''હું મંદિર સાથે લઈને જ ફરૃં છું જુઓ આ મારા મમ્મી અપર્ણાદેવીનો ફોટો!''

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'શ્રવણની કથામાં સચ્ચાઈ શી હશે, એની તો ખબર નથી, પણ શ્રવણ કોઈ વ્યક્તિનું નહીં, પણ મા-બાપ પ્રત્યેનાં ઊંડા ભક્તિભાવનું નામ છે.' મેનેજર સાહેબનું જીવનદર્શન
ન મન ઈન્ટરવ્યુ આપવા માટે પ્રમાણપત્રોની ફાઈલ લઈને ઓફિસની બહાર સોફા પર કોલની રાહ જોતો બેઠો છે. બધા ઉમેદવારોના ઈન્ટરવ્યુ પતી ગયા બસ નમન એક જ બાકી હતો. એટલામાં પ્યુન મયુરે આવીને કહ્યું : ''સાહેબ, હવે આપનો વારો છે. ઓફિસમાં તમને બોલાવ્યા છે…''
નમન તરત ઊભો થયો અને પ્રમાણપત્રોની ફાઈલ લઈને ઓફિસમાં 'મે આઈ કમઈન સર.'' કહીને તેણે એન્ટ્રી મારી મેનેજર સાહેબે યસ, કમ ઈન' કહીને ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો. નમનના પ્રમાણપત્રો હેડક્લાર્ક ચકાસવા લાગ્યાં.
એટલામાં મેનેજર સાહેબે પૂછ્યુ: ''તમારા પપ્પાનું નામ ?''
''અર્પણાદેવી''
''અરે હું તમારી મમ્મીનું નામ નહીં, તમારા પપ્પાનું નામ
પૂછું છું.''
''અર્પણાદેવી'' નમને ફરી એજ જવાબ આપ્યો.
''અરે, તમારું મગજ ઠેકાણે છે કે નહીં ? હું તમારા પપ્પાનું નામ પૂછું છું. અને તમે ફરી પણ મમ્મીનું નામ જ બોલો છો!''
''સર, હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. ને ભાનમાં પણ છું. મેં પપ્પાને જોયા નથી અને મારી મમ્મીએ જ મમ્મી તથા પપ્પા બન્નેની ફરજ બજાવી છે. તકલીફો અને આર્થિક આંધીઓ વચ્ચે પણ મને ભણાવ્યો છે. મને કોઈ એમ પૂછે કે તમે કયા ભગવાનમાં માનો છો ? તો પણ હું એમ જ કહીશ કે ''અર્પણાદેવી'' માં અર્પણાદેવી, મારી વહાલસોયી મા'' નમનની આંખો બોલતાં બોલતાં ભીની થઈ ગઈ.
મેનેજર સાહેબ પણ આ તરવરિયા યુવાનની માતૃભક્તિ જોઈ ગદ્ગદિત થઈ ગયા. એ મનોમન વિચારવા લાગ્યા : 'શ્રવણની કથામાં સચ્ચાઈ શી હશે, એની તો ખબર નથી, પણ શ્રવણ કોઈ વ્યક્તિનું નહીં, પણ મા-બાપ પ્રત્યેનાં ઊંડા ભક્તિભાવનું નામ છે. નીર સીંચી સીંચી ઉછેરવું પડે છે. હૈયાને સતત લીલુંછમ રાખવું
પડે છે.'
''શાબાશ, જેનું હૃદય આટલું બધું નિર્મળ હોય, એ જાત સાથે કે બીજા કોઈપણ સાથે કશી જ છેતરપિંડી ન કરે. મિ.નમન તમારાં પ્રમાણપત્રોનું વેરીફીકેશન પતી ગયું છે. તમને તમારા ઓફિસર અત્યારે જ ફરજ પર હાજર કરી દેશે.'' જનરલ મેનેજરે નમનને શુભેચ્છા પાઠવી તેને વિદાય આપી.
અને ઉપરી અધિકારીએ નમનને ડેપ્યુટી, મેનેજરની કેબિનમાં બેસવા માટેની લીલી ઝંડી આપી. ટેબલ પર ફોન જોઈને નમનના મનમાં થયું કે આ ખુશખબરી મમ્મીને આપી દઉં. પણ બીજી જ ક્ષણે તેને વિચાર આવ્યો કે ઘરે જઈને સરપ્રાઈઝ આપીશ.
એટલામાં પ્યુન મયુર આવી પહોંચ્યો. એણે કહ્યું : ''સાહેબ, ઓફિસની સામે જ મંદિર છે. બને તો રિસેસમાં આંટો મારી આવજો. ભગવાનના આશીર્વાદ મળે એનાથી બીજું રૂડું શું ? મયુર નવા સાહેબના ચહેરા તરફ તાકી રહ્યો. પોતાની બ્રીફકેસ ખોલી એક ફોટો બહાર કાઢતાં નમને કહ્યું : ''હું મંદિર સાથે લઈને જ ફરું છું. જુઓ આ મામા મમ્મી અર્પણાદેવીનો ફોટો.''
નમને બ્રીફકેસમાંથી રેશમી કપડું કાઢી એને ટેબલ પર બીછાવ્યું અને તેની પર મમ્મી અર્પણાદેવીનો ફોટો ગોઠવી દીધો. નમને ઊભા થઈને બે હાર જોડી, મસ્તક નમાવી ફોટાને વંદન કર્યાં. અને ખિસ્સામાંથી સોની નોટ કાઢી મયુરના હાથમાં મૂકતાં કહ્યું : ''ભાઈ, પ્રસાદ તો હું નથી લાવ્યો. પણ તમે આ રૂપિયામાંથી પેંડા ઘરે લઈ જઈને ઘરનાં સૌને ખવડાવજો.''
મયુર સ્તબ્ધ થઈ ગયો. આવતાંવેંત ટેબલ પર નાસ્તો કે લંચ ડીશ મગાવનાર સાહેબો તો એણે ઘણા જોયા હતા, પણ માના ફોટાની પૂજા કરનાર સાહેબ એને માટે આશ્ચર્યનો વિષય હતો.
મયુરે વિદાય થવા નમન સાહેબની રજા માગી. પણ એકાએક જ એના પગ થંભી ગયા અને વળી પાછું પૂછ્યું : ''સાહેબ, માફ કરજો પણ એક સવાલ પૂછું ? તમે તમારા મમ્મીને ખૂબ જ ચાહો છો ?''
નમને પળવાર મૌન ધારણ કર્યું અને કહ્યું : ''આપણને બધાંને મંદિરોમાં જ દેવી-દેવતા દેખાય છે, પણ જીવત-જાગતાં માનવ દેવી-દેવતાઓના પૂજન-અર્ચનમાં આપણને રસ નથી પડતો. કારણ કે આપણે એમના ઉપકારોને સાંસારિક ફરજોની દ્રષ્ટિએ'' મૂલવીએ છીએ…પણ મારા માટે તો મારી માતા જ દેવી છે. એમનો ફોટો હું સદાય મારી પાસે જ રાખું છું.
પ્યુન મયુરને પણ પોતાની માતાનું સ્મરણ થયું પોતાની માએ છાતી પર પથ્થર મૂકીને અઢાર વર્ષની વયે કમાવા માટે શહેરમાં મોકલવા એને પોતાનાથી અળગો કર્યો હતો. ત્યારે માતાની આંખમાં ગંગા-જમના ઊભરાયા હતાં. મયુર મિ.નમનની હાજરીમાં જ રડી પડયો. અને કહ્યું : ''સાહેબ, મારી મા મને પણ વહાલી છે, પણ એને દેવી ગણવાનું મને કેમ ન સૂઝયું ?'' કહીને આંખો લૂછતાં-લૂંછતાં મયુર નમનની કેબિનમાંથી બહાર
નીકળી ગયો.
કર્મચારીઓ મળવા આવતા જ રહ્યા, ફાઈલો પણ આવતી રહી…એમ કરતાં સાંજના પાંચ વાગી ગયા. નમનને ઘરે જઈને પોતાની જોબના સારા સમાચાર મમ્મીને આપવાની ઉતાવળ હતી. ઓફિસ છૂટવાનો સમય છ વાગ્યાનો હતો…. ઘરે જવાના ઈંતજારમાં નમન
બેઠો હતો.
એની સમક્ષ વીતેલાં વર્ષોનાં દ્રશ્યો પસાર થવા લાગ્યાં…..
ત્યારે નમનના મમ્મી અર્પણાદેવી જવાન હતા. મમ્મી-પપ્પા વચ્ચે ઝઘડો થયો હતો. પોતે પાંચ વર્ષનું બાળક હોઈ ઝઘડાનું કારણ એની સમજ બહાર હતું. પણ બીજે દિવસે સવારે પપ્પા ઘરમાં નહોતા. મમ્મીએ સગાં-વહાલાંને ફોન કર્યા… પણ પપ્પાના સામાચાર ન મળ્યાં. એકાએક મમ્મીની નજર ડાઈનિંગ ટેબર પર પડેલી એક ચિઠ્ઠી પર પડી. મમ્મીએ ચિઠ્ઠી વાંચી અને રડવાનું બંધ કરી દીધું. સિનિયર કે.જીના અભ્યાસનું એક વર્ષ પૂરું થતાં નમને હવે પ્રાયમરી સ્કૂલમાં જવાનું હતું. અર્પણાદેવી નમનને તૈયાર કરીને જાતે જ સ્કૂલે મૂકવા જતાં એકવાર શાળા છૂટી ત્યારે એક પટાવાળાએ નમનને ઊભો રાખીને કહ્યું : 'નમન, તારી મમ્મી આખો દિવસ અહીં જ બેસી રહે છે. આવી મા આ સ્કૂલમાં મેં હજી સુધી બીજી કોઈ
જોઈ નથી.''
અને મમ્મીને વ્હાલથી ભેટી નમન મમ્મી સાથે ઘરે ગયો હતો. મમ્મી આખો દિવસ ભૂખી-તરસી નમનની સ્કૂલની બહાર બેસી રહી હતી. ઘરે જઈને એણે તરત જ નમન માટે ગરમાગરમ રસોઈ બનાવી દીધી હતી. ભોજન બાદ સરસ મજાની વાર્તા કહીને અર્પણાદેવીએ નમનને સુવાડી દીધો હતો.
અર્પણાદેવીની દીનચર્યામાં નમનની દેખરેખ સિવાય બીજું કોઈ કામ નહોતું. સવારે ઊઠીને નમનને તૈયાર કરીને સાથે નાસ્તા લઈને અર્પણાદેવી તેને સ્કૂલે મૂકવા જતાં અને સાંજે એના છૂટવાના સમય સુધી બહાર બેસી રહેતાં.
નમને એક વાતની ખાસ નોંધ લીધી હતી કે એના મમ્મી પપ્પાના ફોટાને સવાર સાંજ વંદન કેમ કરે છે ? અને પપ્પા વિષે કદિયે ઘસાતું બોલતી કેમ નથી ? નમન જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મમ્મીના પ્રેમ અને લાગણીને વધુ ને વધુ સમજતો થયો…. અને યાદ આવ્યું : ફી નહીં ભરી શકવાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલે મમ્મીને બોલાવીને ધમકાવ્યા હતા. બીજે જ દિવસે મમ્મીના ગળાનું મંગળસૂત્ર ગાયબ હતું. અને નમનની ફી ભરાઈ ગઈ હતી. નમન મમ્મીને વગર પૂછે સઘળી વાત સમજી ગયો હતો.
નમનના પપ્પા ગયા તે ગયા જ. એમણે પાછું વળીને ઘર તરફ જોયું જ નહોતું.
તેઓ મુંબઈમાં એક રૂમ ભાડે રાખીને બીજી કોઈ સ્ત્રી સાથે રહે છે, એવા સમાચાર અર્પણાદેવીને મળ્યા હતા, પણ અર્પણાદેવીએ લાચારીને બદલે ખુમારી કેળવી લીધી હતી.
નમનના અભ્યાસના ખર્ચને પહોંચી વળવા અર્પણાદેવીએ સવાર-સાંજ રસોઈ કરવાની નોકરી શરૂ કરી હતી… નમને બાર સાયન્સની પરીક્ષા આપી ત્યારે પરીક્ષા કેન્દ્ર પર મોટાભાગના વિદ્યાર્થીઓનાં મમ્મી-પપ્પા હાજર હતાં. એક છોકરાએ નમનને પૂછ્યું ''નમન, તારાં મમ્મી-પપ્પા કયાં છે ?''
ત્યારે નમને કહ્યું હતું ''મમ્મી અને પપ્પા બન્નેની ગરજ સારે એવી માનું સુખ બધાના નસીબમાં નથી લખાયેલું હોતું. મારા મમ્મી જ મારા પપ્પા છે.''
હાયર સેકંડરીમાં નમન ઊંચા ટકા સાથે પાસ થયો, પછી બીબીએ અને એમબીએની પદવી પણ મેળવી. એણે જોયું કે તેની મમ્મીના કાનમાં નહોતી બુટ્ટી કે નહોતી હાથમાં બંગડી! ઘરમાં પિત્તળના વાસણો પણ નહીંવત્ રહ્યાં હતાં.
અને પોતાની તપસ્વિની માતાને નમને દેવીની જેમ પૂજવાનો સંકલ્પ કર્યો હતો. સવારે ઉઠીને માતાને વંદન કરતો. રાત્રે થાકીને સૂતેલી મમ્મીના પગ પણ દાબી આપતો. અને એક દિવસ સવારે પપ્પાના ફોટાને નમન કરતી મમ્મીને જોઈ નમને કહ્યું હતું : ''મમ્મી, પલાયનવાદી પુરુષ પ્રણામને લાયક નહીં, દંડને લાયક ગણાય. તારે માથે દુ:ખના ડુંગર ખડકીને ચાલ્યા જનાર પુરુષની શા માટે આટલી બધી પૂજા કરે છે ?''
ત્યારે મમ્મીએ કહ્યું હતું : ''બેટા, સંસાર એક યજ્ઞા છે. ક્યારેક એ યજ્ઞા સજોડે કરવો પડે છે તો ક્યારેક એકલા અટૂલા આપણે સૌ સંસારી પરસ્પરના દોષોને યાદ રાખીએ છીએ પણ એકાદ ગુણ કે ઉપકારને યાદ નથી રાખતા. અહેસાનની શાન જાળવવી એતો ભારતીય સંસ્કૃતિનો જીવનમંત્ર છે.''
''પણ મમ્મી, પપ્પાએ તમારા પર કયો અહેસાન કર્યો છે, એ તો કહો, તમારે માટે જીવનભરનો ઝુરાપો મૂકીને ભાગી ગયા. એમનો કયો ઉપકાર યાદ રાખીને તમે એમને વંદન કરવાનું ચૂકતા નથી.'' નમને તેની મમ્મીને સહેજ રોષ સાથે પૂછ્યું હતું.
''બેટા, તારા પપ્પાનો મારી પર જિંદગીભર હું ન ભૂલી શકુું એવો એક મહાન ઉપકાર છે. એમણે મને તારા જેવા માતૃભક્ત દીકરાની ભેટ આપી છે.'' મમ્મીએ કહ્યું હતું. ત્યારે મમ્મીને કોટે વળગીને નમન નાના બાળકની જેમ છૂટ્ટા મોઢે રડયો હતો.
નમનની વિચારયાત્રા ચાલુ હતી, ત્યાં પ્યુન મયુર આવી પહોંચ્યો, ''કેમ સર, ઘરે નવું નથી ? તમારા મમ્મી તમારી રાહ જોતા હશે ?''
વિચારતંદ્રામાંથી નમન સફાળો જાગી ગયો અને જલ્દી ઘરે પહોંચવા માટે ઝડપથી ગાડી હંકારી મૂકી હતી.
નમનને ગાડીમાંથી ઉતરતો જોઈને જ અર્પણાદેવીએ કલ્પના કરી લીધી હતી કે નમનને મોટા પગારની નોકરી મળી ગઈ છે.
અને ''ઊભો, રહેજે દીકરા'' કહીને અર્પણાદેવી આરતીની થાળી લેવા દોડી ગયા હતા.
તેમણે નમનની આરતી ઉતારી પછી પોતાના પતિના ફોટાની આરતી કરતાં કહ્યું હતું કે : ''મેં તમારી થાપણને જાળવી છે અને સવાઈ કરીને સમાજને ચરણે ધરી છે. તમે જ્યા રહેતાં હો ત્યાંથી મારા આ લાડકા દીકરાને દુવા દેજો.''









