સોશિયલ મીડિયા : ઝેરીલા પ્રચારનું માધ્યમ

- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- પોલિટિકલ કન્સલટિંગ કંપનીઓ ડેટાના આધારે મતદાતાના ગમા-અણગમા જાણી લે છે. લોકોને શું ગમે છે તે ધ્યાનમાં રાખી ક્લાયન્ટ રાજકીય પક્ષનું ચિત્ર એ પ્રકારે ઊભું કરે છે
વ ર્તમાન સમયમાં ફિલ્મ, રાજકારણ અને ધંધા ઉદ્યોગના ક્ષેત્રમાં સોશિયલ મિડિયાનો પ્રભાવ ખૂબ વધી ગયો છે અને તેમાં પાછું આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સ નામનું બેધારી શસ્ત્ર હાથવગું બન્યું છે. પોતાના હિત માટે પ્રજાને ભોળવી, ફોંસલાવી દેવાનું હવે સરળ થઇ ગયું છે.
દેશના નાગરિકો વિશેના ડેટાનો ઉપયોગ કરીને કંપનીઓ કંઈક આવું જ કરે છે. જનતાનું ધીમે-ધીમે પદ્ધતિસર બ્રેઇનવોશ કરે છે અને પોતાના ગ્રાહક અથવા હજુરિયા રાજકીય પક્ષને વિજેતા બનાવે છે. આવી જ રીતે ડેટાના આધારે લોકમાનસનું પરિવર્તન કરી એક દેશની સરકાર બીજા દેશમાં પોતાના માટે લાભદાયી હોય એવા રાજકીય પક્ષને સત્તામાં લાવી શકે છે. દેશના નાગરિકનો ડેટા વિદેશી સરકારો અથવા કંપનીઓ પાસે પહોંચે છે.
બહું ગાજેલા વિદ્યાર્થી આંદોલન માટે પણ કોક્રોચ જનતા પાર્ટીએ ભીડ એકઠી કરવા સોશિયલ મિડિયા અને બીજા પ્લેટફોર્મનો ચાલાકી ભર્યો ઉપયોગ કર્યો હતો.
લોકોને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થાય છે કે કેજરીવાલની પાર્ટીમાં એક સમયે મીમ બનાવવાની નોકરી કરનાર અભિજિત દીપકે રાતોરાત સમસ્ત ભારતમાં પ્રખ્યાત કે (કુખ્યાત) કેવી રીતે થઈ ગયો. સાધારણ પરિવારમાં જન્મેલો, મહારાષ્ટ્રના એક ગામડેથી સીધો અમેરિકા સ્થળાંતર કરી ગયેલો અભિજિત અચાનક ભારત પાછો ફર્યો. એ પણ જસ્ટિસ સૂર્યકાન્તે આજના ઉછાંછળા યુવાનો માટે કોક્રોચ શબ્દ પ્રયોગ કર્યો એ મુદ્દે આંદોલન છેડવા તૈયાર થયો. એ થોડી નવાઈ લાગે એવી વાત છે. ૧૫ મેના રોજ ન્યાયાધીશ સૂર્યકાંતે કોક્રોચની ટિપ્પણી કરી અને ૧૬ મેના રોજ અમેરિકામાં બેઠા બેઠા અભિજિતે ક્રોક્રોચ જનતા પાર્ટીની સોશિયલ મિડિયા પર ઘોષણા કરી. એ તો ઠીક જોતજોતામાં માત્ર ભારત જ નહીં, પાકિસ્તાન, તુર્કી, મલેશિયા, બાંગાલાદેશ અને યુરોપ-અમેરિકામાં તેના બે કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. અર્થાત સાત દિવસમાં આટલા બધા ચાહકો મળ્યા!
મહારાષ્ટ્ર સાયબર પોલીસના દાવા અનુસાર ૫૦૦ થી વધુ શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાન, મલેશિયા અને પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી લગભગ ૧૦૦ ખાતાઓ ચલાવવામાં આવી રહ્યા હતા. તપાસ દરમિયાન, ૪૨૯ વાંધાજનક પોસ્ટ અને હેન્ડલ ઓળખાયા હતા.૧૪૦ થી વધુ પોસ્ટ્સમાં એઆઈ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ખૂબ ઝીણવટભરી તપાસમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને યુટયુબ પર અસંખ્ય શંકાસ્પદ એકાઉન્ટ્સ બહાર આવ્યા હતા. આ બધા એકાઉન્ટ્સ નકલી અને એઆઈ જનરેટેડ સામગ્રી ફેલાવી રહ્યા હતા. એટલું જ નહીં, વિદ્યાર્થી આંદોલનને વધુ ભડકાવી રહ્યા હતા.
આ સિવાય તપાસ એજન્સીની ફોરેન્સિક લેબ તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા. જેમ કે કેટલીક વાંધાજનક પોસ્ટમાં નકલી ભીડના દ્રશ્યો સામેલ હતા. રાજકારણીઓના કૃત્રિમ અવાજો અને ક્લોન કરેલા ઓડિયો પ્રસારિત કરવામાં આવ્યા હતા. જાહેર વ્યક્તિઓના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી હતી.
સાવચેતીના પગલા રૂપે પોલીસે જાહેર જનતાને કોઈપણ સમાચાર શેર કરતા પહેલા તેની ચકાસણી કરવાની પણ અપીલ કરી છે. તેમણે જાહેર જનતાને કોઈપણ સંદેશને ચકાસણી વિના ફોરવર્ડ કરવાથી દૂર રહેવાની પણ અપીલ કરી છે.
જોવાની વાત એ છે કે પેપર લીક મુદ્દેના નીટ પેપર લીક કેસમાં આંદોલન ચલાવી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં સફળ નીવડેલી કોકરોચ પાર્ટી (સીજેપી)એ હવે સોશિયલ મિડિયાના જોરે જ બીજો મોરચો ખોલ્યો છે. તેમનું આગામી નિશાન છે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ હરદીપ પુરી. સીજેપીની જેમ આ નવું નાટક ચલાવવા ઈ-૨૦ પાર્ટી બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દસ દિવસ પૂર્વે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરતા ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર પહેલો સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો. જોકે, ફેસબૂકે ભારતમાં જ પીએમ મોદીનો આ વીડિયો બ્લોક કરી દેતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ વીડિયો પીએમ મોદીએ ફેસબૂક પરથી પણ પોસ્ટ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ૨૪ કલાકમાં ૩૦૦ મિલિયન વખત જોવાયો હતો. જોકે, ત્રણ દિવસ પછી આ સેલ્ફી વિડિયો ફેસબુક પરથી ગાયબ થઈ ગયો હતો. વડાપ્રધાનનો વીડિયો પ્રતિબંધિત કરવા મુદ્દે સોશિલ મીડિયા પર આકરી ટીકા થતા મેટાએ આ વીડિયોને ભારતમાં ફરીથી રિસ્ટોર કરી દીધો છે. મેટાના પ્રવક્તાએ આ કન્ટેન્ટ ભૂલથી હટાવી દેવાયું હતું. એવો પાંગળો બચાવ કર્યો હતો. પરંતુ આ ઘટના પાછળ કોઈ મેલી રમત રમી રહ્યું હોવાની ગંધ જાય છે. ભારતીય રાજકારણમાં વિદેશી એજન્સીઓનો ચંચુપાત પણ વધી ગયો છે. કેમ્બ્રિજ એનાલિટિકા નામ હમણા બહુ ગાજ્યું. આ કંપની છેલ્લાં દોઢ દાયકાથી ભારતીય રાજકારણમાં સીધો હસ્તક્ષેપ કરે છે. ૨૦૧૦માં આયોજિત બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિસ્તૃત ચૂંટણીગત વિશ્લેષણ કર્યું તેમણે જોયું કે ૧૫ વર્ષ સુધી એકની એક સરકાર રહેવા છતાં રાજ્યની બુરી હાલત છે. રિસર્ચ ઉપરાંત કેમ્બ્રિજ એનાલિટિકાને ગ્રામ્ય સ્તર પર પાર્ટી સંગઠનને સુદ્રઢ બનાવવાનું કામ મળ્યું હતું, જેથી કરીને મતદારો સાથે સંવાદ સાધી શકાય. તેમની જોડે સંપર્ક વધારી શકાય. પરિણામે જે પાર્ટીએ જેટલી બેઠકો પર તેમની સેવાઓ લીધી હતી તેમાંથી ૯૦ ટકા પર તેમને વિજય પ્રાપ્ત થયો.ભાજપ અને જેડીયુએ આ સેવાઓ લીધી હતી. મતલબ, સરકાર જે પ્રકારે કામ કરે તે મુજબ એને જીત નથી મળતી. જે પ્રકારે તે પ્રચાર કરે તે પ્રમાણે સીટો મળે છે. ટૂંકમાં વિશ્લેષણ અને પ્રચાર કંપનીઓ ભારતની ચૂંટણીઓ ટેકઓવર કરવા લાગી છે.
ચૂંટણીના સમયમાં વ્યસ્ત જનતા પાસે એ જોવાનો સમય નથી કે સરકારે કેટલું કામ કર્યું, કેટલી કામચોરી કરી અને કેટલો ભ્રષ્ટાચાર કર્યો. જેટલો પ્રચાર તે જનતા સુધી પહોંચાડી શકે એટલી તે ફાયદામાં રહે છે. મોબાઇલ કંપનીના સેલ્સમેન માટે જે રીતે સીમકાર્ડ વેચવું એ એક ટાર્ગેટ છે તેમ રાજકીય પક્ષો માટે વધુમાં વધુ મત મેળવવા એ એક લક્ષ્યાંક છે. રાજકીય પક્ષો પાસે કોર્પોરેટ કંપની જેવું માળખું દરેક સ્તરે હોતું નથી. એટલે તેઓ આ કામ પોલિટિકલ કન્સલ્ટિંગ કંપનીને આપી દે છે.
આ કંપનીઓ કઈરીતે મતદાતાનું માનસ પરિવર્તન કરે છે તે સમજતા પહેલા સોશિયલ સાઇટ્સ પરના ડેટાની તાસીર સમજીએ. તમને અનુભવ હશે કે તમે જૂતા એક વખત ઓનલાઇન મંગાવો એટલે ફેસબુકમાં દર થોડા થોડા દિવસે એ કંપનીના નવા જૂતાં અને તેના દ્વારા વેચાતી નવી-નવી વસ્તુઓ તમારા સર્ફિંગ એરિયામાં દેખાશે. તમે ત્રણ-ચાર વખત વિવિધ પુસ્તકોનું સર્ચ કરો કે તેની ખરીદી કરો એટલે તેઓ તમારી પસંદનું આકલન કરી લે અને એ પ્રકારના પુસ્તકો તમને એફબીમાં એક પટ્ટીમાં દેખાડયા કરે.
એલ્ગોરિધમની મદદથી ફેસબુક તમારી લાઇક અને કોમેન્ટનું એનાલિસીસ કરી એ જાણી લે છે કે તમને શું ગમે છે, તમે કેવા છો અને તમને શું નથી ગમતું? તમને જે ગમે છે એ પ્રકારનું જ કન્ટેન્ટ તમારા એફબી એકાઉન્ટમાં દેખાય એ માટે પણ તેઓ અલ્ગોરિધમ સેટ કરે છે, જેમાં તેઓ ૯૦ ટકા સફળ નીવડે છે. તમારી લાઇક-કોમેન્ટ અને પોસ્ટનું વિશ્લેષણ કરી ફેસબુક જે ડેટા તૈયાર કરે તેને સાઇકોગ્રાફિક ડેટા કહે છે.
થોડા સમય પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલી ટર્મના ચૂંટણીપ્રચારમાં કામ કરનારી કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકાએ ફેસબુકના પાંચ કરોડ વપરાશકારોના ડેટા તેમની જાણબહાર ઉડાવી લીધાનું બહાર આવતાં દુનિયાભરમાં સનસનાટી મચી ગઈ હતી. અમેરિકાથી શરૂ થયેલો ફેસબુક ડેટાચોરી વિવાદ ભારતમાં પણ પહોંચ્યો છે.
અત્યાર સુધી એવું મનાતું હતું કે ભારતમાં સોશિયલ મીડિયાનો વ્યાપ અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર એલફેલ પ્રકારના સંદેશાનો મારો ચાલતો હોઈ ભારતીય મતદારોનાં મન અને મત ફેરવી નાખવાની શક્યતા ઓછી છે. પરંતુ બિહાર, બંગાળની ચૂંટણીના અણધાર્યા પરિણામ પછી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ઇલેક્શનમાં સોશિયલ મિડિયા મહત્ત્વનો રોલ ભજવી રહ્યું છે. આવનારા દિવસોમાં મતદારોનું માનસ ભ્રમિત કરવાની પ્રવૃત્તિને વેગ મળી શકે છે. અહીં એ વાતની પણ નોંધ લેવી ઘટે કે ભારતીયો પોતાના ડેટાની પ્રાઈવસી અંગે જોઈએ એટલા ગંભીર નથી. ડેટા લીક થવાની વાત છાશવારે આવ્યા કરે છે પણ કોઈ પણ ભારતીયનાં પેટનું પાણી હાલતું નથી. અગાઉ વાડ પર બેઠેલા મતદારોનું મન વાળવાં ભાષણો કે ટીવીપ્રચાર પર ભાર રહેતો હતો, પરંતુ આવનારા દિવસોમાં ડેટા એનાલિટિક્સ દ્વારા રણનીતિ નક્કી કરી સોશિયલ મીડિયા દ્વારા તેનું અમલીકરણ થશે ત્યારે તેનો લાભ ભાજપ - કોંગ્રેસ અને અન્ય પક્ષો જરૂર લેશે જ.
બીજી તરફ પોતાના વપરાશકારોની અંગત જાણકારીના દુરુપયોગના મામલે ફેસબુકની મુસીબતો વધી રહી છે. યુરોપીય સંઘ અને બ્રિટનની સંસદ બાદ અમેરિકાએ પણ તેના વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. દુરુપયોગની માહિતી બહાર આવ્યા બાદ દુનિયાભરમાંથી આલોચનાનો સામનો કરી રહેલા ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગને યુરોપીય સંઘ અને બ્રિટનની સંસદે રૂબરૂ હાજર થઈને સ્પષ્ટીકરણ આપવા બોલાવ્યો હતો. ત્યારબાદ અમેરિકાએ પણ ઝકરબર્ગને સંસદમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું.
પોલિટિકલ કન્સલટિંગ કંપનીઓ તેમણે મેળવેલા ડેટાના આધારે મતદાતાના ગમા-અણગમા જાણી લે છે. બહુમત લોકોને શું ગમે છે તે ધ્યાનમાં રાખી પોતાના ક્લાયન્ટ રાજકીય પક્ષનું ચિત્ર એ પ્રકારે ઊભું કરે છે. એટલે એ પક્ષે જનતા માટે કામ ન કર્યું હોય તોય તે જીતી જાય છે. આના પરથી એક બાબત સાબિત થાય છે કે હવે કામ કરવાથી જ જીત મળશે એ એક નર્યું જુઠ્ઠાણું બની ગયું છે. હવે તો માત્ર સારી પોલિટિકલ કન્સલ્ટિંગ કંપનીની મદદ લઈ ખોટી ઈમેજ ઊભી કરવાથી જ જીત મળે છે. આમાં લોકશાહી રીત રસમને પાછળ ધકેલી પોતાની પાર્ટીને જીતાડવાના કાવાદાવા વધુ થાય છે.
જનમાનસ બદલવા માટે ફેક ન્યૂઝ(નકલી સમાચાર) હાથવગું હથિયાર બની ગયા છે. અમેરિકામાં સમાચાર પર વિસ્તૃત લેખ પ્રકાશિત કરતી વેબસાઇટ વૉક્સના એક લેખમાં જણાવાયું છે કે ફેસબુક પર ફેક ન્યૂઝ અસલ સમાચારની તુલનાએ વધારે વેગથી ફેલાય છે. બઝફીડ ન્યૂઝે સંશોધન કરતા જાણવા મળ્યું હતું કે અમેરિકાની ચૂંટણી પહેલાના ત્રણ મહિનામાં ટોપ ૨૦ ફેઇક ન્યૂઝ ટોપ ૨૦ અસલ સમાચારની તુલનાએ વધારે વંચાયા, વધારે વહેતા થયા.
આ વાત પરથી એક વાત સમજી લો કે કઈરીતે તમારી પસંદ-નાપસંદ જાણીને તમારા વિચારો પલટાવવાનું કામ કરવામાં આવે છે, કઈરીતે તમારી નબળાઈઓ જાણીને તેને ઉત્તેજન આપવાનું કામ કરવામાં આવે છે, કઈરીતે ફેઇક ન્યૂઝ વહેતા કરી ભાવનાઓ ભડકાવવાનું કામ કરવામાં આવે છે!
આટલે સુધી તો ઠીક છે પરંતુ ત્રાસવાદી સંગઠનો દ્વારા સોશિયલ મિડિયાનો જે રીતે દુરુપયોગ થઇ રહ્યો છે તે બહુ ખતરનાક બાબત છે.
ટપાલયુગ પછી મોબાઈલ યુગ આવ્યો અને તેની પાછળ પાછળ મોબાઈલ ઈન્ટરનેટ આવ્યું. આ કોમ્યુનિકેશન ક્રાંતિના માણસ જાતને લાભ તો મળ્યા જ, પરંતુ ગુનાખોર માનસિકતા ધરાવતા લોકોથી માંડીને આતંકવાદી સંગઠનો આ જ ટેક્નોલોજીની મદદથી આખી દુનિયાને હંફાવી રહ્યા છે.
ટેક્નોલોજીના દુરુપયોગનું સૌથી ચોંકાવનારુ ઉદાહરણ કોઈ હોય તો તે છે, ઈસ્લામિક સ્ટેટ. ઈરાક અને સીરિયામાં અબુ બક્ર અલ બગદાદી નામના શખસે સર્જેલું આ આતંકવાદી સંગઠન ફક્ત ઈન્ટરનેટના જોરે આખી દુનિયામાં જેહાદ કરી રહ્યું છે. ઇસ્લામિક સ્ટેટની સફળતા પશ્ચિમી દેશો માટે ઊંડા અભ્યાસનો વિષય છે. આ સંગઠનના આકાઓ ફક્ત વિચારધારાનો ફેલાવો કરીને અમેરિકા અને યુરોપિયન દેશોમાં ભયાવહ્ આતંકવાદી હુમલા કરાવી ચૂક્યા છે. આ કામ હજુયે વણથંભ્યુ ચાલુ છે.
ઇસ્લામિક સ્ટેટની સફળતાનો મનોવૈજ્ઞાનિક લાભ વિશ્વના બીજા આતંકવાદી સંગઠનોને પણ મળ્યો છે, જેમાં ભારત વિરુદ્ધ સતત આતંકવાદી પ્રવૃત્તિ કરતા લશ્કર એ તોઇબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પણ સામેલ છે. ઇન્ટરનેટના કારણે સરળતાથી ઉપલબ્ધ થયેલા ફેસબુક, ટ્વિટર અને યુ ટયૂબ જેવા માધ્યમોની મદદથી ઇસ્લામિક સ્ટેટ ભારતમાં પણ આતંકવાદ સામાન્ય બનાવવાના સપનાં જોઈ રહ્યું છે. આ જ માધ્યમોની મદદથી ઇસ્લામિક સ્ટેટ દુનિયાભરના આતંકવાદી સંગઠનો સાથે જોડાણો કરી શક્યું છે, જેમાં દક્ષિણ એશિયામાં કાર્યરત ભારત વિરુદ્ધના આતંકી સંગઠનો પણ સામેલ છે.
થોડા સમય પૂર્વે યુ ટયૂબે કબૂલ્યું છે કે, દુનિયાના અનેક દેશોમાં કેટલાક લોકો અમારી ફ્રી સ્ટ્રીમિંગ સર્વિસનો દુરુપયોગ થઈ રહ્યો છે. યુ ટયૂબે એક ગાઇડ લાઇન બનાવીને ૫૦ ચેનલ અને પાંચ લાખથી વધુ વીડિયો ડીલિટ કરી દીધા હતા. યુ ટયૂબે આવું કન્ટેન્ટ શોધવા મશીન લર્નિંગ ટેક્નોલોજી અને ઓટોમેટેડ ટૂલ્સ પણ વિકસાવ્યા છે.









