મારે વસ્તુની જરૂર નથી, મારે તો કર્મબંધન તોડવું છે!

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- મૃત્યુના સાહજિક સ્વીકારની સાથોસાથ જૈન ધર્મએ સંલેખનાનો ખ્યાલ આપ્યો છે કે જેમાં મૃત્યુને તપ, ત્યાગ અને અધ્યાત્મને સામે ચાલીને ભેટવામાં આવે છે.
''જે મ વાયુ ભડભડ સળગતી જ્વાળાઓને ઓળંગી જાય છે, તેમ આ રીતે જીવનારો આદર્શ માનવી સંસારની જ્વાળાઓને ઓળંગી પરમ આનંદનો ભાગી થશે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ભાવનાઓ રાખનારો માનવી જગતને નવી આશા અને નવી સમાનતા તરફ દોરી જશે.''
આજથી ૨૬૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે પશુબળ અને માનવહિંસા સામે આત્મબળનો મહિમા કર્યો અને માનવીને ઉર્ધ્વ, ભાવનામય ઉચ્ચ જીવન માટેનું દર્શન આપ્યું. હસ્તિનાપુરના રાજા ઋષભદેવ અપાર સંપત્તિ અને વિરાટ સત્તા છોડીને જગતમાં ત્યાગમાર્ગનો મહિમા પ્રગટ કરે છે. સંપત્તિના ગંજનાં ગંજ નીચે જીવનાર પળવારમાં ત્યાગ કરે છે અને પચાસ કે સો નહીં, બલ્કે બસો-બસો ઉપવાસની તપશ્ચર્યા કરે છે. આ રીતે માનવીની ભીતરની તાકાત પ્રગટાવવા માટે જૈન ધર્મએ કહ્યું કે, 'પહેલી જરૂર અંતરાત્માની સાચી ઓળખની છે અને એનો હેતુ ભીતરમાં છુપાયેલા આનંદની શોધ કરવાની છે.'
ભારતના ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીમાં રહીને જૈનશાસ્ત્રોનો ગહન અભ્યાસ કરનાર જર્મન વિદુષી મિસ. શારલોટ ક્રાઉઝેએ 'સુભદ્રાદેવી' નામ ધારણ કર્યું હતું અને અનેક ગ્રંથોનાં સંશોધન માટે તેઓ ભારતના દૂર દૂરનાં પ્રદેશોમાં ગયાં હતાં. એમણે લાંબી ધર્મોપાસના બાદ કહ્યું કે, 'આત્મશાંતિ અને આત્મસંતોષ મેળવવા મથનારાઓ માટે જૈન ધર્મ એ એક ધોરીમાર્ગ છે.' અહીં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન તત્ત્વચિંતક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનાં આ વચનો યાદ આવે છે, 'ભારતનો ઇતિહાસ પ્રારંભથી આજ સુધી જૈન ધર્મએ બતાવેલા આદર્શ ઉપર ઊભો છે. ભગવાન મહાવીર આપણી સામે એક એવા આદર્શ રૂપે છે કે જેમણે સંસારનાં બધાં જ પદાર્થોનો પરિત્યાગ કરી ભૌતિક બંધનમાંથી છુટકારો મેળવ્યો અને એ રીતે તેઓ આત્મતત્ત્વના ઉત્કર્ષ માટેનો અનુભવ મેળવવા વિજયી બન્યા હતા.
આ જ આત્મતત્ત્વ વિશે હંગેરીના વિદ્વાન અને જૈનદર્શનોનાં અભ્યાસી ડૉ. ફેલીક્સ વાલ્વીએ કહ્યું, 'મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ ભગવાન મહાવીરની વિશેષતાઓમાં મને સૌથી વધુ ધ્યાન ખેંચે એવી બાબત એમની વધુ આત્મશક્તિ છે. તેઓની ઉચ્ચ વિચારધારા ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ અને વિશિષ્ટ દેખાય છે.'
ડૉ. જગદીશચંદ્ર બોઝે જગતને વનસ્પતિમાં જીવન હોવાનું કહ્યું, ત્યારે જૈનદર્શને વર્ષો પહેલાં આ વાત કરી છે. તો થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક શ્રીમતી એની બેસન્ટે પોતાના 'સેવન ગ્રેટ રીલિજિયન' પુસ્તકની છઠ્ઠી આવૃત્તિના ૮૩મા પૃષ્ઠ પર લખ્યું, 'નિર્વાણ શાંતિ છે. નિર્વાણ શબ્દમાં જૈન ધર્મનો સમગ્ર વિચાર આવી જાય છે. શાંતિ એટલે મનુષ્ય મનુષ્ય વચ્ચે, મનુષ્ય અને પ્રાણી વચ્ચે પ્રત્યેક ક્ષેત્ર અને બધી વસ્તુઓમાં શાંતિ હોવી જોઈએ. બધાં પ્રાણીઓમાં એ પૂર્ણ-ભ્રાતૃત્વનો ભાવ છે. જૈનોનો આ આદર્શ છે જેને અનુભવમાં લાવવા માટે ધરતી પરના મનુષ્યો પ્રયત્ન કરે છે.'
જ્યારે અમેરિકાના કોસ્ટને ગુરુદેવ શ્રી ચિત્રભાનુજી પાસે અભ્યાસ કરીને એ ધર્માચરણનું સ્વ-જીવનમાં આચરણ કર્યું. એમણે 'બલભદ્ર' નામ ધારણ કર્યું અને જૈનધર્મ પાસેથી શું મળ્યું? એ વિશે કહેતા એમણે લખ્યું છે, 'પાશ્ચાત્ય સંસારમાં ભૌતિક પ્રગતિ અને મનોરંજનનાં સાધનોની ભરમાર છે. તમામ ભૌતિક ઇચ્છાઓ પૂરી કરવાનાં સાધનો મોજૂદ છે, છતાં પણ લોકો માનસિક શાંતિ, સહિષ્ણુતા અને સુમેળભર્યા વાતાવરણને માટે તરસે છે. પશ્ચિમની દરેક વ્યક્તિને માટે સરેરાશ દૈનિક જીવન તનાવોથી ભરેલું છે. આપણું જીવન ક્ષણભંગુર લાગે છે. આવી પરિસ્થિતિમાં જૈન ધર્મ દ્વારા મને જીવનનું મૂળ રહસ્ય અને હેતુ જાણવા મળ્યાં છે.'
જૈન ધર્મએ મૃત્યુ વિશે આગવું ચિંતન આપ્યું છે અને એનો સહજ સ્વીકાર કર્યો છે. ભગવાન મહાવીરના પરિનિર્વાણ સમયની એ ઘટના જોઈએ તો એમના નિર્વાણ સમયની માહિતી મળી, તે અગાઉ પાવાપુરીના હસ્તિપાલ રાજાના તલાટીની કચેરીમાં ત્રણ મહિના વીતી ગયા હતા અને ચોથો મહિનો પણ અડધો પૂર્ણ થયો હતો. ભગવાનના નિર્વાણ સમયની માહિતી મળતાં પાવાપુરીના ઘરઘરમાં શોક, ઉદાસી અને ગમગીની છવાઈ ગયાં હતાં.
સામાન્યજનો આ સમયે વ્યાકુળ બની ગયા હતા અને વિચારતા હતા કે પ્રભુની આ અલૌકિક છબી ફરી ક્યાં અને ક્યારે નિહાળવા મળશે? યુગો પછી સાંપડેલી આ અમૃતવાણી શું હવે સાંભળવા મળશે નહીં? જ્ઞાનીઓ શોક અને આનંદને સમાન ગણીને રહેવાનું કહેતા હતા. ભગવાન મુક્તિને વરશે અને દેહની દીવાલ દૂર થશે, આમ છતાં તેમનું હૈયું પણ હાથ રહેતું નહોતું. દેવો અને ઋષિઓ મધુર શંખ બજાવી રહ્યા હતા. એમની સેવામાં આવેલા દેવોના સ્વામી ઇન્દ્ર પણ મૃત્યુ-ઉત્સવની બધી રચના કર્યા બાદ હૈયું હારી બેઠા. અંતિમ પળે પ્રભુના અભાવની કલ્પના એમને અકળાવનારી લાગવા માંડી. ઇન્દ્રરાજે પ્રભુને કહ્યું, ''આપના ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન હસ્તોતરા નક્ષત્રમાં થયા હતા. અત્યારે આપના નિર્વાણના નક્ષત્રમાં ભસ્મગ્રહ સંક્રાંત થાય છે તો સર્વજ્ઞા અને સર્વશક્તિમાન એવા આપ નિર્વાણની ઘડી થોડી લંબાવી દો તો?''
આ રીતે મૃત્યુના સાહજિક સ્વીકારની સાથોસાથ જૈન ધર્મએ સંલેખનાનો ખ્યાલ આપ્યો છે કે જેમાં મૃત્યુને તપ, ત્યાગ અને અધ્યાત્મને સામે ચાલીને ભેટવામાં આવે છે. બીજા અર્થમાં કહીએ તો જૈન ધર્મ 'આર્ટ ઓફ લિવિંગ'ની સાથોસાથ 'આર્ટ ઓફ ડાઇંગ'ની કલા પણ શીખવે છે. અહીં બોબ ફાઇનાન્સ નામના અમેરિકાવાસીનાં જીવનમાં થયેલું પરિવર્તન યાદ આવે છે : 'જૈનદર્શને મને મારી ૪૦ વર્ષની ઉંમરમાં મારા ભીતરને જગાવી દીધું છે. બે વર્ષ સુધી મારી પત્ની ટાઢિયા તાવથી મોત સામે ઝઝૂમી રહી હતી, પણ જૈન સિદ્ધાંતોના અભ્યાસે એના હૃદયમાંથી મોતનો ડ૨ હટાવી દીધો. એને સમજાઈ ગયું છે કે મોત તો જીવનમરણના ચક્રનો એક હિસ્સો માત્ર છે. અમને બંનેને સ્પષ્ટ આભાસ થયો છે કે પ્રેમ શાશ્વત છે, મોહ અને રાગ આવતા જતા રહે છે.'
ઈ. સ. ૧૯૧૩માં નોબેલ પારિતોષિક વિજેતા કવિવર રવીન્દ્રનાથ ટાગોરે જૈન ધર્મ વિશે કહ્યું, ''ભગવાન મહાવીરે બુલંદ અવાજે એવો સંદેશો ફેલાવ્યો કે ધર્મ માત્ર સામાજિક રૂઢિઓનું પાલન કરવાથી નહીં, પરંતુ સત્યમાર્ગનો આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે. ધર્મમાં મનુષ્ય-મનુષ્ય વચ્ચે કોઈ સ્થાયી ભેદભાવ ન રાખી શકાય. એ જોતાં આશ્ચર્ય થાય છે કે ભગવાન મહાવીરના આ ઉપદેશે સમાજમાં ઘર કરી ગયેલી આ ભેદરેખાને ઘણી જ ત્વરિતતાથી નષ્ટ કરી નાખી અને સમગ્ર દેશને પોતાને વશ કરી લીધો, જીતી લીધો.''
આવો જ એક પ્રસંગ જૈન ધર્મની અપરિગ્રહની ભાવનાનાં સંદર્ભમાં યાદ આવે છે. અમેરિકાની મીસ બેરિલ નામની મહિલાને જૈન ધર્મનો સંપર્ક થયો અને એને લાગ્યું કે જીવનમાં આ અપરિગ્રહનો માર્ગ અપનાવવો જોઈએ. એને માટે પહેલા તો એણે પોતાની ઇચ્છાઓ તરફ નિયંત્રણ કર્યું અને પછી અપરિગ્રહના માર્ગે જવાનો પ્રયત્ન શરૂ કર્યો. એણે શાંતિથી આત્મચિંતન કર્યું, ત્યારે એને લાગ્યું કે એના ઘરના બધાં જ રૂમમાં ટેલિવિઝન છે, પરંતુ એક માત્ર ડ્રોઇંગ રૂમના ટેલિવિઝનનો જ એ ઉપયોગ કરે છે. પરિણામે એણે પોતાની પાસે એક ટેલિવિઝન રાખ્યું અને બાકીના ત્રણ ટેલિવિઝન આજુબાજુ જરૂરિયાતવાળાને આપી આવી.
એની પાસે કેટલાંય આકર્ષક ડ્રેસ હતા. જેમાંના કેટલાક તો પોતાના કબાટમાં છે એ પણ ભૂલી ગઈ હતી, કારણ કે એક-બે વાર ઉપયોગમાં લીધા પછી એ બધાં એમને એમ પડયાં હતાં. એણે કેટલાંક વસ્ત્રો વહેંચી દીધા. પછી ભોજન પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું. પહેલાં માંસભક્ષણનો ત્યાગ કર્યો અને પછી ધીરે ધીરે માછલી સેવન છોડી દીધું અને એને લાગ્યું કે ફળ, શાકભાજીનું ભોજન વધુ સાત્વિક અને વધુ શાંતિપ્રદ લાગે છે. એણે કહ્યું, 'મારે વસ્તુઓની જરૂ૨ નથી, મારે કર્મબંધન તોડવું છે. આસક્તિ અને મમત્વને કારણે જાગતી ઇચ્છાઓ અને અંતે થતી નિરાશાઓ મારે છોડવી છે.' આપણે જાણીએ છીએ કે પરિગ્રહની ભાવના કેવળ મર્યાદિત સંગ્રહ નથી, પરંતુ એનાથી અધિક એવી સંગ્રહવૃત્તિ કે સંગ્રહ-આસક્તિમાં એ પણ પરિગ્રહ છે.
જ્યારે આ ધર્મનું પાલન કર્યા પછી કેનેડાના બ્રુશે કહ્યું, 'જૈનદર્શન અને આચાર-વિચારે મારા હૃદયમાં એવી શીતળતા લાવી દીધી કે આજે આત્મિક સંતુલનનો આનંદ અને આત્મનિર્ભરતાનો વિશ્વાસ મહેસૂસ કરી રહ્યો છું.'
મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યારે અનેકાંતવાદ વિશે જાણકારી મળતા એમણે કહ્યું કે, 'હું હિંદુને હિંદુની નજરે અને મુસલમાનની નજરે જોતા શીખ્યો. પહેલા હું માનતો હતો કે મારા વિરોધીઓ અજ્ઞાની છે, આજે હું વિરોધીઓની નજરે પણ જોઈ શકું છું, સત્ય અને અહિંસા એ બે સિદ્ધાંતોનું આ પરિણામ છે.' ભાવનાનાં આ ધર્મએ વિશ્વમાં ઠેર ઠેર માનવતાનાં દીપકોની જ્યોતનો પ્રકાશ ફેલાવ્યો છે.
મનઝરૂખો
વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક અને બહુશ્રુત વિદ્વાન બર્ટ્રાન્ડ રસેલ અનેકવિધ વિષયોના ઊંડા મર્મજ્ઞા હતા.
એમણે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણ, ધર્મ, નીતિ અને શિક્ષણ જેવા અનેક વિષયો પર ચાલીસથી વધુ પુસ્તકો લખ્યાં.
એમના તત્ત્વચિંતને વિશ્વના વિચારપ્રવાહને એક નવી દિશા આપી. શિક્ષણ, રાજકારણ અને માનવીય મૂલ્યો વિશેના એમના મૌલિક વિચારોએ વિશ્વની વિચારધારામાં પરિવર્તન આણ્યું.
એક વાર તત્ત્વચિંતક અને ગણિતજ્ઞા રસેલ ઊંડા વિચારમાં ડૂબેલા હતા. એમને મળવા માટે એમના એક મિત્ર આવ્યા, પરંતુ વિચારસૃષ્ટિમાં ખોવાઈ ગયેલા બર્ટ્રાન્ડ રસેલને એમના આગમનનો કોઈ ખ્યાલ આવ્યો નહીં.
આથી મિત્રએ એમની વિચારધારામાં ખલેલ પહોંચાડતાં પૂછયું, ''ઓહ! આજે આપ કયા વિચારમાં આટલા બધા તલ્લીન બની ગયા છો?''
બર્ટ્રાન્ડ રસેલે કહ્યું, ''અરે, આજે તો મેં એક સાવ વિચિત્ર લાગે એવી શોધ કરી છે.''
''કઈ શોધ? અને એમાં વિચિત્રતા શું છે?''
બર્ટ્રાન્ડ રસેલે કહ્યું, ''જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી નથી.''
''એ તો બરાબર, પણ એમાં વિચિત્ર શું?''
''અને જ્યારે મારા માળી સાથે વાત કરતો હોઉં છું ત્યારે એથી વિપરીત વાતની એટલે કે સર્વત્ર સુખ હોવાથી મને ખાતરી થાય છે. આ છે મારી વિચિત્ર શોધ.''




