Ravi Purti

હિમાલયની અતિ ઝડપથી પીગળતી હિમનદીઓ ભારતીય ઉપખંડમાં હાહાકાર મચાવશે

By GS Team
13 Sep 202610 mins read
હિમાલયની અતિ ઝડપથી પીગળતી હિમનદીઓ ભારતીય ઉપખંડમાં હાહાકાર મચાવશે
  • હોટલાઈન-ભાલચંદ્ર જાની
  • વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે વિશ્વના કોઈપણ સ્થળના ગ્લેશિયરની સરખામણીએ હિમાલયના ગ્લેશિયર વધુ ઝડપથી ઓગળી રહ્યા છે…

હિ માલયની કોઇપણ તસવીર ઉઠાવીને જુઓ તો સફેદ બરફાચ્છાદિત પર્વતોના શિખરો જોવા મળે. બારેમાસ જ્યાં શ્વેત બરફની ચાદર છવાયેલી જોવા મળે એ નગાધિરાજ હિમાલયની હવે બુરી દશા થવા બેઠી છે. કારણ આપવામાં આવે છે તાપમાનમાં થયેલો વધારો. કાર્બન એમિશન્સ અને ગ્રીન હાઉસ ગેસ વધવાને કારણે નાના-મોટા કેટલાંય શિખરો બરફનું આવરણ ઝડપથી ગુમાવી રહ્યાં છે.
કોઇને એવો પ્રશ્ન થાય કે આપણાથી દૂર આવેલા હિમાલયમાં થોડો ઘણો બરફ ઓગળે તો એમાં કયો મોટો પહાડ તૂટી પડવાનો હતો? તો જવાબ એ છે કે હિમાલયની હિમશીલાઓ, હિમનદીઓ જે રીતે ઝડપથી પીગળી રહી છે એ માત્ર ભારત જ નહીં, ચીન, તિબેટ, નેપાળ, બાંગલાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન માટે પણ પ્રલયનો સંકેત આપી રહી છે.
વિવિધ પ્રકારની માનવ પ્રવૃત્તિના કારણે વધતા પ્રદૂષણની પૃથ્વી પર કેટલી વિપરીત અસર થઇ શકે છે એની વધુ એક બિહામણી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો તાત્કાલિક અને નોંધપાત્ર રીતે પ્રદૂષણ ઘટાડવામાં નહીં આવે તો દુનિયામાં સૌથી ઊંચી પર્વતમાળાઓ ધરાવતા તેમ જ ધુ્રવિય પ્રદેશોને બાદ કરતાં પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં બરફ ધરાવતા હિન્દુ કુશ હિમાલયન પ્રદેશ વર્ષ ૨૧૦૦ સુધીમાં એનાં ૮૦ ટકા ગ્લેસિયર્સ (હિમનદી)ને ગુમાવી
શકે છે.
કાઠમાંડુ સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના સંશોધકો દ્વારા આ સ્ટડી કરવામાં આવ્યો હતો. આ સ્ટડીનાં તારણો અનુસાર આ ગ્લેસિયર્સે ૨૦૦૦-૨૦૦૯ની સરખામણીમાં ૨૦૧૦-૨૦૧૯ દરમ્યાન ૬૫ ટકા વધુ ઝડપથી બરફ ગુમાવ્યો છે. એટલે કે ગ્લેસિયર્સ પીગળવાનું પ્રમાણ ચિંતાજનક છે.
હિન્દુ કુશ હિમાલયન રિજનના ગ્લેસિયર્સ અને બરફથી ઢંંકાયેલા પર્વતો ૧૨ નદીઓ માટે પાણીનો મહત્વનો સોર્સ છે અને આ નદીઓ આ પ્રદેશમાં રહેતા ૨૪ કરોડ લોકોને અને હેઠવાસમાં રહેતા બીજા ૧.૬૫ અબજ લોકોને તાજું પાણી પૂરું પાડે છે.
આ સંશોધકોએ ચેતવણી આપી છે કે માનવ પ્રવૃત્તિના લીધે સર્જાયેલી કલાઇમેટ ચેન્જની આફતના કારણે ગ્લેસિયર્સ ઝડપથી પીગળી રહ્યાં છે ત્યારે એના લીધે ઓચિંતા ભયાનક પૂર અને બરફ ધસી પડવાની સમસ્યાઓના કારણે લગભગ બે અબજ લોકોના જીવન અને આજીવિકા પર અસર થઇ શકે છે. જેના લીધે પાકને નુકસાન થશે, જમીનનો ઉપયોગ બદલાઇ જશે, પાકમાં એકંદર ઘટાડો થશે અને પશુપાલનને પણ અસર થશે. હિન્દુ કુશ હિમાલયન રિજન ૪૨ લાખ ચોરસ કિલોમીટરનો એરિયા છે, જે માઉન્ટ એવરેસ્ટ જેવી દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળાઓ ધરાવે છે.
પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને પૂર્વમાં મ્યાનમાર સુધી એની લંબાઇ ૩૫૦૦ કિલોમીટર છે અને એ પાકિસ્તાન, ભારત, ચીન, નેપાલ, ભૂતાન અને બંગલાદેશના ભાગોને કવર કરે છે. આ રિજનમાં વૈવિધ્યસભર વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ છે.
જળવાયુ પરીવર્તનના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી હિમાલયના ગ્લેશિયર ઝડપથી પીગળી રહયા છે. તેના કારણે ભારત,નેપાળ અને પાકિસ્તાનની પાણી વિતરણ સિસ્ટમ પર અસર થાય તેવી શકયતા છે. ઓહાયો સ્ટેટ યૂનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા મુજબ જળવાયુ પરીવર્તનના કારણે એન્ડિઝ માઉન્ટેન અને હિમાલયમાં વસેલા તિબેટના સપાટ પ્રદેશને વધુ અસર થવાની શકયતા છે. ઓહાયો સ્ટેટ યૂનિવર્સિટીના પર્યાવરણવાદી પ્રોફેસર લોની થોમસનના તારણ મુજબ ગ્લોબલ વોર્મિગની જો આ સ્થિતિ ચાલું રહી તો વર્ષ ૨૧૦૦ સુધીમાં વિશ્વમાં અડધો હિમ વિસ્તાર ગાયબ થઇ જશે. તેના પ્રભાવ હેઠળ બે તૃતિયાંશ ભાગનો વિનાશ થશે. પીવાની પાણીના સ્ત્રોત ઘટતા જાય છે જયારે તેની સામે માંગ સતત વધી રહી છે. હિમાલયન જ નહી દક્ષિણ અમેરિકા ખંડના પેરુ દેશમાં ગ્લેશિયર ખેતી, પશુપાલન અને લોકો માટે જીવન જીવવાનો મુખ્ય સ્ત્રોત છે. ૨૦૧૬થી તિબેટમાં ભારત અને ચીન દ્વારા ચાલતા સંશોધનમાં પણ જાણવા મળ્યું હતું કે હિમાલયન ક્ષેત્રમાં સેંકડો હિમ નદીઓ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ સેંકડો જળ પ્રવાહ ભુટાન, ભારત, ચીન અને નેપાળને પાણી પહોંચાડે છે. પૃથ્વી પર ઉત્તર અને દક્ષિણ એમ બે ધુ્રવો છે પરંતુ આંતર રાષ્ટ્રીય સંશોધકો તિબેટની વિશિષ્ટતાના કારણે પૃથ્વી પરનું ત્રીજુ ધુ્રવ માને છે. આ ત્રીજા ધુ્રવ પર પાણીનું સંકટ જોવા મળે તેવા સંજોગોમાં જીવસૃષ્ટિ માટે ટકવું મુશ્કેલ બની જશે.
બીજી તરફ ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-આઇઆઇટીના સંશાધકોએ કરેલાં અભ્યાસમાં જણાયું છે કે તેરસો વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ રહી હોવાથી તેના તટ પ્રદેશમાં રહેતાં લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા જોખમાઇ રહી છે. ૧૯૯૧થી ૨૦૨૦ના સમયગાળામાં ગંગા જે રીતે સૂકાઇ છે તે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. સંશોધકોએ ઉમેર્યું હતું કે જળવાયુપરિવર્તનને કારણે વરસાદ વધવાની ધારણાં હોવા છતાં ભારતીય મહાસાગર ઝડપથી હુંફાળો થઇ જતાં અને ઉપખંડમાં પ્રમાણમાં ઓછું ગરમ વાતાવરણ પ્રવર્તવાના પરિણામે ઉત્તર ભારતમાં ચોમાસું નબળું પડી ગયું છે. તેમાં પણ વરસાદ ઓછો પડવાથી ભૂગર્ભ જળસ્રોતો પણ સૂકાઇ રહ્યા હોવાથી તથા સિંચાઇના સ્રોતો ઝડપથી ઘટી રહ્યા હોઇ તેના કારણે પણ ગંગાના સૂકાવા પર અસર પડી રહી છે.
એવી જ રીતે છેલ્લા ૬૦ વર્ષ કરતાં વધુ સમયથી તિબેટીયન પ્લેટુ પર હિમશિખરો લગભગ ૨૪ ટકા જેટલા ઘટી ગયા છે. આ વિસ્તારમાં અંદાજે ૭,૦૦૦ નાના હિમશિખરો અદૃશ્ય થઈ ગયા છે. આથી તિબેટીયન પઠારમાં હિમશિખરોની માળખાકીય સ્થિરતા જોખમી બની છે, જેને કારણે હિમશિખરો તૂટવાની અને તેના કારણે વારંવાર હોનારતો થવાની સંભાવના વધી છે.
ભારત, જર્મની અને લીપઝિગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ત્રણ વર્ષ પૂર્વે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હિમાલયની આબોહવા ગરમ થવા પાછળ પચાસ ટકાથી વધુ જવાબદારી એરોસોલની છે. પરિણામે ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે અને હિન્દુ કુશ-હિમાલય-તિબેટ ઉચ્ચ મેદાન વિસ્તારમાં વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. બાકીના કારણો માટે ગ્રીનહાઉસ ગેસને જવાબદાર માનવામાં
આવે છે.
અત્યંત પ્રદુષિત ગંગાના મેદાનો એરોસોલ પ્રવૃત્તિનું કેન્દ્ર સ્થાન છે જે હિમાલયની તળેટીના વિસ્તારોમાં કાળા કાર્બનને કારણે ગરમી શોષી લેતા એરોસોલનું પ્રમાણ વધુ છે જ્યાં એરોસોલની ઓપ્ટીકલ ઊંડાઈ ૦.૩થી વધુ છે. એરોસોલ ગંગાના મેદાનો અને હિમાલયની તળેટી પર રેડિયેટીવ ફોર્સ ઉત્પન્ન કરવામાં બેથી ચાર ગણા વધુ સક્ષમ છે. હવાનું પ્રદૂષણથી પશ્ચિમ બંગાળ અને બિહાર સૌથી વધારે અસરગ્રસ્ત છે. મેદાનોમાંથી નીકળતું પ્રદૂષણ હવે હિમાલય સુધી પહોંચી ગયું છે. થર્મલ પાવર પ્લાન્ટ, બાયોમાસ બાળવા અને શહેરમાં કચરો બાળવાને કારણે સતત થઇ રહેલા ઉત્સર્જનથી પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની રહી છે. મેદાનોમાં થઇ રહેલુ ઉત્સર્જન સીધું હિમાલયમાં એરોસોલનાં પ્રમાણને અસર કરી રહ્યું છે. એરોસોલ વાતાવરણમાં ધૂળ અને રાસાયણિક કણો જેવા સૂક્ષ્મ ઘન અથવા તરલ કણોનાં સસ્પેન્શનને કહે છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીનું પ્રદૂષણ હિમાલયનાં પશ્ચિમી અને મધ્ય શ્રેણીઓ સુધી પહોંચી ગયું છે જ્યારે બિહાર તથા પશ્ચિમ બંગાળનું પ્રદૂષણ પૂર્વ હિમાલયને નુકસાન પહોંચાડી રહ્યું છે.
આ રીતે તાપમાન અને કાર્બન ડાયોકસાઇડમાં વધારાની અસર અનાજના ચાર મુખ્ય પાક-ઘઉં, ચોખા, મકાઈ અને જુવારના ઉત્પાદન પર કેવી થાય છે તેનો અભ્યાસ કરાયો છે. અભ્યાસ જણાવે છે કે ઘઉં સૌથી સંવેદનશીલ પાક છે અને મકાઈ પર તાપમાન વૃધ્ધિની સૌથી ઓછી અસર થાય છે. ઇસરોએ કૃષિ વાવેતર (મુખ્યત્વે ચોખાના પ્રદેશો) અને મિથેન ગેસ વચ્ચે મજબૂત સંબંધ હોવાનું પણ નિરીક્ષણ કરેલું છે. ભારતના પશુધન દ્વારા છોડાતાં મિથેન વાયુના વિગતવાર તારણોએ દર્શાવ્યું છે કે ભારતીય પશુધન મિથેન વાયુના એમિશનનો મુખ્યસ્રોત છે. જે ૧૪ ગેસ ગ્રિન હાઉસને નુકસાન પહોંચાડે છે તે પૈકીના ફોમેલ્ડીહાઈડ, બેન્ઝીન, સ્ટીરીન, બીટાડીન ગેસ આ પ્રકારે થતા ધુમાડા કે દહનને કારણે પેદા થાય છે. જેમાં અગ્નિ સંસ્કારને કારણે પેદા થતા 'ભૂરા કાર્બનના સૂક્ષ્મકણો' વૈશ્વિક પર્યાવરણને નુકસાન પહોંચાડનારું બીજા નંબરનું સૌથી મોટું પરિબળ ગણાય છે. તે સૂર્યપ્રકાશને શોષે છે અને ગરમી પેદા કરે છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધે છે. આ પ્રકારના કણો, વાતાવરણમાં પ્રવેશીને હિમાલયની હિમશીલાઓ પર જમા થઈને સૂર્યપ્રકાશ શોષતા હોવાથી બરફ પીગળાવવામાં કારણરૂપ બને છે. આ બાબત ધાર્મિક અથવા તો માનવ મૃત્યુ સાથે સંકળાયેલી હોવાથી સંશોધકોએ તેનું નિરીક્ષણ માત્ર કર્યાનો દાવો કર્યો છે. તેમના મતે આ મુદ્દે વધુ સંશોધનની જરૂર છે. સંશોધકોનો દાવો છે કે વર્ષ ૨૦૨૧માં સવા કરોડ લગ્ન યોજાયા હતા. જ્યારે ભારતમાં ૩૨ લાખ ધાર્મિક સ્થળો છે. આ બધામાંથી ઉઠતો ધુમાડો ખરેખર આઘાતજનક રીતે પર્યાવરણને નુકસાન
પહોંચાડે છે.
ગયા વર્ષની જ વાત કરીયે તો હાડ ગાળતો શિયાળો અને એમાં પણ ફેબુ્રઆરીનો મહિનો જેમાં ઠંડી સૌથી વધુ હોય અને જ્યારે તાપમાન શૂન્યથી પણ ઓછું હોય એવા સમયે ઉત્તરાખંડમાં આવેલા ચમૌલીના પર્વતો પરથી એક આખે આખી હિમશીલાનું પીગળી જવું અજાયબીથી વિશેષ કંઈ નથી. જો કે આ વિસ્તારના ગ્લેશિયરો વિશે અભ્યાસ કરી રહેલા ભૂસ્તરશાસ્ત્રીઓએ આ હોનારત માટે જળવાયુ પરિવર્તનને કારણભૂત ગણાવ્યું છે.
સામાન્યપણે શિયાળામાં ગ્લેશિયર પોતાના સ્થાને મજબૂતીથી રહે છે. ગ્લેશિયરના તળાવોની દિવાલ પણ મક્કમ હોય છે. આવી ઋતુમાં આવા પૂર હિમશીલા ધસી પડવાથી કે જમીન ધસી પડવાથી સામાન્યપણે આવતા હોય છે. પણ આ કિસ્સામાં બંનેમાંથી કંઈપણ નહોતું થયું. દહેરાદુન સ્થિત વાડિયા ઈન્સ્ટિટયુટના વૈજ્ઞાનિકોએ ગયા વર્ષે કરેલા અભ્યાસમાં જાણકારી મેળવી હતી કે અપર ઋષિગંગા કેચમેન્ટ એટલે કે ઉત્તરી નંદા દેવી, ચંગબંગ, રામની બેન્ક, બેથારટોલી, ત્રિશૂલ, દક્ષિણી નંદા દેવી, દક્ષિણી ઋષિ બેન્ક અને રૌંઠી બેન્કમાં છેલ્લા ત્રણ દાયકાથી પણ ઓછા સમય દરમ્યાન ૨૦ ટકાનો ધોવાણ થયું હતું.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે વિશ્વના કોઈપણ સ્થળના ગ્લેશિયરની સરખામણીએ હિમાલયના ગ્લેશિયર વધુ ઝડપથી ઓગળી રહ્યા છે. જો કે ગ્લેશિયર કેટલું ખસે છે તેના પ્રમાણનો કોઈ ચોક્કસ અભ્યાસ નથી થયો. આથી અપર ઋષિગંગા કેચમેન્ટ, નંદા દેવી ક્ષેત્રમાં ગ્લેશિયરોનો અભ્યાસ કરવામાં આવ્યો અને વૈજ્ઞાનિકોને એવી જાણકારી મળી કે મોટાભાગના ગ્લેશિયરો ઓગળી રહ્યા છે. આ પ્રક્રિયા ૧૯૯૦થી વધુ સ્પષ્ટ બની છે. વૈજ્ઞાનિકોને એવું પણ જણાયું કે દક્ષિણ મુખી ગ્લેશિયરો ઉત્તર મુખી ગ્લેશિયરની સરખામણીએ વધુ ઝડપથી ઓગળી રહ્યા છે. કદાચ સોલાર રેડિયેશનને કારણે આમ બનતું હોય.
ગ્રીનપીસ અને ક્લાઇમેટ જસ્ટીસ પ્રોગ્રામ જેવા જૂથોએ આ સ્થળોને સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)ને 'જોખમ હેઠળના સ્થળો'ની યાદીમાં સમાવેશ કરીને આ સંબંધમાં ત્વરિત પગલાં લેવા જણાવતી અરજી કરી છે. યુ.એન. વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન દસ્તાવેજ પર સહી કરનારા રાષ્ટ્રોની એ કાયદાકીય ફરજ છે કે તેઓ ઔદ્યોગિક અને વાહનોના ધુમાડાથી ફેલાતા પ્રદુષણ પર કાપ મૂકે. ૧૯૭૨માં સ્થપાયેલા કન્વેન્શનના દસ્તાવેજ પર અત્યાર સુધીમાં દુનિયાના ૧૮૪ દેશો સહી કરી ચૂક્યા છે. 'જોખમ હેઠળના સ્થળો'ની યાદીમાં સમાવેશ કરવા આપવામાં આવેલા નામોમાં ગ્રેટ બેરિયર રીફ (ઓસ્ટ્રેલિયા), સાગરમાથા નેશનલ પાર્ક (જેમાં માઉન્ટ એવરેસ્ટનો સમાવેશ થાય છે- નેપાળ), બેલિઝ બેરિયર રીફર્ડ (બેલિઝ) હુઆસ્કારના નેશનલ પાર્ક (પેસ), વોટરટોન ગ્લેસિયર ઇન્ટરનેશનલ પીસ પાર્ક (અમેરિકા- કેનેડા સરહદ) અને બ્લ્યુ માઉન્ટેન્સ (ઓસ્ટ્રેલિયા)નો સમાવેશ થાય છે. ૨૦૦૪માં શરૂ થયેલી આ પ્રકારની અરજીઓ પર સહી કરનારાઓમાં સૌથી પહેલા એવરેસ્ટ પર પગ મૂકનાર પર્વતારોહક સર એડમન્ડ હિલેરી અને પ્રકૃતિ તથા બીબીસીના ફિલ્મસર્જક સર ડેવિડ એટનબરોનો પણ સમાવેશ થાય છે.
હિમાલયના લદાખમાં આવેલી પાર્કાચીક ગ્લેસિયર (હિમ નદી) બહુ ઝડપભેર પીગળી રહી હોવાથી તેની નજીકના પરિસરમાં ત્રણ જળાશયો બને તેવી ઘેરી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ છે. આ ત્રણેય જળાશયો ૩૪થી ૮૪ મીટર જેટલાં ઉંડાં બને તેવી પણ સંભાવના છે. દરેક જળાશય ૪૩થી ૨૭૦ હેક્ટરના વિશાળ વિસ્તારમાં બને તેવી શક્યતા છે. આવાં જળાશયોને ગ્લેસિયલ લેક્સ કહેવાય છે. આ સંભવિત જળાશયોને કારણે હિમાલયના વિશાળ પરિસરમાં ભારે તોફાની અને વિનાશક કહી શકાય તેવી જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઇ શકે છે. લદાખની પાર્કાચીક હિમ નદી સુરુ ખીણ પ્રદેશની સૌથી મોટી હિમ નદીઓમાંની એક છે. સૂરુ ખીણ પ્રદેશ હિમાલયના પશ્ચિમ હિસ્સામાં આવેલી સધર્ન ઝંસકાર પર્વતમાળાનો એક ભાગ છે.
ભૂસ્તર શાસ્ત્રીઓના સંશોધન પત્રમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે પાર્કાચીક ગ્લેસિયર બહુ ઝડપભેર પીગળી રહી છે. એટલે આ હિમ નદી ૧૯૯૯ અને ૨૦૨૧માં જેટલી ઝડપથી ઓગળી રહી હતી તેની સરખામણીએ ૨૦૨૫માં સાત ગણી વધુ ઝડપથી પીગળી રહી છે. કોઇપણ હિમ નદીને કારણે પહેલાં જમીનનું ધોવાણ થાય અને પછી તે પીગળે. હિમ નદી પીગળે એટલે તેની નજીકના પરિસરમાં જળાશયો બને. અને ભવિષ્યમાં બહુ ભારે જળ પ્રલય સર્જાય છે. ચીનના હિમખંડો ખાસ કરીને તિબેટમાં આવેલા હિમખંડોમાં ૭૬૦૦ ચો. કિ.મી. જેટલો ઘટાડો થયો છે. એવરેસ્ટની તળેટીમાં હિમનું જે ગાઢ આવરણ હતું તે અદ્રષ્ય થઈ ગયું છે અને તેના સ્થાને હવે પર્વતના ખડકો દેખાઈ રહ્યા છે. આ તમામ ખાનાખરાબી માટે નિષ્ણાતો હવાઈ પ્રદૂષણને જવાબદાર ઠરાવે છે.
આ બરબાદીની શરુઆત ૧૯૫૦થી થઈ ત્યારથી હિમાલયમાં પ્રતિ વર્ષ ૨૪૭ ચો કિ.મી. બરફ પીગળીને અદ્રશ્ય થતો જાય છે તેમ એક ચીની અધિકારીએ માહિતી આપી હતી. માઉન્ટ ક્વોમોલોંગ્મા (માઉન્ટ એવરેસ્ટનું તિબેટી નામ) પર આરોહણ કરનારા પર્વતખેડૂઓને પણ એવરેસ્ટની આ દશાથી આશ્ચર્ય થઈ રહ્યું છે.
ચીનમાં ૪૬,૦૦૦ હિમખંડો છે ખાસ કરીને કિગ્વાઇ- તિબેટ પડખે આ હિમખંડો આવેલા છે. વિશ્વના કુલ હિમખંડોનો તે ૧૪.૫ ટકા હિસ્સો બને છે. આવનારા વર્ષોમાં આ બધા હિમખંડો કેવી તબાહી લાવશે એ વિચાર કરતાં જ શરીરમાં કંપારી છુટી જાય છે. બધી વાતનો સાર એ છે કે પૃથ્વી પર તાપમાનનું વધતું જતું પ્રમાણ વિનાશ નોતરે તેવી સ્થિતિ નિર્માણ કરી રહ્યું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં વધતા જતા તાપમાનને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. તાપમાનમાં વધારો થવાનું મુખ્ય કારણ અંગારવાયુ છે. તેનો ફાળો ૬૦ ટકા છે. તદ્ઉપરાંત મિથેનનો ૨૦ ટકા ક્લોરોફોરો કાર્બન વાયુનો ૧૪ ટકા તેમજ ઓક્સાઈડનો ફાળો ૬ ટકા જેટલો છે. ૨૫૦ વર્ષના સમયગાળામાં વૈશ્વિક વાતાવરણમાં અંગારવાયુ ૩૧ ટકા જેટલો વધી ગયો છે. મોટાભાગનો વધારો છેલ્લા ૪૦ વર્ષોમાં નોંધાયો છે.
પર્યાવરણ નિષ્ણાતોએ ગ્લોબલ વોર્મિંગના વિનાશકારી વૈશ્વિક પ્રભાવને અંકુશમાં રાખવા જાગતિક અપીલ કરી છે. જોઈએ હવે તેનું શું પરિણામ આવે છે.