'જેવાં બાપ તેવા બેટા'

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- ''મમ્મી, તમારી જીદનો અજગર, સંતાનના સુંદર ભવિષ્યને ગળી જાય એટલી હદ સુધી અભિમાની બનાવવાનો શો અર્થ ?'' દીપની મનોવ્યથા
મ નસ્વી સવારે ઊઠીને જુએ છે, તો એનો પુત્ર દીપ તેના શયનખંડમાં નથી. તેના ટેબલ પર પડેલી ચિઠ્ઠી તરફ મનસ્વીનું ધ્યાન જાય છે…એમાં જે લખ્યું હતું તે મનસ્વીની ધારણા કરતાં જરાય જુદું નહોતું. એટલે તેને આશ્ચર્ય પણ ના થયું.
પિતૃપ્રેમને મનમાંથી સદા માટે જાકારો આપવા માટે દીપને માતૃત્વની સરિતામાં નહીં મહોદધિમાં મનસ્વીએ સ્નાન કરાવ્યું હતું…પરંતુ
પરંતુ દીપના મનમાં એવી કોઈ પ્યાસ હતી, જે તેને પિતૃગૃહની પણ પરબ ભણી દોરી ગઈ ! મનસ્વીના મનમાં એક જ પ્રશ્ન ઘૂંટાતો હતો કે 'મારા પ્રેમમાં એવી તે શું ખોટ રહી ગઈ કે દીપ પોતાના પિતા પાસે જતો રહ્યો….
વીસ વર્ષ વીતી ગયાં એ વાતને. જ્યારે નાનકડા દીપને તેડીને એક સૂટકેસ લઈને મનસ્વી પોતાના પપ્પાના ઘરે આવી હતી. તેના મમ્મીનો સ્વભાવ જરા ઉગ્ર, પણ પપ્પાજી એટલે હેતનો હિમાલય. એમણે મનસ્વીને કશું જ પૂછ્યા સિવાય ભોજન કરાવ્યા બાદ એમના જ રૂમમાં સુવાડી દીધી અને પોતે બહાર અગાશીમાં સૂઈ ગયા.
બીજા દિવસે મનસ્વીના આકસ્મિક આગમન વિષે ભાઈ મૃદંગ અને ભાભી મિતાએ વિગતે પૃચ્છા શરૂ કરી, ત્યારે પણ મનસ્વીના પપ્પાએ તેમને રોકતા કહ્યું : ''મૃદંગ, દીકરીને પિયર આવવા માટે કારણોની જરૂર હોતી નથી. આગમનનું પ્રયોજન ગેસ્ટહાઉસવાળા પૂછે, સ્વજનો નહીં. સદાય સ્વાગત માટે આતુર હોય એનું નામ પિયર.''
એ પછી કોઈએ કશીય પૂછપરછ કરવાનું માંડી વાળ્યું. પણ મનસ્વીએ નવરાશના સમયે મિતાભાભીને કહ્યું : ''ભાભી, હું મારા પતિ માનવનું ઘર સદા માટે છોડીને આવી છું. એટલા માટે નહીં કે એણે મને ઝઘડો કરીને કાઢી મૂકી છે પણ એટલા માટે કે તેની સાથે માનસિક રીતે હું અનુકૂળ થઈ શકતી નથી. નાની હતી ત્યારથી મને ફિલ્મી મેગેઝીન વાંચવાનો શોખ છે, ફિલ્મો જોવાનો પણ એટલો જ શોખ છે. ફિલ્મમાં પતિને ઉષ્માભરી વિદાય આપતી પત્નીનું દ્રશ્ય કે પત્નીની સાથે મસ્તીની ક્ષણો માણતા પિતાના સુખદ સંસારનું ચિત્ર જોઈ હું પણ આંખોમાં એક સ્વપ્ન વાવતી હતી કે મારે પણ મારા સપનાનો સંસાર હોય. એક ઊર્મિશીલ, ભાવાવેશી, તરવરાટભર્યો, આધુનિક ફેશનેબલ મારો પતિ હોય, તેની ઉપર હું મારી લાગણીનો અભિષેક અહર્નિશ કરતી રહું….
અને ભાભી તમે પણ જાણો છો ને કે માનવ કેટલો સરસ હતો. ગોરોવાન, વિશાળ કપાળ, કાળી ભમ્મર આંખો, ઊંચો-કદાવર, સ્વભાવે મિલનસાર, જોતાંની સાથે જ વહાલો લાગે તેવું એનું વ્યક્તિત્ત્વ ! એટલે મારી કલ્પનાનો પતિ મને મળી ગયો, માનીને મેં લગ્નના પ્રસ્તાવને તરત સ્વીકારી લીધો હતો.
માનવ બહુ મોટી કંપનીમાં નાની વયે મેનેજરનું પદ પ્રાપ્ત કરી ચૂક્યો હતો. એટલે મેં માની લીધું હતું કે મારી અપેક્ષાઓના અંબારનો, માનવ સંતરી અને સમર્થક બનશે.
પણ ભાભી, માનવ અંગત જીવનમાં સાવ ગંભીર. ઓફિસે પેન્ટ-કોટ ટાઈ પહેરીને રૂઆબભેર જનારો માનવ સવારે કલાકો સુધી રેશમી વસ્ત્રો પહેરીને ગાયત્રીના જાપ કર્યા કરે….એની તમે કલ્પના કરી શકો ખરાં ? સાંજે ઘેર આવ્યા બાદ ચિંતનપ્રધાન લેખો કે ગંભીર પ્રકારની નવલકથાઓ વાંચ્યા કરે તો એવી કોઈ જીવનસંગિની હોય જેને માનવ સાથે જીવવામાં રસ પડે ! એ રહે આધુનિક રીતે, પણ સંસ્કારથી સાવ પ્રાચીન….
..ભાભી માનવના ફલેટમાં હું માછલીની જેમ તડપતી રહી…મેં એને મારા ઢાંચામાં ઢાળવાની કોશિશ કરી જોઈ. પણ બધું જ બેકાર ! મને થયું કે માનવ તો એવો ને એવો 'પરિવર્તન પ્રૂફ' જ રહેશે પણ હું બદલાઈ જઈશ એટલે થાકીને હું દીપને લઈને અહીં પપ્પાને ઘરે આવતી રહી.''
અને મિતાભાભીએ મનસ્વીને ખૂબ જ આશ્વાસન આપ્યું હતું. ફૂલની જેમ તેને જાળવવાની ખાતરી આપી હતી. અને પપ્પાજીનો તો આશીર્વાદ ભર્યો હાથ તો મનસ્વીના શિર પર હતો જ.
દિવસો વહેતા રહ્યા….મનસ્વીએ સ્વાવલંબી બનવા માટે પાર્ટટાઈમ નોકરી પણ શરૂ કરી. પણ એકાએક ટીબીના રોગમાં સપડાઈ એટલે મનસ્વીએ નોકરી છોડવી પડી. ભાઈ અને પપ્પાજીને દવા અને સારાવારનું સારું એવું ખર્ચ થયું. મનસ્વીના મમ્મી કશું બોલતા નહોતા પણ એમનો ચહેરો એ વાતની ચાડી ખાતો હતો કે તેમની નજરમાં મનસ્વી 'માથે પડેલી મહેમાન' જેવી જ હતી.
મનસ્વી ક્યારેક મનોમન વિચારતી હતી કે 'આમ તો માનવમાં બીજો કોઈ દોષ નહોતો. પહેલી તારીખે પૂરેપૂરો પગાર મારા હાથમાં લાવીને મૂકી દેતો હતો. મને મનપસંદ પહેરવા-ઓઢવા કે ખાવા-પીવાની છૂટ હતી….માનવમાં પતિપણું દાખવવાની લેશમાત્ર વૃત્તિ નહોતી. કશી રોકટોક પણ નહોતી. બસ ખામી કેવળ એક જ કે એનો અંદરથી એક આગવો સંસાર હતો. જેમાં એના એકલાનું અબાધિત શાસન હતું. સ્વભાવે સરળ, નમ્ર અને નિખાલસ, શાંત…ધીરગંભીર…બસ આ જ મને પસંદ નહોતું. મારે તરવરાટભર્યા, મોજશોખમાં માનનારા આધુનિક ફેશનેબલ જીવનસાથીની જરૂર હતી અને એ અસંતોષે જ મને એનું ઘર છોડવાની ફરજ પાડી હતી…''
આમ તો માનવમાં બીજું કશું જ કહેવાપણું નહોતું, છતાં મનસ્વીએ ગૃહત્યાગ કર્યો હતો. એક દસકામાં તો મમ્મી-પપ્પા બન્નેની શીખી છાયા મનસ્વીએ સદા માટે ગુમાવી દીધી. મોટાભાઈ મધ્યમ આવકના માણસ હતા. એટલે તેઓ મનસ્વીના પુત્ર દીપ પાછળ વધુ ખર્ચ કરવાને બદલે તેને જલદી નોકરી મળી જવામાં ખપ લાગે એવું શિક્ષણ અપાવવા ઇચ્છતા હતા.
એક દિવસ મોટાભાઈ મૃદંગે મનસ્વીને સામેથી જ કહ્યું : ''મનસ્વી, દીપને તું ડૉક્ટર કે એન્જિનીયર બનાવવાનાં સ્વપ્ન જોતી હોય તો એ વાત મનમાંથી કાઢી નાખજે. એના મામા પાસે રૂપિયાનાં ઝાડ નથી, કે જેને ખંખંરીને એ મનમાન્યું ભણી શકે. હું તો તેને હાયર સેકન્ડરી પછી એકાદ ટેકનીકલ કોર્સમાં દાખલ કરવા માગું છું. જેથી એક-બે વર્ષમાં એ કમાતો થઈ જાય. અને હું આ બધી ઝંઝટમાંથી છૂટું. આખરે મારો પણ પરિવાર છે. ભાવનાના પ્રવાહમાં તણાઉ તો આખી જિંદગી દેવાદાર બનીને વ્યાજ ભરવાનો વારો આવે અને ભણી-ગણીને તારો છોકરો તને ખવડાવવાનો છે, મને નહીં. મને તો મારાં જ ખપમાં આવવાનાં છે.''
ત્યારે મોટાભાઈના શબ્દો સાંભળી મનસ્વી સ્તબ્ધ થઈ ગઈ હતી. એકવાર મનસ્વી બહાર શોપિંગ કરવા ગઈ હતી ત્યારે રસ્તામાં તેને પોતાની સહેલીની પુત્રી દુઆ મળી ગઈ હતી. એણે કહ્યું હતું : ''આન્ટી, મારે આગળ ભણવા માટે પૈસાની જરૂર હતી, એટલે હું માનવ અંકલ પાસે ગઈ હતી. એમણે પચીસ હજારનો ચેક મારા હાથમાં તરત મૂકી દીધો. આન્ટી ખરેખર માનવ અંકલનો સ્વભાવ ખૂબ જ લાગણીશીલ અને દયાળુ છે. એમની કામવાળીના દીકરાને પણ ડાઁક્ટર બનવવા માટેનો તમામ ખર્ચ એમણે જાતે ઉપાડી લીધો છે. મને ઘણીવાર વિચાર આવે છે..આ દેવ જેવા અંકલ જોડે તમને કેમ ન ફાવ્યું ?''
મનસ્વી ચૂપ રહે છે. મનમાં તો એને થયું કે દુઆને કહી દઉં : ''બેટા, માણસને જીવવા માટે પહેલાં માણસના આધારની જરૂર પડે છે. પછી દેવની દેવ-પ્રતિમાનું પૂજન-અર્ચન થાય. પણ માનવ હૃદયમાં ઉષ્માનો અહેસાસ તો ધબકતા હૃદયનો ભાવનાશીલ માણસ જ કરાવી શકે. તારા એ અંકલ દેવ છે, એટલે જ હું એમને દૂરથી પૂજું છું…એમને માણસ રૂપે જોવા તો હું તડપું છું…
દીપનું હાયર સેકન્ડરીનું પરિણામ જાહેર થાય છે. અને વિજ્ઞાન વિષય સાથે દીપ નેવું ટકા માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થાય છે. અને દીપને ડૉક્ટર બનાવવાનું મનસ્વીનું સ્વપ્ન સાકાર થવાની શક્યતાથી મનસ્વી રોમાંચિત થઈ જાય છે.
પણ બીજે જ દિવસે મનસ્વીના મોટાભાઈ એક આર્ટ્સ કોલેજનું ફોર્મ એના હાથમાં મૂકતાં કહે છે : ''મનસ્વી, લે આ સવારની કોલેજનું ફોર્મ છે. સવારે અભ્યાસ અને બપોરે ટેક્નિકલ કોર્સમાં પ્રવેશ. એક વર્ષમાં તો તારો દીપ તૈયાર થઈને નોકરી કરતો થઈ જશે. સમજી ? હું એને ડૉક્ટર બનાવવા માટે દસ વર્ષ વૈતરું કરવા તૈયાર નથી. મોટા બનવા માટે તેજસ્વી લલાટ જોઈએ. તારા દીકરાની જિંદગી તો તેં પોતે જીદ કરીને વેડફી નાખી છે, પોતાનું ઘર છોડીને…રામ જેવા પતિને છોડીને પિયરમાં રહેતી સ્ત્રી….જવા દે મારાથી કંઈ વધારે બોલાઈ જશે તો તને ખોટું લાગશે મનસ્વી.
મોટાભાઈ એટલું કહી આર્ટસ્ કોલેજનું ફોર્મ મનસ્વીના હાથમાં પકડાવીને ચાલતા થયા. મનસ્વીના હાથમાં હતી દીપની નેવું ટકા વાળી માર્કશીટ. દીપ ત્યાં જ ઊભો હતો. દીપ પંદર વર્ષનો થયો, આજ સુધી ક્યારેય એણે મનસ્વી મમ્મીને પોતાના પપ્પા વિષે કોઈ પ્રશ્ન કર્યો નહોતો. આખરે તો એ માનવનો પુત્ર હતો. પોતાની મમ્મીને દુ:ખ થાય એવો સવાલ એ પૂછવા જ માગતો નહોતો.
બીજે દિવસે દીપ મનસ્વી પર ચિઠ્ઠી લખીને પોતાના પપ્પા પાસે ચાલ્યો ગયો હતો. એણે એટલું જ લખ્યું હતું ''મમ્મી, તમારી જીદનો અજગર સંતાનના સુંદર ભવિષ્યને ગળી જાય એટલી હદ સુધી અભિમાની બનાવવાનો શો અર્થ ?
અહીં મામાને ઘેર તમે મામા-મામી દ્વારા હડધૂત થાઓ છો, તમારું સ્વમાન બાજુએ મૂકીને કામ કરો છો. પણ ભગવાન જેવા પતિને ઘેર જવામાં તમને સંકોચ થાય છે એવું કેમ ? પપ્પા પાસે પુત્રત્વના અધિકારની ઉઘરાણીને હું નાનમનો વિષય નથી ગણતો. તારા અહમ્ની હિમશીલા ઓગળી જાય…એની હું રાહ જોઈશ…એક ભાવિ ડૉક્ટર તરીકે. દીપની ચિઠ્ઠી મનસ્વીનાં હાથમાં છે. તે બારી બહાર નજર કરે છે. પાણી ભરેલી વાદળીઓની વણજારની આવનજાવન, આસમાનને આંગણે છે એમ લાગે છે કે આજે વાદળો મન મૂકીને વરસશે. પણ મનસ્વીની આશા ઠગારી નીવડે છે.
મનસ્વીનું મન એને ધીરેથી પૂછે છે….''નથી તું તાકાતથી વરસી શકતી કે નથી તું બેપરવા બની વીખરાઈ શકતી. આખરે તું શું ઝંખે છે…એટલું તો તારા માંહ્યલાને પૂછ.''
દીપ પોતાના પપ્પા માનવને ઘેર પહોંચ્યો…માનવ દીપને ભેટીને રડવા લાગ્યો એના અશ્રુના પાવન નીર જાણે કહી રહ્યાં હતાં કે હજીયે સતપુત્ર રૂપે ક્યાંક દેવો ધરતી પર જન્મ લેતા
હોય છે.
બીજી બાજુ જીદ્દી મનસ્વી દીપના જવાથી દુ:ખી થવાને બદલે મોં બગાડીને કહે છે : ''જેવા બાપ તેવા બેટા.'' કેમ કરે એનું હૈયું પીગળવા તૈયાર નથી.




