જૈન ધર્મ : 2500 વર્ષ જૂનું ભવિષ્યનું જીવનશાસ્ત્ર

- ગુણવત્તાસભર જીવન માટે જેન ઝીને જાણ્યે - અજાણ્યે જૈન ધર્મના સિદ્ધાંતો અને જીવન પદ્ધતિ સ્પર્શશે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- આહાર-વિહાર, પર્યાવરણ, વિશ્વ શાંતિ અને AI યુગમાં શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે જૈન ધર્મના ઘણા વિચારો વિતતા વર્ષો સાથે વધુ પ્રાસંગિક બનતા જાય છે
પ ર્યુષણ મહાપર્વની પવિત્ર આરાધના ચાલી રહી છે ત્યારે ચારેય બાજુ ક્ષમાયાચના, આત્મશુદ્ધિ અને સંયમની સુવાસ ફેલાયેલી છે. આજની ડિજિટલ અને ઝડપી ગતિની દુનિયામાં એક સવાલ અવારનવાર ચર્ચામાં આવે છે કે, 'શું પરંપરાગત જૈન ધર્મ આધુનિક યુવા પેઢી માટે સુસંગત છે?'
ઉપરછલ્લી નજરે કદાચ એવું લાગે કે માત્ર ભારતની જ નહીં વિશ્વભરની આધુનિક યુવા પેઢી સોશિયલ મીડિયા, મોર્ડન લાઈફસ્ટાઈલ અને ભૌતિકવાદ પાછળ દોડી રહી છે; પરંતુ જો ઊંડાણપૂર્વક જોવામાં આવે તો અદ્ભૂત સત્ય સામે આવે છે. નવી પેઢી ભલે ધાર્મિક વિધિઓથી થોડી દૂર દેખાતી હોય, પરંતુ જૈન ધર્મના આહાર, વિહાર, સંયમ અને અહિંસાના સિદ્ધાંતો સાથે તે અજાણતા જ સૌથી વધુ જોડાઈ રહી છે. ભવિષ્યમાં આ માત્રા વધતી જશે.
વિશ્વનું આધુનિક તબીબી વિજ્ઞાન, પર્યાવરણશાસ્ત્ર અને વૈશ્વિક નવી પેઢી આજે જે જીવનશૈલી અપનાવી રહ્યા છે, તે હકીકતમાં હજારો વર્ષ પહેલાં આપણા તીર્થંકરો દ્વારા દર્શાવેલો માર્ગ જ છે. આવનારા ભવિષ્યની દુનિયામાં જૈન દર્શન માત્ર એક ધર્મ નહીં, પરંતુ શ્રેષ્ઠ જીવન જીવવાની વૈજ્ઞાનિક કળા તરીકે વધુ પ્રાસંગિક બનશે.
આહાર વિજ્ઞાન
જૈન ધર્મમાં આહાર પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ? 'જેવું અન્ન તેવું મન.' તે પાયાનો સિદ્ધાંત છે. આજના આધુનિક તબીબી વિજ્ઞાને આ વાત પર મહોર મારી દીધી છે. જૈન ધર્મ ઢળતી સાંજે જ સાદુ ભોજન લેવાનો નિર્દેશ કરે છે. આજનું તબીબી વિજ્ઞાન કહે છે કે ઊંઘી જવાના ચારેક કલાક પહેલા રાત્રિ ભોજન લેવાથી મોટાભાગની બીમારીમાંથી બચી જવાય છે. તેવી જ રીતે ઉપવાસનો પણ મહિમા છે. નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમીએ સાબિત કર્યું કે ઉપવાસ કરવાથી શરીરના નકામા કોષો નાશ પામે છે અને શરીર ફરી ઉર્જા પ્રાપ્ત કરે છે. જૈન ધર્મમાં સૂર્યાસ્ત પછી ભોજનનો ત્યાગ અને આઠમ, ચૌદસ કે પર્યુષણના ઉપવાસ એ વાસ્તવમાં આધુનિક તબીબી આહાર નિયમનનું પ્રાચીન સ્વરૂપ જ છે.
પ્લાન્ટ-બેઝ્ડ અને વીગન ડાયેટ : આજે પશ્ચિમના દેશોમાં પણ યુવાનો પર્યાવરણ અને સ્વાસ્થ્યના કારણે 'વીગન' બની રહ્યા છે. જૈન ધર્મમાં માંસાહારનો સંપૂર્ણ નિષેધ છે અને જીવદયાને પ્રાથમિકતા અપાઈ છે.
સાત્વિક આહાર અને માઇન્ડફુલ ઈટીંગ : કંદમૂળ (બટાકા, ડુંગળી વગેરે) નો ત્યાગ એ જૈન આહાર વિજ્ઞાનનું અનન્ય પાસું છે, કારણ કે તેમાં અનંત કાયાજીવોની ઉત્પત્તિ થાય છે. આજના વૈજ્ઞાનિકો પણ માને છે કે સાત્વિક ભોજન માનસિક શાંતિ અને ફોકસ વધારે છે.
જૈન ધર્મમાં ઉપવાસનો અર્થ માત્ર ન ખાવું તેમ નથી પણ તે ઇચ્છા પર નિયંત્રણની તાલીમ છે. સંયમનો અર્થ આનંદ છોડવો નહીં, પરંતુ આનંદના માલિક બનો તેમ છે.
અપરિગ્રહ : આજના યુવાનોમાં 'મિનિમલિઝ્મ' (Minimalism) અને 'ડિજિટલ ડિટોક્સ' ખૂબ મોટા ટ્રેન્ડ બની ગયા છે. લોકો વધુ પડતી ચીજવસ્તુઓ એકઠી કરવાના બદલે સરળ જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે. જૈન દર્શનનો મૂળ મંત્ર 'અપરિગ્રહ' (જરૂરિયાત કરતાં વધુ ચીજોનો સંગ્રહ ન કરવો) આનો સૌથી મોટો પાયો છે.
ડિજિટલ અપરિગ્રહ : સોશિયલ મીડિયાની દુનિયામાં યુવાનો હવે 'સ્ક્રીન ટાઇમ' ઘટાડવા અને શાંતિની શોધમાં વીકેન્ડ સાયલન્સ કે મેડિટેશન રિટ્રીટ તરફ વળી રહ્યા છે. આ જૈન સામાયિક અને પ્રતિક્રમણની આધુનિક વ્યાખ્યા છે.
માનસિક સ્વાસ્થ્યની મહત્તા : આજના યુગમાં ડિપ્રેશન, સ્ટ્રેસ અને એન્કઝાયટી સૌથી મોટી સમસ્યાઓ છે. સોશિયલ મીડિયાના યુગમાં દરેક વ્યક્તિ સાચા સાબિત થવાની હોડમાં જીવી રહી છે. આવા સમયે જૈન તત્વજ્ઞાનના સિદ્ધાંતો રામબાણ ઈલાજ સાબિત થાય છે. અનેકાંતવાદ આપણને શીખવે છે કે સત્ય માત્ર એક જ ખૂણેથી નથી દેખાતું, સામેવાળાનો દ્રષ્ટિકોણ પણ સાચો હોઈ શકે છે. આ સિદ્ધાંત બે વ્યક્તિઓ, પરિવાર, કોર્પોરેટ અને વૈશ્વિક સંબંધોની દુનિયામાં બીજાનો અભિપ્રાય સાંભળવો અને સાચો હોય તો અહંકાર બાજુએ મૂકીને તેનો સ્વીકાર કરવો તે સંસ્કારનું ઘડતર કરે છે.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્ : પર્યુષણ પર્વનો અંતિમ અને સૌથી મોટો દિવસ એટલે 'ક્ષમાયાચના' . મનમાં દ્રૈષ કે ગુસ્સો રાખવાથી શરીરના હોર્મોન્સ અસંતુલિત થાય છે અને બ્લડ પ્રેશર, તનાવ, હૃદય રોગની બીમારી વધે છે. 'મિચ્છામિ દુક્કડમ્' કહીને મન હળવું કરવું એ એક પ્રકારની મનોચિકિત્સા થેરાપી અને શક્તિશાળી હીલિંગ પ્રોસેસ છે. પ્રતિક્રમણ એક પ્રકારનું આત્મનિરીક્ષણ છે. તે તહેવાર પૂરતું નહીં રોજ઼ રાત્રે કરવું જોઈએ.
યુવા ઘડતર : આધુનિક કોર્પોરેટ જગત અને સ્ટાર્ટઅપ કલ્ચરમાં નેતૃત્વની વ્યાખ્યા બદલાઈ રહી છે. આજની યુવા પેઢી માત્ર સત્તા કે હોદ્દા પર આધારિત નેતૃત્વમાં નથી માનતી, પરંતુ તેઓ પ્રભાવી અને મૂલ્ય સાથેનું નેતૃત્વ શોધે છે. આ સંદર્ભમાં જૈન દર્શન યુવા નેતાઓ માટે શ્રેષ્ઠ દીવાદાંડી સમાન છે.પહેલાં જીતો જાતને, પછી જીતો જગતને તેમ જૈન ધર્મમાં ઉપદેશ અપાયો છે. જૈન ધર્મના મૂળમાં 'જિન' શબ્દ છે, એટલે કે જેણે પોતાની ઇન્દ્રીયો અને મનને જીતી લીધું છે. આજના યુવા નેતા માટે સૌથી મોટી ચેલેન્જ પોતાની મહત્ત્વાકાંક્ષા, અહંકાર અને ગુસ્સા પર કાબૂ મેળવવાની છે.
પરસ્પરગ્રહો જીવાનાંમ્ - (તમામ જીવો એકબીજાના ઉપકારી છે) : જૈન ધર્મે હજારો વર્ષ પહેલાં પંચમહાભૂતોમાં પણ જીવન જોયું છે અને તેમની રક્ષાની વાત કરી છે. પાણીનો કરકસરયુક્ત ઉપયોગ (અનાભોગ), રાત્રે ભોજનનો ત્યાગ (જેથી સૂક્ષ્મ જીવોની રક્ષા થાય) અને જીવદયા- આ બધું જ આજના ઇકો-ફ્રેન્ડ્લી યુવાનોના જીવન પદ્ધતિના લક્ષ્યાંકો સાથે બિલકુલ બરાબર બેસે છે. જીવો પરસ્પર એકબીજાના ઉપકારક છે.
ઉદાહરણ તરીકે ઝાડ, પાણી, માટી, જીવજંતુ અને માણસ એકબીજા સાથે જોડાયેલા છે. કોઈ એક વસ્તુને અલગ કરીને જોઈ શકાતી નથી.
ભવિષ્યની દુનિયા
જેમ-જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી માનવીય જીવનને વધુ ઝડપી બનાવશે, તેમ-તેમ માનવ મન શાંતિ અને આંતરિક સ્થિરતાની શોધ કરશે. તે સમયે પવિત્ર જૈન ગ્રેથોમાં રહેલું ધ્યાન, યોગ, સંયમ અને આત્મજ્ઞાનનું ભાથું સમગ્ર માનવજાત માટે દિશાસૂચક બનશે.
જૈન ધર્મ એ કોઈ રૂઢિચુસ્ત નિયમોનો સમૂહ નથી, પરંતુ તે 'આત્મ-અનુશાસન' અને 'વિજ્ઞાન' છે. નવી પેઢી ભલે ભાષા કે વિધિઓથી થોડી અજાણ હોય, પરંતુ આત્માના શુદ્ધ સ્વરૂપ, પ્રાણીમાત્ર પ્રત્યેની દયા અને સાદી જીવનશૈલી તરફ તેમનો ઝોક વધી રહ્યો છે.
યાદ રહે,જૈન ધર્મ અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સામ્ય છે એટલે જૈન ધર્મએ આધુનિક વિજ્ઞાન ૨૫૦૦ વર્ષ પહેલા શોધી કાઢયું હતું તેમ ન કહી શકાય.વિજ્ઞાન પ્રયોગ અને પુરાવાને આધારિત છે જયારે જૈન ધર્મ નૈતિક અને આધ્યાત્મિક પ્રશ્નોની દિશામાં પ્રદાન આપે છે.
વિજ્ઞાન પૂછે છે 'આ કેવી રીતે થાય છે?'
તત્ત્વજ્ઞાન પૂછે છે 'આપણે શું કરવું જોઈએ?'
ભાવિ યુવાન
આજનો કે ભાવિ યુવાન કદાચ જૈન ન હોય છતાં વિગન હોય, ડેરી પ્રોડક્ટ કે કંદનો ઉપયોગ ઓછો કરે, ઉપવાસ ઉપરાંત ઓછી જરુરિયાત રાખે , કાર્બન ઉત્સર્ગ ઓછો કરે, જીવદયાને અનુસરે, સોશિયલ મીડિયા પર સંયમ રાખે, અલગ મત સાંભળે અને રોજ આત્મનિરીક્ષણ કરે તો તેમ કહી શકાય કે તેના જીવનની ઘણી પસંદગીઓ જૈન તત્ત્વજ્ઞાન મળતી આવે છે.
સાચા સુખની તલાશ કરતો માનવી તન અમે મનનું સ્વાસ્થ્ય,સંયમ, કરુણા, ક્ષમા અને સહઅસ્તિત્વની જરૂરિયાત સમજી શકશે.
જ્ઞાન પોસ્ટ
અહિંસાનો ખ્યાલ માત્ર સામી વ્યક્તિ કે જીવને ને શારીરિક રીતે જ ઇજા ન પહોંચડાવી તેટલો સીમિત નથી. અહિંસા વિચાર, વાણી અને વર્તનમાં હાનિ ઘટાડવાનો પ્રયાસ છે. ડિજિટલ દુનિયામાં અન્ય વ્યક્તિનું ગૌરવ હણાય, તેને માનસિક પીડા થાય તેવી પોસ્ટ કરવી, સાયબર ફ્રોડ કરવા કે સમાજમાં અશાંતિ અને ઝેર ફેલાય તેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પણ નવા જમાનાની અહિંસા જ છે. તમામ સૂક્ષ્મ અહિંસાને આ સોચ અંતર્ગત વણી લેવામાં આવી છે.અહિંસા હવે માત્ર હાથની નહીં.. કીબોર્ડ પરની નૈતિકતા પણ જરૂરી છે.




