ કે આદિપુરુષ જેવી મોટી ફિલ્મો કે કંઈક ગુરુ, આશ્રમ, મંદિરો વગેરેનું પ્રમોશન કરતી લાઉડ ફિલ્મો નથી ચાલતી. લોકોને થિયેટરમાં સ્પર્શી જાય એવી અનુભૂતિ જોઈએ છે, ધાર્મિક ભાષણ નહીં.
રાજીપો એ છે કે સમર્થ તરીકે પરદેશમાં પણ પહેલેથી પ્રસિદ્ધ સંત નીમ કરોલી બાબા પોતાને હનુમાનભક્ત કે રામભક્ત તરીકે જ ઓળખાવતા. મંદિરો બનાવવામાં પણ એવો જીવ નહોતો રેડી દીધો. ગામ છોડવાનું લાગણીસભર દ્રશ્ય યાદ કરો. એમની હાજરી મંદિરના દીવાના અજવાસ અને ઘંટારવના અવાજ જેવી ભાસે છે. ઈગો સંતોષવા બધે મોટા મંદિરો ચણવાની એમને તૃષ્ણા ન્હોતી. ખુદ સાદું જીવન જીવ્યા. કોઈ ઠાઠ કે ભપકો નહીં. ધાબળો ઓઢી ફરવાનું. સામાન્ય રીતે રહેવા ને સૂવાનું.
ગૃહસ્થી પણ સ્વીકારી. પોતે ભારતમાં પૂજાતા ભગવાનોથી સર્વોચ્ચ કે સાક્ષાત પ્રગટ ભગવાન છે એવું ખુદ ન કહેતા કે ના લાંબા ભાષણો શિબિરો કાર્યક્રમો કરતા. ખાલી સાધના કરતા અને સીતારામ સીતારામ બોલતા બોલાવતા પ્રેમ, હરિનામ અને સેવાનો સંદેશ આપતા, રાજકારણ, નફરત અને હિંસાનો નહીં !
લવ, સર્વ, બી ટ્રુથફૂલ એન્ડ રિમેમ્બર ગોડ આ મેસેજ સાથે ઘણી ચેતનાઓ આપણી આસપાસ રહી. શિરડીના સાંઈબાબા, ગણેશપુરીના નિત્યાનંદ બાબા, બગદાણાના બજરંગદાસ બાપુ, આપા દાના, સંત દેવીદાસ, જલારામ બાપા, નારેશ્વર રંગ અવધૂત, રણછોડદાસજી મહારાજ, શ્રીમોટા, શિહોરના મુક્તાનંદ ને બીજા પણ ઘણા. યાદી લંબાવી શકાય એમ છે. પણ બધા કોમન કનેક્ટ છે. કોઈને નડવું નહીં, બાળકની જેમ રમવું, બીજા ધર્મો કે નવી વાતોને નીચી નહીં દેખાડવાની. રાજકારણ કે ખટપટથી દૂર રહેવું. પરિવર્તન કે નવી પેઢીને વખોડયા નહીં કરવાની. સાહજિક ગુસ્સો હોય પણ સર્વશ્રેષ્ઠ હોવાનો અહંકાર નહીં. પૈસાનો બિલકુલ પરિગ્રહ નહીં. મુક્ત હાસ્ય. ભજન ને ભગવાનનું નામ પણ ભોળા ભાવે લેવાનું. દેખાડી દેવા નહીં. સમાજને જોડીને રાખવાનો. તોડીને નહીં. (સૌરાષ્ટ્રમાં એટલે જ ઘાતક હિન્દુ મુસ્લિમ રમખાણો ભાગ્યે જ લાંબા થયા છે !) સગવડો કે ભવ્ય ઈમારતોનું શક્તિપ્રદર્શન નહીં કરવાનું. ભક્તોને ફાયદા કરવાના સેટિંગની ટેવ પડવાને બદલે સારા કર્મોની ટેવ પાડવાની. જાહેરાતની પ્રદર્શન વધે ત્યાંથી દૂર થઈ જવાનું !
નીમ કરોલી બાબા ને તો કોઈ ગાંધી ટોપી પહેરીને આવે તો ગેલમાં આવી ગાંધીજી ગાંધીજી બોલવા જેવો સદભાવ રહેતો. દેશની નસ એમણે પણ ગાંધીજીની જેમ સામાન્ય માણસો વચ્ચે જઈને પકડી હતી. એમને બે દીકરા અને એક દીકરી પણ હતી. બેઉ દિવંગત દીકરાઓ સરકારી અધિકારી હતા. એમને ત્યાં પણ સંતાનો છે. દીકરી જીવે છે હજુ ને એનો પણ વંશવેલો આગળ વધે છે. સ્ત્રીઓ કે સંસારથી ભડકીને ભાગવાના ઉપદેશક ન હોય એમની કથા અને જીવનનો બીજો ભાગ ભલે આવતો. સ્વાગત છે.
ફાસ્ટ ફોરવર્ડ
બધા કહે છે કે 'આમ આંખ બંધ કરીને વિશ્વાસ ના કરાય'
'અરે ! વિશ્વાસ જ એને કહેવાય જે આંખ બંધ કરીને કરી શકાય. જોઈ, વિચારી, સમજીને જ વિશ્વાસ કરીએ તો એ શંકાનું જુદું સ્વરૂપ કહી શકાય.'
- (નેહલ ગઢવી )




