25 વર્ષમાં વિશ્વના 100 કરોડ યુવાનો બહેરા થઇ જશે

હોટલાઈન-ભાલચંદ્ર જાની
તબીબોના મતે હેડફોન- ઇયરફોન જેવા ડિવાઇસના ઉપયોગથી આવેલી બહેરાશનો કોઇ ઇલાજ નથી. 60-60ના નિયમનું પાલન કરો એટલે કે ગેજેટ્સનું વોલ્યુમ ૬૦ ડેસિબલથી વધુ ન રાખો
મ નુષ્ય પોતાનું જીવન સુખરૂપ રીતે સરળતાથી જીવી શકે એ માટે કુદરતે તેને પાંચ ઇન્દ્રિયોની ભેટ આપી છે અને આ પાંચ ઇન્દ્રિયોમાં શ્રવણશક્તિ એટલે કે સાંભળવાની શક્તિ ઘણી મહત્ત્વની છે. વ્યક્તિ જો બીજી વ્યક્તિની વાત બરાબર રીતે સાંભળી શકે તો જ સરખો પ્રતિભાવ આપી શકે અને સામાન્ય રીતે વાતચીત કરી શકે. આમ, મનુષ્યના તમામ અંગોમાં કાન મહત્ત્વનું અને નાજુક અંગ છે. જેમ દરેક અંગની મર્યાદા હોય છે એમ કાનની પણ પોતાની મર્યાદા છે. જો સતત વધારે પડતા અવાજ કાને અથડાવાથી સાંભળવાની શક્તિ ક્રમશ: નબળી પડતી જાય છે પહેલાના સમયમાં બહુ મોટી ઉંમરે એટલે કે લગભગ સિત્તેર વર્ષની આસપાસ બહેરાશ આવતી હતી, પણ હવે વધારેને વધારે લોકો ચાલીસ પચાસ વર્ષની વયની આસપાસ બહેરાશનો ભોગ બને છે. જો કે સારા સમાચાર એ છે કે આ વયમાં જે લોકો બહેરાશનો ભોગ બને છે એમાંથી મોટાભાગના લોકોની બહેરાશ કામચલાઉ હોય છે અને એને સરળતાથી દૂર કરી
શકાય છે.
થોડા સમય પહેલાં બોલીવૂડનાં પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિાકને અચાનક સંભળાવવાનું બંધ થઇ જતા તેમણે પણ સલાહ આપી હતી કે 'તમે બહુ હેડફોન ન વાપરતા'
બે વર્ષ પૂર્વે અલકા ફલાઇટમાંથી ઉતરી રહી હતી ત્યારે અચાનક તેને ખ્યાલ આવ્યો કે પોતે કશું સાંભળી શકતી નથી. કાન એકદમ સૂન થઇ ગયા છે. તબીબી તપાસ કરાવ્યા બાદ એવું નિદાન થયું કે એક પ્રકારના વાયરલ એટેકને કારણે તેને રેર સેન્સરી ન્યૂરલ નર્વ હિયરીંગ લોસની વ્યાધિ થઇ છે. અચાનક શ્રવણશક્તિ જતી રહેવાના સંજોગોમાં સામાન્ય રીતે કાન પર સ્ટિરોઇડના ઇન્જેકશન અપાય છે. હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આંખની સાથે-સાથે 'કાન ખોલી નાખે' એવો 'મેક લિસનિંગ સેફ' નામે રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ઇયરબડ્સ અને ઇયરફોનનો અતિશય ઉપયોગ કરવાથી બહેરાશ આવી જતી હોવાની ચેતવણી અપાઇ છે. એટલું જ નહીં, ૨૦૫૦ સુધીમાં ૧૦૦ કરોડ યુવાનોને બહેરાશ આવશે એવી ભીતિ પણ વ્યક્ત કરી છે.
વિશ્વમાં હાલમાં ૪૪ કરોડ લોકો બહેરાશની સમસ્યા ધરાવે છે. ઉપરાંત પર્સનલ લિસનિંગ ડિવાઇસ જેવા કે હેડફોન,ઇયરફોન વગેરેના અનિયંત્રિત ઉપયોગથી યુવાઓમાં હિયરિંગ લોસ (શ્રવણશકિત ઘટાડો) વધતો જાય છે. આથી સ્માર્ટફોનમાં વપરાતા ઇયરફોન જેવા ઉપકરણોમાં અવાજની મર્યાદા રાખવાનું સ્વૈચ્છાએ પાલન કરવું જરુરી બની ગયું છે. ૯૦ ડીબી (ડેસિબલ)થી ઉપરનો અવાજ અમૂક કલાકો સુધી આટલી તીવ્રતા ધરાવતો ધ્વની અથડાયા કરે એનાથી કાનના પડદાને નુકસાન થાય છે.
આમ તો આંખની દ્વષ્ટિક્ષમતા હોય કે કાનની શ્રવણક્ષમતા વધતી જતી વયની સાથે કુદરતી રીતે ઘટતી હોય છે પરંતુ યુવાઓમાં અકાળે ઘટતી જશે તો કારર્કિદીને પણ નુકસાન કરશે. બહેરાશની સમસ્યાથી દુનિયામાં વર્ષે ૯૮૦ અબજ ડોલરની ખોટ જાય છે. આમાં આરોગ્ય અને સારવાર પાછળ થતા ખર્ચથી માંડીને ઉત્પાદકતમાં ઘટાડો તેમજ સામાજિક ખર્ચનો પણ સમાવેશ થાય છે. હિયરિંગ ઇન્સ્ટુમેન્ટ પાછળનો ખર્ચ ગણવામાં આવે તો ખોટનો આંકડો ખૂબ વધી જાય છે. શરીર કુદરતે આપેલી અણમોલ ભેટ છે એ ભૂલવા
જેવું નથી.
કોઇ પણ વ્યકિતને દરરોજ એક કલાકથી વધુ ૮૦ ડેસિબલ અવાજમાં મ્યુઝિક સાંભળવાની ટેવ હોયતો શ્રવણશકિત નબળી પડી શકે છે. એક સ્ટડી મુજબ તો ઇયર ફોનમાંથી નિકળતા વિધુત ચૂંબકિય તરંગો મગજના કોષને પણ ક્ષતિ
પહોંચાડે છે.
ભારતમાં આશરે સવા છ કરોડથી વધુ લોકો બહેરા છે. જેમને માટે 'ડિફ એન્ડ હાર્ડ ઓફ હિયરીંગ કોમ્યુનિટી'નો શબ્દ પ્રયોગ થાય છે. રિપોર્ટ તો એવું પણ કહે છે કે ૨૦૫૦ના વર્ષ સુધીમાં દર ૪માંથી ૧ વ્યક્તિની શ્રવણશક્તિ નબળી પડી શકે છે અને એનું સૌથી મોટુંં કારણ હશે ઇયરબડ્સ કે ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ આ અભ્યાસ પ્રમાણે લગભગ ૬૫ ટકા લોકો ઇયરબડ્સ, ઇયરફોન કે હેડફોન થકી સંગીત કે પોડકાસ્ટ કે એવા કોઇ સાધનનું વોલ્યુમ ૮૫ ડેસિબલથી વધુ રાખીને સાંભળી રહ્યા છે, જે કાનના આંતરિક ભાગ માટે બહુ જોખમી છે.
તબીબોના મતે હેડફોન- ઇયરફોન જેવા ડિવાઇસના ઉપયોગથી આવેલી બહેરાશનો કોઇ ઇલાજ નથી. તબીબોના કહેવા પ્રમાણે ૬૦-૬૦ના નિયમનું પાલન કરો એટલે કે ગેજેટ્સનું વોલ્યુમ ૬૦ ડેસિબલથી વધુ ન રાખો. ઇયરબડ્સ કે ઇયરફોનનો સતત ૬૦ મિનિટથી વધુ સમય સુધી ઉપયોગ ન કરો. ઇયરબડ્સને બદલે હેડફોનનો વિકલ્પ થોડો સારો છે. બહુ ઘોંઘાટ થતો હોય ત્યાં યાદ રાખીને ઇયરપ્લગનો ઉપયોગ કરો. અને ટ્રેન કે બસમાં લાંબો પ્રવાસ ખેડો ત્યારે કાનમાં રૂના પૂમડાં નાખી રાખો.
વધુ પડતા અને મોટા અવાજ વચ્ચે કાયમ જીવવાનું થાય તો તેવી વ્યકિતને બહેરાશની તકલીફ થવાની શક્યતા છે. આજકાલ ઘોંઘાટ અને અવાજનું પ્રદૂષણ વધતું જાય છે. ફટાકડાના મોટા અવાજ, રસ્તા વચ્ચે વાહનોનો તથા હોર્નનો અવાજ. કારખાનામાં કામ કરતા લોકોને એકધારા તીવ્ર અવાજ વચ્ચે જીવવું પડે છે. સેલ ફોનની એકધારી રીંગ ટોન કે મોટે મોટેથી વારંવાર થતા વિજળીના કડાકા પણ બહેરાશ માટે કારણ ભૂત બને છે. મા બાપ શિક્ષક કે બીજા લોકો દ્વારા બાળકને કાન પર જો જોરથી થપ્પડ મારવામાં આવે તો તે પણ લાંબા ગાળે બહેરાશને નોતરી શકે છે. વરસાદમાં વારંવાર પલળવાથી કે નહાતી વખતે અવારનવાર કાનમાં પાણી જવાથી પણ ધાક પડી જાય છે.
આ સિવાય કાકડા, ફલુ, જૂની શરદી, ટાઈફોઈડ, ગાલપચોડા અને મેનેન્જાઇટીસ જેવા રોગોમાં એન્ટિબાયોટિક દવાઓનો અતિરેક થાય તો કફ સૂકાઈ જવાથી અને શબ્દવાહી સ્રોતો પૂરાઈ જવાથી બહેરાશ આવે છે. કર્ણનાદ અને કર્ણપાકની સમયસર સારવાર કરવામાં ન આવે તો પણ બહેરાશ થાય છે.
સામાન્ય રીતે કાનમાં મેલ જેવા અવરોધને કારણે, કેટલીક એલર્જીને કારણે અથવા તો અમુક દવાઓની આડઅસરને કારણે વ્યક્તિ કામચલાઉ બહેરાશનો ભોગ બનતી હોય છે અને આ બહેરાશને સરળતાથી દૂર પણ કરી શકાય છે. એક સર્વક્ષણના આધારે ખબર પડી છે અમેરિકામાં દર વર્ષે ૧ કરોડ વીસ લાખ લોકો એટલે કે દ૨ વીસ પુખ્ત વ્યક્તિમાંથી એક વ્યક્તિ દરવર્ષે બહેરાશની ફરિયાદ લઈને કાનના ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટર માત્ર તેના કાનનો મેલ સાફ કરીને આ સમસ્યા દૂર કરી નાખે છે. સામાન્ય રીત આપણા કાનમાં જે આખું પોલાણ હોય છે એના ત્રણથી પાંચ ટકા હિસ્સાનો ઉપયોગ જ સાંભળવા માટે કરવામાં આવે છે. આમ, કાનમાંથી વર્ષો સુધી મેલ સાફ ન કરવામાં આવે તો જ એટલો મેલ જમા થાય છે જેના કારણે સાંભળવામાં તકલીફ પડી શકે. અમેરિકાના એક જાણીતા કાનના ડોક્ટર કહે છે કે ''જો વ્યક્તિ વર્ષો સુધી મેલસાફ કરવાની કાળજી ન રાખે તો એના કાનમાં મેલનો મોટો જથ્થો જમા થઈ જાય છે. કાનમાં મેલ જામી જાય ત્યારે વ્યક્તિને દુખાવો થાય છે અને બેચેની અનુભવાય છે. આ સમયે તે ડોક્ટર પાસે જાય ત્યારે ડોક્ટર અલગઅલગ પદ્ધતિનો ઉપયોગ કરીને મેલને ખેંચી કાઢે છે. કાનમાં લાંબાસમય સુધી જામેલા મેલને કાઢવા માટે ડોક્ટર ખાસ પ્રકારનું સોલ્યુશનકાનમાં નાખે છે. આ સોલ્યુશન એકદમ જામેલા મેલને નબળો પાડે છે અને પછી ખાસ પ્રકારની કેનાલની મદદથી આ મેલને ખેંચી લેવામાં આવે છે.
ડોક્ટર દર્દીને રૂના પુમડાંની મદદથી પોતાની મેળે કાનમાંથી મેલ કાઢવાની ચોખ્ખી ના પાડે છે. આ ચેતવણી પાછળનું કારણ જણાવતા ડોક્ટરો કહે છે કે રૂના પુમડાંથી મેલ કાઢવાનો દર્દીઓ જ્યારે પોતાની મેળે પ્રયાસ કરે છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં તેઓ પોતાના કાનમાંથી મેલ કાઢવાને બદલે એને વધારે અંદર તરફ ધકેલે છે. સામાન્ય રીતે કાનમાં રહેલા કચરામાં રહેલું મીણ અંત:ત્વચાનું રક્ષણ કરતું હોવાથી એને સંપૂર્ણ રીતે દૂર કરવાનું શક્ય નથી, પણ થોડી કાળજી રાખીને કાનસાફ રાખવાથી શ્રવણશક્તિને લાંબા ગાળા સુધી જાળવી શકાય છે.
ઘણીવાર શરદી, સાયનસની સમસ્યા કે પછી શ્વસનમાર્ગની એલર્જીને કારણે સાંભળવાની ક્ષમતા ઘટે છે. શરદીના કારણે કાનનું સંતુલન જાળવવાનું કામ કરતા પોલાણમાં સોજો આવે છે એટલે એની કામગીરીમાં વિક્ષેપ પડે છે. આ સિવાય એલર્જીને કારણે કાનની સરખી સફાઈ નથી થઈ શકતી અને પોલાણ બ્લોક થઈ જાય છે. આ તમામ સંજોગોમાં સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. સામાન્ય રીતે એક પુખ્ત વયની વ્યક્તિ વર્ષમાં સરેરાશ રીતે બે અઠવાડિયા જેટલા સમયગાળાવાળી શરદીના ત્રણેય હુમલાનો ભોગ બને છે. જો વ્યક્તિ આના કરતા પણ વધારે વખત ભારે શરદીનો ભોગ બનતો હોય તો એને કાનને લગતી તકલીફ થવાનું અને પરિણામે શ્રવણશક્તિમાં ઘટાડો થવાનો ભય વધી જાય છે.
અગાઉ વૃદ્ધાવસ્થામાં જ શ્રવણશક્તિ નબળું પડવાનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે અને બાળકોમાં પણ શ્રવણશક્તિ નબળી પડવાનું પ્રમાણ વધ્યું છે. જેના માટે હેડફોન, એરપોર્ડ, હેન્ડ્સફ્રીનો વધારે પડતો ઉપયોગ જવાબદાર છે. અનેક બાળકો ખૂબ જ હાઈવોલ્યુમ સાથે તેનો ઉપયોગ કરતાં હોવાથી તેમની શ્રવણશક્તિ નબળી પડી હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા ત્રણેક વર્ષમાં બાળકોમાં શ્રવણશક્તિ નબળી પડવાની ફરિયાદ સાથેના કેસમાં ૧૨ ટકાથી વધુનો વધારો નોંધાઈ ચૂક્યો છે.
મુંબઈની એક હોસ્પિટલના તબીબે જણાવ્યું તેમ 'આંખોમાં સહેજ ઝાંખું દેખાય તો લોકો તુરંત જ ડોક્ટર પાસે પહોંચી જાય છે, પરંતુ સાંભળવાની સમસ્યા સર્જાય તો તેના અંગે બેદરકારીનું પ્રમાણ હજુ યથાવત્ છે. સાંભળવાની સમસ્યામાં ખૂબ જ વધારો થાય ત્યારે લોકો ડોક્ટરનો સંપર્ક કરતાં હોય છે. સરેરાશ એક હજાર વ્યક્તિએ એક વ્યક્તિ સંપૂર્ણ બહેરાશની સમસ્યા ધરાવતી હોય છે. વયોવૃદ્ધમાં સાંભળવાની સમસ્યા માઈલ્ડ, મોડરેટ અને સિવિયર એમ ત્રણ વિભાગમાં વહેંચી શકાય. માઈલ્ડ, મોડરેટમાં હિયરિંગ એઈડ ઉપયોગી પુરવાર થાય છે.
મગજના ટીબી, સખત તાવ, મેનેન્જાઈટિસને કારણે અનેક મોટી ઉંમરના લોકોને સંપૂર્ણ બહેરાશ આવી જતી હોય છે. આ સમસ્યા માટે હિયરિંગ એઈડ કામ આવતી નથી અને તેમને કોકેલર ઇમ્પ્લાન્ટની મદદ લેવી પડે છે. સાંભળી નહીં શકવાની સમસ્યાને કારણે અનેક વૃદ્ધોને ડિપ્રેશન જોવા મળતું હોય છે. જેના કારણે સાંભળવાની સહેજપણ સમસ્યા હોય તો તાકીદે ઈએનટીનો સંપર્ક કરવો જોઈએ. મોબાઈલમાં હિયરિંગ પ્રેશર લેવલને માપીને ઘોંઘાટનું પ્રમાણ ચકાસી શકાય છે.'
ગુજરાતના યુવાનોમાં એક કાને બહેરાશ ધરાવતા કેસમાં છેલ્લા કેટલાક વર્ષથી ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. બ્રિટનના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં પણ સામે આવ્યું હતું કે કોવિડ બાદ સાંભળવાની સમસ્યા ધરાવતા દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે.
'થોડા વર્ષ અગાઉ એક કાને બહેરાશ આવી ગઇ હોય તેવા ૬ મહિને માંડ ૧ દર્દી આવતા હતા. પરંતુ હવે મહિને ૧૫થી ૨૦ દર્દી આવે છે અને તેમાંથી મોટાભાગના યુવાનો હોય છે. એક કાને બહેરાશ આવવા માટે કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમ હોમથી હેડ ફોનનો વધારે ઉપયોગ, હેન્ડ્સ ફ્રીથી ભારે વોલ્યૂમ સાથે મૂવી જોવું - મ્યુઝિક સાંભળવું જેવી બાબતનો સમાવેશ થાય છે. એક કાને બહેરાશ આવી ગઇ છે તેવી ઘણાને ખૂબ જ મોડેથી ખ્યાલ આવે છે કે તેમને એક કાને બહેરાશ આવી છે.
આ ઉપરાંત બહેરાશ આવી ગઇ છે તેવી લોકો મજાક ઉડાવશે તેવા સંકોચથી પણ અનેક લોકો સમયસર સારવાર માટે આવતા નથી. જેમ આંખ નબળી પડે તો ચશ્મા પહેરીએ છીએ તેમ શ્રવણશક્તિ નબળી પડે અને તેને લઇને સંકોચ રાખવો જોઇએ નહીં. પરંતુ એ વાત ચોક્કસ છે કે, દરેક વ્યક્તિએ હેન્ડ્સ ફ્રી- બ્લ્યૂટૂથમાં વધારે વોલ્યૂમનો ઉપયોગ ટાળવો જોઇએ.તેનાથી શ્રવણ શક્તિને નુકસાન પહોંચે છે. શ્રવણ શક્તિ નબળી પડવાથી ઘણા લોકોને વાહન ચલાવતી વખતે કોઇ પાછળ આવતું વાહન હોર્ન વગાડતું હોય તો તે પણ સંભળાતું નથી, જેના કારણે તેના અકસ્માતનું પણ જોખમ રહે છે. કોઇ પણ વ્યક્તિને ઓછું સંભળાઇ રહ્યું તેમ લાગે તો તુરંત જ કાનના ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.'
મુંબઇના એક ઇ.એન.ટી. સર્જ્યન ના મતે ભારતમાં કાને બહેરાશના કિસ્સા વધી રહ્યા છે. તે માટે મુખ્ય પાંચ કારણ છે. ઘણા કેસમાં તો કાનના મધ્ય ભાગમાં થતો સડો જ શ્રવણશક્તિના ઘટાડા માટે જવાબદાર હોય છે. જેનું નિરાકરણ તબીબી સારવારથી થઇ શકે છે. એ સિવાય વૃદ્ધોની વધતી સંખ્યા, ધ્વનિ પ્રદૂષણમાં વધારો, એક જ ગોત્રમાં લગ્ન, અનિયંત્રિત ડાયાબિટિસ મુખ્ય કારણ છે.
આ સિવાય નવા જન્મેલા શિશુને કોઇ કારણસર પૂરતો ઓક્સિજન ન મળે (નિયોનાતાલ હાયપોક્સિયા) અથવા ખૂબ જ કૃષ કાયા, ઓછું વજન યા જન્મથી જ કમળો થયો હોય તો બાળકની શ્રવણશક્તિ કુંઠિત બની જાય છે. કેટલીકવાર દરદીને લાંબા સમય સુધી એન્ટિબાયોટિક્સના ભારે ડોઝ આપવામાં આવે તો પણ કાનની આંતરિક રચનાને નુકસાન થાય છે.
અમુક તબીબોનો એવો મત છે કે આપણા દેશમાં બધિર લોકોની ખાસ કાળજી લેવાતી નથી. સરકારે સાઇન લેંગ્વેજ (હાથના ઇશારાથી) વાતચીત કરવાના પ્રયાસને પ્રોત્સાહન મળે તેવા ખાસ કોઇ પગલાં લીધા નથી. જોકે ૨૦૧૭માં ભારત સરકારે સાઇન લેગ્વેજને કોડીફાય કરી તેની ડિકશનેરી બનાવવાનો નિર્ણય લીધો હતો. ખાસ બધિર લોકોના કલ્યાણ માટે જ કામ કરતી એક સેવાભાવી સંસ્થાના સંચાલક કહે છે કે સામાન્ય વિદ્યાર્થીઓની સાથે જ ભણતા બધિર બાળક અભ્યાસમાં પાછળ રહી જાય છે. શિક્ષક શું બોલે છે, શું સમજાવે છે તે પૂરતું સંભળાય નહીં તો એ મૂંઝાય છે પરંતુ કોઇને જણાવતો નથી. આ રીતે આવા વિદ્યાર્થી ભણવામાં પાછળ રહી જાય છે. તેથી સરકારે ખાસ બધિર વિદ્યાર્થીઓ માટે જ અલગ શાળા ખોલવી જોઇએ. મૂક-બધિર મંડળ નામની એક સંસ્થા આ દિશામાં ઘણું કામ કરી રહી છે.









