Ravi Purti
પ્રાણચિકિત્સા : મન, શરીર અને ઊર્જાનું સંતુલન
By GS Team
14 Nov 20264 mins read

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- શરીરના રોગોને દૂર કરી કોષોને નવજીવન પ્રદાન કરે છે. પ્રાણિક હીલિંગ માત્ર એક ચિકિત્સા પદ્ધતિ જ નથી, પણ બ્રહ્માંડીય ઉર્જાને સંચાલિત કરવાનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે
પ્રાણોડસ્મિ પ્રજ્ઞાત્મા ।
તં મામાયુરમૃતમિત્યુપાસસ્વ ।
આયુ પ્રાણ : પ્રાણો વા આયુ : ।
યાવદસ્મિન્ શરીરે પ્રાણો વસતિ તાવદાયુ: ।
પ્રાણેન હયેવાસ્મિન્ લોકેડમૃતત્વમાપ્નોતિ ।।
હું પ્રાણસ્વરૂપ પ્રજ્ઞાત્મા છું. મારી આયુષ્ય અને અમૃતસ્વરૂપ માની ઉપાસના કરો. પ્રાણ જ આયુષ્ય છે અને આયુષ્ય જ પ્રાણ છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે છે ત્યાં સુધી જીવન રહે છે. પ્રાણ દ્વારા જ આ જગતમાં અમૃતત્ત્વની પ્રાપ્તિ થાય છે.
- સાંખ્યાયન, આરણ્યક-૫-૨
યથાગ્નેજર્વલત : સર્વા દિશો
વિસ્ફુલ્લિંગા વિપ્રતિષ્ઠેરન્
એવમેવૈતસ્માદાત્મન: પ્રાણા : ।
જે રીતે સળગતા અગ્નિથી ચારે દિશાઓમાં તણખા નીકળે છે તે રીતે જ આત્મામાંથી પ્રાણોનો પ્રાદુર્ભાવ થાય છે. - કૌષીતકિ બ્રાહ્મણોપનિષદ-૩-૩
પ્રાણ સંસ્કૃત શબ્દ છે. તે પ્ર અને અન્ પરથી બનેલો છે. તેનો અર્થ જીવન શક્તિ કે ચેતના શક્તિ એવો થાય. જે પ્રાણને ધારણ કરે, પ્રાણથી યુક્ત હોય તે 'પ્રાણી' કહેવાય. પ્રાણ આત્માનો ગુણ છે. તે પર બ્રહ્મથી પ્રગટ થયેલો તેમનો અંશ છે. પ્રાણશક્તિ બ્રહ્મચેતનાની તેજસ્વી ઊર્જા છે. સૃષ્ટિમાં જે ચૈતન્ય દ્રશ્યમાન થાય છે તેનું મૂળ કારણ પ્રાણ છે.
યોગનું એક મહત્ત્વનું અંગ છે- પ્રાણાયામ. પ્રાણાયામ પ્રાણશક્તિને વધારી પ્રબળ બનાવે છે. આપણને આ પ્રાણશક્તિ શ્વાસ દ્વારા લેવાયેલા વાયુમાંથી મળે છે. પ્રાણ અને શ્વાસ હમેશાં એકબીજા સાથે જોડાયેલા જ રહે છે. પ્રાણશક્તિની પ્રાપ્તિના મુખ્ય ત્રણ સ્તોત્ર છે. સૂર્ય, વાયુ અને ભૂમિ, સૂર્ય પ્રકાશમાંથી મળતી પ્રાણશક્તિને સૌર પ્રાણશક્તિ કહેવાય છે. હવા દ્વારા મળતી પ્રાણશક્તિને વાયુ પ્રાણ શક્તિ અને પૃથ્વીમાંથી મળતી પ્રાણશક્તિને ભૂ-પ્રાણશક્તિ કહેવાય છે.
આ પ્રાણશક્તિના ઉપયોગથી ઉપચાર કરવાની પદ્ધતિને પ્રાણિક હીલિંગ કહેવામાં આવે છે. આમ તો પ્રાણ ઉર્જાથી ઉપચાર કરવાની આ વિદ્યા સદીઓ જૂની છે, પણ તેને આધુનિક યુગને અનુકૂળ, સરળ અને વૈજ્ઞાનિક બનાવવાનું શ્રેય ગ્રાંડ માસ્ટર ચોઆ કોક સુઇ (Choa kok sui)ને જાય છે. તે એક ફિલિપિનો-ચીન મૂળના કેમિકલ એન્જિનિયર અને આધ્યાત્મિક ગુરુ હતા. તેમણે ૩૦ થી વધારે વર્ષો સુધી ચિકિત્સકો, ડોકટરો અને વિજ્ઞાનીઓ સાથે મળીને ઊર્જાના નિયમો પર સંશોધન કર્યું તેમણે એ વાતનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કર્યું કે કઈ બીમારીમાં કયું ચક્ર પ્રભાવિત થાય છે અને તેને કેવી રીતે શુદ્ધ કરી સશક્ત કરવું.
પ્રાણિક હીલિંગ ખરેખર કેટલું અસરકારક છે તે જાણવા બેઇજીંગના ચાઈના ઇમ્યુનોલોજી સેન્ટરમાં ઉંદરો પર એક અદ્ભુત પ્રયોગ કરાયો હતો. ડી.બી.એ. ઉંદરની લ્યુકેમિયા (બ્લડ કેન્સરવાળી) ૧૨૧૦ કોશિકાઓ પર પ્રાણિક હીલિંગ દ્વારા પ્રાણશક્તિનો પ્રવાહ વહેવડાવવામાં આવ્યો હતો. પ્રયોગ માટે પસંદ કરાયેલા ઉંદરોના એક સમૂહને દસ દિવસ સુધી પંદર મિનિટ માટે પ્રાણિક હીલર્સ દ્વારા પ્રાણ શક્તિ ઉત્સર્જિત કરાઈ હતી. જ્યારે નિયંત્રિત જૂથ પર પ્રાણ ચિકિત્સા આપવામાં આવી નહોતી. પ્રયોગનું પરિણામ ખરેખર આશ્ચર્યજનક હતું. પ્રયોગને અંતે જોવામાં આવ્યું હતું કે જેમને પ્રાણશક્તિનો ઉપચાર આપવામાં આવ્યો હતો તે ઉંદરોમાં કે.એલ.૧૨૧૦ (KL 1210) કોશિકાઓ સારા એવા પ્રમાણમાં ઘટવા લાગી હતી. એથી ઊલટું, જેમને પ્રાણિક હીલિંગ આપવામાં આવ્યું નહોતું એ ઉંદરોની કેન્સરવાળી કોશિકાઓમાં કોઈ ઘટાડો થયો નહોતો. આ પ્રયોગ પરથી સાબિત થયું કે પ્રાણ શક્તિ પર આધારિત આ ઉપચાર પદ્ધતિ કેન્સર જેવા ગંભીર અને જીવલેણ રોગોને પણ દૂર કરવા મદદરૂપ બને છે.
આવા એક બીજા પ્રયોગ દરમિયાન એક જૂથને ગિગાંગ માસ્ટર્સે પ્રાણિક હીલિંગ આપ્યું હતું અને બીજા જૂથને તે આપ્યું નહોતું પ્રયોગને અંતે જોવામાં આવ્યું હતું કે જેમને પ્રાણશક્તિનો ઉપચાર આપવામાં આવ્યો હતો તે જૂથની ઇમ્યૂનિટી (રોગ પ્રતિકારક શક્તિ) અત્યંત વધી ગઇ હતી. પ્રાણશક્તિ પેરિટોનિયલ મેક્રોફેગસ ફેગોસાઈટિક (Peritioneal macrophages ફેગોસાઈટિક) પ્રક્રિયામાં સારા એવા પ્રમાણમાં વૃદ્ધિ કરે છે. તેથી ઇમ્યૂનિટી વધે છે અને ગંભીર રોગો પણ દૂર થાય છે.
ગ્રાન્ડ માસ્ટર ચોઆ કોક સુઈએ તેમના પ્રસિદ્ધ પુસ્તક મિરેકલ્સ થુ્ર પ્રાણિક હીલિગ (Miracles Through pranic Healing) માં એવા અનેક કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પ્રાણશક્તિના ઉપચારથી બીમારીઓ દૂર થઈ જવા પામી હતી. તેમણે અસ્થમા અને જૂની ઉઘરસના દર્દીઓ પર ફેફસાં અને ચક્રોમાંથી દૂષિત ઊર્જા દૂર કરી તેમાં પ્રાણશક્તિ ભરી હતી તો તેમની તકલીફો દૂર થઈ ગઈ હતી. તેમના શ્વાસ અને શ્વસન સંબંધી રોગો (Resplratory Ailments) માં ઝડપથી રાહત મળી હતી. તેનાથી માઈગ્રેન અને ઘા રૂઝાવાની બાબતમાં પણ ફાયદો થયો હતો.
આત્રેય નામના પ્રાણિક હીલરે પ્રાણોપચારથી એક સ્ત્રીની ઓવેરિયન (Ovarian cyst) દૂર કરી દીધી હતી. સાન ફ્રાન્સિસ્કોના એક મનોવિજ્ઞાનીને માઈગ્રેન અને સાયેટિકાની ભારે તકલીફ હતી. આત્રેયે પ્રાણશક્તિનો ઉપચાર કર્યો તે પછી તે જીવનભર માટે દૂર થઈ ગઈ હતી. પ્રાણીઓને જીવન આપનારી વાઈટલ એનર્જી આ પ્રાણશક્તિ જ છે. તે જ શરીરના રોગોને દૂર કરી કોષોને નવજીવન પ્રદાન કરે છે. પ્રાણિક હીલિંગ માત્ર એક ચિકિત્સા પદ્ધતિ જ નથી, પણ બ્રહ્માંડીય ઉર્જાને સંચાલિત કરવાનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે.




