Ravi Purti

ગોરાઓના દેશમાં ભારતીય વિદ્યાર્થી વલ્લભભાઈએ ઐતિહાસિક માન મેળવ્યું

By GS Team
22 Aug 20263 mins read
TukuTouch Logo
વલ્લભભાઈ પટેલે 1 વર્ષ વહેલાં બૅરિસ્ટરની પરીક્ષાઓ પાસ કરી, છતાં તેમને 6 મહિના વહેલાં ડિગ્રી આપવાનો મિડલ ટેમ્પલ સ્કૂલે ઇનકાર કર્યો. ઇંગ્લેન્ડમાં બિનજરૂરી રોકાણ ટાળવા અને બાળકોની ચિંતાને કારણે તેમણે વહેલી ડિગ્રી માટે અરજીઓ કરી. કૉલેજની બંધારણ સમિતિએ નિયમોના ભંગના ડરથી તેમની અરજી નામંજૂર કરી. અંતે, વલ્લભભાઈએ પદવીદાન સમારોહમાં પ્રથમ સ્થાને રહીને સન્માન મેળવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોરાઓના દેશમાં ભારતીય વિદ્યાર્થી વલ્લભભાઈએ ઐતિહાસિક માન મેળવ્યું

સરદાર @150 - હસિત મહેતા

  • સંભાળપૂર્વક વિચારણા* કર્યા પછી વલ્લભભાઈની માંગણી અંગે સૈદ્ધાંતિક વાંધો ન હોવા છતાં તેમની અરજી સ્વીકારાઈ નહીં, અને જો આવો દાખલો બેસે તો પછી વલ્લભભાઈ કરતાં ઓછી લાયકાતવાળા લોકો પણ આવા નિયમોનો ગેરલાભ લેવા માંડશે, તેવો ડર વ્યક્ત કરીને વલ્લભભાઈની અરજી ઉપર વીંટો વાળી દીધો

'સ મય વર્તે સાવધાન' અને 'જેવો દેશ તેવો વેશ' જેવી ડહાપણભંડાર ભરેલી ગુજરાતી કહેવતો વલ્લભભાઈએ જાણે કે નખશીખ પચાવી હતી. કારણ કે એ જેલમાં હોય તો ય મહેલ જેવો ભાવ રાખીને હસતા મોઢે દિવસો પસાર કરતાં, અને ઈંગ્લેન્ડના મહેલ જેવા વૈભવી વાતાવરણે પણ પોતે જેલમાં કેદ હોય તેવા ભાવથી દિવસો પસાર કરી જાણતાં હતા.
વાત પણ એવી જ હતી. પોતે ૧ વર્ષ વહેલાં બૅરિસ્ટરની બધી પરીક્ષાઓ પાસ કરીને બેસી ગયાં. તેથી ત્યાંની મિડલ ટેમ્પલ સ્કૂલે તેમને બે ટર્મ, એટલે કે છ મહિના વહેલા ડીગ્રી આપવાનું સ્વીકાર્યું, પરંતુ બાકીના છ મહિના તો એમણે કશા પ્રયોજન વગર ઈંગ્લેન્ડમાં રહેવાની જેલ ભોગવવી જ પડેલી.
એકતરફ તેમના મનમાં મુંબઈની હોસ્ટેલમાં એકલા રહેતા નમાયા-નાના બાળકોની ચિંતા હતી, તો બીજી તરફ વધતી ઉંમરે કમાણી કરવાની તાલાવેલી ઉપર ઈંગ્લેન્ડમાં વગર કારણે છ-છ મહિના બેસી રહેવાનું ફરમાન હતું. ત્યાંની એજ્યુકેશન સિસ્ટમમાં જે નિયમો હોય તેમાં કોઈ ફેરફાર થઈ જ ના શકે, એવું માનવા વલ્લભભાઈ તૈયાર જ નહોતા. એમણે નિયમ મુજબ છ મહિના વહેલા ડિગ્રી આપવામાં આવે છે, તેમાં પોતાને છૂટછાટ મળે અને બાર મહિના વહેલા ડિગ્રી આપી દે, એ માટે ઘણાં ધમપછાડા કર્યા, અરજીઓ કરીને તેમાં પોતાના ઉજ્જવળ અને ઉચ્ચ પરિણામો તરફ ધ્યાન દોર્યું, વાતાવરણ માફક ના આવતું હોવાનું કારણ આગળ ધર્યું, સખત અભ્યાસને કારણે બગડેલી તબિયતના દાખલા આપ્યાં, ખર્ચાને પહોંચી વળાતું નથી અને નાના બાળકોની જવાબદારી હોવાની લાચારી દર્શાવી.આમ છતાં તેમની આ બધી અરજીઓ ઉપર કૉલેજની બંધારણ સમિતિની બેઠકે રીતસર પાણી જ ફેરવી તોળ્યું.
એ બેઠકમાં સંભાળપૂર્વક વિચારણા કર્યા પછી વલ્લભભાઈની માંગણી અંગે સૈદ્ધાંતિક વાંધો ન હોવા છતાં તેમની અરજી સ્વીકારાઈ નહીં, અને જો આવો દાખલો બેસે તો પછી વલ્લભભાઈ કરતાં ઓછી લાયકાતવાળા લોકો પણ આવા નિયમોનો ગેરલાભ લેવા માંડશે, તેવો ડર વ્યક્ત કરીને વલ્લભભાઈની અરજી ઉપર વીંટો વાળી દીધો.
હવે, વલ્લભભાઈએ આ છ મહિના કરવું શું? એ તો ફરવા માંડયા. નહીં જોયેલા સ્થળો જોવા માંડયા. ઈંગ્લેન્ડની કોર્ટમાં ચાલતા કેસો સાંભળવા માંડયા, અને નવરાશના એ દિવસો પૂરા કરવા માંડયા. જોતજોતામાં છ મહિના પૂરા થવા આવ્યાં અને પદવીદાનની તારીખ નજીક આવી. વલ્લભભાઈએ અગમચેતી દાખવીને જે દિવસે પદવી મળવાની હતી તેના બીજા જ દિવસે ઈંગ્લેન્ડથી ભારત(મુંબઈ) આવતી એક સ્ટીમરમાં પોતાની ટીકીટ નોંધાવી દીધી,અને બીજી તરફ પદવીદાન દિવસ માટેની તૈયારીઓ કરવા માંડી.
ત્યાં બૅરિસ્ટરની આ પદવી આપવાની વિધિને 'કોલિંગ ટુ ધ બાર' કહેવાતું. તેનો અર્થ થતો હતો કે વકીલમંડળમાં જોડાવા માટેનું આમંત્રણ. તે માટે મિડલ ટેમ્પલનો એક બેન્ચર (નિયામકમંડળનો સભ્ય) નવા બૅરિસ્ટર થનારને પદવી આપવા માટે પ્રસ્તાવ(દરખાસ્ત) મૂકે, અને તેવો જ બીજો એક બેન્ચર તેને સમર્થન જાહેર કરે, ત્યારે જઈને વલ્લભભાઈને પદવી મળે.
આ માટે વલ્લભભાઈએ પોતાના નામનો પ્રસ્તાવ મુકનાર અને સમર્થન આપનાર નિયામક સભ્યોની શોધખોળ શરુ કરી. પોતે તો કોઈને ઓળખતા નહોતા, છતાં એક સિનિયર સભ્ય પાસે તેઓ પહોંચ્યા, અને પોતાના નામનો પ્રસ્તાવ મુકવા વિનંતી કરી. આખી પરીક્ષામાં સહુપ્રથમ આવનાર રેન્કર વિદ્યાર્થીનો પ્રસ્તાવ રજૂ કરવાનો તો કોને ના ગમે? એ સિનિયર બેન્ચરે તરત જ વલ્લભભાઈની માંગણી સ્વીકારી લીધી અને સાથોસાથ તેમને સમર્થન આપનાર અન્ય એક બેન્ચરની વ્યવસ્થા પણ તેમણે જ ગોઠવી આપી. આ રીતે વલ્લભભાઈને પદવીદાન સમારંભ માટે જરુરી એવી વિધિ પાર પાડવાની બધી ગોઠવણ પૂરી થઈ.
વલ્લભભાઈ છેલ્લાં પંદર વર્ષથી જે દિવસની કાગડોળે રાહ જોતા હતાં, તે પદવીદાન સમારંભ આવી પહોંચ્યો. એ સમારંભ જે વિશાળ સભાખંડમાં યોજાયો હતો, ત્યાં જવા માટે વિદ્યાર્થીઓનું એક શિસ્તબદ્ધ સરઘસ કાઢવાની પ્રથા હતી. તેમાં સૌથી આગળ તો મિડલ ટેમ્પલ કૉલેજના અધ્યક્ષ અને ડિરેક્ટર્સ ચાલતા, પણ તેમની પાછળ પહેલે નંબરે (આપણી સમજણ મુજબ તો ગોલ્ડમેડલિસ્ટ) આવનાર વિદ્યાર્થી જ હોય.
વલ્લભભાઈ પરદેશની ભૂમિ ઉપર આ માન પામનાર પ્રથમ વિદ્યાર્થી તરીકે માથું ઊંચુ રાખીને એ સન્માનનીય સ્થાને પહોંચી ગયા.