સવાર પડતાં જ મોબાઈલ પર સુવિચારોનો ધોધ

- જે વ્યક્તિ ઉપદેશો વહેંચી રહી છે, તે પોતે એમ જ માની બેઠી છે કે તે પોતે તો પરફેક્ટ છે, અને આ બધો બોધ માત્ર સામેવાળા માટે જ છે!
- હોરાઈઝન-ભવેન કચ્છી
- રસ્તા પર અકસ્માત થયો હોય ત્યારે વ્યક્તિ મદદ કરવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હોય છે અને ઘરે જઈને 'માનવતા મરી પરવારી છે' તેવી પોસ્ટ ફેસબુક પર લખે છે
- 'ક્રોધ ન કરવો જોઈએ' એવો મેસેજ ફોરવર્ડ કરનાર વ્યક્તિ જ અડધા કલાક પછી શાકભાજીવાળા સાથે બે રૂપિયા માટે ઝઘડો કરતી હોય છે
આ જનો યુગ માહિતી અને સંચારનો યુગ છે. સવાર પડે અને સ્માર્ટફોનની સ્ક્રીન અનલોક થાય ત્યારથી જ 'સુવિચારો'નો એવો તો વરસાદ શરૂ થાય છે કે જાણે આખી દુનિયા રાતોરાત સંત બની ગઈ હોય! સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર પ્રેરણાત્મક લેખો, સદ્ગુણો કેળવવાની શીખ આપતા સુવાક્યો અને ઉમદા જીવન જીવવાની દ્રષ્ટિ માટેનું માર્ગદર્શન આપતી હજારો પોસ્ટ્સ રોજ ફોરવર્ડ થતી રહે છે. કથાઓ અને પ્રવચનોના મંડપો પણ ભરાયેલા રહે છે. પરંતુ આ ભભકાદાર ચિત્રની પાછળ એક બહુ મોટી વિડંબના છુપાયેલી છે : જે વ્યક્તિ આ ઉપદેશો વહેંચી રહી છે, તે પોતે એમ જ માની બેઠી છે કે તે પોતે તો પરફેક્ટ છે, અને આ બધો બોધ માત્ર સામેવાળા માટે જ છે! ખરેખર આ પોસ્ટ તો તેને સુધરવા માટે અત્યંત જરૂરી હોય છે.
પ્રદર્શનનું સાધન
જ્યારે જ્ઞાન માત્ર પ્રદર્શનનું સાધન બની જાય અને આચરણ શૂન્ય થઈ જાય, ત્યારે વ્યક્તિ, પરિવાર અને સમાજનું પતન નિશ્ચિત બને છે.
વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા એ નથી કે લોકો પાસે જ્ઞાન નથી, પણ સમસ્યા એ છે કે લોકો પાસે 'ભ્રમિત જ્ઞાન' છે. એટલે કે જેમાં અજ્ઞાની વ્યક્તિ પોતાની જાતને સૌથી વધુ જ્ઞાની માને છે. આપણા શાસ્ત્રોએ આને 'અહંકાર', અજ્ઞાન અને 'અવિદ્યા' તરીકે ઓળખાવ્યો છે.
આવા લોકો જ્યારે કોઈ પ્રેરણાદાયી વાર્તા કે કથા સાંભળે છે, ત્યારે તેમનું મગજ તરત જ એ બોધને પોતાના જીવન પર લાગુ કરવાને બદલે, પોતાના પરિવારના કોઈ સભ્ય કે સમાજની કોઈ વ્યક્તિ પર ફિટ કરવા લાગે છે. તેઓ વિચારે છે : 'હા, આ વાર્તા કે સુવાક્ય મારા પેલા સંબંધી, પરિવારના સભ્ય કે મિત્રને મોકલવા જેવું લાગે છે. મેસેજનો મર્મ કે બોધ તેને એકદમ બંધબેસતો છે. પોતે તો દૂધે ધોયેલા જ છે એવો આત્મસંતોષ તેમને ક્યારેય સુધરવા દેતો નથી.
અજ્ઞાનનો અંધકાર
કઠોપનિષદમાં એક વિચારપ્રેરક શ્લોકનો અર્થ એમ થાય છે કે 'જેઓ અજ્ઞાનના અંધકારમાં જીવી રહ્યા છે, છતાં પોતાની જાતને બહુ બુદ્ધિશાળી અને પંડિત માને છે તેઓ અંગત જીવનમાં ક્યારેય સુખ શાંતિ ન અનુભવી શકે.
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરવાના આવા ચેમ્પિયન જ્ઞાનીઓ બરાબર આ વ્યાખ્યામાં ફિટ બેસે છે. તેઓ પોતાની નબળાઈઓ પ્રત્યે એટલા અજ્ઞાન છે કે તેઓ કળી જ નથી શકતા કે જે ઉપદેશ તેઓ ટાઈપ કરી રહ્યા છે, તે સૌથી પહેલાં તેમના પોતાના હૃદયના પરિવર્તન માટે છે.
ડિજિટલ સાધુતા
આજના સમયમાં સદાચારી દેખાવું એ સદાચારી હોવા કરતાં વધુ સરળ થઈ ગયું છે. અને આવા લોકો જ સમાજમાં ખણખણતા રૂપિયાની જેમ ચાલી જતા હોય છે તેથી બીજા લોકો પણ તેવા જ બનવાનો પ્રયત્ન કરે છે. એક સુંદર ધાર્મિક ફોટો, પાછળ વાગતું મધુર સંગીત અને નીચે લખેલો ત્યાગ કે ક્ષમાનો સંદેશ - બસ, આટલું કરવાથી સમાજમાં તમારી છબી 'ધાર્મિક' અને 'સંસ્કારી' વ્યક્તિ તરીકેની ઊભી થઈ જાય છે. આને જ 'બાહ્ય દંભ' અથવા લૌકિક અહંકાર કહેવામાં આવે છે.
પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે જે વ્યક્તિ સવારે વોટ્સએપ પર 'ક્રોધ ન કરવો જોઈએ' એવો મેસેજ ફોરવર્ડ કરે છે, તે જ વ્યક્તિ અડધા કલાક પછી શાકભાજીવાળા સાથે બે રૂપિયા માટે ઝઘડો કરતી હોય છે કે પોતાના ઘરના નોકર પર બરાડા પાડતી હોય છે. જે વ્યક્તિ 'માતા-પિતાની સેવા એ જ પરમેશ્વર' એવું સ્ટેટસ મૂકે છે, તેના જ ઘરમાં વૃદ્ધ માતા-પિતા એકલતા અને ઉપેક્ષાનો ભોગ બનતા હોય છે.
ભગવદ્દ ગીતામાં ચેતવણી
ભગવદ્દ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ આવા દંભીઓ વિશે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે 'જે મનુષ્ય બહારથી પોતાની કર્મેન્દ્રિયોને રોકી રાખે છે, પરંતુ મનથી ઇન્દ્રિયોના ભોગોનું ચિંતન કરતો રહે છે, તેને દંભી અથવા મિથ્યાચારી કહેવામાં આવે છે.'
જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારે મિથ્યાચારમાં જીવે છે, ત્યારે તે પોતાની નજરમાં ક્યારેય ગુનેગાર નથી બનતી, કારણ કે તેનો અહંકાર તેને સતત એવું આશ્વાસન આપતો રહે છે કે 'હું તો સમાજને સુધારવાનું મોટું કામ કરી રહ્યો છું!'
આત્મનિરીક્ષણનો અરીસો
જો સમાજનો દરેક નાગરિક એમ જ માનવા લાગે કે તે પોતે જ સાચો છે અને બાકીના બધામાં ખામી છે, તો પ્રગતિનો રસ્તો હંમેશા માટે બંધ થઈ જાય છે. આધ્યાત્મિકતા અને માનવતાનો પહેલો નિયમ છે : આત્મ-નિરીક્ષણ
જ્યારે આપણે કહીએ છીએ કે 'બધા પોતાને પરફેક્ટ માને છે', ત્યારે તેનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ પોતાની અંદર ડોકિયું કરવા તૈયાર નથી. સંત કબીરે આ ભ્રમણાને બહુ સચોટ રીતે પકડી પાડી હતી : બુરા જો દેખન મૈં ચલા, બુરા ન મિલિયા કોય, જો દિલ ખોજા આપના, મુઝસે બુરા ન કોય.
જ્યાં સુધી માણસ પોતાના મનની કાળી બાજુને જોતો નથી, ત્યાં સુધી તે ક્યારેય સુધરી શકતો નથી. 'હું બધું જ જાણું છું અને હું જે કરું છું તે યોગ્ય જ છે' એવું માનનાર વ્યક્તિ પથ્થર જેવી થઈ જાય છે, જેના પર જ્ઞાનના ગમે તેટલા વરસાદ વરસે, પણ એક ટીપું અંદર ઉતરતું નથી.
વિનાશક અસરો
આ અજ્ઞાન અને અહંકાર માત્ર વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી રહેતો. તે એક ચેપી રોગની જેમ પરિવાર, સમાજ અને દેશનું પતન કરવા માટે નિમિત્ત બને છે.
જે વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારવા તૈયાર નથી, તેનો આંતરિક વિકાસ અટકી જાય છે. તે ક્યારેય સાચો પ્રેમ, સાચી શાંતિ કે સાચો આનંદ અનુભવી શકતી નથી. તેનો અહંકાર તેને એક એવા પાંજરામાં કેદ કરી દે છે, જ્યાં માત્ર 'હું, મારું અને મેં કર્યું' ના જ પડઘા સંભળાય છે.
સંતાનો અને પરિવાર
જ્યારે ઘરમાં વડીલો કે કોઈ સભ્ય મોટે-મોટેથી સંસ્કારોની વાતો કરે, પરંતુ તેમનું વર્તન પક્ષપાતી, ક્રોધી કે લોભી હોય, ત્યારે નવી પેઢી (બાળકો)ના મનમાં ધર્મ અને સંસ્કારો પ્રત્યે નફરત પેદા થાય છે. બાળકો શબ્દોને નથી અનુસરતા, તેઓ આચરણને જુએ છે. જ્યારે તેઓ પિતાને કોઈની છેતરપિંડી કરતા જુએ અને રાત્રે એ જ પિતાને ઘરમાં સત્યવાદી હરિશ્ચંદ્રની વાતો કરતા સાંભળે, ત્યારે તેમનો નૈતિક પાયો ડગી જાય છે. પરિણામે, પરિવારોમાં અવિશ્વાસ અને અંતર વધે છે. જ્યારે માતા સંતાનને કોઈ ઉપદેશ કે સંસ્કારનું સિંચન કરવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે સંતાન તે ગુણો તેના માતા પિતામાં છે કે નહીં તે અંગે વિચારતું હોય છે. માતા પિતા જ શું કામ તે પરિવારના સભ્યોની રહેણી કરણીનું પણ સતત બારીક નિરીક્ષણ કરતું હોય છે.
વિડીયોમાં મસ્ત
જે સમાજમાં જ્ઞાન માત્ર વાતો પૂરતું મર્યાદિત હોય, તે સમાજ ક્રૂર અને સંવેદનહીન બની જાય છે. રસ્તા પર અકસ્માત થયો હોય ત્યારે લોકો મદદ કરવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હોય છે અને ઘરે જઈને 'માનવતા મરી પરવારી છે' તેવી પોસ્ટ ફેસબુક પર લખે છે. આ સામાજિક દંભ આપણને એક એવા પતન તરફ દોરી જાય છે જ્યાં માણસ માણસનો શત્રુ બની જાય છે.
જ્ઞાનનો સૂર્યોદય
એક મહાન સંતે ઉપદેશ આપ્યો છે કે 'પંચાંગમાં (કેલેન્ડરમાં) લખ્યું હોય છે કે આ વર્ષે વીસ ઈંચ વરસાદ પડશે, પણ પંચાંગને નીચોવો તો તેમાંથી એક ટીપું પાણી પણ બહાર નથી આવતું. તેવી જ રીતે શાસ્ત્રોમાં જ્ઞાનની ઘણી વાતો છે, પણ જો તે મનમાં ન ઉતરે, તો તે પુસ્તકિયા જ્ઞાન નકામું છે.'
પશ્ચિમી જગતના મહાન ફિલસૂફ સોક્રેટીસે કહ્યું હતું : 'આખા એથેન્સમાં હું સૌથી વધુ જ્ઞાની છું, કારણ કે હું એટલું જાણું છું કે હું કંઈ જ જાણતો નથી.'
જ્યારે આપણને આપણા અજ્ઞાનની ખબર પડે છે, ત્યારે જ જ્ઞાનનો સૂર્યોદય થાય છે.
કલ્યાણનો પ્રારંભ
આપણે જ્યારે પણ કોઈ પ્રેરણાદાયી પોસ્ટ વાંચીએ કે સાંભળીએ, ત્યારે સૌથી પહેલો સવાલ આપણી જાતને પૂછવો જોઈએ : 'આ લેખમાં જે ખામી બતાવી છે કે સંદેશ આપવામાં આવ્યો છે તે મારા માટે છે?' જે દિવસે માણસ બીજાને સુધારવાની ચિંતા છોડીને પોતાની જાતને સુધારવાનું ચિંતન શરૂ કરશે, તે જ દિવસે કલ્યાણની શરૂઆત થશે.
જ્યાં સુધી આપણે સોશિયલ મીડિયાના 'લાઈક્સ' અને 'શેર્સ'ના મોહમાંથી બહાર નીકળીને વાસ્તવિક જીવનના વ્યવહાર અને સંબંધોમાં સુધારો નહીં કરીએ, ત્યાં સુધી ગમે તેટલા પુસ્તકો લખાશે કે ગમે તેટલી કથાઓ થશે, સમાજ ત્યાંનો ત્યાં જ રહેશે.
અજ્ઞાન કરતાં પણ વધુ ભયાનક છે 'જ્ઞાનનો ભ્રમ'. આ ભ્રમની દીવાલને તોડવી અત્યંત જરૂરી છે. હવે પછી જ્યારે પણ કોઈ સારો વિચાર આપણી સામે આવે, ત્યારે તેને ફોરવર્ડ કરવા માટે આંગળીઓ ચલાવતા પહેલાં, તેને હૃદયમાં ઉતારવા માટે થોડી ક્ષણો મૌન થઈ જઈએ. દુનિયાને સુધારવાનો એક જ ટૂંકો રસ્તો છે - આપણી જાતનો સુધારો. જો દરેક વ્યક્તિ પોતે જ બદલાવ બની જશે, તો સમાજને સુધારવા માટે અલગથી કોઈ પ્રવચનોની જરૂર જ નહીં રહે. અને જો દરેક વ્યક્તિ એમ જ માનતી હોય કે તે બરાબર છે તો તે હાલ જે માનસિક અશાંતિમાં તે જીવતી હોય તે તેણે કમનસીબે ભોગવવી રહી. તેઓ પ્રત્યે આપણે સહાનુભૂતિ રાખવી.
જ્ઞાન પોસ્ટ
જેઓ માટે લખાય છે કે કહેવાય છે તેઓ વાંચતા નથી કે શ્રોતા પણ નથી. ભૂલથી આવા લોકો કે જેને માટે બોધ છે તેઓ વાંચવાની શરૂઆત કરે છે ત્યાં જ તેઓ વાંચવાનું કે સાંભળવાનું પડતું મૂકી મનોમન કહે છે કે 'આ ક્યાં આપણા માટે છે.'
યુવાઓ માટેની શિબિરમાં વાલીઓની બહુમતિ હોય છે. 'ચાલો, દેશને નવા વિશ્વને અનુરૂપ બદલીએ' તેવા વિષય પરના પરિસંવાદમાં નિવૃત વય ક્યારની વટાવી ચૂકેલા વયસ્કોની બહુમતિ હોય છે. કોઈ સંસ્થા અંતર્ગત યોજાતા કાર્યક્રમમાં દર વખતે નિશ્ચિત વ્યક્તિઓ જ હાજરી આપે છે જાણે તેઓ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય. આમ જેને માટે છે તેઓ સુધી તે પહોંચાડવું તે પણ એક કોયડો છે. માર્કેટિંગ વગર વર્તુળ મોટુ કરવું તે પડકાર છે.







