Ravi Purti
શાયરી એ સંજીવની છે
By GS Team
12 Sep 20264 mins read

- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
- સાચી કવિતા વીતેલી ઘટનાને વર્ણવતી નથી, તેને ફરી રચે છે. આ જ શાયરીની સંજીવની છે
લોગઈન
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે 'ઘાયલ'
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
- અમૃત 'ઘાયલ'
માણસ મૃત્યુ પામે ત્યારે માત્ર શરીર નાશ પામે છે, તેણે ઉચ્ચારેલા શબ્દો, વેઠેલી પીડા, વહેંચેલો પ્રેમ અને પ્રગટાવેલું અજવાળું ક્યાંક ને ક્યાંક જીવતું રહે છે. ક્યારેક એ સ્મૃતિ બનીને પાંપણ પર બેસે છે, ક્યારેક પ્રસંગ બનીને હોઠ પર ઊગે છે, તો ક્યારેક કવિતા બનીને આખા યુગની છાતીમાં ધબકે છે. સમય શરીરને સ્મારકમાં ફેરવે, પણ સાચો શબ્દ સ્મારકને ફરી શરીર આપી શકે. અમૃત 'ઘાયલ'નું આ મુક્તક શાયરીની આવી જ શક્તિનો શંખનાદ છે.
શાયરનું નામ પણ અમૃત છે અને તેમની કવિતાનું સ્વરૂપ પણ અમૃત! અહીં નામ અને કર્મ વચ્ચે સુંદર સંગમ રચાય છે, જાણે નદી પોતાનું નામ સાગરમાં લખી રહી હોય. અમૃત એટલે જેના સ્પર્શથી મૃત્યુ પાછું વળી જાય, કરમાયેલું જીવન ફરી લીલું થાય અને સમયના કપાળ પર પડેલી કરચલીઓમાં વસંતની કૂંપળો ફૂટે. શાયર અમૃતથી હોઠ એંઠા કરવાની વાત કરે છે. આ અત્યંત જીવંત પ્રયોગ છે. અમૃત પીધા પછી હોઠ પર રહી ગયેલા સ્વાદને માણસ જીભથી ફરી ફરી માણે, એવી રસસભર અનુભૂતિ આ શબ્દોમાં છુપાયેલી છે.
જીવનનાં સંઘર્ષો માણસની સંવેદનાને પથ્થર બનાવી દે છે. જવાબદારીઓની ધૂળમાં લાગણીઓનાં અરીસા ઝાંખા થઈ જાય છે. દિવસો દોડતાં રહે, વર્ષો પસાર થતાં રહે, એમાં માણસ જાતને મળવાનું ભૂલી જાય છે. એવામાં કોઈ કવિતા અચાનક આવે, હૃદયના દ્વારે ટકોરા મારે અને અંદર સૂતેલા માણસને જગાડે ત્યારે આંખ ભીની થાય, હોઠ પર સ્મિત કે જૂની વેદના સળવળે… ત્યારે સમજવું કે શાયરીની સંજીવનીએ કામ શરૂ કરી દીધું છે.
મૃત્યુના હાથ જિંદગી ઝૂંટવે, પણ શાયર પોતાની કાવ્યશક્તિથી એ હાથ હેઠા પાડી શકે છે. અહીં સજીવારોપણ, અતિશયોક્તિ અને રૂપક ત્રણેય અલંકારો એકબીજાનો હાથ પકડીને ઊભા છે. કવિતા દેહના મૃત્યુને રોકી ના શકે, પરંતુ માણસને અંદરથી મરતો ચોક્કસ અટકાવી શકે.
મૃત્યુ દેહને મારી શકે, શબ્દને નહીં. મીરાં દેહથી હયાત નથી, પણ તેમનાં પદ છે. કબીરનો દેહ કાળના પ્રવાહમાં વિલીન થઈ ગયો, પણ તેમના દોહાઓ આજે પણ સમાજની જડતાને ચીરી રહ્યા છે. નરસિંહ મહેતાનાં પગલાં ભૂંસાઈ ગયાં, પણ તેમનાં પ્રભાતિયાં રોજ સવારે અંધકારના ખભા પરથી સૂર્યને ઉતારે છે. ઝવેરચંદ મેઘાણીનો અવાજ સમયમાં ઓગળી ગયો, પણ તેમના શબ્દો આજે પણ પહાડોમાં પડઘા બની રહ્યા છે. દીવો ઓલવાય છે, અજવાળું યાત્રા ચાલુ રાખે છે.
મૃત્યુ શરીરનો અંત લાવી શકે, અર્થનો નહીં. તે શ્વાસ છીનવી શકે, સ્વપ્નો નહીં. તે શાયરની આંગળીઓ સ્થિર કરી શકે, અક્ષરો નહીં. તેથી જ સારો શાયર મૃત્યુનો વિરોધ તલવારથી નહીં, કલમથી કરે છે.
રામાયણમાં સંજીવની ઔષધિ મૂર્છિત લક્ષ્મણને જીવન આપે છે. અહીં શાયર પોતાની કવિતાને સંજીવની કહે છે. પૌરાણિક સંજીવની શરીરને જીવાડે છે, જ્યારે શાયરીની સંજીવની સંવેદનાને. માણસની અંદર કરુણા, પ્રેમ, સ્મૃતિ, સ્વપ્ન અને પ્રતિકાર પણ જીવંત હોવાં જોઈએ. જે માણસ શ્વાસ લે, પણ કશું અનુભવે નહીં, તે જીવતેજીવત પથ્થર સમાન છે. કવિતા આવા માણસના પથ્થરપણાને ધબકતો કરવાનું કામ કરે છે.
અહીં 'ઘાયલ' તખલ્લુસનો ઉપયોગ પણ અત્યંત અર્થસભર થયો છે. પોતે ઘાયલ હોય, તે જ શાયરીને સંજીવની રચી શકે. જે હૃદયે કદી વેદના જોઈ ન હોય, તેની ભાષામાં ચમક હોઈ શકે, ઊંડાણ નહીં. સાચા શાયર પાસે શબ્દકોશ કરતાં પીડાકોશ વધારે હોય છે. તે પોતાની વ્યથાને પંક્તિમાં ઓગાળે છે. પછી એ જ પંક્તિ બીજાના દુ:ખ પર મલમ બને છે.
કવિ વિચિત્ર કીમિયાગર છે. તે પોતાનાં આંસુમાંથી બીજાનું સ્મિત બનાવે છે. પોતાના અંધકારમાંથી બીજા માટે દીવો ઘડે છે. હૃદય પર પડેલા ઘાવને તે છુપાવતો નથી, તેમાંથી ઝરૂખો બનાવે છે, જેથી ત્યાંથી મનુષ્યતાનું આકાશ જોઈ શકાય.
પાળિયો એટલે કોઈ વીરની સ્મૃતિમાં ઊભેલો પથ્થર. પણ કવિએ અહીં પથ્થર જેવા જડ થઈ ગયેલા માણસોની પણ વાત કરી છે. સમય જે માણસને પથ્થરમાં ફેરવી દે, શાયર એ પથ્થરને માણસમાં ફેરવવાની વાત કરે છે.
સાચી કવિતા વીતેલી ઘટનાને વર્ણવતી નથી, તેને ફરી રચે છે. આ જ શાયરીની સંજીવની છે. પણ દરેક લખનાર પાળિયાને બેઠો કરી શકતો નથી. એ માટે માત્ર ભાષા જાણવી પૂરતી નથી, જીવન વાંચવું પડે. છંદ શીખવો પૂરતો નથી, માણસની અંદર ચાલતો લય સાંભળવો પડે. કાફિયા મેળવવા પૂરતા નથી, આંસુ અને આશા વચ્ચેનો સંબંધ મેળવવો પડે. અલંકારો ભાષાને સુંદર બનાવી શકે, પણ સંવેદના વિના એ સૌંદર્ય કાચનાં ફૂલ જેવું રહે, ચમકે ઘણું, મહેકે નહીં. જે શબ્દમાં અનુભવનું રક્ત વહેતું હોય, તે જ શબ્દ જીવંત બને છે. કવિતાની સાચી શાહી શીશીમાંથી નહીં, ઘાવમાંથી ટપકતી હોય છે.
લોગઆઉટ:
મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ - 'શૂન્ય' પાલનપુરી




