Ravi Purti
ખમીરવંતા સૂબા વલ્લભભાઈએ ભલામણની લાગવગને ઠેસ માટી દીધી
By GS Team
19 Sep 20263 mins read
સરદાર વલ્લભભાઈ પટેલે 1910 થી 1913 દરમિયાન માત્ર 30 મહિનામાં 450 પાઉન્ડના ખર્ચે ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરની પદવી મેળવી. તેમણે ગોલ્ડ મેડલ જીત્યા બાદ 24 કલાકમાં જ ભારત પરત ફરવાનો અડગ નિર્ણય લીધો. 13 ફેબ્રુઆરી, 1916 ના રોજ તેઓ મુંબઈ બંદરે ઉતર્યા. તેમની કુશાગ્ર બુદ્ધિ અને કરકસરભરી જીવનશૈલીએ તેમને આ સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી.
Summarized by AI; it may make mistakes. Check important info
સરદાર વલ્લભભાઈ પટેલે 1910 થી 1913 દરમિયાન માત્ર 30 મહિનામાં 450 પાઉન્ડના ખર્ચે ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરની પદવી મેળવી. તેમણે ગોલ્ડ મેડલ જીત્યા બાદ 24 કલાકમાં જ ભારત પરત ફરવાનો અડગ નિર્ણય લીધો. 13 ફેબ્રુઆરી, 1916 ના રોજ તેઓ મુંબઈ બંદરે ઉતર્યા. તેમની કુશાગ્ર બુદ્ધિ અને કરકસરભરી જીવનશૈલીએ તેમને આ સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી.
Summarized by AI; it may make mistakes. Check important info

- સરદાર @150 - હસિત મહેતા
વલ્લભભાઈના નસીબમાં બાળપણથી જ અન્યાયો, આફતો અને અણધારી આવી પડેલી મુશ્કેલીઓ સામે ઝઝુમવાના ગ્રહો સક્રીય હતા. તેમને પણ આવી પડેલાં પડકારો સામે અડગ રહીને લડવાની ઘણી મોજ આવતી. વધતી ઉંમરે, છેક ઈ.સ.૧૯૨૭ પછી, બારડોલી સત્યાગ્રહની સફળતા પછી, ભલે તેમને આખો દેશ 'સરદાર'ના હુલામણા બિરુદથી નવાજ્યાં, પરંતુ આ 'સરદાર'પણું તો તેમણે બાળપણ અને વિદ્યાભ્યાસ સમયે જ પૂરેપુરું પૂરવાર કરેલું હતું.
કારણ કે ઈંગ્લેન્ડમાં બૅરિસ્ટરની પદવી મળ્યાં પછી, ત્યાંની ગોરી સરકાર, કૉલેજ, ચકાચોંધ કરતી જીવનશૈલી, સુખ સગવડો,વિશિષ્ટ આમંત્રણો, એ કશાની પરવા કર્યા વગર માત્ર ચોવીસ કલાકમાં ઈંગ્લેન્ડ છોડી દેવાની અડગતા તેમણે બતાવી હતી.
કરમસદના આ ખેડૂત છોકરાએ ગોરાઓને પાછા પાડીને બૅરિસ્ટરીમાં ગોલ્ડમેડલ મેળવ્યો, અને બીજે જ દિવસે તેમણે ઈંગ્લેન્ડ છોડીને મુંબઈ આવતી સ્ટીમરમાં પગ મૂકી દીધો. મુંબઈના મૅજિસ્ટ્રેટ સર બેસિલ સ્કૉટના પિતરાઈ ભાઈએ તેમને ઈંગ્લેન્ડથી જે ભલામણ ચિઠ્ઠી આપી હતી, તે ખિસ્સામાં નાંખીને તેઓ છેલ્લી રાત ગાળવા પોતાના નિવાસસ્થાને ગયાં. બીજી સવારે ભારત આવતી આગબોટમાં બેસી ગયાં, અને ઈ.સ.૧૯૧૬ની ૧૩મી ફેબુ્રઆરીએ મુંબઈ બંદરે ઉતરી ગયા.
ઈ.સ.૧૯૧૦ના ઓગષ્ટથી ઈ.સ.૧૯૧૩નો ફેબુ્રઆરી. બરાબર માત્ર ૩૦ મહિના, એટલે કે અઢી વર્ષના આ ઈંગ્લેન્ડ નિવાસ દરમ્યાન તેમણે માત્ર સાડા ચારસો પાઉન્ડનો જ ખર્ચ કર્યો હતો. પોતાના ખર્ચની હિસાબી ડાયરી બરાબર લખતાં વલ્લભભાઈની આ વિગતો રાજમોહન ગાંધીએ 'સરદાર' ચરિત્રના બીજા પ્રકરણમાં બહુ જ ઝીણવટપૂર્વક આપી છે. (પાન નં. ૨૯) જેમાં તેમણે લખ્યું છે કે આ કુલ મળીને સાડા ચારસો પાઉન્ડમાં તો પોતાને ભારત જવાનું આગબોટનું ભાડું ૩૩ પાઉન્ડ અને આગોતરા વીમાની રકમ પેટે ભરવાના થતાં પંદર શિલિંગ અને ત્રણ પેન્સ પણ આવી ગયા.
આ રીતે વલ્લભભાઈએ માત્ર ૩૦ મહિના અને સાડા ચારસો પાઉન્ડમાં જ બૅરિસ્ટરની પદવી મેળવી લીધી હતી. સામાન્ય રીતે ઓછામાં ઓછા ૩૬ કે ૪૦ મહિનામાં અને હજારેક પાઉન્ડના ખર્ચાએ મળતી ડીગ્રીને વલ્લભભાઈએ પોતાની કુશાગ્ર બુદ્ધિ, કઠોર મહેનત અને કરકસરયુક્ત જીવનશૈેલીથી સરળ, સસ્તી અને ઝડપભેર મેળવી લીધી.આમેય તેમનો સ્વભાવ એકમાર્ગી હતો. જે કામ હાથમાં લે તે પૂરું કર્યા સિવાય બીજો કોઈ વિચાર કરે જ નહીં. ઈંગ્લેન્ડમાં બૅરિસ્ટર થવા આવેલાં, એટલે ત્યાંની જીવનશૈલી, ત્યાં રહેતા ભારતીયો કે ગુજરાતીઓના સમાજની પ્રવૃત્તિઓ, ત્યાં ચાલતી રાજકીય કે ક્રાંતિકારી ચળવળો, એ બધાથી તેઓ અલિપ્ત રહેલાં. કારણ કે તેમની નજર સામે ઝટ ભારત આવીને વકીલાત શરુ કરી દેવાનો એકમાત્ર માર્ગ હતો. એ માર્ગ ઉપર નાકની અણીએ ચાલ્યાં જવું, અને તેમાં સફળ થવું, એવા દૃઢ ઈરાદાવાળું તેમનું એ સમયનું અંગતજીવન હતું.
શ્રી રાજમોહનએ લખ્યાં મુજબ ભારતમાં મુંબઈના ન્યાયાધીશ સર બૅસિલ સ્કોટના ઈંગ્લેન્ડમાં રહેતાં પિતરાઈ ભાઈએ વલ્લભભાઈને મુંબઈમાં ઊંચી ન્યાયાલય નોકરી આપવા ભલામણપત્ર લખી આપ્યો હતો. પરંતુ શ્રી મહાદેવભાઈ દેસાઈ 'વીર વલ્લભભાઈ'માં લખે છે કે 'એમના પરીક્ષકોને એમના ઉત્તરપત્રો એટલાં તો સારા લાગેલા કે એક જણે એમને બોલાવીને ચીફ જસ્ટિસ સ્કોટ ઉપર પત્ર લખી આપ્યો હતો કે આવા માણસને ઊંચી જગ્યા આપવી જોઈએ.'(પૃ.૫૬) જ્યારે અન્ય એક વલ્લભચરિત્ર 'હિંદના સરદાર' લખનાર શ્રી રાવજીભાઈ પટેલ લખે છે કે 'તેમના જવાબપત્રો એટલા ઉત્તમ હતા કે તેમના મુખ્ય પરીક્ષકે મુંબઈના ચીફ જસ્ટીસ મિ. સ્કોટને ભલામણ કરેલી કે વલ્લભભાઈ પટેલ કુશળ ન્યાયમૂર્તિ થઈ શકે તેમ છે, એટલે તેમને ન્યાયખાતામાં કોઈ ઉચ્ચ સ્થાને રોકી લેવા. (પૃ.૪૧)
આ બધી જ બાબતોથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે વલ્લભભાઈએ ઈંગ્લેન્ડના બૅરિસ્ટરી અભ્યાસમાં પોતાનું નામ એટલું રોશન કર્યુ ંહતું કે ભારતમાં તેમને માટે આગોતરી લાલજાજમ બિછાવી દેવામાં આવી હતી. પરંતુ સવાલ એ થાય છે કે શું મુંબઈની એ ભલામણ ચિઠ્ઠીનો વલ્લભભાઈએ ઉપયોગ કર્યો હશે? શું મુંબઈના જસ્ટિસને મળીને પોતાની કમાણી માટેની ભલામણો તેમણે વટાવી હશે? શું આ ખમીરવંતા સૂબાએ ઓળખાણ અને લાગવગના જોરે પોતાના ભવિષ્યનો નકશો આંક્યો હશે? આ બધા પ્રશ્નોના ઉત્તરો તો સાવ નકારમાં જ
હોય ને!




