Ravi Purti

રુમેશ પથિરાગે : બોલિંગ સુધારવાના પ્રયાસ કરતાં કરતાં ભાલા ફેંકમાં વિક્રમોની વણઝાર સર્જી રહેલો એથ્લીટ

By GS Team
13 Sep 20266 mins read
રુમેશ પથિરાગે : બોલિંગ સુધારવાના પ્રયાસ કરતાં કરતાં  ભાલા ફેંકમાં વિક્રમોની વણઝાર સર્જી રહેલો એથ્લીટ
  • Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
  • ક્રિકેટ કોચે ખભા મજબૂત થાય તે માટે ફાસ્ટ બોલર રુમેશને ભાલા ફેંક પર હાથ અજમાવવાની સલાહ આપી ને આજે રુમેશ ભાલા ફેંકના ઈતિહાસમાં ૯૨થી વધુ મીટરનો થ્રો કરનારા વિશ્વના ચાર એથ્લીટમાં સ્થાન મેળવી ચૂક્યો છે

ઘ ણી વેળા એક નાનકડો નિર્ણય આખી સફરની દિશા બદલી નાંખનારો બની રહે છે. સાવ સામાન્ય લાગતી સલાહને દિલથી અપનાવી લેવામાં આવે તો સફળતાના નવા દરવાજા ખુલી જાય છે અને ઈતિહાસને પણ નોંધ લેવી પડે તેવી સીમાચિહ્નરુપ સિદ્ધિ હાંસલ કરી શકાય છે. કોઈ પણ મહેનત ક્યારેય એળે જતી નથી, બસ સફળતાનું સ્વરુપ અલગ હોય છે અને રમતના મેદાનની વિશેષતા એ છે કે, તે દરેક વેળાએ તમામને એક સરખી તક પુરી પાડે છે. દુનિયા જેને સુપરસ્ટાર તરીકે ઓળખતી હોય છે તેની જ હરોળમાં સાવ અજાણ્યો અને નવો સવો ખેલાડી પણ સ્પર્ધામાં બરોબરીએ જ ઉભો હોય છે અને આખરે મુકાબલાના અંતે નવા સુપરસ્ટારનો ઉદય થાય, ત્યારે દુનિયા તેને સાશ્ચર્ય સાથે વધાવી લે છે.
આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં શ્રીલંકાનો ૨૩ વર્ષનો ભાલા ફેંકનો એથ્લીટ રુમેશ થારંગા પથિરાગે એક પછી એક સ્પર્ધા જીતવાની નવા સીમાચિહ્નો પર પોતાનું નામ અંકિત કરવાની સાથે આગળ વધી રહ્યો છે. શ્રીલંકા જેવા નાનકડા દ્વિપ પર ક્રિકેટની બોલબાલા વિશેષ છે, ત્યારે ભાલા ફેંક જેવી રમતની સાવ નહીવત્ સગવડો અને તાલીમ વ્યવસ્થા વચ્ચે પણ રુમેશે તેને દ્રઢ નિશ્ચિય અને સખત મહેનત થકી દુનિયાભરમાં ડંકો વગાડી દીધો છે. થોડા સમય પહેલા ગ્લાસગોમાં પુરી થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેણે ભારતના ડબલ ઓલિમ્પિક મેડલીસ્ટ નીરજ ચોપરા અને ઓલિમ્પિક ચેમ્પિયન પાકિસ્તાનના અર્ષદ નદીમ જેવા ખેલાડીઓની હાજરીમાં પણ સુવર્ણ ચંદ્રક જીતી બતાવ્યો, જે તેની વિશિષ્ટ પ્રતિભાનું પ્રમાણ છે.
ભાલા ફેંકના ઈતિહાસમા માત્ર ચાર જ એથ્લીટ તેમની કારકિર્દીમાં એકથી વધુ વખત ૯૨ મીટર કે તેથી વધુનું અંતર હાંસલ કરી શક્યા છે અને આ એલિટ યાદીમાં રુમેશ પણ સ્થાન ધરાવે છે. ચેક રિપબ્લીકના દિગ્ગજ સુપરસ્ટાર જેન ઝેલેઝ્નીનું નામ આ યાદીમાં પ્રથમ ક્રમે છે. તેઓ ભાલા ફેંકનો સત્તાવાર ૯૮.૪૮ મીટરના થ્રોનો વિશ્વવિક્રમ પણ ધરાવે છે. તેમના પછી પોલેન્ડના અકી પેરવિયેેનેને કારકિર્દીમાં એકથી વધુ વખત ૯૨ મીટરનો થ્રો કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. નીરજના એક સમયના હરિફ અને જર્મનીના જોહાનેસ વેબ્બર પણ આ એલિટ કલબમાં સ્થાન ધરાવે છે. વેબ્બર ભાલા ફેંકમાં ઈતિહાસનો બીજા ક્રમનો શ્રેષ્ઠ ૯૭.૭૬ મીટરનો થ્રો કરવાનું સીમાચિહ્ન ધરાવે છેે. યુરોપના આ આધુનિક તકનિક અને સુવિધાઓની વચ્ચે તૈયાર થયેલા ખેલાડીઓની હરોળમાં શ્રીલંકાના રુમેશને પણ સ્થાન મળ્યું છે.
રુમેશે જુનમાં ઈટાલીના રોમ ખાતે યોજાયેલી ગોલ્ડન ગાલા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૯૨.૬૨ મીટરનો થ્રો કરવાની સિદ્ધિ સાથે ટુર્નામેન્ટ જીતી લીધી હતી. આ પછી તેણે ઝુરિચ ડાયમંડ લીગમાં પણ ૯૨.૦૭ મીટરનું અંતર હાંસલ કર્યું હતુ. આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં આગવી પ્રતિષ્ઠા ધરાવતી ડાયમંડ લીગ અને ડાયમંડ લીગ ફાઈનલ્સ જીતનારા શ્રીલંકાના સૌપ્રથમ એથ્લીટ તરીકેે પણ રુમેશે પોતાનું નામ રેકોર્ડબુકમાં સુવર્ણાક્ષરે અંકિત કરાવી દીધું છે. તેણે સતત બે વર્ષ એશિયન થ્રો ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતવામાં પણ સફળતા
મેળવી છે.
વિશ્વના દિગ્ગજ હરિફોને હંફાવતા-હંફાવતા આગળ વધી રહેલા રુમેશની એથ્લેટિક્સની સફર અકસ્માતેે શરુ થઈ હતી. શ્રીલંકાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા કાલુતરામાં જન્મેલા રુમેશના પિતા તુષારા પથિરાગે ખુદ એથ્લીટ રહી ચૂક્યા હતા. તેઓ ચક્ર ફેંક અને ગોળા ફેંકની રમત સાથે જોડાયેલા હતા. તેઓએ તેમના નાનકડા પુત્રને ટ્રેક એન્ડ ફિલ્ડની દુનિયામાં લાવવાની કોશીશ કરી. જોકે શ્રીલંકાના કિશોરો અને યુવાનોમાં છવાયેલા ક્રિકેટના ક્રેઝની અસર નાનકડા રુમેશ પર પણ થઈ. તેણે ક્રિકેટર બનવાની ખ્વાહિશ રજુ કરી. ક્રિકેટરોને મળતાં નામ અને દામના કારણે સ્વાભાવિક રીતે બધા બાળકોની આંખોમાં ક્રિકેટર બનવાનું સ્વપ્ન રમતું.
રુમેશ શાળાજીવન દરમિયાન ફાસ્ટ બોલર બનવા માટે મહેનત કરતો અને તેની ઝડપ પણ ઘણી સારી હતી. તેનું બાળપણ કોલંબો નજીક આવેલા હોરાનામાં પસાર થયું. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને આદર્શ માનીને બોલિંગ કરતાં રુમેશે ૨૦૧૯માં શ્રીલંકામાં યોજાયેલી ફાસ્ટ બોલર પ્રતિભાશોધ સ્પર્ધામાં ભાગ લીધો અને ૧૩૪ કિમીની ઝડપે બોલ નાંખીને શ્રીલંકામાં અંડર-૧૮ કેટેગરીમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતુ. ફાસ્ટ બોલર બનવા માટે મહેનત કરી રહેલા રુમેશને એક ક્રિકેટ કોચે સલાહ આપી કે, ફાસ્ટ બોલરના ખભા મજબુત હોવા જરુરી છે અને આ માટે તારે ક્રિકેટની પ્રેક્ટિસની સાથે સાથે ભાલા ફેંક પણ કરવી જોઈએ. જેથી બોલને રિલિઝ કરવાની ટેકનિકમાં સુધારો થાય અને તારી ઝડપ પણ વધે.
ક્રિકેટ કોચના આ શબ્દોએ રુમેશને તેના પિતાની રમત તરફ પાછો મોકલ્યો. તેણે શરુઆતમાં ચક્ર ફેંક પર પસંદગી ઉતારી પણ ત્યાર બાદ તેણે ભાલા ફેંક શરુ કરી. આ દરમિયાન તેણે ક્રિકેટ રમવાનું તો જારી જ રાખ્યું. જોકે ક્રિકેટ કરતાં ભાલા ફેંકમાં તેનો દેખાવ ઉત્તરોત્તર સુધરવા લાગ્યો અને તેની આ પ્રતિભાને પહેલવહેલી કોચ ટોની પ્રસન્નાએ પારખી. તેમણે રુમેશને ધીરે-ધીરે ભાલા ફેંકની રમત તરફ વાળ્યો. તેના પિતા તુષારા તો પુત્રને એથ્લીટ બનાવવા ઉત્સાહિત જ હતા. રુમેશને પણ લાગ્યું કે, ભાલા ફેંકમાં તે વધુ સારો દેખાવ કરી શકે છે અને આમ તેણે ૧૬-૧૭ વર્ષની વયે માત્ર ભાલા ફેંક પર ધ્યાન કેન્દ્રીત કરવાનું શરુ કર્યું.
પિતાનો અનુભવ અને રુમેશની વિશિષ્ટ પ્રતિભાની સાથેે કોચ ટોનીના માર્ગદર્શનનો પ્રભાવ દેખાવા માંડયો અને તેણે સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સફળતા મેળવવા માંડી. તેની ધીરજભરી મહેનતે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી દીધો. ત્રણેક વર્ષની સખત મહેનત બાદ તેણે ૨૦૧૯માં એશિયન યૂથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લીધો અને તેમાં ટોચના છ ખેલાડીમાં સ્થાન હાંસલ કરી બતાવ્યું. જોકે આ પછી ત્રણ વર્ષ તેણે તેની તકનિકમાં સુધારો કરવા તરફ વિશેષ ધ્યાન આપ્યું.
બોલર તરીકે મદદ મળી તે માટેે ભાલા ફેંકની શરુઆત કરનારા રુમેશને ભાલા ફેંકમાં તેની બોલર તરીકેની કુશળતાઓ કામ લાગવા માંડી. રનઅપ થી લઈને રિલિઝ સુધી તેને ક્રિકેટમાં કરેલી મહેનત ભાલા ફેંકમાં કામ લાગી. જોકે ભાલા ફેંકમાં પાવર થ્રોમાં તેનો પ્રભાવ વિશેષ હતો અને દુનિયાના ટોચના એથ્લીટ્સમાં સ્થાન મેળવવાના ઝનૂનનેે સહારે તેણે ૨૦૨૨ની જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ક્વોલિફાય કરી લીધું. જોકે તેે હજુ સફળતા મળી નહતી. આ દરમિયાન તેણે વધુ તાલીમ માટે ક્વિન્સલેન્ડ ખાતેની સ્પોર્ટ્સ ઈન્સ્ટટયૂટ ખાતે માઈક અને કેસલી બાર્બર પાસે તાલીમ લેવાની શરુ કરી.
ઓસ્ટ્રેલિયામાં અત્યાધુનિક અને વૈજ્ઞાનિક તકનીકના કારણે શ્રીલંકાના એથ્લીટની કાચા હીરા જેવી પ્રતિભાને નવો ચમકારો મળ્યો. આ પછી ૨૦૨૪માં તેણે સાઉથ કોરિયામાં એશિયન થ્રોવિંગ ચેમ્પિયનશિપમાં ૮૫.૪૫ મીટરના થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો અને આ પછી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ઝળહળવા માંડી. તેણે ત્યાર બાદ ભારતમાં મહાન એથ્લીટ નીરજ ચોપરાના નામ સાથે જોડાયેલી નીરજ ચોપરા ક્લાસિક ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને કાંસ્ય ચંદ્રક
હાંસલ કર્યો.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના અનુભવના કારણે તેની પ્રતિભાનું ઘડતર થયું, તેની સાથે સાથે વિશ્વના અન્ય એથ્લીટ્સ સાથેની વાતચીત અને તાલીમ અંગેની માહિતી મળતા તેણે તેની પ્રેક્ટિસ અને ડાયેટમાં સુધારા-વધારા કર્યા. આ પછી ૨૦૨૬માં તો તેને ડાયમંડ લીગની સાથે કોમનવેલ્થ ગેમ્સ સહિતની ઈવેન્ટ્સમાં નીરજ ચોપરા જેવા ધુરંધરને પાછળ રાખીને સુવર્ણ ચંદ્રક પર કબજો જમાવ્યો હતો.
હવે તેની નજર જાપાનમાં યોજાઈ રહેલી એશિયન ચેમ્પિયનશિપ પર મંડાયેલી છે. જેમાં નીરજ ઈજાના કારણે ભાગ લેવાનો નથી. માત્ર ૨૩ વર્ષની વય ધરાવતા શ્રીલંકાના એથ્લીટની આંખોમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ત્યાર બાદ ઓલિમ્પિકના સુવર્ણની આશા ટમટમી રહી છે. તે તકનિકને વધુ બહેતર કરવાનો પ્રયાસ કરી રહ્યો છેે અને આ પ્રયાસમાં તેણે વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે અને તેની સફર હજુ આગળ વધી રહી છે.