Ravi Purti

સોમાન રાણા : આંતકીઓની બારુદી સુરંગના વિસ્ફોટથી દિવ્યાંગ બનેલા આર્મીના જાબાંઝ જવાનની વિરાટ સિદ્ધિ

By GS Team
22 Aug 20265 mins read
TukuTouch Logo
ગ્લાસગોમાં ભારતના 43 વર્ષના પેરા એથ્લીટ સોમાન રાણાએ ગોળા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. મેઘાલયના શિલોંગના વતની સોમાને 13.40 મીટરના થ્રો સાથે F57 કેટેગરીમાં આ સિદ્ધિ મેળવી. બોક્સિંગનું સ્વપ્ન દિવ્યાંગતાને કારણે છીનવાતા, સોમાને નવી રાહ અપનાવી અને વૈશ્વિક સફળતા મેળવી.

Summarized by AI; it may make mistakes. Check important info

સોમાન રાણા : આંતકીઓની બારુદી સુરંગના વિસ્ફોટથી દિવ્યાંગ બનેલા આર્મીના જાબાંઝ જવાનની વિરાટ સિદ્ધિ

Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
બોક્સિંગમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધિનું શીખર સર કરવાની મહેચ્છા દિવ્યાંગતાના કારણેે છીનવાઈ તો સોમાન રાણાએ નવી રાહને સહારે વૈશ્વિક સફળતા મેળવીને બધાને ચકિત કરી દીધા
દરેક પડકાર વ્યક્તિને તેની ક્ષમતાનો પરિચય કરાવવાની સાથે સાથે તેનું ઘડતર પણ કરે છે. જ્યાં સુધી પ્રતિભા કસોટીને એરણે ચઢતી નથી, ત્યાં સુધી તેની ગણના માત્ર સામાન્ય હરિફ તરીકે જ થતી રહે છે. જોકે મેદાન પરના ખરાખરીના જંગમાં જે શ્રેષ્ઠ દેખાવની સાથે હરિફ ખેલાડી પર પકડ જમાવે છે, તેને જ દુનિયા ચેમ્પિયન તરીકેની ઓળખ આપે છે. તકને ઝડપી લેવાની સાથે સાથે પોતાની સામેના પડકારને ઝીલી લઈને આગળ વધી જવાનો નિર્ધાર અને સતત પ્રયાસો જ વ્યક્તિને સફળતાના શિખર સુધી પહોંચાડે છે અને દુનિયામાં તેને આગવી ઓળખ પણ પ્રાપ્ત થાય છે. જોકે આ બધાની પાછળ કંઈક નવું કરવાનો અને અથાગ પ્રયાસોનો ફાળો જ સૌથી મોટો અને મહત્વનો હોય છે.
જિંદગી દરેક સમયે નવા-નવા પડકારો સર્જતી રહે છે, પણ જેઓ ક્યાંય અટક્યા વિના આગળ વધતા રહે છે, તેઓ પોતે જ દુનિયા માટે એક મિસાલ બની જાય છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતના ૪૩ વર્ષના પેરા એથ્લીટ સોમાન રાણાએ દ્રઢ ઈચ્છા શક્તિ અને ક્યારેય હાર ન માનવાના જઝ્બાને સહારે ગોળા ફેંકની રમતમાં સુવર્ણ ચંદ્રક જીતીને બતાવ્યો છે. ભારતીય સૈન્યના જવાન સોમાનની સિદ્ધિની સાથે સાથે તેની ચેમ્પિયન બનવા સુધીની સફર પણ ભારે રોમાંચક અને યાદગાર બની રહે છે, જેના કારણે તેની સફળતાએ ભારતીય ચાહકોમાં આગવું આકર્ષણ જમાવ્યું છે.

મેઘાયલની રાજધાની શિલોંગના વતની સોમાન રાણાએ ગ્લાસગોમાં એફ ૫૭ કેટેગરીમાં ગોળા ફેંકમાં ૧૩.૪૦ મીટરના જબરજસ્ત થ્રોને સહારે સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. આ કેટેગરીમાં પગ ન હોય તેવા એથ્લીટ્સ ભાગ લેતા હોય છે, જેઓ એક નાનકડા ટેબલ પર બેસીને ગોળો ફેંકે છે. ઘણી વેળાએ થ્રો વખતે તેઓ પડી ન જાય તે માટે બેલ્ટ પણ બાંધવો પડે છે. ભારતીય સૈન્યના જાંબાઝ જવાન સોમાને તો કોઈ પ્રકારના ટેકા વિના જ તેના બીજા પ્રયાસમાં શ્રેષ્ઠ દેખાવ સાથે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી લીધો હતો. ભારત માટે ગૌરવની બાબત એ પણ રહી કે આ સ્પર્ધામાં ૧૩.૨૮ મીટરના થ્રો સાથે શુભમ જુયલે રજત ચંદ્રક હાંસલ કર્યો. પેરા ગોળા ફેંકની ૧૦ સ્પર્ધકોની ફાઈનલમાં માત્ર સોમાન અને શુભમ જ ૧૩ મીટરથી વધુ થ્રો કરી શક્યા હતા.
સોમાન રાણાએ બહુરાષ્ટ્રીય રમતોત્સવમાં આ પહેલી વખત સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જે તેના માટે વ્યક્તિગત રીતે પણ સીમાચિહ્નરુપ સિદ્ધિ છે. અગાઉ તેણે ૨૦૨૨માં ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ૧૪.૪૨ મીટરના થ્રો સાથે રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. આ ગેમ્સમાં ઈરાનના યાસિર ખોસરાવીએ ૧૬ મીટરના થ્રો સાથે સુવર્ણ અને ભારતના હોતોઝે સેમાએ ૧૩.૯૪ મીટરના થ્રો સાથે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ભારતીય પેરા એથ્લેટિક્સમાં છેલ્લા કેટલાક સમયથી સોમાન રાણાનું નામ ગાજતું થયું છે. તે છેલ્લા આઠ વર્ષથી વિવિધ આંતર્રાષ્ટ્રીય પેરા ઈવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં રહ્યા છે.
મેઘાલયના શિલોંગના સોમાન રાણાનું સ્વપ્ન બાળપણથી બોક્સિંગ તરફ વળેલું હતુ. અભ્યાસ કરતાં તેનું ધ્યાન રમત-ગમતમાં વિશેષ રહેતું અને આ કારણે તે શારીરિક રીતે તંદુરસ્ત રહેવા તરફ વિશેષ ધ્યાન આપતો. જીમનેશિયમમાં તાલીમની સાથે સાથે તેણે બોક્સિંગ પર પણ હાથ અજમાવ્યો અને ધીરે-ધીરે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પણ ઉતરવાનું શરુ કરી દીધું. આક્રમક મિજાજ ધરાવતા સોમાને ભારતીય સૈન્યમાં ગોરખા રેજિમેન્ટમાં સિપાઇ તરીકે જોડાયો. આ દરમિયાન તેણે પાંચ વર્ષ એમેચ્યોર બોક્સર તરીકે નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. વર્ષ ૨૦૦૫ની નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સોમાને પાંચમો ક્રમ મેળવ્યો હતો. ભારતના એલિટ બોક્સરોની હરોળમાં સ્થાન ધરાવતો સોમાન ત્યારે વિજેન્દર સિંઘ, કે.સી. કુટપ્પા અને સોમ બહાદૂર પુન જેવા બોક્સરોની સાથે પ્રક્ટિસ કરતો. વિજેન્દર આગળ જતાં ૨૦૦૮ના ટોકિયો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીત્યો અને ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનારો સૌપ્રથમ ભારતીય બોક્સર બન્યો. કે.સી. કુટપ્પાએ હાલમાં રાષ્ટ્રીય ટીમના કોચની ભૂમિકા ભજવે છે. જ્યારે સોમ બહાદૂર પુને ૨૦૦૬માં જ કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક જીત્યો હતો.
આંતરરાષ્ટ્રીય બોક્સિંગમાં ભારત માટે ચંદ્રક જીતવાનું સ્વપ્ન સેવી રહેેલા સોમાનની ગોરખા રેજિમેન્ટને ૨૦૦૬માં જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી. આખી ટુકડી પાકિસ્તાન સાથેની સીમારેખા - લાઈન ઓફ કન્ટ્રોલ પર એક સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે જ આતંકીઓએ બિછાવેલી બારુદી સુરંગમાં વિસ્ફોટ થયો અને કેટલાક જવાનો ઘાયલ થયા, જેમાં સોમાન પણ સામેલ હતો. તમામને ઝડપથી આર્મીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં સોમાનને જમણો પગ ગુમાવવો પડયો. રાષ્ટ્રીય બોક્સિંગમાં એક ઉભરતા સિતારાની કારકિર્દીનો અકાળે અસ્ત થઈ ગયો હતો અને સોમાન માટે આ સ્થિતિને સ્વીકારવી પડકારજનક હતી.
સામાન્ય જવાનમાંથી અચાનક દિવ્યાંગ બની ગયેલા સોમાને પરિસ્થિતિનો જાંબાંઝી સાથે સામનો કર્યો. જોકે નવી જિંદગીમાં ગોઠવાતા તેને સમય લાગ્યો. દિવ્યાંગ સોમાનને આર્મીના રિકવરી યુનિટમાં સામેલ કરવામાં આવ્યો. તેમણે લગભગ ૧૦ વર્ષ સુધી ભારતીય સૈન્યની સેવા કરી હતી. આ દરમિયાન તેમને ભારતીય સૈન્યના પેરાલિમ્પિક યુનિટ વિશે માહિતી મળી અને તેઓ પૂણે સ્થિત ઈન્સ્ટીટયૂટ ખાતે પહોંચ્યા. જ્યાં તેમણે તેમના જેવા જ દિવ્યાંગ જવાનોને પેરા ઈવેન્ટ્સની તૈયારીમાં વ્યસ્ત જોયા. તેમણે ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવનારા જવાનોની પણ મુલાકાત લીધી. આ સમયે યુનિટની દેખરેખ કરી રહેલા કર્નલ ગૌરવ દત્તાએ સોમાનને એથ્લેટિક્સની તાલીમમાં જોડાવા માટે અપીલ કરી અને ત્યાથી તેમણે પેરા ગોળાફેંકની તાલીમ મેળવવાની શરુ કરી.
નેશનલ બોક્સર હોવાના કારણે તેઓને ડાયેટ પ્લાનની સાથે સાથે તાલીમની વિવિધ પદ્ધતિની ખબર હતી. આર્મીના પેરા એથ્લેટિક્સના નિષ્ણાત કોચીસ અને સપોર્ટ ટીમની મદદથી તેઓ ધીરે ધીરે નવી રમતમાં સફળતા મેળવવા માંડયા. રાષ્ટ્રીય સ્તરની સફળતાના પગલે ૨૦૧૯માં દુબઈમાં યોજાયેેલી વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી. કોરોનાના કારણે થોડો સમય સુધી વિશ્વ અટકી પડયું ત્યારે સોમાને તેમની રમતમાં સુધારો કરવા સખત મહેનત કરી અને ૨૦૨૧ની વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં સ્વણમ સફળતા હાંસલ કરીને બતાવી. આ પછી ૨૦૨૦ના ટોકિયો પેરાલિમ્પિકમાં પણ તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. જોકે તે થોડા માટે ચંદ્રક ચૂકી ગયો અને ચોથા ક્રમે રહ્યો હતો.
ટોકિયોના અનુભવને સહારે ઘડાયેલા એશિયન ગેમ્સમાં રજત ચંદ્રક હાંસલ કર્યો અને ત્યાર બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પેરિસ પેરાલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. લાંબા ઈંતજાર બાદ આખરે સોમાને ગત વર્ષે નવી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. હવે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સની સફળતા બાદ સોમાનની નજર જાપાનમાં યોજાનારી એશિયન પેરા ગેમ્સમાં વધુ એક સુવર્ણ ચંદ્રક જીતવા તરફ છે.