Ravi Purti

'રોટી' (1942) : સમાજને સજ્જડ તમાચો!

By GS Team
19 Sep 20265 mins read
TukuTouch Logo
મહેબૂબ ખાનની 1942ની ફિલ્મ 'રોટી' એ સમયની સામાજિક વાસ્તવિકતા અને ગરીબી પર કટાક્ષ કરતી હતી. એક કરોડપતિ ખોવાયેલા દીકરાનો સ્વાંગ રચી, સોનાની લાલચમાં એક જંગલમાં ફસાય છે. જ્યાં પૈસાનું કોઈ મૂલ્ય નથી. શેઠ લક્ષ્મીદાસના પૈસાની કિંમત ન થતાં, તે બાલમના પાડા ચોરી શહેરમાં પાછો ફરે છે. આ ફિલ્મ સમાજની પૈસા પ્રત્યેની લાલચ અને ગરીબોના રક્ત ચૂસવાની વૃત્તિ દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'રોટી' (1942) : સમાજને સજ્જડ તમાચો!
  • બાયોસ્કોપવાલા - મન્નુ શેખચલ્લી
    સૌથી પહેલાં તો આભર માનવો રહ્યો એ જમાનાના દૂરદર્શનનો, જ્યારે શનિવારની મોડી રાત્રે જુની 'ખાસ' પ્રકારની ફિલ્મો બતાડવામાં આવતી હતી.
    મૂળે તો અમે ગ્રાફીક ડિઝાઈનર હતા એટલે ફિલ્મનાં ટાઈટલો જે સ્ટાઇલમાં પડતાં જોયાં ત્યારથી જરા મુગ્ધ થયા હતા. પણ એ પછી જે શરૂઆતનાં દ્રશ્યો દેખાયાં… આહાહા…
    અત્યંત વિશાળ ટેબલ ઉપર ભવ્ય ભોજન સમારંભ ચાલી રહ્યો છે, પછી એનો એંઠવાડ બીજા માળની મોટી બારીમાંથી નીચે ફેંકાય છે… ત્યાં ગરીબોનાં ટોળાં જે રાહ જોતાં બેઠાં હતાં, તે ધસી આવે છે અને એંઠવાડ ફેંદવા લાગે છે…
    એક રેસ્ટોરન્ટની બહાર ભિખારી ડોસાને છાપામાં લપેટેલો થોડો એંઠવાડ 'દાન'માં અપાય છે. ડોસો એ ખોલીને રોટી ઉપર બાઝેલી ગંદકી ખંખેરી રહ્યો છે ત્યાં એક કૂતરો આવે છે અને એંઠવાડનું પડીકું મોં વડે ખેંચીને ભાગે છે… ડોસો એની પાછળ દોડે છે, પણ ઝડપથી આવી રહેલી કાર નીચે કચડાઈ જાય છે… હજી એ મર્યો નથી… કેમેરો તેના ભાંગી ગયેલા હાથતરફ જાય છે… હાથ ધુ્રજી રહ્યો છે… છેવટે મુઠ્ઠી ખુલી જાય છે અને સ્થિર થઈ ચૂકેલી હથેળીમાં 'રોટી'નો ટુકડો દેખાય છે !
    હવે તમે જ કહો, ફિલ્મો જોવાનો શોખીન હોય એવો કયો રસિયો ટીવી સામે પલાંઠી વાળીને બેસી ના જાય ? અમે જાણતા હતા કે સાડા અગિયારે શરૂ થયેલી આ મહેબૂબ ખાનની 'રોટી' પચવામાં અઘરી જ હશે, પણ રાતના બે વાગ્યા સુધી હવે ઉજાગરો કરવો જ પડશે !
    અગાઉ 'મધર ઇન્ડિયા'ના લેખમાં લખેલું કે 'આ મહેબૂબ ખાન નામનો માણસ જરા ઉલ્ટી ખોપડીનો હતો.' તો સાહેબો, આવી ફિલ્મ કોઈ ઉલ્ટી ખોપડીનો માણસ જ બનાવી શકે !
    એક તો શરૂઆતમાં એક મેલાઘેલો કોટ અને ટોપો પહેરેલો માણસ રોટી વિશેનું એક કડવું ગીત ગાતો નજરે પડે છે. (એ આ કહાણીનો સૂત્રધાર પણ છે અને પાત્ર પણ છે) એ કહે છે કે ગરીબોનું લોહી ચૂસ્યા વિના આ દુનિયામાં કોઈ અમીર બની જ શક્યું નથી. પણ આ વાત મુર્ખ ગરીબોને કેમ સમજાતી નથી ?
    ફિલ્મની કહાણી તો સાવ અજીબ છે. એક માંજરી આંખોવાળો એન્ગ્રી યંગ મેન, જે ફૂટપાથિયો છે, તે એક છેતરામણી ચાલ વડે એક કરોડપતિ વૃદ્ધાના ખોવાઈ ગયેલા દીકરા તરીકે ગોઠવાઈ જાય છે. એ ક્રૂર છે, દયાહીન છે અને બીજા ધનવાનોનાં પણ ગળાં કાપવા તૈયાર છે !
    ચંદ્રમોહન નામના આ જુના જમાનાના એકટરની સ્ક્રીન પ્રેઝન્સ પણ ગજબની છે ! (અફસોસ કે ૧૯૪૯માં માત્ર ૪૩ વરસની ઉંમરે એનું નિધન થઇ ગયું) આ માણસ, શેઠ લક્ષ્મીચંદનાં, બે જ સપનાં છે. એક મારી પાસે દુનિયાભરનું સોનું હોવું જોઇએ અને બે 'ડાર્લિંગ' નામની એક યુવતી મારા કબજામાં હોવી જોઇએ. (ફિલ્મમાં એનું નામ જ 'ડાર્લિંગ' છે ! કટાક્ષ તો જુઓ ?)
    દૌલત પાછળ ગાંડો થયેલો આ માણસ સોનાની શોધમાં પોતાનું વિમાન લઇને એક ઠેકાણે જઇ રહ્યો છે ત્યાં એનું વિમાન બગડે છે અને એવા જંગલમાં જઇને પડે છે જ્યાં રૂપિયા-પૈસા નામની કોઈ ચીજ જ અસ્તિત્વમાં નથી ! એટલું જ નહીં, 'સોનું' અહીં શાપિત ગણાય છે !
    અહીંથી શરૂ થાય છે એક અનોખી કહાણી, એક અનોખી દુનિયાની વાત ! એક તો શેખ મુખ્તાર નામના ૬ ફૂટ ૪ ઇંચ ઊંચા એકટરને આપણે હંમેશાં નેગેટિવ રોલમાં જ જોયો હોય, તે અહીં આદિવાસી જુવાન 'બાલમ' છે ! સાથે એની પ્રેમિકા (ફેમસ નૃત્યાંગના સિતારાદેવી) છે. આખો વ્યવહાર પૈસા વિના ચાલે છે.
    શેઠ લક્ષ્મીદાસના પૈસા કે સોનાના સિક્કાની અહિં કોઈ કિંમત જ નથી ! તેને અહીંથી નીકળવું છે એટલે છેતરપિંડીથી બાલમના બે પાડા (ચંગુ-મંગુ) ચોરીને જનગાડું જોડીને પાછો શહેરમાં પહોંચી જાય છે. હવે જ્યારે બાલમ અને એની પ્રેમિકા શહેરમાં પોતાના ચંગુ-મંગુને શોધતાં આવે છે ત્યારે શું જુએ છે ? (દેખિયે ઇન્ટરવલ કે બાદ…)
    અહીં કહાણીના ચાબૂક વડે આપણા સમાજને રીતસર સોળ ઊઠી આવે એવી તીવ્ર કટાક્ષભરી ઘટનાઓ બનતી જાય છે. આપણા આ સમાજમાં પૈસા નામની ચીજના કેવા તકલાદી સાંધાઓ છે, અને 'રોટી' ઉપરાંત 'શરીર' નામની એક ભૂખ પણ કેમ પીછો છોડતી નથી…
    વેલ, સ્ટોરીની ડિટેલમાં આપણે અહીં જતા નથી પરંતુ છેક ૧૯૪૨માં જ્યારે ભારત ઉપર અંગ્રેજોનું રાજ હતું, જ્યારે ભારતમાં આઝાદીની લડાઈનો માહોલ હતો, અને જ્યારે વર્લ્ડ વોરમાં દુનિયા હોમાઈ રહી હતી. ત્યારે ભારતમાં બેઠેલો મહેબૂબ ખાન નામનો ઉલ્ટી ખોપડીનો માણસ, એક તો આવી ખતરનાક થિમ લઇને આવે, એ તો ઠીક, આંખો ચકિત થઇ જાય એવા ભવ્ય સેટ્સ બનાવવા પાછળ લખલૂટ ખર્ચ પણ કરે (કે કરાવડાવો) એ આજે તો માની જ શકાય એવું નથી.
    ફિલ્મના હિરો શેખ મુખ્તારની પર્સનલ લાઇફ પણ રસપ્રદ હતી. મહેબૂબ ખાને શેખ મુખ્તારને પોતાની સળંગ ત્રણ ફિલ્મોમાં હીરો બનાવ્યો હતો. (આ 'રોટી' ત્રીજી) પરંતુ ત્યાર બાદ શેખ મુખ્તારને વિલનના રોલ જ મળ્યા.
    એમાંય પોતે પ્રોડયુસર બનીને રાજ કપૂર સામે પેરેલલ રોલવાળી 'દો ઉસ્તાદ' બનાવેલી. (સૌ બાર જનમ લેંગે… ગાયન યાદ છે ને ?) આમાં કમાયા એટલે પ્રદીપકુમાર અને મીનાકુમારીને લઇને મોટા બજેટવાળી 'નૂરજહાં' બનાવી. (શરાબી શરાબી યે સાવન કા મૌસમ)પણ ભારતમાં તે બહુ ખરાબ રીતે ફ્લોપ ગઇ !
    ત્યારબાદ શેખ મુખ્તાર 'નૂરજહાં'ની પ્રિન્ટો લઇને પાકિસ્તાન ચાલ્યા ગયેલા. ત્યાં એ ફિલ્મનો કોઈ લેવાલ નીકળ્યો નહીં ! બરબાદીના દિવસો પછી શેખ મુખ્તાર ત્યાં જ મૃત્યુ પામ્યા. એના ૧૨ વર્ષ પછી કોઇએ 'નૂરજહાં' ત્યાં રીલીઝ કરી ત્યારે હિટ થઇ ગઇ ! પુરા ૧ કરોડનો વકરો કર્યો ! બોલો…
    એમ તો 'ડાર્લિંગ'ના રોલમાં કોણ હતું ખબર છે ! પરદા ઉપર જેનું નામ અખ્તરીબાઈ ફૈઝાબાદી તરીકે આવે છે તે આગળ જતાં 'બેગમ અખ્તર' તરીકે મશહૂર ગઝલ ગાયિકા બન્યાં ! (એમનાં વાંકાચૂકા દાંત 'રોટી'માં પણ એવા જ દેખાય છે.) જો કે ફિલ્મ જોતાં જોતાં જરૂર વિચાર આવે કે આવી સુકલકડી કાયા, બળેલો સ્વભાવ હોય એવો ફેસ અને વાંકાચૂકા દાંતવાળી 'ડાર્લિંગ'માં શેઠ લક્ષ્મીચંદ શું ભાળી ગયા હશે ? પણ કદાચ, મહેબૂબ ખાન એ જ કહેવા માગતા હશે કે સ્ત્રીનું શરીર આખરે શું છે ? હાડમાંસનું ખોખું જ ને !
    છેલ્લે, ખાસ સલાહ ઃ યુટયુબમાં જોતી વખતે જો જુના જમાનાની આ ફિલ્મ ધીમી અથવા ઢીલી લાગે તો સેટિંગ્સમાં જઇને ૧.૨૫ની સ્પીડે જોવી (અને ખોડખાંપણો કાઢીને મોટા 'વિવેચક' બનવાનું ટાળવું.)
  • = 'રોટી'ના વિલન ચંદ્રમોહનને કે.આસિફે 'મુઘલ-એ-આઝમ'માં અકબરનો રોલ આપ્યો હતો. ફિલ્મનાં દસ રીલ શૂટ થઇ ચૂક્યાં હતાં પણ ચંદ્રમોહનના અચાનક મૃત્યુ બાદ બધું ફરીથી શૂટ કરવું પડયું હતું.
    = એકવાર મહેબૂબ ખાનને હોસ્પિટલમાં ભરતી થવું પડયું હતું ત્યારે એમને 'રોટી' ખાવાની સખત મનાઇ હતી. સંગીતકાર અનિલ બિશ્વાસ એમને મળવા આવ્યા ત્યારે મહેબૂબ ખાનને રોટી માટે રીતસર ટળવળતા જોઇને કટાક્ષ કર્યો હતો કે જેમને ખાવા માટે રોટી નથી મળતી એમનું શું ?… આ પ્રસંગ પછી મહેબૂબ ખાનને ફિલ્મ 'રોટી'ની થિમ સુઝી હતી.