મંદિરોને મળતા દેવદ્રવ્યમાં હાથ મારનારા અમુક પાપી પૂજારીઓ અને પોલિટિશ્યનોને ભગવાનનો પણ ડર નથી!

- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- કરોડો રૂપિયાની ભેટ-સોગાદ અને નગદ નાણાં મળે છે. હવે તો ડિજિટલ ડોનેશનની વ્યવસ્થા થયાં પછી વિદેશોમાં રહેતા શ્રદ્ધાળુઓ તરફથી પણ પુષ્કળ પૈસા ડોનેશન રૂપે મળે છે
અ યોધ્યાના રામ મંદિરમાં ચઢાવાની ચોરી મૂદ્દે દેશભરમાં ખૂબ હોબાળો મચી ગયો. હજુ પણ આ કેસની આંટીઘૂંટી પૂરેપૂરી ઉકેલી શકાઇ નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે રોજ હજારો, લાખો ભક્તોનો ધસારો થતો હોય અને દરેક શ્રદ્ધાળું નાની-મોટી અમુક રકમ દાનપેટીમાં પધરાવતો હોય તો દાન પેટે જે તે મંદિરને કેટલી આવક થતી હશે. આવા છુટક-છુટક મળતા ફંડફાળાનો હિસાબ પણ કેવી રીતે રખાતો હશે.
ભારતમાં અંદાજે આઠ લાખ મંદિરો છે અને તેમાંથી ચારેક લાખ મંદિરો અને તેના ટ્રસ્ટ વિવિધ રાજ્ય સરકારોના વિશેષ ધામક કાયદાઓ અથવા ભારતીય ટ્રસ્ટ અધિનિયમ, ૧૮૮૨ હેઠળ સંચાલિત છે. ભારતના આશરે આઠ લાખ અધિકૃત મંદિરોને દર વર્ષે કરોડો રૂપિયાની ભેટ-સોગાદ અને નગદ નાણાં મળે છે. હવે તો ડિજિટલ ડોનેશનની વ્યવસ્થા થયાં પછી વિદેશોમાં રહેતા શ્રદ્ધાળુઓ તરફથી પણ પુષ્કળ પૈસા ડોનેશન રૂપે મળે છે.
વધુ વિગતવાર જોઇએ તો તેલંગાણા અને આંધ્ર પ્રદેશ મળીને ૨,૫૬,૦૦૦, કર્ણાટક ૫૬,૦૦૦, તમિલનાડુ ૯૦,૦૦૦, મધ્યપ્રદેશ ૭૬,૦૦૦, બિહાર ૪,૩૦૯ અને રાજસ્થાનમાં ૩૦,૦૦૦ મંદિરો છે. દેશમાં ૧ લાખ મંદિર ઉપેક્ષિત છે જેમાં સર્વાધિક તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં છે. થોડાં વર્ષ પહેલાં કર્ણાટકના ૨,૫૬,૦૦૦ મંદિરથી લગભગ ૭૨ કરોડ રૂપિયાનું દાન આવતું હતું. પરંતુ પ્રસાદ-આરતીના નામ પર માત્ર ૧૦ કરોડ રૂપિયા જ મંદિરમાં વાર્ષિક હિસાબમાં રેકોર્ડ નોંધવામાં આવતો હતો. તેમાં ૬૨ કરોડ રૂપિયા હજ સબ્સિડી, મદરેસા, ચર્ચ, મિશનરી સહિત તમામ સ્થાનો પર ખર્ચ થતા હતા તેવું દર્શાવાતું હતું.
ત્રણ મહિના પૂર્વે જમ્મુ અને કાશ્મીરમાં આવેલા વૈષ્ણોદેવી માતાના મંદિરમાં માતાજીને ધરાવવા માટે સ્થાનિક દુકાનોમાંથી ખરીદવામાં આવતા ચાંદીના સિક્કા કે દાગીનામાં મોટા પાયે ભેળસેળ થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. ચાંદીના નામે જે દાગીના કે સિક્કા ખરીદવામાં આવે છે એમાં ચાંદી તો માત્ર પાંચથી ૬ ટકા હોય છે, બાકીની મિલાવટ છે જેમાં લોખંડ અથવા કેડમિયમ નામની એક ઝેરી ધાતુનો સમાવેશ છે જે કેન્સરનું પણ કારણ બને છે. સ્થાનિક ઝવેરીઓ પ્રસાદમાં વપરાતી ચાંદીને 'ઝેર' ભેળવીને વેચી રહ્યા છે. એક તપાસમાં આ વાત બહાર આવી છે.
તાજેતરમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે સરકારી ટંકશાળમાં ભેટ તરીકે મળેલી આશરે ૨૦ ટન ચાંદી પીગાળવા અને સાચવવા માટે મોકલી હતી. એવી અપેક્ષા હતી કે ચાંદીમાંથી આશરે પાંચસોથી ૫૫૦ કરોડ રૂપિયાની અસલી ચાંદી મળશે. જોકે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અસલી ચાંદીની કિંમત માત્ર ૩૦ કરોડ હોઈ શકે છે. ચાંદીમાં નોંધપાત્ર પ્રમાણમાં કેડમિયમ અને લોખંડ હતું. અસલી ચાંદીની કિંમત આશરે અઢી લાખ રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે કેડમિયમ માત્ર ૪૦૦થી ૫૦૦ રૂપિયે પ્રતિ કિલોમાં ઉપલબ્ધ છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ)ના નિયમો હેઠળ ગ્રાહકો માટેના માલમાં કેડમિયમનો ઉપયોગ પ્રતિબંધિત છે.
સરકારી ટંકશાળના અધિકારીઓએ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. કેડમિયમ એક એવી ધાતુ છે જે દેખાવમાં ચાંદી જેવી લાગે છે, પરંતુ એ ખૂબ જ ઝેરી છે. કેડમિયમ દ્વારા નીકળતો ધુમાડો કાર્સિનોજેનિક છે. એ હવા અને પાણીને પ્રદૂષિત કરે છે અને એને પીગાળવાથી પણ કામદારો માટે જીવલેણ બની શકે છે.
ભારતના મોટા ભાગના મંદિરોમાં દાન સંચાલનની મૂળભૂત પ્રક્રિયા લગભગ સમાન હોય છે. દાનપેટીઓ અથવા હુંડીઓમાંથી અધિકૃત કર્મચારીઓની હાજરીમાં પૈસા અન્ય ચીજો બહાર કાઢવામાં આવે છે અને તેને ગણતરી કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાં રોકડ, સિક્કા અને કિંમતી વસ્તુઓને અલગ કરવામાં આવે છે, તેમની ગણતરી કરીને તમામ વિગતો નોંધવામાં આવે છે અને ત્યારબાદ નિર્ધારિત બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સીસીટીવીથી દેખરેખ રાખવામાં આવે છે. જોકે, દરેક મંદિરની વહીવટી વ્યવસ્થા, જવાબદારીનું વિતરણ અને કાનૂની સુરક્ષા વ્યવસ્થા અલગ હોય છે.
અયોધ્યાના રામ મંદિરને ૨૦૨૦થી પાંચવર્ષના ગાળામાં આશરે ૩૫૦૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. હાલમાં મંદિર ટ્રસ્ટને વર્ષે સરેરાશ ૩૦૦થી ૭૦૦ કરોડનું દાન મળે છે. જેમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર જમાં થતાં વ્યાજની રકમનો પણ સમાવેશ છે. આ રામ મંદિરમાં લગભગ ૩૫ દાનપેટીઓમાં મળતું દાન ટ્રસ્ટના અધિકારીઓ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓની હાજરીમાં ખોલવામાં આવે છે. જ્યાં એસબીઆઈ દ્વારા નિયુક્ત કર્મચારીઓ અને ટ્રસ્ટના કર્મચારીઓ મળીને રોકડ અને આભૂષણોની ગણતરી કરે છે. ચકાસણી પૂર્ણ થયા પછી સમગ્ર રકમ ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
વિશ્વના સૌથી વધુ દાન મેળવનારા ધામક સ્થળોમાં તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) અગ્રિમ છે. તિરૂમલા વેંક્ટેશ્વર દેવસ્થાનમને પણ વર્ષે આશરે ૧૫૦૦થી ૧૬૫૦ કરોડનું દાન હુંડી (દાન પેટી) કે ઓનલાઇન ચેનલ અને વિવિધ ચીજોની હરાજીમાંથી મળે છે. મોટા ભાગના સ્વયંસેવકો નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને બેંક અધિકારીઓ હોય છે. તેઓ પોકેટ વગરના ખાસ વસ્ત્રો પહેરે છે. રોકડ રકમ લાવવા-લઇ જવા માટે બખ્તરબંધ વાહનો અને સિક્યુરીટી ગાર્ડની વાનોનો ઉપયોગ થાય છે.
જગન્નાથ પુરી મંદિરમાં દાન વ્યવસ્થાપન કાયદેસર રીતે નક્કી કરેલી પ્રક્રિયા મુજબ થાય છે.લગભગ આવી જ વ્યવસ્થા સુવર્ણ મંદિરમાં જોવા મળે છે. અમૃતસરના સુવર્ણમંદિરને વર્ષે આશરે ૫૦૦ કરોડ રૂપિયા ફંડ-ફાળા રૂપે મળે છે. મંદિરની વ્યવસ્થા અને ખાસ તો વિશાળ કોમ્યુનિટી કિચન (લંગર) પાછળ ખૂબ ખર્ચ થાય છે.
તાજેતરમાં વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતા ચઢાવા-દાનની કથિત હેરાફેરી અને નાણાંની ગેરરીતિના આરોપો અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતો એક-એક રૂપિયો કાં તો મંદિરની દાનપેટીમાં પહોંચવો જોઈએ અથવા ઓનલાઈન માધ્યમથી સીધો મંદિરની તિજોરીમાં જમા થવો જોઈએ. દાનની રકમને કોઈપણ રીતે અન્યત્ર વાળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ફરિયાદ એ હતી કે ત્રણ સેવકો પરંપરાગત દાનપેટીની સામે ઊભા રહી શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા લઈને પોતાની પોલિથીનની થેલીઓમાં મૂકતા હતા.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે સેવાદારો અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેમાં કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો કરવામાં આવે તો તેને અત્યંત ગંભીરતાથી લેવામાં આવશે. કોર્ટે મંદિર વ્યવસ્થાપન સમિતિને મંદિરની તિજોરી વ્યવસ્થામાં પારદર્શક પ્રણાલી લાગુ કરવાનો પણ નિર્દેશ આપ્યો.
આર્થિક દ્રષ્ટિએ સધ્ધર અને સમૃધ્ધ ગણાતા શિર્ડી સાઈબાબાના મંદિર ટ્રસ્ટે ગયા વર્ષે જાહેર કરેલી સુધારીત દાન નીતિ અનુસાર સાઈબાબાના ભક્ત તરફથી દાનરૂપે અપાતી રકમને આધારે સંસ્થાન તરફથી ભક્તજનને સાઈબાબાની ભેટવસ્તુ આપીને સન્માન કરાશે, ભક્તના પરિવારને નિ:શુલ્ક દર્શનના પાસ આપવામાં આવશે, પૂજાના કૂપન અપાશે અને ખાસ પ્રસાદનો લાભ આપવામાં આવશે. દાન-ભંડોળના વહીવટ માટે સંસ્થાન તરફથી ખાસ સોફટવેર ડેવલપ કરવામાં આવશે. જો કે અગાઉ આ ધર્મસ્થાનકે પણ અવારનવાર નાણાંકિય ગેરરીતિની વાતો બહાર આવી છે.
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના મેવાડમાં આવેલા સાંવલિયા શેઠ મંદિરમાં શ્રદ્ધાળુઓ એવા મોકળા મને દાન આપે છે કે તેની ગણતરી કરતાં મહિનો નીકળી જાય. આ મંદિરમાં દર વર્ષે દિવાળીના મહિના બે મહિના બાદ અને હોળીના દોઢ મહિના પછી દાનનો જે ભંડાર ખોલવામાં આવે છે, જેની ગણતરીમાં વધારે સમય લાગે છે. આમ તો વર્ષમાં ૧૧ વખત ભંડાર ખોલવામાં આવે છે, પરંતુ મોટા તહેવારો વખતે દાનની સરવાણી વહે છે. મંદિરના સત્સંગ હોલમાં ૨૦૦ લોકો આખો દિવસ નોટો ને સિક્કાની ગણતરી કરતા હોય છે. ગણતરી ચાલતી હોય ત્યારે પારદર્શકતા જળવાય તે માટે સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવે છે. તે ઉપરાંત અન્ય કેમેરાથી પણ નજર રાખવામાં આવે છે. જે લોકો ગણતરીમાં સામેલ થાય છે તેમને અંદર પર્સ લઈ જવા દેવામાં આવતા નથી અને સઘન ચેકિંગ કરવામાં આવે છે.
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દાનપેટી દર ગુરુવારે એક્ઝિક્યુટિવ અધિકારી, ટ્રસ્ટી, બેંક પ્રતિનિધિ અને ઓડિટરની હાજરીમાં ખોલવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા સીસીટીવી દેખરેખ હેઠળ થાય છે.
આમ છતાં હજુ ચાર મહિના પૂર્વે જ સિદ્ધિ વિનાયક મંદિરમાં કર્મચારીઓ દ્વારા જ દાનપેટીમાંથી અવારનવાર પૈસાની ઉચાપત કરી લેવાતી હોવાનું રેકેટ બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ માં અહીંના એક સેવક પેંડુરકર કથિત રીતે દાનપેટીમાંથી ચોેરી કરી રહ્યાનું દેખાયું હતું. બાદમાં ટ્રસ્ટના સભ્યોએ છેલ્લા ૮થી ૧૦ દિવસના સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરતા જાણવા મળ્યું હતું કે આરોપી વારંવાર દાનપટેીમાંથી પૈસા કાઢી રહ્યો હતો
મુખ્ય આરોપી પેંડુરકર મંદિરમાં કાયમી કર્મચારી હતો મંદિરમાં વિવિધ સ્થળોએ દાનપેટી મૂકવામાં આવી છે. આ દાનપેટીઓ સાંજે બીજા માળે રાખવામાં આવે છે. જો કે સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું હતું કે પેંડુરકર અન્ય પાંચ કર્મચારીઓ સાથે દાનપેટીને ત્રીજા માળે લઈ જતો હતો અને તેને ઊંધી કરી નાખી હતી. આવું કેટલા સમયથી ચાલી રહ્યું છે તે અંદાજ ખ્યાલ ન આવતા ચોરીની ચોક્કસ રકમ નક્કી કરવી મુશ્કેલ છે. પરંતુ ચોરી છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી હોય તેવું લાગે છે.
આ સંદર્ભમાં મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ એવો આરોપ કર્યો છે કે શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે રૃા.૧૮ કરોડ જેટલાં દાનની રકમની ઉચાપત થાય છે. ચોરી પકડાઈ તે પહેલાં મંદિરની સાપ્તાહિક આવક રૃા.૫૦ લાખ કરતાં ઓછી હતી. ચોરી પકડાઈ પછી સાપ્તાહિક આવક વધીને રૃા.દોઢ કરોડ સુધી પહોંચી હતી, એમ રાજ ઠાકરેએ ઉમેર્યું હતું.
સિદ્ધિવિનાયક મંદિરનો વહીવટ સંભાળતા ટ્રસ્ટના અધ્યક્ષ શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય સદા સરવણકરે જણાવ્યું હતું કે, મંદિરમાં ચોરી અંગે નવ જણની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં જરૂર હોય ત્યાં અમે કેસ કર્યા છે. ટ્રસ્ટના પ્રયત્નોના કારણે દાનની રકમમાં વધારો થયો છે. બે વર્ષ પહેલાં 'ટ્રસ્ટ'ની આવક રૃા.૧૧૪ કરોડ હતી. હવે તે વધીને રૃા.૧૮૨ કરોડ થઈ છે.
જો કે મંદિર ભંડોળની કથિત ઉચાપતના વિવાદને પગલે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ રાજીનામું આપવાનો ઈનકાર કર્યો છે અને તેમણે તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારના નેતૃત્વ હેઠળના ભૂતપૂર્વ શાસન દ્વારા નિયુક્ત કર્મચારીઓને શ્રેણીબદ્ધ ચોરીઓ માટે જવાબદાર ઠેરવ્યા છે.
અગાઉ મંદિરના કેટલાંક કર્મચારીઓએ ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવતા ભક્તો પાસેથી વીઆઈપી દર્શનને નામે રૂપિયા પડાવ્યા હતા. વીઆઈપી દર્શન માટેના સ્લોટ મંદિરના કર્મચારીઓ બૂક કરાવી લેતા જેથી વીઆઈપી ભક્તોને પાસ નહોતા મળતા. આથી આવા ભક્તો મંદિરમાં પહોંચતા ત્યારે તેમને મંદિર પરિસરના મીઠાઈ-ફૂલવાળાઓની દુકાનોના માધ્યમથી પાસ ઓફર કરી તેમની પાસેથી રૂપિયા પડાવતા હોવાનું જણાઈ આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સિદ્ધિવિનાયક મંદિરના દર્શને દેશ-વિદેશની સેલિબ્રીટી આવે છે એટલે તેમને વીઆઈપી દર્શન કરાવવા માટે મંદિરના કર્મચારીઓ વીઆઈપી પાસની વ્યવસ્થા મોટી રકમ લઈને કરી આપતા હોવાનો આરોપ પણ છે. સૌથી રહસ્યમય ઉચાપત તો કેરળના ખૂબ જ જાણીતા સબરીમલા મંદિરમાં થઇ હોવાનું કહેવાય છે થોડા મહિના પૂર્વે કેરળમાં સબરીમાલા મંદિર સોનાની ચોરીનાં કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
આ તપાસ અનેક અનિયમિતતાઓ સાથે સંબધિત છે જેમાં સત્તાવાર ગેરવર્તણૂક, વહીવટી ભૂલ અને ભગવાન અયપ્પા મંદિરની વિભિન્ન કલાકૃતિઓથી સોનાનાં હેરાફેરી કરવાનું ગુનાહિત કાવતરુ સામેલ છે. જોકે ઘણા સમય પછી પણ કુલ કેટલી રકમ (મૂલ્ય)ના સોનાની હેરાફેરી થઈ તે વાત જાહેર થઈ નથી.
આમ મંદિર, દેરાસરોને ભક્તો તરફથી મળતી ભેટસોગાદ અને રોકડ નાણાનો મોટે ભાગે કોઈ સંસ્થા દ્વારા ચોખ્ખો હિસાબ રખાતો નથી. મોટા ભાગના મંદિરો દાન પેટે મળેલી રકમમાંથી ધર્મસ્થાનકની જાળવણી, ભક્તો માટે વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા, તબીબી સારવાર માટેની સુવિધા, શૈક્ષણિક સંસ્થાઓને અનુદાન તથા કેટલીક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવવા પાછળ ખર્ચે છે.
આ બધા ખર્ચા-જાવકનો ચોકસાઈપૂર્વક હિસાબ ભાગ્યે જ રખાય છે અને તેને કારણએ જ મંદિરના ફંડફાળામાં ઘાલમેલ થાય છે.




