સર્વેશ કુશારેઃ ભારતીય એથ્લેટિક્સને નવી ઊંચાઈ તરફ આગળ ધપાવી રહેલો એથ્લીટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત
- મહારાષ્ટ્રના ખેડૂત પરિવારમાં જન્મેલા સર્વેશ આર્થિક મુશ્કેલીઓ અને એથ્લીટ હોવાના સંઘર્ષના વિઘ્નોને પાર કરીને ડાયમંડ લીગમાં હીર દેખાડતાં સીમાચિહ્નરૂપ ત્રીજું સ્થાન મેળવ્યું
સ્વ પ્ન જોવાનો વિશેષાધિકાર તો દરેકને મળેલો છે. સ્વપ્નને પળવારનો આનંદ માનીને ભૂલી જનારા તો અનેક હોય છે, પણ કેટલાક વિરલ સ્વપ્નિલની જિંદગીનું ધ્યેય માત્ર સ્વપ્નને સાર્થક કરવાનું બની જાય છે. આ પછી તેઓ બીજું સ્વપ્ન જોવા સુદ્ધાંમાં સમય વેડફતા નથી. તેમનો તમામ સમય અને શક્તિ માત્ર ને માત્ર સ્વપ્નને સાકાર કરવાની દિશામાં જ આગળ વધતા હોય છે. ઘણી વખત સ્વપ્ન જ એટલું વિરાટ હોય છે, કે જેમાં સ્વપ્નિલોનું સમગ્ર અસ્તિત્વ જ ઓળગી જાય છે અને તે પછી જ નવા સિતારાનો ઉદય થાય છે, જે પોતાની સફળતાની ચમક થકી બધાના આકર્ષણનું કેન્દ્ર બને છે. ભારતીય એથ્લેટિક્સમમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિક્રમોની વણઝાર સર્જાઈ રહી છે અને તેની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતીય એથ્લીટ્સની ઉપસ્થિતિનો અહેસાસ દુનિયાને થઈ રહ્યો છે.
નીરજ ચોપરાએ ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં જીતેેલા સુવર્ણ ચંદ્રક બાદ તો એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓની કમાલ જોવા મળી રહી છે અને આ યાદીમાં મહારાષ્ટ્રના ૩૧ વર્ષના એથ્લીટ સર્વેશ કુશારેનું નામ પણ સામેલ થઈ ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાંં આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં સર્વેશ કુશારેએ ઊંચી કૂૂદની રમતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રમતોના મહાકુંભ એવા ઓલિમ્પિકથી લઈને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવવા માટેના અત્યંત કઠિન માપદંડો પર ખરા ઉતર્યા બાદ તેણે મેજર ચેમ્પિયનશિપ્સમાં પોતાની આગવી છાપ છોડી છે. આ કારણેે ભારતીય એથ્લેટિક્સમાં તેનું નામ
અજાણ્યું નથી.
પોતાના શ્રેષ્ઠ દેખાવને બહાર લાવવા માટે સતત ઝઝૂમતા રહેેતા સર્વેશ કુશારેએ મોનાકોમાં યોજાયેલી એથ્લેેટ્કિસની પ્રતિષ્ઠિત ડાયમંડ લીગમાં કારકિર્દીનો યાદગાર દેખાવ કરતાં ૨.૨૬ મીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો અને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતુ. આ સ્પર્ધામાં યુક્રેનના ડોરોસ્ચોકે ૨.૩૨ મીટરના કૂદકા સાથે પ્રથમ અને બ્રિટનના કિમાનીએ ૨.૩૦ મીટરના કુદકા સાથે બીજો ક્રમ મેળવ્યો હતો. સર્વેશે આ સાથે ડાયમંડ લીગના ઈતિહાસમાં ઊંચી કૂદમાં ટોચના ત્રણ ખેલાડીઓમાં સ્થાન મેળવનારા સૌપ્રથમ ભારતીય તરીકેનો રેકોર્ડ સર્જ્યો હતો. તેણે આ સાથે ડાયમંડ લીગમાં ટોપ થ્રીમાં સ્થાન મેળવનારા ઈતિહાસના માત્ર ચોથા ભારતીય તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
સર્વેશની આ ઐતિહાસિક સિદ્ધિ અગાઉ ભારતના નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં, વિકાસ ગૌવડાએ ચક્ર ફેંકમાં તેમજ મુરલી શ્રીશંકરે ટ્રીપલ જમ્પમાં (લંગડી-ફાળ કૂદકો) ડાયમંડ લીગમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવ્યો હતો. સૌથી મહત્વની બાબત એ હતી કે, સર્વેશ જે સ્પર્ધામાં ટોચના ત્રણ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું, તેમાં ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં ઊંચી કૂદમાં સંયુક્તપણે સુવર્ણ ચંદ્રક જીતનારા ટામ્બેરી (ઈટાલી) અને બર્શિમ (બહેરિન) પણ સામેલ હતા, જેઓને પણ સર્વેશે પાછળ રાખી દીધા હતા. સર્વેશે આ સાથે તેની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓમાં વધુ એક યશકલગીનો ઉમેરો કર્યો હતો. અગાઉ ૨૦૧૯માં નેપાળના કાઠમાંડુમાં યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યો છે. જ્યારે આ પછી તેણે ૨૦૨૩માં બેંગકોકમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ કાસ્યં ચંદ્રક હાંસલ કર્યો હતો.
ભારતીય એથ્લેટિક્સમાં નવી આશા જગાવનારા સર્વેશની સફરની શરૂઆત મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં આવેલા દેવરગાંવ નામના નાનકડા ગામમાં અનિલ કુશારે ખેતી કરીને ગુજરાત ચલાવતા. તેમના નાનકડા પુત્ર સર્વેશનો અભ્યાસ સ્થાનિક શાળામાં જ ચાલી રહ્યો હતો. ખેડૂત પુત્ર સર્વેશનું શરીર એકવડિયું અને કસાયેલું હતુ અને તેની દોડવાની ઝડપને શાળામાં કોઈ પહોંચી શકે તેમ નહતુ. આ દરમિયાન શાળાના વ્યાયામ શિક્ષક રાઓસાહેબ જાધવની નજર તેના પર પડી. તેમને આ નાનકડા છોકરામાં ઊંચી કૂદની રમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યો. અલબત્ત, ઊંચો કૂદકો માર્યા બાદ લેન્ડિંગ કરવા માટે ત્યાં આધુનિક માપદંડો અનુસારના સાધનો નહતા. આ કારણે સર્વેશ રૂ સાથે અન્ય ચીજો ભેગી કરીને તેના લેન્ડિંગ માટેનું સ્થાન તૈયાર કરતો.
ખુબ જ મર્યાદિત સાધનોની મદદથી ઊંચી કૂદ શરૂ કરનારા સર્વેશ માટે તે સમયે ફોલ્સબરી ફ્લોપ પદ્ધતિ જોખમી સાબિત થઈ શકે તેમ હતી. આ કારણે તેણે ઈજાથી બચવા માટે ઓછી જોખમી એવી સિઝર પદ્ધતિને અપનાવી. તેણે તેના સહારે સ્થાનિકથી લઈને રાજ્ય સ્તરની સ્પર્ધાઓ જીતવા માંડી. પિતા અનિલ કુશારે ઈચ્છતા હતા કે, તેમનો પુત્રને એન્જિનિયર બનાવવા ઈચ્છતા હતા.. જોકે સર્વેશનો એથ્લેટિક્સ તરફનો લગાવ અને તેની નાની-નાની સફળતામાં જોવા મળતા ચમકારાના કારણે તેના પિતા અનિલે પણ કોચની સાથે મળીને તેને કારકિર્દી આગળ ધપાવવામાં મદદ કરવાનો નિર્ણય લીધો. આખરે ૨૦૧૪માં તેણે મહારાષ્ટ્રમાં રાજ્ય સ્તરની સ્પર્ધામાં જીત હાંસલ કરતા જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી લીધું.
દેશના ટોચના એથ્લીટ્સની વચ્ચે તેણે પોતાનો પ્રભાવ પાડયો અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં નિયમિત રીતે સ્થાન બનાવીને પોતાની ઓળખ ઉભી કરી. આ દરમિયાન જ તેણે ૨.૧૭ મીટરનો ઊંચો કૂદકો લગાવ્યો અને તેના કારણે તેને ભારતીય સૈન્યમાં નોકરી મળી. આ પછી તેની અને તેના પરિવારનો આર્થિક સંઘર્ષ ઓછો થયો. ભારતીય સૈન્યમાં જોડાયેલા સર્વેશને આધુનિક પદ્ધતિની તાલીમ અને સુવિધાઓ પણ મળવાના શરુ થઈ ગયા અને ધીરે ધીરે તેણે તેની તકનિકમાં સુધારો કર્યો. આર્મીમાં જીથીન થોમસના માર્ગદર્શનમાં તેની રમતમાં નોંધપાત્ર સુધારો થયો. તેણે ૨૦૧૮ અને ૨૦૧૯માં રાષ્ટ્રીય ચેમ્પિયન તરીકેની સિદ્ધિ હાંસલ કરી હતી. આ પછી ૨૦૨૨ની એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં પણ તેનો સમાવેશ થયો હતો. જોકે તે માત્ર થોડા માટે ચંદ્રક વિજેતાની સ્થાનમાં સ્થાન મેળવતા રહી ગયો હતો.
નિષ્ફળતા છતાં સૈન્યના લડવૈયાનો મિજાજ ધરાવતા સર્વેશે પોતાનો શ્રેષ્ઠ દેખાવ બહાર લાવવાના પ્રયાસોને જારી રાખ્યા અને આખરે ૨૦૨૫માં તેેણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઊંચી કૂદની ફાઈનલમાં ક્વોલિફાય થનારા સૌપ્રથમ ભારતીય તરીકેનો વિક્રમ સર્જ્યો હતો, જ્યાં પણ તેણે ટોચના છ એ્થ્લીટ્સમાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું હતુ. તેણેે આ સિદ્ધિ કારકિર્દીની બીજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેળવી હતી. આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમમાં ભારતને ગૌરવપૂર્ણ સ્થાન અપાવનારા સર્વેશે પેરિસમાં યોજાયેલા ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. જોકે ત્યાં તેે માત્ર ૨.૧૫ મીટરનો જમ્પ લગાવી શક્યો હતો.
આખરે કારકિર્ર્દીની સીમાચિહ્નરૂપ સિદ્ધિ તેણે ૨૭મી જુન ૨૦૨૬ના રોજ નેશનલ ઈન્ટર સ્ટેટ નેશનલ ચેમ્પિયનશિપમાં ૨.૩૧ મીટરના ઊંચા કૂદકા સાથે મેળવી હતી. આ સાથે તેણે આઠ વર્ષ જૂનો ૨.૨૯ મીટરના કૂદકાનો તેજસ્વીન શંકરનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તે સિદ્ધિ પછી હવે મોનાકો ડાયમંડ લીગની સફળતાએ તેની પ્રતિભાને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી છે. આગામી સમયમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં પણ ભારતને તેની પાસેથી ચંદ્રકની આશા છે.









