ભારતમાં ન્યુમોનિયાનો કાળો કેર

- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- દુનિયાભરમાં ઇન્ફ્લુએન્ઝા-ન્યુમોનિયાને કારણે થતાં કુલ મોતમાંથી ચોથા ભાગના મૃત્યુ ભારતમાં પાંચ વર્ષથી નીચેના બાળકોના થાય છે
ભા રતમાં ન્યુમોનિયા એ શ્વાસ સંબંધિત એક ગંભીર ચેપી રોગ છે, જે સીધો ફેફસાંને અસર કરે છે. દેશમાં ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધોમાં આ રોગનો પ્રભાવ વધારે જોવા મળે છે. વિશ્વભરમાં બાળપણમાં થતા ન્યુમોનિયાના કેસોમાં ભારતનો મોટો હિસ્સો રહેલો છે. દેશમાં દર વર્ષે અંદાજે ૩૫ થી ૪૦ લાખ ગંભીર બાળ ન્યુમોનિયાના કેસો નોંધાય છે. એટલે જ ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ માટે ન્યુમોનિયા મુખ્ય કારણો પૈકીનું
એક છે.
વધુ વિસ્તારપૂર્વક વાત કરીએ. ન્યુમોનિયા એટલે ફેફસાંમાં લાગેલો ચેપ (ઇન્ફેક્શન), ગુજરાતીમાં વરાધ, વાવડી કે દુ:ખણા તરીકે ઓળખાતો આ ન્યુમોનિયા જાતજાતના વાઇરસ, બેક્ટેરિયા, ફુગ કે અન્ય સૂક્ષ્મ જંતુઓના ચેપને કારણે ઉદ્ભવે છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે, પણ ક્યારેક જીવલેણ બની શકતો ન્યુમોનિયા માટે જવાબદાર બેક્ટેરિયા ઘણા તંદુરસ્ત માણસના ગળામાં કોઈ જાતની ઉપાધિ વગર રહેતા હોય છે. માત્ર ગળામાંથી આ બેક્ટેરિયા જ્યારે શ્વસનમાર્ગમાં નીચે ઊતરે અને ખાંસી વડે બહાર ફેંકી શકાતા નથી ત્યારે જ એ ફેફસાંમાં ચેપ લગાવવા સમર્થ બને છે.
એક સમયે 'ફરગોટન કિલર' રોગ તરીકે વિશ્વભરમાં જાણીતા બનેલા ન્યૂમોનિયા અંગે સભાનતા કેળવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ૨ નવેમ્બરને વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે જાહેર કર્યો છે. ન્યુમોનિયા મુખ્યત્વે ન્યુમોકોક્સ અને હીબ બેક્ટેરીયા થતો રોગ છે. ન્યુમોનિયા ઉત્પત્તિના આધારે તેને વિવિધ નામે ઓળખવામાં આવે છે.જેમકે,બેક્ટેરિયાથી તે થાય તો બેક્ટરિયલ ન્યુમોનિયા,ફુગથી થાય તો ફંગલ ન્યુમોનિયા,વાયરસના ચેપથી થાય એ વાયરલ ન્યુમોનિયા,હોસ્પિટલમાં રહેવાથી થાય તે હોસ્પિટલ એકવાયર્ડ ન્યુમોનિયા, જનસમૂહમાં રહેવાથી થતો કોમ્યુનિટી ન્યુમોનિયા અને તબીબી વેન્ટિલેટરના ઉપયોગથી થતો ન્યુમોનિયા વગેરે. આમાં અમુક ન્યુમોનિયાનાં નામ વિશે કદાચ નવાઈ લાગે.પણ ન્યુમોનિયાનો એક પ્રકાર એવો છે કે એનું નામ વધુ આર્શ્ચર્ય ઉપજાવે તેવું છે અને તે છે વાકિંગ ન્યુમોનિયા (ડબલ્યુ પી)!
દરેક તંદુરસ્ત માણસમાં ફેફસાં સુધી ચેપ ન પહોંચી જાય એ માટે જડબેસલાક સંરક્ષણ વ્યવસ્થા હોય છે. હવામાં તરતાં સૂક્ષ્મ જંતુઓ શ્વાસ વાટે સીધાં ફેફસાંમાં ન ઘૂસી જાય એટલા માટે નાકના વાળ, નાકના પોલાણમાંથી ગળા સુધીનો વાંકોચૂકો રસ્તો અને ગળા પર આવેલી અંત:ત્વચાની રચના જવાબદાર હોય છે.
આ જ રીતે ગળામાં નિરુપદ્રવી પરોપજીવી તરીકે રહેતા બેક્ટેરિયાઓ ફેફસાં સુધી ન પહોંચે એ માટેની વ્યવસ્થા પણ હોય છે. સામાન્ય સંજોગોમાં ગળામાંથી ફેફસાં સુધી કોઇ પણ પ્રવાહી કે ઘન વસ્તુ જઇ શકતી નથી. જેવું થોડુંક પણ પ્રવાહી ગળામાંથી શ્વાસનળીમાં પ્રવેશે કે તરત જ ગળા અને શ્વાસનળી વચ્ચે આવેલી સ્વરપેટીનો પડદો બંધ થઇ જાય છે અને જે થોડુંક પ્રવાહી શ્વાસનળીમાં પહોંચ્યું હોય તે આપોઆપ ખાંસી વાટે બહાર નીકળી જાય છે. (અંતરાસ જાય ત્યારે આવું જ થાય છે). આ ઉપરાંત શ્વાસનળીની દીવાલ પર ખાસ પ્રકારના રેસા સિલિયા તરીકે ઓળખાતા આ વાળ સતત હલનચલન કરતા રહે છે તેમના હલનચલનને કારણે શ્વાસનળીની દીવાલ પરના આ સિલિયા સૂક્ષ્મ જંતુઓને શ્વાસનળીની બહાર ધકેલી દે છે. આટલું ઓછું હોય તેમ શરીરનું રોગપ્રતિકારક તંત્ર દિનરાત ખાસ જાતનાં રસાયણો શ્વાસનળી અને ફેફસાંમાં મોકલ્યા જ કરે છે જેને કારણે ઘણાં દુશ્મન જંતુઓ તો આ રસાયણના સંપર્કમાં આવતાં જ મૃત્યુ પામે છે. ફેફસાંમાં આવેલા રોગપ્રતિકારક તંત્રના ચોકીદારોનું કામ કરતા કેટલાક ખાસ પ્રકારના કોષો (મેકોફેઝ), ત્યાં સુધી પહોંચી ગયેલા જીવાણુંને આખા ને આખા ગળી જાય છે અને પછી તેનો યોગ્ય રીતે નિકાલ કરી નાખે છે.
નાના બાળકમાં કુદરતી રીતે જ કફનું પ્રમાણ વધારે હોય છે કેમકે એ મોટેભાગે ચોકલેટ, બિસ્કીટ, પીપરમીંટ, પેંડા જેવા ગળ્યા પદાર્થો વધારે ખાય છે. મોટેભાગે આહારમાં દૂધનું સેવન કરે છે. તદ્દન નાનું બાળક સૂતાસૂતા જ મળમૂત્રની હાજતો કરતું હોવાથી ઘોડિયા કે પથારીમાં ઘણીવાર ભીનું જ પડયું રહે છે. ઠંડી લાગવા છતાં એ જાતે કશું ઓઢી શકતું નથી. થોડીક મોટી ઉંમર થતાં બાળક માટીથી કે પાણીથી રમ્યા કરતું હોય છે અને એ કારણે વારંવાર તેને સાફ કરવા માટે પાણીનો ઉપયોગ કરવો પડતો હોય છે. બરફ, બરફના ગોળા, આઈસક્રીમ, કેળાં, દહીં, મીઠાઈ, જ્યૂસ, ઠંડા પીણાં વગેરે ગળ્યા ખટમીઠા કે ઠંડા પદાર્થો બાળકને વિશેષ પ્રિય હોવાથી એને અવારનવાર શરદી અને કફ થવાની શક્યતા રહે છે. આવી તકલીફને સામાન્ય માની મા-બાપ એના તરફ દુર્લક્ષ્ય રાખે તો ફેફસામાં કફ એકઠો થાય છે અને એકાએક બાળકને શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગે છે. ખાંસી ખાતાં છાતીમાં કફ ખખડતો હોય તેવું લાગે છે અને ત્યારે ગભરાયેલા મા-બાપ મૂળગામી કે યોગ્ય સારવાર ન લેતાં તાત્કાલિક શરદી માટે અથવા તો કફ સૂકાય તેવા ઉપચાર (કફ સિરપ) તરફ વળી જાય છે. શરૂ શરૂમાં આવી સારવારથી લાભ લાગે છે પણ ધીમે ધીમે ફેફસામાં કફ એકઠો થવાથી અને આ રીતે સૂકાતો રહેવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સૂકાયેલો કફ કાઢવામાં તકલીફ પડતી હોવાથી નાની વયમાં કે થોડી મોટી ઉંમર થયા બાદ વ્યક્તિ જલદીથી હાંફી જાય છે.
ખાંસી અને શ્વાસનો હુમલો આવે ત્યારે મોં અને શરીર પર પસીનો વળી જાય છે. હાથ-પગ ક્યારેક ઠંડા પડી જાય છે. શ્વાસ ધમણની જેમ ચાલવા લાગે છે. દિવસભરનો થાક હોવા છતાં રાત્રે ઊંઘ આવતી નથી. ક્યારેક આખી રાત આગળ નમી તકિયાના સહારે બેસી રહેવું પડે છે. ઘણીવાર તો ઓક્સિજન પણ આપવો પડે છે. રૂમ બંધ હોય તો ગભરામણ થાય છે અને બારી પાસે કે ખુલ્લી હવામાં જઈને ઊભા રહેવાનું મન થાય છે.
મેડિકલ જર્નલ લેન્સેટમાં રજૂ થયેલો આ અભ્યાસ 'યુનિવર્સિટી ઓફ એડિનબર્ગે' ભારતની વિવિધ અગ્રણી તબીબી સંસ્થાઓના સહકારથી હાથ ધર્યો હતો. અભ્યાસમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે વિશ્વભરમાં પાંચ વર્ષથી નીચેના લગભગ નવ કરોડ બાળકો સિઝનલ ફ્લુનો શિકાર બને છે. આમાંના બે કરોડ ભૂલકાં ફ્લુ સંબંધી ન્યુમોનિયાનો ભોગ બને છે, જેમાંથી એક કરોડ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
દુનિયાભરમાં ઇન્ફ્લુએન્ઝા-ન્યુમોનિયાને કારણે થતાં કુલ મોતમાંથી ચોથા ભાગના મૃત્યુ ભારતમાં પાંચ વર્ષથી નીચેના બાળકોના થાય છે,
એક ખાસ વાત એ છે કે બાળકને ઓરી થયા પછી ન્યુમોનિયા થવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે. એનું કારણ છે કે ઓરીના જે વાઇરસ છે એ આગળ જતાં બાળક માટે ન્યુમોનિયાનું કારણ બને છે. આજના સમયમાં પ્રદૂષણને કારણે પણ ન્યુમોનિયાના કેસ બહુ વધી ગયા છે.
જેમ કે બાંધકામના પ્રોજેકટ્સ, સતત બદલાતા હવામાન અને ધુમ્રપાનના હાનિકારક વ્યસનને કારણે વધુ પ્રદૂષિત થતી હવા આપણા ફેફસાનો ભોગ લઇ રહી છે. હૃદયની બીમારીઓ, ટીબી અને કેન્સર બાદ પાંચ સૌથી ઘાતક રોગોની ટોચની યાદીમાં ન્યૂમોનિયા અને બ્રોન્કાઇટીસ જેવા શ્વસનતંત્રના બીમારીઓએ સ્થાન જમાવ્યું છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ એન્વાર્યનમેન્ટલ મેડિસીનના એક તબીબે જણાવ્યું હતું કે 'ન્યૂમોનિઆના એક-બે નહિ પણ આઠ અવતાર છે. 'આપણને સમાજમાંથી ન્યૂમોનિયાનો ચેપ લાગી શકે અને સર્જરી બાદ હોસ્પિટલમાંથી પણ ઇન્ફેકશનરૂપે ન્યૂમોનિયા થઇ શકે. ન્યૂમોનિયા થવાના ઘણા બધા કારણો છે.'
ડોકટરો કહે છે કે ઉનાળા દરમિયાન ન્યૂમોનિયાના કેસોમાં જે ૩૦ થી ૪૫ ટકાનો વધારો થાય છે એને માટે હોલીડે પેટર્નસમાં ફેરફાર અને જ્યાં બાળકો એકબીજાના સંપર્કમાં આવે છે એવા સમર કેમ્પસ પણ જવાબદાર હોઇ શકે છે. ભારતમાં દર વરસે ૪.૨૫ લાખ બાળકો ન્યૂમોનિયાથી મૃત્યુ પામે છે. '૨૦ ટકાથી ઓછા બાળકોને જરૂરી એન્ટીબાયોટિક્સ દવાઓ મળે છે. ન્યૂમોનિયાથી પીડાતા બાળકને સમય પર સારવાર ન મળે તો એના મગજને નુકસાન થઇ શકે, માનસિક વિકલાંગપણુ આવી શકે છે, અંશત : પક્ષાઘાત આવી શકે અને આંચકીનો હુમલોપણ થઇ શકે છે.'
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર દુનિયામાં થતાં મોતનું ત્રીજું મોટું કારણ સીઓપીડી છે. ૨૦૧૯માં સીઓપીડીને કારણે ૩૨.૩ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. મુંબઇમાં પણ આ જ પ્રકારે સીઓપીડી વધારે ઘાતક બની
રહ્યો છે.
જેમની સામાન્ય તંદુરસ્તી જ નબળી હોય એવા માંદલા વૃદ્ધો અને ડાયાબિટીસ કે અન્ય બીમારીઓથી પીડાતા લોકોમાં પણ બીજાઓની સરખામણીએ ન્યુમોનિયા થવાની શક્યતાઓ વધી જાય છે. ઘણી વાર તો એવું જોવા મળે છે કે કોઇ બીજા રોગ માટે . હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દી, હૉસ્પિટલમાં ને હૉસ્પિટલમાં જ ન્યુમોનિયાનો ચેપ મેળવે છે અને ક્યારેક એ જ કારણસર મૃત્યુ પણ પામે છે.
જે વ્યક્તિને ન્યુમોનિયા થાય તેને અચાનક જ ઠંડી લાગીને ધ્રુજારી સાથે તાવ આવે છે. ક્યારેક તાવના એક-બે દિવસ પહેલાંથી સૂકી ખાંસીની શરૂઆત થઇ ગઇ હોય છે. તાવ ઘણી વાર ૧૦૨ ડિગ્રી ફેરનહીટ જેટલો કે એથી પણ વધારે હોય છે. મોટા ભાગના કિસ્સામાં જો તાવ ઉતારવાની દવા ન આપવામાં આવે તો તાવ સતત ચાલુ રહે છે અને વારંવાર ઠંડી કે ધ્રુજારી આવે છે. તાવની સાથોસાથ હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસની ગતિ વધી જાય છે.
નાના છોકરામાં વારંવાર શરદી ખાંસી તાવ થતાં હોય છે એટલે જે તે બીમારી સામાન્ય શરદીખાંસી છે કે ન્યુમોનિયા એ નક્કી કરવું ખૂબ અગત્યનું છે. વળી મોટા ભાગનાં બાળકો ગળફો થૂંકી શકતાં નથી જેને કારણે ખાંસીનો પ્રકાર નક્કી કરવાનું મુશ્કેલ બને છે. આવે વખતે નાનાં બાળકોમાં ન્યુમોનિયાનું નિદાન કરવા માટે બાળકના શ્વાસોશ્વાસનો દર ખૂબ ઉપયોગી બને છે. શરદી ખાંસી તાવવાળા બાળકની ઉંમર જો બે મહિનાથી નાની હોય અને એ દર મિનિટે ૬૦થી વધુ વખત શ્વાસોશ્વાસ લેતો હોય તો એને ન્યુમોનિયા હશે એવું માની શકાય. આ જ રીતે બે મહિનાથી બાર મહિનાની વચ્ચેની ઉંમરનું બાળક મિનિટમાં ૫૦થી વધારે અને એક વર્ષથી ઉપરનું બાળક મિનિટમાં ૪૦થી વધારે વખત શ્વાસોશ્વાસ લેતું હોય તો તેને ન્યુમોનિયા છે એવી શક્યતા વધી જાય. શ્વાસોશ્વાસ ગણતી વખતે બાળક રડતું ન હોય કે બીજી કોઇ પ્રવૃત્તિ ન કરતું હોય એ ખૂબ જરૂરી છે. સૂતેલા બાળકના શ્વાસોશ્વાસનો દર ગણી શકાય તો આદર્શ, જ્યારે પણ શરદી ખાંસી તાવ સાથે આટલો ઊંચો શ્વાસોશ્વાસનો દર હોય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી બની જાય છે, જો આવું બાળક એક મહિનાથી નાનું હોય, કુપોષિત હોય, તાજેતરમાં જ ઓરી થયા હોય, દૂધપાણી પી ન શકતું હોય, ભૂરું પડી ગયો હોય, બેભાન હોય કે શ્વાસોશ્વાસ વખતે છાતીનો નીચેનો ભાગ અંદર તરફ ખેંચાતો હોય તો એને હૉસ્પિટલમાં ભરતી કરવાની જરૂર પડે છે.
પુખ્ત દર્દીની સ્ટેથોસ્કોપથી તપાસ કરીને મોટા ભાગે ન્યુમોનિયાનું નિદાન થઇ શકે છે પણ નિદાનની ખાતરી કરવા અને ભવિષ્યમાં થતો સુધારો સરખાવી શકાય એ માટે મોટા ભાગના કિસ્સામાં છાતીના એક્સ-રે કઢાવવામાં આવે છે. છાતીના એક્સ-રેમાં કાળાં ફેફસાંમાં ન્યુમોનિયાનો સફેદ ડાઘ દેખાય છે. એક્સ-રે ઉપરાંત ગળફાની તપાસ કરવી ખૂબ જરૂરી હોય છે, કારણ કે ગળફામાં રહેલા ન્યુમોનિયા માટે જવાબદાર જીવાણુંને માઇક્રોસ્કોપ હેઠળ જોઇને અને લેબોરેટરીમાં ઉછેરીને ચોક્કસ સારવાર કરવામાં માર્ગદર્શન મળે છે.
ન્યુમોનિયાની સારવાર માટે સામાન્ય રીતે એન્ટીબાયોટિક દવાઓ વપરાય છે. પેનિસિલિનનાં ઇન્જેક્શનો કે એ જૂથની દવાની કૅપ્સ્યૂલથી મોટા ભાગના ન્યુમોકોક્સથી થતા ન્યુમોનિયા સારા થઇ જાય છે. ક્યારેક સલ્ફા દવાઓ કે એરિથ્રોમાઇસીન કે સિફેલોસ્પોટીન પણ વાપરવામાં આવે છે. ગમે તે એન્ટીબાયોટિક દવા લેવાનું ડૉક્ટર સૂચવે, એ દવાનો સંપૂર્ણ કોર્સ નિયમિતપણે લેવાનું ખૂબ જરૂરી છે. અધૂરી દવા છોડવાથી રોગ વકરવાની અને જે તે બેક્ટેરિયા દવાથી રેસિસ્ટન્ટ થઈ જવાની શક્યતા વધી જાય છે.
એન્ટીબાયોટિક દવાઓ ઉપરાંત વધુપડતા તાવ માટે પેરાસિટામોલ જેવી તાવશામક દવા અથવા પાણીનાં પોતાં વાપરવાં પડે છે. ફેફસાંમાંથી ગળફો સહેલાઇથી છૂટો પડી બહાર નીકળી શકે એ માટે સાદા ગરમ પાણીની વરાળનો નાસ ખૂબ ઉપયોગી થાય છે.
હવે ઓરી-અછબડાની વેક્સિન એટલે કે રસી ઉપલબ્ધ છે. એ લગાવવાથી ઓરીથી જ નહીં, પરંતુ ઓરીને કારણે થતા ન્યુમોનિયાથી પણ છુટકારો મેળવી શકાય છે. એના સિવાય ખાસ ન્યુમોનિયા માટે પણ હિમોફિલસ ઈન્ફ્લુએન્ઝા ટાઈપ-બી વેક્સિન અને ન્યુમોકોકોલ વેક્સિન આવે છે જે દરેક બાળકને લગાવવી જોઈએ. આ બન્ને વેક્સિન લગાવવાથી બાળક પર ન્યુમોનિયા થવાનું રિસ્ક ઘણું ઘટી જાય છે.
જો કે રસીકરણ અને સ્વાસ્થ્ય સેવાઓના સુધારાને કારણે મૃત્યુદરમાં ક્રમશ: ઘટાડો આવી રહ્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો છે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ જેવા ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં વસ્તી અને આરોગ્ય માળખાકીય પડકારોના કારણે કેસોનું પ્રમાણ દક્ષિણ ભારતના રાજ્યોની સરખામણીએ વધુ જોવા મળે છે.
જો ન્યુમોનિયાની સારવાર સમયસર ન કરવામાં આવે તો છાતીમાં પરું થઇ જવાથી માંડીને હૃદય, સાંધાઓ કે મગજ સુધી ચેપ ફેલાઇ જવાની શક્યતાઓ ઊભી થાય છે. આમ, ન્યુમોનિયાને વહેલો ઓળખી વહેલી સારવાર કરવી ખૂબ જરૂરી છે.




