Ravi Purti

સંબંધો ગણિતના જડ નિયમોથી નથી ચાલતા

By GS Team
5 Jul 20268 mins read
સંબંધો ગણિતના જડ નિયમોથી નથી ચાલતા

આપણે એકબીજા માટે એવું કરીએ છીએ ખરા કે પ્રેમનો ગુણાકાર થાય : રોકાણ જ શૂન્ય હોય, ત્યાં વળતરની આશા રાખવી વ્યર્થ છે
હોરાઈઝન-ભવેન કચ્છી
જ્યારે પતિ અને પત્ની બંને સમાન હક્ક કે સશક્તિકરણનો ખોટો અર્થ લઇ લે ત્યારે તેઓ એવું માની લે છે કે તેઓ એકબીજા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યા. હું મારું કામ કરું છું, તું તારું કામ કરે છે, તો પછી આભાર શાનો?

નિ સ્વાર્થ પ્રેમ ઉત્તમ કહેવાય પણ તે શક્ય ન હોય તો એકબીજાનું ઋણ યાદ રાખીને આભારની લાગણી સાથે જીવન વ્યતિત કરીએ તો પણ દિવ્યતા
મહેકી ઉઠે
માનવ સભ્યતાના પ્રારંભથી લઈને આજ સુધી, સાહિત્યની કવિતાઓ અને શાસ્ત્રોની ફિલોસોફીમાં જો કોઈ એક તત્વને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું હોય તો તે છે 'નિ:સ્વાર્થ પ્રેમ'. શરતો વગરનો અને માત્ર આપવાની ઉદાત્ત ભાવનાથી છલકાતો પ્રેમ એ સાંભળવામાં બહુ અદ્ભૂત લાગે છે. પરંતુ, જ્યારે આપણે કલ્પનાના એ સોનેરી ધુમ્મસમાંથી બહાર આવીને આજના દોડતા, ભૌતિકવાદી અને અતિ-આધુનિક સમાજની ધરતી પર પગ મૂકીએ છીએ, ત્યારે ચિત્ર તદ્દન જુદું જ દેખાય છે. આજે નિ:સ્વાર્થ પ્રેમ તો બહુ દૂરની વાત રહી, સંબંધોમાં પરસ્પરનો આદર અને સહઅસ્તિત્વની મૂળભૂત ક્ષમતા પણ દિનપ્રતિદિન ઓછી થતી જાય છે. આજના આધુનિક યુગમાં પતિ-પત્ની વચ્ચેનો સંબંધ હોય કે પરિવારની અન્ય કડીઓ હોય નિ:સ્વાર્થ પ્રેમ કે આદરની માત્રા ઘટતી જાય છે. ઉદાહરણ તરીકે આજના દંપતિ આર્થિક રીતે સક્ષમ છે, વૈચારિક રીતે સ્વતંત્ર છે, અને પોતાની અંગત સ્પેસ પ્રત્યે એટલા બધા સજાગ છે કે ઘણીવાર અજાણતા જ ઘરની અંદર દીવાલો ચણાઈ જાય છે. આ સ્વાતંત્ર્ય અને સમાનતા ચોક્કસપણે આવકાર્ય છે, પરંતુ તેની આડઅસરરૂપે સંબંધોમાંથી જે આત્મીયતા અને એકબીજા માટે ઘસાઈ જવાની સહજ તત્પરતા હોવી જોઈએ, તે ક્યાંક ખોવાઈ ગઈ છે. આજે આપણે 'તું તારું કર અને હું મારું કરું' ના એટલા ચુસ્ત આગ્રહી બની ગયા છીએ કે સંબંધોમાં પરસ્પરના ઉપકારને સ્વીકારવાનો કે એકબીજાને હૃદયપૂર્વક 'થેંક યુ' કહેવાનો કોઈ સ્કોપ જ બાકી નથી રાખ્યો.
સમાનતાનું ચક્કર
આધુનિક સમાજે આપણને વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાનતાના બહુ મોટા આદર્શો આપ્યા છે. આના કારણે સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થઈ, પુરુષો પણ ઘરકામમાં ભાગ લેતા થયા અને બંનેને સમાન દરજ્જો મળ્યો. આ બધું જ સિદ્ધાંતોમાં ખૂબ સુંદર લાગે છે, પરંતુ વ્યવહારમાં આ સમાનતા અને સ્વતંત્રતા જ્યારે અહંકારનું રૂપ ધારણ કરી લે છે, ત્યારે પ્રેમ સંબંધો નિસ્તેજ અને ફિક્કા પડવા લાગે છે. સમાનતાનો સાચો અર્થ એ હતો કે બે વ્યક્તિઓ એકબીજાના આદર સહિત જીવે, પણ તેનો ખોટો અર્થ એ કાઢવામાં આવ્યો કે બંને એકબીજાની સામે પલડું સમાન રાખવા માટે સતત ત્રાજવું લઈને બેસે. આજના શિક્ષિત લગ્નજીવનમાં 'આપણે' શબ્દ ધીમે-ધીમે નાશ પામતો જાય છે અને તેની જગ્યાએ 'હું' અને 'તમે' એ પૂરેપૂરો કબજો લઈ લીધો છે. જીવનના દરેક નાણાકીય કે વ્યવહારિક પાસામાં આ પ્રકારે જ્યારે હિસાબો માંડવામાં આવે, ત્યારે એ સંબંધ પવિત્ર લગ્નજીવન મટીને એક કરાર જેવો બની જાય છે. સ્વતંત્રતાનો અર્થ એવો ક્યારેય ન હોઈ શકે કે આપણે સામેની વ્યક્તિથી માનસિક રીતે એટલા બધા અલગ થઈ જઈએ કે આપણને તેની કોઈ જરૂર જ ન રહે. અને સંબંધનો આધાર જરૂરિયાતના આધારે મજબૂત કે ઢીલો ન હોવો જોઈએ.સાચો અને જીવંત પ્રેમ હંમેશા પરસ્પર નિર્ભરતા માંગે છે. પરસ્પરની આ મધુર જરૂરિયાત જ માણસને નમ્ર બનાવે છે અને સંબંધોમાં અનુકૂલન સાધવાની સ્થિતિમાં લાવે છે.
'થેંક્સગિવિંગ'નો દુકાળ
જગપ્રસિદ્ધ ફિલસૂફ એરિચ ફ્રોમે તેમના પુસ્તક 'ધ આર્ટ ઓફ લવિંગ' માં લખ્યું છે કે પ્રેમ એ માત્ર લાગણી નથી, પણ સામેની વ્યક્તિના વિકાસની જવાબદારી સ્વીકારવી તે છે. જો આજના સમયમાં ૧૦૦% નિ:સ્વાર્થ થવું કઠિન લાગતું હોય, તો પણ સંબંધોને એક નવી ઊંચાઈ સાથે ટકાવી રાખવા માટે એક બહુ સાદો અને સુંદર માર્ગ છે : પરસ્પર કૃતજ્ઞાતા અથવા આભારની લાગણી જન્મે તેવું એક બીજા માટે થોડું થોડું કરતા રહેવું. જ્યારે પતિ અને પત્ની બંને સમાન હક્ક કે સશક્તિકરણનો ખોટો અર્થ લઇ લે ત્યારે તેઓ એવું માની લે છે કે તેઓ એકબીજા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યા. હું મારું કામ કરું છું, તું તારું કામ કરે છે, તો પછી આભાર શાનો? પરંતુ સંબંધો ક્યારેય ગણિતના જડ નિયમોથી નથી ચાલતા.
આ જ સંદર્ભમાં પ્રોફેસર માર્ટિન સેલિગમેનનો એક પ્રયોગ યાદ કરવા જેવો છે. તેમણે એક નિસ્તેજ અને નિરાશ બની ગયેલા દંપતીને સાત દિવસ સુધી રોજ રાત્રે પાર્ટનરે કરેલી ત્રણ નાની સારી વાતો ડાયરીમાં લખવા અને સવારે ચા પીતી વખતે તેના માટે 'થેંક યુ' કહેવા જણાવ્યું. શરૂઆતમાં હાસ્યાસ્પદ લાગતો આ પ્રયોગ ત્રીજા જ દિવસે ચમત્કાર કરી ગયો, જ્યારે બંનેને સમજાયું કે સામેવાળી વ્યક્તિ તેમના જીવનને સરળ બનાવવા માટે અદ્રશ્ય રીતે કેટલું બધું કરી રહી છે.અથવા તો ખાસ એવું કંઈ કરતી જ નથી. જયારે ઘેર પતિને ઓફિસના વ્યસ્ત કાર્ય વચ્ચે પત્ની અચાનક સરપ્રાઈઝમાં નજીક આવીને ચા કે કોફીનો કપ આપે અને પતિ પત્નીને કહે કે 'તું આજકાલ થાકી જતી હોય તો કહેજે હું એકાદ દિવસ રજા લઈશ' તો પરસ્પર આભારની લાગણી જન્મે.'ચાલ આજે રજા છે બપોરે તું આરામ કર' તેમ પત્ની કહે અને પતિ તેની રીતે વ્હાલ કે કાળજી વ્યક્ત કરતા એમ જણાવે કે 'આજે સાંજે આપણે રેસ્ટોરન્ટ જઇશું તું રસોઈ ન બનાવતી ' ઘણા દંપતિ આવું કરતા જ હશે પણ યોગ્ય આવડત કે ઉછેરના અભાવે એવું ઉમેરાતા નથી કે 'તું મારી કેટલી દરકાર રાખે છે. હું નસીબદાર છું.' કહેવાનું તાત્પર્ય એ જ કે અહંકાર ત્યજી એકબીજાને વ્યક્ત થવાની જરૂર છે કે 'હું તારી કાળજી લઉં છું, તારા શ્રમને સમજુ છું.' આભારની આ નાનકડી આપ-લે વર્ષોથી જામી ગયેલ બરફની દીવાલો ઓગાળી દેતી હોય છે.
કષ્ટની કિંમત
આ જ વાતને વધુ સરળતાથી સમજવા માટે આપણે સંતાનો અને માતા-પિતાના સંબંધોનો દાખલો જોઈ શકીએ. માતા-પિતા સંતાન માટે આખી જુવાની, પોતાના શોખ અને સપનાઓને હોમી દે છે. સંતાન જ્યારે મોટું થાય છે ત્યારે તેને આ ત્યાગની કિંમત આપોઆપ નથી સમજાતી, પણ જ્યારે તે જુએ છે કે તેની બીમારીમાં તેની માતાએ આખી રાત ઉજાગરા કર્યા છે અને પિતાએ તેના શિક્ષણ માટે કષ્ટ વેઠયા છે, ત્યારે તેના હૃદયમાં એક ઊંડો ભાવ જાગે છે. આ ભાવ એટલે 'ભાવનાત્મક ઋણ સ્વીકાર'. આ ઋણનો સ્વીકાર જ સંતાનને પાછલી ઉંમરે માતા-પિતાની સેવા કરવા અને વળતો પ્રેમ આપવા માટે પ્રેરિત કરે છે. સંતાનનો આ પ્રેમ ભલે ભૂતકાળના ત્યાગ પર આધારિત એટલે કે 'શરતી' હોય, છતાં તે અત્યંત પવિત્ર છે. હવે આ જ વાતને લગ્નજીવનમાં ઉતારી જુઓ. જો આજના સંબંધોમાં પતિ કે પત્ની એકબીજા માટે કંઈ વેઠવાની કે જતું કરવાની તૈયારી જ ન રાખે, તો સામેવાળી વ્યક્તિના મનમાં એ લાગણીનું દેવું કેવી રીતે ઊભું થશે? જો તમે સામેની વ્યક્તિના સુખ માટે ક્યારેય કોઈ ત્યાગ જ નથી કર્યો, તો પછી તમે ક્યા હક્કથી એવી અપેક્ષા રાખો છો કે તે વ્યક્તિ તમને વળતો અખૂટ પ્રેમ આપે? જ્યાં રોકાણ જ શૂન્ય હોય, ત્યાં વળતરની આશા રાખવી એ વ્યર્થ છે.
પરસ્પરની કાળજી
તત્વજ્ઞાની માર્ટિન બુબરે તેમના 'I and Thou' પુસ્તકમાં સમજાવ્યું છે કે જ્યારે આપણે સામેની વ્યક્તિને માત્ર આપણી જરૂરિયાત પૂરી કરવાનું સાધન કે વસ્તુ સમજીએ છીએ, ત્યારે સંબંધ શુષ્ક થઈ જાય છે. સાચું બોન્ડિંગ ત્યારે જ જન્મે જ્યારે તમે સામેની વ્યક્તિને તેના તમામ ગુણ-દોષો સાથે સ્વીકારો અને તેની હાજરી પ્રત્યે એક પરમ આદરભાવ રાખો. આજના માણસની કરુણતા એ છે કે તે સ્માર્ટફોનની વર્ચ્યુઅલ દુનિયામાં આખા વિશ્વના અજાણ્યા લોકોની પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ્સ કરીને 'થેંક યુ' ની આપ-લે કરે છે, પણ પોતાની બાજુમાં જ બેઠેલા પાર્ટનર પ્રત્યે આંધળો બની જાય છે. સંબંધોમાં પ્રેમનો ગુણાકાર કરવાનો સીધો અને સરળ નિયમ એ જ છે કે આપણા રોજિંદા વ્યવહારમાં અરસપરસ એકબીજા પ્રત્યે પ્રેમ, આદર અને નાની-નાની બાબતોમાં કાળજી દેખાતી રહેવી જોઈએ. જ્યારે પત્નીને એ અહેસાસ થાય કે પતિ તેની નાની તકલીફો પ્રત્યે સંવેદનશીલ છે, અને પતિને એ દેખાય કે પત્ની તેના સુખનો વિચાર કરે છે, ત્યારે સંબંધોમાં દિવ્યતા સહજતાથી પ્રગટી ઉઠે આ માટે કોઈ મોટી ફિલોસોફીની જરૂર નથી પડતી.
નમ્રતાની સુગંધ
આપણે જૂના જમાનાની એ પિતૃસત્તાક વ્યવસ્થા કે જ્યાં સ્ત્રીઓએ માત્ર મૂંગા મોઢે સહન જ કરવાનું હતું, તેને ક્યારેય પરત લાવી શકીએ નહીં અને લાવવી પણ ન જોઈએ. સ્ત્રી-પુરુષ બંનેની સમાનતા અને સ્વતંત્રતા એ તંદુરસ્ત સમાજની નિશાની છે. પરંતુ સમાનતાનો અર્થ એવો ક્યારેય ન હોઈ શકે કે બંને વચ્ચે સહાનુભૂતિનો જ નાશ થઈ જાય. આઝાદી અને અહંકાર વચ્ચે એક બહુ જ પાતળી, રેશમી રેખા છે. સાચી આઝાદી આપણને પાંખો આપે છે, જ્યારે અહંકાર આપણા મૂળિયાં કાપી નાખે છે. લગ્નજીવન એ મુક્ત આકાશમાં બે પંખીઓ દ્વારા સાથે ઉડવાની બે આત્માના મિલન માટેની કળા છે, એકબીજાથી આગળ નીકળી જવાની કોઈ સ્પર્ધા નથી. જો આપણે આપણા ઘરોમાં ફરીથી એ હૂંફ અને જીવંત પ્રેમ પાછો લાવવો હોય, તો અહંકારને બાજુ પર મૂકીને સમાનતાની સાથે થોડી નમ્રતા અને સ્વાતંત્ર્યની સાથે થોડી આભારની લાગણી ભેળવવી જ પડશે. અરસપરસ એકબીજાની દરકાર રાખવાનો આ નાનકડો બદલાવ જ આલીશાન આવાસમાં ભાવનાત્મક એકલતાને દૂર કરીને ઘરને ફરીથી પ્રેમની સુગંધથી મહેકતા બનાવી દેશે.
જ્ઞાન પોસ્ટ
સંતાન : દાદા તો જાતે ચાલી શકે છે તેને પાણીનો પ્યાલો આપવાની શું જરૂર?
પિતા : બેટા, વડીલો પ્રત્યે આદર રાખવો જોઈએ. એમ તો તું એવું ઘણું જાતે કરી શકે છે કે અગાઉ જાતે કરી શકતો હતો ત્યારે દાદા એમ થોડું કહેતા હતાં કે 'આ તું તો એકલો કે તારા મમ્મી પપ્પા કે મિત્રો જોડે પણ કરી શકે' અને હા, બેટા (કે બેટી) તને યાદ ન હોય પણ તું ચાલી નહોતો શકતો ને ત્યારે તને કલાકો સુધી તેડીને દાદા (કે નાના) બગીચામાં લઇ જતા હતાં. હિંચકા ખવડાવતા હતાં. તેમના ગોઠણ છોલાઈ જાય તો પણ ઘોડો બનીને પીઠ પર બેસાડીને તારી જોડે રમતા હતાં. તું કઈ રીતે વયમાં મોટો થયો તે વિશે વિચારીશ કે અમને પૂછીશ તો તને તારા બધા જ જવાબ મળતા રહેશે. એ તને બાબાગાડીમાં ફેરવતા હતાં હવે તારે વખત આવે તો દાદાને વ્હીલ ચેરમાં ફેરવવાના.
(કાલ્પનિક સંવાદ)