અબોલ પ્રાણીઓનો બુલંદ અવાજ ગેરી ફ્રાન્સિઓની સાથે મુલાકાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
- જેમ માનવજાતે ગુલામીની નાબૂદી કરી, એ રીતે પ્રાણીઓના દુરુપયોગ અને શોષણનો ગુલામો નાબૂદીની ઝુંબેશ ચલાવી રહ્યો છે.
કાયદાશાસ્ત્રના અધ્યાપક ગેરી ફાન્સિઓની આંખમાં અનુપમ એવી કરૂણાની ધારા વહેતી જોવા મળી. અમેરિકાના પ્રવાસમાં ચેરી હિલમાં આ વિરલ અધ્યાપક સાથે મુલાકાત 'જૈના'ના પૂર્વપ્રમુખ, મિત્ર દિલીપભાઈ શાહે યોજી હતી. અને એ મુલાકાતમાં અબોલ પ્રાણીજગતને માટે રાત-દિવસ ઝઝૂમતા, અમેરિકામાં ઠેર ઠેર ઘૂમીને પ્રાણીપીડા ઓછી કરવા માટે પ્રયત્નશીલ, આને માટે મુકદ્દમા લડતા અને પુસ્તક-લેખન દ્વારા લોકોને જાગૃત કરતા યુવાનની ઉત્સાહવંતી અને ખમીરભરી છબી જોવા મળી. આસપાસ ઊભેલા અમેરિકન મહાનુભાવોને પ્રાણીઅધિકાર માટે જંગ ખેલતા યુવાન ગેરી ફ્રાન્સિઓનીએ મર્મવેધક રીતે કહ્યું કે આપણે સહુ કોઈ એ સ્વીકારીએ છીએ કે જેમ માનવીને આ જગત પર પીડા અને વેદનારહિત જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે, એવો જ અધિકાર પ્રાણીઓને પણ છે. આથી પૃથ્વી પરનાં પ્રાણીઓને માનવજનિત પીડાથી મુક્ત એવું જીવન ગાળવાની તક મળવી જોઈએ અને એમને પીડા આપનાર કે વેદના આપનારને નશ્યત થવી જોઈએ.
વાળનાં ઝુલ્ફાં સહેજ ઊંચા કરીને માર્મિક નજર માંડતા કાયદાશાસ્ત્રના આ અધ્યાપકે કહ્યું કે પ૦ ટકાથી વધુ અમેરિકનો ફરના કોટ માટે કે શિકારના ખેલ માટે થતી પ્રાણીઓની હત્યાને અયોગ્ય અને અમાનવીય ગણે છે અને આમ છતાં એ જ અમેરિકનો હેમ્બર્ગર ખાય છે, બાળકોને સર્કસ જોવા લઈ જાય છે, પ્રાણીજ ચીજવસ્તુઓ વાપરે છે. આના જેવો બીજો વિસંવાદ કયો હોઈ શકે ? ગેરી ફ્રાન્સિઓનીએ કહ્યું કે પ્રાણીઓ વિશે લોકો વાત તો અતિ સંવેદના અને ગાઢ કરૂણાથી કરે છે, અને વિચિત્રતા એ છે કે એ સ્વયં પ્રાણીઓ પ્રત્યે સંવેદનહીન અને ક્રૂર વર્તાવ કરે છે, આવાં બેવડાં ધોરણથી માણસજાત ક્યાં સુધી અબોલ પ્રાણી સાથે પ્રપંચ ખેલતી રહેશે?
ગેરીઓની એ વાતમાં સત્ય હતું કે પ્રાણીઓ વિશેની આપણી વિચારધારા અને આપણા એ અંગેના વાસ્તવિક આચરણ વચ્ચે આભ-જમીનનું અંતર છે. આપણે જાણીએ છીએ કે એક બાજુ પ્રાણીઓની પૂજા થાય છે, ગાયનો મહિમા ગવાય છે અને એવું ય જોઈએ છીએ કે રસ્તા પર ગાયો રખડતી હોય અને એમને ભોજન માટે અહીં તહીં ભટકવું પડતું હોય. આદર્શ એક વાત છે અને હકીકત એ બીજી વાત છે. પ્રાણી પ્રત્યેનો પ્રેમભાવ એ આદર્શ છે. દરેક હિંદુ દેવના વાહન રૂપે પ્રાણીને જોઈએ છીએ અને જૈન તીર્થંકરોમાં પણ કેટલાંક તીર્થંકરોના લાંછન(ચિહ્ન) પ્રાણી છે. એ પણ જાણવું જોઈએ કે આ રીતે બેરોકટોક પ્રાણીઓની હત્યા ચાલુ રહી તો એક દિવસ મનુષ્યનું અસ્તિત્વ ભયમાં આવવાનું છે. માણસ વિના પ્રાણી નિરાંતે જીવી શકે છે અને પ્રાણીઓ વિના માણસને માટે જીવન મુશ્કેલ છે અને જરા તમે જ વિચારો કે પહેલા જે સેંકડો વર્ષો બાદ કોઈ પ્રાણી લુપ્ત થવાની ઘટના બનતી હતી. આજે દર વીસ મિનિટે એક પશુ-પંખીની જાતિ આ ધરતી પરથી લુપ્ત થાય છે.
બીજી બાજુ પ્રાણીપ્રેમીને નામે જાતજાતના નુસખાઓ શોધવામાં આવતા હોય છે અને આથી જ ગેરી ફ્રાન્સિઓની એ વાતનો પણ વિરોધ કરે છે કે કેટલાક પ્રાણીપ્રેમીઓએ એવું શોધી કાઢયું કે જેથી પ્રાણીની હત્યા કરતી વખતે એને ઓછી પીડા
સહેવી પડે.
આની તરફદારી કરનારા લોકો હત્યા સમયે પ્રાણી રીબાઈ રીબાઈને મરે, તેના બદલે એક ઝાટકે એનું માથું કાપી નાખવામાં માને છે. એનાં અંગો અમુક રીતે કાપવાથી કે એને ઈન્જેકશન આપવાથી ઓછી પીડા થાય તે રીતે પ્રાણીઓને મારવાનું કહે છે.
ગેરી ફ્રાન્સિઓની આનો પ્રબળ વિરોધ કરે છે. પ્રાણીઓ 'પ્રોપર્ટી' છે કે 'પર્સન' ? એવો પ્રશ્ન કરીને એ દર્શાવે છે કે માણસજાતે પ્રાણીને પોતાની 'પ્રોપર્ટી' માનીને એના પર ક્રૂરતા આચરવામાં કશું બાકી રાખ્યું નથી. બીજી બાજુ તમને એવા અસંખ્ય લોકો મળશે જે કહેશે કે માણસે પ્રાણીઓ પ્રત્યે 'માનવીય વર્તણુંક' દાખવવી જોઈએ. એમ છતાં આજે વાછરડાને અંધારામાં રાખવામાં આવે છે. એનું માંસ પોચું બને તે માટે તાણમાં રાખવામાં આવે છે. ઉંદરની આંખોમાં કોસ્ટીક સોલ્યુશન નાખવામાં આવે છે અને એ જ રીતે ચીકન માટે લાકડાનાં પાંજરામાં ખીચોખીચ ઠાંસવામાં આવેલા બતક એકબીજા સાથે ઝઘડે નહીં, એ માટે એમને સખત રીતે બાંધવામાં આવે છે.
ઓગણીસમી સદીમાં ગુલામો પ્રત્યે માનવીય વર્તણુંકનો કાયદો હતો. જેમાં ગુલામોના માલિકને એની સંપત્તિરૂપ ગુલામોને મારી નાખવાનો, પીડવાનો કે એમના પર દમન કરવાનો અધિકાર હતો. આજના માનવીએ પ્રાણી પ્રત્યે આવો અધિકાર મેળવ્યો છે.
આમ સમગ્ર અમેરિકામાં પ્રાણી અધિકાર માટે લડતા ગેરી ફ્રાન્સિઓની પોતાની પ્રાણીદયાની વાતને સ્વયં જીવનમાં કેટલી ઉતારી શક્યા છે તે જાણવાનું મન થયું. આજે પશ્ચિમમાં 'વિગનીઝમ' ચાલે છે. આ 'વિગન' માનવીનાં ખોરાક, કપડાં કે અન્ય ચીજવસ્તુમાં થતાં પ્રાણીજ ઉપયોગનો વિરોધ કરે છે. શાકાહારથી એ એક ડગલું આગળ છે. શાકાહાર માત્ર આહાર સુધી મર્યાદિત છે. એમાં ચામડું, ઊન કે રેશમનો વિરોધ જોવા મળતો નથી, જ્યારે વિગનીઝમમાં માનનાર વ્યક્તિ એના ખોરાક, કપડાં કે અન્ય કોઈપણ પ્રકારે પ્રાણીજ વસ્તુના ઉપયોગનો વિરોધ કરે છે.
આનું મુખ્ય કારણ એ છે કે વિગનીઝમ પ્રાણીઓના અધિકારો વિશેના માનવીના નૈતિક દાયિત્વ કે પ્રતિબદ્ધતામાંથી જન્મેલો છે. ખાસ કરીને ફેક્ટરી ફાર્મીંગ અને એનિમલ ટેસ્ટીંગના નામે અમેરિકામાં થતી પ્રાણીઓની ક્રૂર હત્યા સામે આમાં અવાજ ઉઠાવવામાં આવ્યો છે.
વિગન પ્રાણીઓના શોષણનો વિરોધ કરે છે. આથી વિગન વ્યક્તિ દારૂ પીએ છે, પણ જો દારૂના ઉત્પાદનમાં હાડકાંનો ભૂકો વપરાયો હોય તો તે લેતા નથી.
આવા વિગનને માટે દૂધ અને તેની બનાવટ અર્થાત્ દહીં, માખણ, ઘી, શીખંડ વગેરે વર્જ્ય છે. દૂધવાળી ચા અને કોફી પણ ન લેવાય. આને પરિણામે વિગનના આહારમાં કેલ્શિયમ, આયોડિન, વિટામીન ડી અને વિટામીન સીની ઉણપ ન થાય તેની ખાસ તકેદારી રાખવી પડે છે. આમ આજે વિગન જે આહારનું આયોજન કરે છે, તેમાં એ ખૂટતાં તત્ત્વો ઉમેરે છે.
આજે અમેરિકામાં ચાર ટકા શાકાહારી છે અને એના પાંચ ટકા વિગન છે. અમેરિકાની ડેરીઓ અંગે ઉગ્ર વિવાદ જાગ્યો. એમાં પ્રાણીઓને જે ખરાબ રીતે રાખવામાં આવે છે અને વધુ ને વધુ દૂધ આપે તે માટે મશીનો અને ઈન્જેકશનો દ્વારા એમની સાથે ક્રૂર વ્યવહાર કરવામાં આવે છે તેમ પોચું માંસ મેળવવા માટે જે અત્યાચાર કરવામાં આવે છે આ બધું ડેરીમાં થતું હોવાથી વિગનોએ દૂધની કોઈપણ વસ્તુ લેવાનો સખત વિરોધ કર્યો. ગ્લોબલ વોર્મીંગ. પાણીનું પ્રદૂષણ, વન્યજીવન પર ખતરો અને મત્સ્યઉછેરની સમસ્યા જેવી બાબત માટે તેઓ માંસાહારને કારણભૂત માને છે.
ખુદ માંસાહારી દેશોમાં હવે માંસાહાર વિશેની વર્ષો પુરાણી માન્યતાઓ પોકળ સાબિત થઈ રહી છે. એક સમયે એમ કહેવાતું કે તમે માંસાહાર નહીં કરો કે ડેરી પ્રોડક્ટ અને ઈંડા નહીં લો, તો તમે માત્ર ચોવીસ કલાકમાં મૃત્યુ પામશો. આવી ઘણી ઘણી ધારણાઓ ઊભી કરવામાં આવી. ગેરી ફ્રાન્સિઓનીએ આ બધાની સામે મોરચો માંડયો છે.
પ્રાણી અધિકારોના હિમાયતી ગેરી ફ્રાન્સિઓની છેલ્લા ૨૫ વર્ષથી શાકાહારી તો છે જ અને વીસ વર્ષથી વિગન છે. અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રાણીઓનાં અધિકારો અંગે વક્તવ્ય આપવાનું સૌ પ્રથમ શ્રેય ગેરીને પ્રાપ્ત થયું છે. વળી પ્રાણીઓના અધિકારો વિશે એમણે પાંચ પુસ્તકો લખ્યાં છે.
એ જાણીને આશ્ચર્ય થશે કે ગેરી ફ્રાન્સિઓનીના પિતા માંસના વેપારી હતા. ગેરીનો જન્મ કેથોલીક કુટુંબમાં થયો. એણે ક્યારેય ચામડું કે રેશમ વાપર્યું નથી અને એ પોતાની સાથે અહિંસક સાબુ રાખે છે, જેથી પ્રાણીઓની ચરબીયુક્ત સાબુ વાપરવો પડે નહીં. એ કહે છે કે જેમ માનવજાતે ગુલામીની નાબૂદી કરી, એ રીતે પ્રાણીઓના દુરુપયોગ અને શોષણનો ગુલામો નાબૂદીની ઝુંબેશ ચલાવી રહ્યો છે. મૂંગાં, અબોલ પ્રાણીઓને સચોટ દલીલો કરતો કાયદાશાસ્ત્રી મળી ગયો છે. - ક્ષણનો સાક્ષાત્કાર
વિશ્વ કપમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરીને વિદેશના પ્રવાસે નીકળેલી ભારતીય ટીમ આયર્લેન્ડની નગણ્ય ટીમ સામે હાર પામી અને ઇંગ્લેન્ડની ટી-ટ્વેન્ટી સ્પર્ધામાં તમામ મેચ હારવાનો કા૨મો પરાજય મળ્યો. એક સમયે જે વિશ્વવિજેતા હતી એ જ ટીમ સાવ સામાન્ય કેમ પુરવાર થઈ ? જગતમાં 'ચેમ્પિયન' ટીમ એ કહેવાય કે જે જુદાં જુદાં વાતાવરણમાં, જુદી જુદી ઊંચાઈએ આવેલાં સ્થળોએ, ભિન્ન ભિન્ન વલણ ધરાવતી પીચ પર અને જુદાં જુદાં મેદાન પર પોતાની કામયાબી દાખવી શકે.
બદલાયેલા વિપરીત વાતાવરણમાં એવી જ તાકાત દાખવે તે 'ચેમ્પિયન' કહેવાય એટલે કે ભારતીય ખેલાડી ભારતની સીધી, સપાટ પીચ પર સદી કરે, એના કરતાં ઇંગ્લેન્ડના લોર્ડ્સના મેદાન પર, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના મેદાન પર કે ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચના વાતાવરણમાં કરેલી સદી વધુ મહત્ત્વની ગણાય, કારણ કે ભારતમાં જે નથી તેનો સામનો કરવાનો આવે છે. ઇંગ્લેન્ડનું ઠંડું વાતાવરણ, ઓસ્ટ્રેલિયાની કારમી ગ૨મી અને ન્યુઝિલેન્ડનો ઝંઝાવાતી પવન આ બધાની વચ્ચે ખેલાડીએ એનું ખમીર બતાવવાનું હોય છે. વળી વિકેટ પણ ઝડપી ગોલંદાજોને સહાય આપતી હોય છે. ભારતના ખેલાડીઓ વિદેશના પ્રતિકૂળ વાતાવરણમાં એની પીચ નિષ્ફળ જાય છે, ત્યારે તેમને 'વર્લ્ડ ચેમ્પિયન' કહી શકાય ખરા ? ટેનિસમાં મહાન ખેલાડી એને કહેવાય કે જે 'ગ્રાસ કોર્ટ' પર અને 'ક્લે કોર્ટ' પર સમાન રીતે ખેલી શકે. મેરેથોન રનરનો મહિમા જ એ છે કે એ જુદાં જુદાં દેશોમાં સાવ ભિન્ન પરિસ્થિતિ વચ્ચે મેરેથોનમાં દોડતો હોય છે. આમ કપરી પરિસ્થિતિમાં લાંબો સમય ઝઝૂમીને પોતાની તાકાત બતાવે એને 'ચેમ્પિયન' કહેવાય. સચિન તેંડૂલકરે ઘણી કપરી પરિસ્થિતિમાં પોતાની દીર્ઘ કારકિર્દી દરમિયાન ચેમ્પિયન બેટ્સમેન તરીકેની છટા દાખવી હતી. ટર્ન લેતી પીચ હોય કે પછી બાઉન્સ લેતી પીચ હોય, સ્પીનર હોય કે ફાસ્ટ બોલર હોય, ઘાયલ હોય કે સંપૂર્ણ સ્વસ્થ હોય, ભારતમાં હોય કે વિદેશમાં ખેલતો હોય, પણ બધી પરિસ્થિતિમાં સમાન ક્ષમતા દાખવે તે સચિન તેંડૂલકર કહેવાય. આથી આજે ભારતીય ટીમ ચેલેન્જ૨ ખરી, પડકાર આપનારી ચોક્કસ, પરંતુ એને ચેમ્પિયન કહેતા પહેલા ઘણી બાબતોનો વિચાર કરવો જોઈએ.




