ઇથેનોલમાં કેટલું લોલમલોલ? પેટ્રોલ કરતાં પણ વધુ બળે એવી અગન છે સહનશક્તિની કસોટીમાં!

સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
નિષ્ણાતો મુજબ ૨૦૨૩માં ભારતમાં આખા વર્ષમાં માત્ર ૧ કરોડ ગેલન ઇથેનોલ આયાત થતું હતું, ત્યાં ૨૦૨૫ના અંત સુધીમાં દર મહિને ૩ કરોડ ગેલન આયાત થવા લાગ્યું.
પી આઈબીપર ૦૪ નવેમ્બર ૨૦૨૧ના રોજ એક ફેક્ટશીટ પ્રકાશિત કરવામાં આવી હતી. શીર્ષક હતું : 'ઈથેનોલ ગ્રોથ સ્ટોરી'. ફેક્ટશીટના પ્રથમ પાના પર જણાવવામાં આવ્યું છે કે પટ્રોલિંગમાં ઈથેનોલ ભેળવવાની શરૂઆત ૨૦૦૧માં (જયારે વાજપેયીની એનડીએ સરકાર હતી) પાયલોટ (ટ્રાયલ/પ્રયોગ) ધોરણે કરવામાં આવી હતી. પરંતુ તેમાં કોઈ ખાસ પ્રગતિ થઈ ન હતી. તે જ ફેક્ટશીટના બીજા પાના પર જઈએ તો, પહેલો મુદ્દો છે : ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનો કાર્યક્રમ) જાન્યુઆરી ૨૦૦૩માં (અટલ સરકારમાં) શરૂ થયો.
ફેક્ટશીટને થોડી વધુ તપાસીએ. ૨૦૦૬માં પેટ્રોલિયમ મંત્રાલયે સરકારી તેલ કંપનીઓને ૨૦ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૫% ઈથેનોલયુક્ત પેટ્રોલ વેચવા કહ્યું હતું. પણ ૨૦૧૯ સુધી માત્ર ૫% ઈથેનોલ મિશ્રણનો કાર્યક્રમ માત્ર ગણ્યા-ગાંઠયા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ લાગુ થઈ શક્યો હતો. પછી છેલ્લા વર્ષોમાં એમાં વેગ આવ્યો.
ને સ્પીડ એવી આવી કે સરકારના બેનર હેઠળ ખાનગી કાર કંપનીઓ પ્રેસ કોન્ફરન્સ કરવા લાગી! ભારતમાં સૌથી મોટી કાર કંપની મારુતિ છે. જૂનમાં તેનું વેચાણ ૧,૪૭,૧૮૭ રહ્યું, જે એક મહિના પહેલા એટલે કે મે મહિનાના ૧,૯૦,૩૩૭ થી ૨૨.૬૭% ઓછું છે. હ્યુંડઈનું વેચાણ મે મહિનામાં ૪૭,૮૩૭ હતું, જે જૂનમાં ઘટીને ૩૯,૬૩૫ થઈ ગયું (એટલે કે ૧૭.૧૫% નો ઘટાડો). ટોયોટાનું વેચાણ ૬.૯૮% ઘટયું. કિયાનું વેચાણ ૧૧% ઘટયું અને રેનોનું વેચાણ ૧.૨૨% ઘટયું.
જોકે, કેટલીક કંપનીઓના વેચાણમાં વધારો પણ થયો. જેમ કે, જેએસડબલ્યુ એમજીના વેચાણમાં સૌથી વધુ ૨૫.૧૩%નો વધારો થયો અને તે ૭,૫૬૮ પર પહોંચ્યું. ટાટાનું વેચાણ ૫.૦૫% વધીને ૬૨,૦૭૬ અને મહિન્દ્રાનું વેચાણ ૪.૦૯% વધીને ૬૦,૩૯૩ થયું છે. હવે થોડો અક્કલનો ઇસ્તમાલ કરો. મારુતિ, હ્યુંડઈ, કિયા અને ટોયોટા- આ ચારેયના પોર્ટફોલિયોમાં પેટ્રોલ કારોનું વર્ચસ્વ છે. ઇથેનોલના મિશ્રણને કારણે પેટ્રોલ કાર વાપરનારાઓને નુકસાન થઈ રહ્યું છે, તેથી લોકો પેટ્રોલ કાર ખરીદતા ડરવા લાગ્યા છે. બીજી તરફ, ટાટા અને મહિન્દ્રા પાસે ડીઝલ પોર્ટફોલિયો પણ મોટો છે અને બંનેની ઇલેક્ટ્રિક વ્હીકલ યાને ઈવી કારો પણ બજારમાં પકડ જમાવી રહી છે, તેથી તેમનું વેચાણ થોડું વધ્યું છે.
પરંતુ, પેટ્રોલ કારોનું વેચાણ જેટલું ઘટયું છે, તેટલો વધારો ડીઝલ કે ઇવી કારોમાં જોવા મળ્યો નથી. મારુતિ (-૪૩,૧૫૦), હ્યુંડઈ (-૮,૨૦૨), ટોયોટા (-૨,૧૩૩) અને કિયા (-૩,૦૩૪) મળીને કુલ ૫૬,૫૧૯ યુનિટનું વેચાણ ઘટયું છે. જ્યારે ટાટા (+૨,૯૮૬), મહિન્દ્રા (+૨,૩૭૨), એમજી (+૧,૫૨૦) અને નિસાન (+૫૮) મળીને કુલ ૬,૯૩૬ યુનિટનો વધારો થયો છે. એટલે કે, એક જ મહિનામાં કુલ મળીને આશરે ૫૦,૦૦૦ યુનિટનું નુકસાન થયું છે. આ નુકસાનનું એકમાત્ર કારણ ઈ૨૦ પેટ્રોલ નથી, પણ એક કારણ એ છે જ ને બીજું, વધુ સેલ ડાઉન થાય એ કોઈ કંપનીને પોસાય નહિ, માટે લોકોમાં પેનિક અટકાવી એમને પ્રોત્સાહિત
કરવા પડે.
'૨૦% ઇથેનોલ વાળા તેલ પર પૂરતું સાયન્ટીફિક ટેસ્ટિંગ કર્યું છે' વાળા ગડકરી સાહેબના દાવા ચકાસવા પર અહેવાલ હતો કે કોઈએ એનો ડેટા મેળવવા આરટીઆઈ કરી. ક્યારે ટેસ્ટિંગ થયું, કેટલી કારો કે બાઈકનું ક્યાં સંજોગોમાં ટેસ્ટિંગ થયું, વગેરે વિગતે જણાવો. પેટ્રોલિયમ મંત્રાલયે જવાબ આપવાનો ઇનકાર કરી દીધો અને એવું કહ્યું કે આ માહિતી 'કોન્ફિડેન્શિયલ કમશયલ સિક્રેટ' છે! પછી નવા જે સત્તાવાર ખુલાસા આવ્યા એમાં અમુક હજાર કિમી સુધી કાર કે બાઈકમાં કોઈ 'નોંધપાત્ર નુકસાન' (સિગ્નિફિકન્ટ ડેમેજ) નથી એવું લખાયું છે. એટલે શું સમજવાનું? કેટલા કિમી પછી નોંધપાત્ર નુકસાન થઇ શકે? કે નુકસાન થાય છે પણ નોંધપાત્ર નથી?
એક વ્યક્તિએ મેઘાલયના એક ગામનો વીડિયો બનાવ્યો, જ્યાં ઇથેનોલ પ્લાન્ટ ચાલી રહ્યા છે. મેઘાલય દેશમાં સૌથી વધુ વરસાદ ધરાવતું રાજ્ય છે, જ્યાં વસ્તી પણ ઘણી ઓછી છે. તેમ છતાં, મેઘાલયનું એક ગામ દિલ્હી કરતાં પણ વધુ પ્રદૂષિત બની ગયું છે. ઇથેનોલનો 'વોટર ફૂટપ્રિન્ટ' ભવિષ્ય માટે ભયાનક સંકેત આપી રહ્યો છે. અનાજમાંથી ઇથેનોલ મેળવો તો એ ઉગાડવાનું પાણી વધારાનું ક્યાંથી આવશે? ઓલરેડી આપણે ત્યાં વોટર ક્રાઈસીસ છે. હજુ તો એ આઇની ચિપના ડેટા સેન્ટરો ને ઈવી કારની બેટરીઓમાં વપરાતું પુષ્કળ ચોખ્ખું પાણી આપણે ગણતા નથી ને કોઈ નાગરિકને એની પડી પણ નથી!
પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવું એ સંપૂર્ણપણે ખોટું નથી. મર્યાદિત પ્રમાણમાં તેનું મિશ્રણ સરવાળે થોડું ફાયદાકારક છે. પરંતુ જ્યારે આપણે ઈથેનોલના ઉત્પાદન માટે શેરડી, મકાઈ અને ચોખા જેવા પાકોનો મોટા પાયે ઉપયોગ કરવા લાગીએ છીએ, ત્યારે વાત જોખમી બની જાય છે. ભારત જેવા દેશમાં ઘણું અનાજ વ્યવસ્થાના અભાવે સડી જાય છે. આપણે આ સરપ્લસ અનાજમાંથી ઈથેનોલ બનાવી શકીએ છીએ. આપણે પેલા દિલ્હીમાં દર શિયાળે બૂમરાણ મચે છે એ પરાળ (ખેતીનો કચરો) અને શહેરી કચરા (મ્યુનિસિપલ વેસ્ટ) માંથી પણ ઈથેનોલ બનાવી શકીએ છીએ. પેલા નગરી નગરી દ્વારે દ્વારે બનતા કચરાના કૃત્રિમ પહાડો પણ દૂર થઈ શકે. પેટ્રોલમાં ૫-૧૦% ઈથેનોલનું મિશ્રણ લગભગ સુરક્ષિત મનાય છે,કચરાને બદલે સીધા અનાજમાંથી ઈથેનોલ બનાવવાની મશીનો સસ્તી હોય છે,ને પ્રક્રિયા ઝડપી અને સરળ છે. અને નફો ખૂબ જ વધુ હોય છે. જો અગાઉથી જ શુગર મિલ હોય, તો વધારાનો ખર્ચ નજીવો! હવે આપણે ઈથેનોલના ઉત્પાદનમાં સીધા અનાજના ઉપયોગની છૂટ
આપી દીધી.
ભારતમાં કાર માત્ર લક્ઝરી નથી. અર્થતંત્રમાં રિયલ એસ્ટેટ જેવી એસેટ છે. ઓલરેડી એક લીટર પેટ્રોલ સો રૂપિયાનું હોય તો બધા ખર્ચ બાદ કરતા પણ ૫૦% સરકારી તિજોરીમાં જાય છે. સેમ્પલ સમજો. એક કાર છે, જેની બેઝ એક્સ-શોરૂમ કિંમત ૧૦ લાખ રૂપિયા છે. તેમાં સૌથી પહેલા ૧૮% જીએસટી ઉમેરાશે, એટલે કે જીએસટીના ૧.૮૦ લાખ રૂપિયા અને એક્સ-શોરૂમ કિંમત થઈ ગઈ ૧૧.૮૦ લાખ રૂપિયા. ત્યારબાદ રોડ ટેક્સ.જેનો દર રાજ્યો મુજબ ૪-૧૩% છે. એટલે કે રોડ ટેક્સના ૪૭ હજાર થી ૧.૫૪ લાખ રૂપિયા થાય. રજીસ્ટ્રેશન/આરટીઓ ચાર્જ રાજ્ય મુજબ ૦.૫-૨%, એટલે કે ૬ હજાર થી ૨૪ હજાર રૂપિયા. જીએસટી સાથે વીમાના (ઈન્સ્યોરન્સ) ૨૫-૩૦ હજાર રૂપિયા થશે, એટલે કે વીમા પર જીએસટી આશરે ૫ હજાર રૂપિયા. ઓન-રોડ તમને કાર ૧૩-૧૪ લાખ રૂપિયાની પડશે. તેમાં ૨.૫ લાખ થી ૩.૫ લાખ રૂપિયા તરત જ સરકારના ખજાનામાં જતા રહે છે.
જો તમે વર્ષ દરમિયાન ફક્ત ૧૦,૦૦૦ કિલોમીટરગાડી ચલાવો અને એની એવરેજ ૧૫ ની હોય, તો તમે આશરે ૬૬૭ લિટર પેેટ્રોલ વાપર્યું. એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો ટેક્સ મળીને ૫૦%થી ઉપર થઈ જાય છે. એટલે કે તમે પેટ્રોલ પર દર વર્ષે ટેક્સના રૂપમાં ખજાનામાં ૩૫-૪૦ હજાર રૂપિયા આપશો. ભલે તમે ૧૫ વર્ષનો રોડ ટેક્સ પહેલા જ આપી દીધો હોય, છતાં તમે અલગથી 'ટોલ'ના નામે બેહિસાબ રોડ ટેક્સ આપશો. તમે વર્ષમાં ઓછામાં ઓછી એક વાર ગાડીની સર્વિસ કરાવશો, તેમાં પણ જીએસટીથી સરકારને પૈસા મળશે. મતલબ કે તમે એક સામાન્ય કાર ખરીદો છો, તો તેનું એક વર્ષ પૂરું થતા સુધીમાં તમે સીધા સરકારના ખજાનામાં આશરે ચારેક લાખ રૂપિયા આપી દો છો. અને સરકારે ઝડપ અને સુવિધા અંતે જ નવા બનાવેલા રોડ પર ૮૦ કિમી ઉપર જશો તો પોલીસ ચાલાન આપી દેશે!હવે કાર જેમ મોટી થાય એમ એની એવરેજ ઘટે, ટેક્સ અસાધારણ હદે વધે એ રીતે સરકારને કારદીઠ મળતા લાખો રૂપિયા પણ વધતા જાય.
આ સરકારની ડાયરેક્ટ ઇન્કમ પણ અંદાજિત છે. વાસ્તવિક આંકડો આનાથી વધુ જ રહેશે. કાર જેટલી ચાલશે, તેટલો સરકારનો ખજાનો ભરાશે. તમે નવી કાર લીધી, એટલે તમે કાર બનાવનારી કંપનીને બિઝનેસ આપ્યો. કાર કંપનીએ તેના પાર્ટ્સ ઘણી નાની કંપનીઓ પાસેથી લીધા - કોઈની પાસેથી બ્રેક, કોઈની પાસેથી લાઈટ, કોઈની પાસેથી સ્ટીયરિંગ, એન્જિન કે સીટ. મતલબ કે ડઝનબંધ નાની કંપનીઓને કામ મળ્યું. ત્યારબાદ કારની ડીલરશીપને બિઝનેસ મળ્યો. તમે કારનું ફાઈનાન્સ કરાવ્યું, તો બેંકને પણ બિઝનેસ મળ્યો. કાર સડક પર ચાલી, તેમાં ફ્યુઅલ વપરાયું. તેણે રિફાઈનરી, રિફાઈનરીથી પંપ સુધી લાવનાર ટેન્કર, અને પેટ્રોલ પંપ ડીલર સુધીના દરેકને બિઝનેસ આપ્યો. બધાએ પોતાના બિઝનેસ પર સરકારને ટેક્સ આપ્યો. આટલી પ્રક્રિયામાં સેંકડો લોકોને રોજગાર મળ્યો. બધાએ પગારમાંથી પોતાના પરિવારનો ખર્ચ ચલાવ્યો.એમણે રસોઈ કરવા ધારો કે મીઠું પણ ખરીદ્યું, તો તેમાં સરકારને ટેક્સ આપ્યો. કારની સર્વિસ થશે, રિપેરિંગ થશે, પીયુસી કઢાવશો, દર વર્ષે વીમો ઉતરાવશો. મતલબ કે કારનો પહેલો ભાગ બનતાની સાથે જ અર્થતંત્રમાં જે ચેઈન રિએક્શન શરૂ થાય છે, તે કાર કબાડ થાય ત્યાં સુધી ચાલતું રહે!
'સાયન્સ ડાયરેક્ટ'નો એક રિપોર્ટ કહે છે કે એક કાર તેની શરૂઆતની કિંમતના ૩-૪ ગણા જેટલી જીડીપી પેદા કરે છે. એટલે કે જો તમે ૧૦ લાખની એવરેજ કાર ખરીદો છો, તો તમે દેશને ૩૦-૪૦ લાખ રૂપિયાનું અર્થતંત્ર બનાવીને આપી રહ્યા છો. ૨૫ લાખ ની કારથી તમે દેશને ૧ કરોડ સુધીની જીડીપી આપી રહ્યા છો. મતલબ, પોતાની કારોથી ચાલતા લોકો પેલી ઘણીં બધી 'ચુનાવી રેવડીઓ'ને સ્પોન્સર કરી રહ્યા છે!
જ્યાં હજુ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન વર્ષો પછી નથી બની એ ભારત અચાનક ઈથેનોલ અને આઈસોબ્યુટેનોલ પાછળ આટલું બધું કેમ પગલું-દીવાનું થયું કે ટાર્ગેટથી ૫ વર્ષ વહેલું ઈ૨૦ હિન્દીમાં આનનફાનન કહેવાય એમ લોન્ચ થયું? સોશ્યલ મીડિયામાં એવા દાવાઓ થાય છે કે ઉપરથી ૨૦% જ કહેવાય છે, પરંતુ ઘણી જગ્યાએ મિશ્રણ વધારી દેવામાં આવ્યું છે. આ એક પ્રકારનું ટેસ્ટિંગ છે, કારણ કે સરકારની યોજના ઇથેનોલને ૨૦%થી પણ ઉપર લઈ જવાની છે. ૨૦% ઈથેનોલવાળું પેટ્રોલ તો સ્ટાન્ડર્ડ બની જ ગયું છે.
ઓનલાઈન થતા સામસામાં દાવાઓ અને ઓક્ટેનના અટપટા સાયન્સમાં નાં પડીએ તો પણ વૈજ્ઞાનિક વાત. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલમાં અમુક મુશ્કેલી છે, જે સામાન્ય પેટ્રોલમાં નથી. ઇથેનોલ વાતાવરણમાં રહેલા ભેજને ખૂબ જ ઝડપથી શોષીને બળતણથી અલગ રાખવાને બદલે તેને પોતાની અંદર ખેંચી લે છે. યાને કે જે ભેજવાળું વાતાવરણ સામાન્ય પેટ્રોલ માટે નુકસાનકારક નથી, તે જ વાતાવરણ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને દૂષિત કરી દે છે.અને બહારનું પાણી - પછી તે પેટ્રોલ પંપના લીક થતા ટેન્કમાંથી હોય, ચોમાસાના વરસાદને લીધે પાણી અંદર જતું હોય, અથવા ટેન્કની નબળી જાળવણીને કારણે હોય કે પંપમાં જ સરખી જાળવણી ના થાય એટલે હોય. આવા સમયે ઇથેનોલ પાણી સાથે જોડાઈ જાય છે અને પેટ્રોલથી અલગ થઈ જાય છે.
આ પ્રક્રિયાને કારણે બળતણમાંથી ઓક્ટેન વધારનારું તત્વ દૂર થઈ જાય છે અને ટેન્કના તળિયે એક કોરોઝિવ યાને ધાતુનો ક્ષય કરતુ પાણી-ઇથેનોલનું લેયર બની જાય છે, જે એન્જિનને નુકસાન પહોંચાડે છે. ગાડી એ માટે ટયુન ના થઇ હોય તો એન્જિનને નુકસાન કરવામાં ફેરવી નાખે છે. એટલે બધા દેશો ઇથેનોલ ફ્યુઅલનો ઓપ્શન (મેઈન સ્ટ્રીમ નહિ, પણ ઓપ્શન) આપતા પહેલા એને અનુરૂપ મોડેલ બનાવે છે ગાડીઓના. પછી બ્રાઝિલ હોય કે અમેરિકા. આપણે ત્યાં તો છેલ્લા બે ત્રણ વર્ષમાં એને લગતા મોડેલ આવ્યા હોવાનું કહેવાય છે. એનો પણ પૂરો ડેટા નથી. દેશમાં કરોડો વાહનો એથી ક્યાંય જૂના છે ને રાતોરાત બદલવા શક્ય નથી કોઈ માટે.
ગ્રાહક તો બિચારો ફરિયાદ કરે છે. ટોયોટા હાઈક્રોસનો વિડીયો ખૂબ ગાજ્યો ને કંપનીના ભારતીય સીઈઓએ ચોખવટ કરી કે ગાડી ઈ-૨૦ને કારણે બગડી એવું કહેવું ખોટું છે. કંપનીએ ગાડી બગડવાનું કારણ 'અડલ્ટરેટેડ ફ્યુઅલ' એટલે કે ભેળસેળિયું તેલ જણાવ્યું છે. પહેલો સવાલ એ થવો જોઈએ કે 'ભેળસેળિયું તેલ' એટલે શું? શું ઇ૨૦ ભેળસેળિયું તેલ ગણાય? સરકાર અને કંપનીઓની વાત માનીએ, તો એને ભેળસેળિયું ન કહી શકાય. એ તો હવે ન્યુ નોર્મલ, રેગ્યુલર છે. ચાલો, આ સ્વીકારી લઈએ, તો તેનો અર્થ એ થાય કે ૨૦% થી વધુ ઈથેનોલવાળા તેલને ભેળસેળિયું માનવામાં આવશે? ચાલો, એવી શંકા પણ આપણે ના કરીએ.
પણ કોઈ કાર કે બાઈકમાલિક પોતાના ઘરે તો પેટ્રોલ કે ઈથેનોલ નથી બનાવતું. દેશમાં જેટલા પણ પેટ્રોલ પંપ ચાલે છે, તે બધા સરકાર પાસેથી લાઇસન્સ પ્રાપ્ત છે. હવે જો ભેળસેળિયું પેટ્રોલ સરકારી લાઇસન્સવાળા પંપ પર જ મળતું હોય, તો આ કોનો દોષ છે તો પછી ભેળસેળિયા તેલથી થતા નુકસાન માટે કસ્ટમર પાસેથી જ કેમ વસૂલાત થાય? તમારી ગાડી અચાનક બગડશે, એટલે કંપની કહેશે કે ભેળસેળિયા ઇંધણને કારણે સમસ્યા થઈ છે અને અમે વોરંટી નહીં આપીએ. ઈન્સ્યોરન્સવાળા કહેશે કે તમે ભેળસેળિયું તેલ વાપર્યું હતું, એટલે ક્લેમ નહીં મળે. તમે કેવી રીતે સાબિત કરશો કે તમે જે પેટ્રોલ લીધું હતું તે ભેળસેળિયું નહોતું?
જેમ કોવિડ દરમિયાન થયેલા મૃત્યુને સરકારી આંકડાઓમાં માત્ર 'તાવ' ગણાવવામાં આવ્યો, પણ એ ન કહેવાયું કે તાવનું કારણ કોવિડ હતું, તેવી શબ્દોની રમત હશે? કે પછી રામ મંદિરના ફાળામાં ગોટાળા બાબતે એવું કોઈએ કહ્યું કે ભલે ચોરી કરી પણ પૈસા તો રામભક્તો પાસે જ ગયા ને એવો જવાબ સાંભળવાનો?
અને નોર્મલ પેટ્રોલ તો નોટબંધીની જેમ અલોપ થઇ ગયું છે. એકસો સિત્તેર આસપાસનું પાવર સ્પીડ કે એક્સપી શુદ્ધ પેટ્રોલ તરીકે લેવું બધાને પોસાય નહિ ને બધા વાહનો માટે એ છે પણ નહિ. અરે, બધા પંપ પર મળતું ય નથી! સ્પોર્ટ્સ કાર કે લક્ઝરી માટે છે. એના એમટીબીઈ મિથાઈલ ટેર્ટ બ્યુટાઈલ ઇથર કન્ટેન્ટની પણ ચર્ચા છે. પણ એ જવા દો, ઇથેનોલ મિશ્રિત સસ્તું હોય માઈલેજ ઘટવા સામે સરભર કરવા એવું પણ નથી. એનો ભાવ તો ક્રૂડના ભાવ ઘટયા બાદ પણ નોર્મલ પેટ્રોલ જેટલો જ છે!
પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના સરકારી આંકડા મુજબ, ભારતમાં પેટ્રોલનો વપરાશ વાષક ૫,૦૦,૦૦૦ લાખ લિટરથી ઉપર નીકળી રહ્યો છે. ધારો કે આપણે દેશના તમામ સરપ્લસ મકાઈ, ચોખા અને શેરડીને માત્ર ઈથેનોલ બનાવવામાં વાપરી નાખીએ, તો આંકડાઓ કંઈક આવા છે :કૃષિ મંત્રાલય મુજબ, ગયા પાક વર્ષમાં લગભગ ૩૫૦ લાખ ટન વધારાની મકાઈ હતી. ૧ ટન મકાઈમાંથી ૩૮૦ લિટર ઈથેનોલ બને છે, એટલે કે કુલ ૧,૩૩,૦૦૦ લાખ લિટર ઈથેનોલ બની શકે.એ જ રીતે ૨૦૦ લાખ ટન વધારાના ચોખા છે. ૧ ટન ચોખામાંથી ૪૫૦ લિટર ઈથેનોલ બને છે, એટલે કે ૯૦,૦૦૦ લાખ લિટર ઈથેનોલ બની શકે. શેરડીનું સરપ્લસ ૨૦૦૦ લાખ ટન હતું. ૧ ટન શેરડીમાંથી ૮૦ લિટર ઈથેનોલ બને છે, એટલે કે ૧,૬૦,૦૦૦ લાખ લિટર ઈથેનોલ બની શકે.
આ ત્રણેયનો સરવાળો કરીએ તો લગભગ ૩,૮૩,૦૦૦ લાખ લિટર ઈથેનોલ બને છે. જ્યારે આપણી પેટ્રોલની ખપત ૫,૦૦,૦૦૦ લાખ લિટર છે. એટલે કે જો આપણે ચોખા, મકાઈ અને ખાંડની નિકાસ સંપૂર્ણપણે બંધ કરી દઈએ અને આખું સરપ્લસ ઈથેનોલમાં વાપરી નાખીએ, તો પણ ૧,૧૭,૦૦૦ લાખ લિટરની ઘટ રહે જ છે.વળી,ભારતમાં દર વર્ષે લગભગ ૧૦,૦૦,૦૦૦ લાખ લિટર ડીઝલનો વપરાશ થાય છે. હવે ડીઝલમાં ૧૫% આઈસોબ્યુટેનોલ ભેળવવાની યોજના છે, જેનો આંકડો ૧,૫૦,૦૦૦ લાખ લિટર થાય છે. આ પણ અનાજમાંથી જ બનશે. હવે પ્રશ્ન એ છે કે જ્યારે બધું સરપ્લસ અનાજ વપરાઈ ગયા પછી પણ ઘટ પડે છે, ત્યારે આ આઈસોબ્યુટેનોલ બનાવવા માટે અનાજ ક્યાંથી આવશે?
જવાબ અમેરિકાનિર્ભર ભારત છે?તો 'ગ્રીન ફ્યુઅલ રિવોલ્યુશન'નો સૌથી મોટો ફાયદો કોને મળશે? ભારતીય ગ્રાહકને કે અમેરિકી ઉત્પાદકોને? ચીન અમેરિકાના મકાઈ (કોર્ન)નો સૌથી મોટો ખરીદદાર હતું. ૨૦૨૩માં સામસામી શાબ્દિક બટાઝટી બોલી, પછી ચીને અમેરિકાથી મકાઈની ખરીદી એકદમ બંધ કરી દીધી. આનાથી અમેરિકાના ખેડૂતોમાં હાહાકાર મચી ગયો, કારણ કે તેમની એક તૃતીયાંશ મકાઈ ચીન જ ખરીદતું હતું. ભારતે એ ખાલી જગ્યા પૂરી દીધી હોય એવો ભાસ થાય છે. જો કે, આપણે તો હવે ચીની કંપનીઓને પણ ટેન્ડર આપ્યા છે આપણા કામ માટે!
નિષ્ણાતો મુજબ ૨૦૨૩માં ભારતમાં આખા વર્ષમાં માત્ર ૧ કરોડ ગેલન ઇથેનોલ આયાત થતું હતું, ત્યાં ૨૦૨૫ના અંત સુધીમાં દર મહિને ૩ કરોડ ગેલન આયાત થવા લાગ્યું.હકીકતમાં, અમેરિકા દ્વારા ભારતને કરવામાં આવતી ઇથેનોલની નિકાસ ઇતિહાસના સર્વોચ્ચ સ્તર એટલે કે દર મહિને ૩.૧ કરોડ ગેલનને પાર કરી ગઈ છે.ભારત પોતે એક કૃષિપ્રધાન દેશ છે, તો પછી શેરડી મકાઈની અમેરિકા પાસેથી ખરીદવાની જરૂર કેમ પડી? અને જો ઇથેનોલ આટલી જ સારી વાત છે, તો અમેરિકા પોતે ઈ૨૦ પેટ્રોલ કેમ નથી ગાડીઓમાં ફરજીયાત ભરાવતું?
અમેરિકા પણ પોતાના ઇંધણમાં ઇથેનોલ ભેળવે છે, પરંતુ માત્ર ૧૦%. તેને ઇ૫ કે ઇ૧૦ ફ્યુઅલ કહેવામાં આવે છે, જેના માટે ત્યાંની ગાડીઓ વર્ષો પહેલાથી બ્રાઝિલની જેમ કોમ્પિટેબલ બનાવાઈ છે, પણ તેનાથી વધુ માત્રા ધરાવતું ઇંધણ ત્યાં અલગથી વેચવામાં આવે છે અને ગ્રાહકને જણાવીને વેચાય છે કે આ 'બ્લેન્ડેડ' તેલ છે. તે નોર્મલ પેટ્રોલ કરતા સસ્તું પણ હોય છે અને તેને 'ફ્લેક્સ ફ્યુઅલ' કહેવામાં આવે છે. તેનો ઉપયોગ જનરેટર કે ઘાસ કાપવાના મશીનમાં મોટે ભાગે આપણા કેરોસીનની માફક ત્યાં થાય છે. પણ ત્યાં ૧૦% થી વધુ ઇથેનોલ કારના ઇંધણમાં નથી ભેળવવામાં આવતું,
પણ આપણે તો અહીં 'ફ્લેક્સ ફ્યુઅલ' ને પેટ્રોલના નામ પર જબરદસ્તી વેચવામાં આવી રહ્યું છે અને કોઈ બીજો વિકલ્પ પણ આપવામાં આવતો નથી. અરે, એકમત થઇ દુનિયામાં બધા કહે છે કે તળેલા પેક નાસ્તા, મેંદાના બિસ્કીટ બ્રેડ કે શુગરવાળા ડ્રિંંક હાનિકારક છે. એટલે શું કાલે બિસ્કીટને બદલે બદામ ફરજીયાત કરવાની ? શરબતને બદલે દરેક ઘરમાં છાશ જ પીવી એવો નિયમ કરવાનો ? તમામ પામ ઓઈલના નાસ્તા બંધ કરાવાય છે ? લોકશાહીમાં ફ્રીડમ ઓફ ચોઈસ હોય. પરાણે કોઈને સ્વાસ્થ્યવર્ધક દવા પણ ના આપી શકાય. હા, એને ધીરે ધીરે જાગૃત કરી શકાય.
સરકારનું મુખ્ય કાર્ય લોકોને ઉપર ચઢવા માટેની સીડી પૂરી પાડવાનું છે, ન કે એવા લોકોને ધક્કો મારીને પાછા નીચે પાડી દેવાનું, જેઓ પોતાની મહેનતથી થોડા ઉપર પહોંચ્યા છે. ભારતમાં માંડ નાની કાર કે મોટરસાયકલ ખરીદનારા સામાન્ય ઉપભોક્તાઓ જ બહુમતીમાં છે. ભારતની અર્થવ્યવસ્થાના એન્જિનની સકસેસ સ્ટોરી એમના કન્ઝમ્પશન પર ટકેલી છે, રાજકારણે ધર્મ અને અબજપતિઓ વચ્ચે લાવ્યા વિના ઉપરાંત આ બાબતે સંવેદનશીલ થવું જોઈએ. તો જ લોકશાહી ટકે.
વેલ, આ મામલે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવી ચૂક્યા છે. ઇ૨૦ ફ્યુઅલના મુદ્દે ગયા વર્ષે લોકો સુપ્રીમ કોર્ટમાં લઈને ગયા હતા. પીઆઇએલમાં માત્ર એટલી જ માંગણી હતી કે ઇ૨૦ ફરજિયાત કરવાને બદલે ઓછા ઇથેનોલ વાળો વિકલ્પ પણ ચાલુ રાખવા દેવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટે તે અરજી સ્વીકારી જ નહીં. પછી તાજેતરની સુનાવણીમાં પ્રયોગ ચાલે છે એવો જવાબ મળ્યો એનો તો વિડીયો પણ વાઈરલ થયો. માટે આમાં ન્યાયને બદલે બહુ બહુ તો અરવલ્લી કે યુજીસી કે નીટની જેમ પોઝનું બટન આવે. આ મુદ્દો જનતાનો છે. વિપક્ષો ને મીડિયા પણ મોટે ભાગે એમાં એટલા એક્ટીવ નથી.ભારતમાં પહેલેથી જ ગ્રાહકના હક માટે આમે કોઈને કશી પડી નથી. એ તો પુલ તૂટી જાય, ખાડામાં પડી જાય, ગટર જેવી પાણી પી ને કે પ્રદૂષિત હવા શ્વાસમાં લઈને કે ઉંધી વળતી બોટમાં કે ભડથું થતી ઈમારતમાં બળી જાય ! પાણી પીવાલાયક નથી તો આરઓ ખરીદો, લાઈટ જતી રહે તો જનરેટર વાપરો ની જેમ ઈથેનોલ ના વાપરવું હોય તો મોંઘુ શુદ્ધ પેટ્રોલ જો મળે તો લો એવો ઘાટ છે આ તો. આવો નિર્ણય યુરોપ અમેરિકામાં આમ અચાનક ધરાર આવે તો કરોડોનું વળતર ચૂકવવું પડે!
આમ જ ફરજિયાત ના હોવા છતાં ઠેકઠેકાણે એના સર્ટી માંગી માંગીને આપણે ત્યાં કોવિડ વેક્સીન ધરાર આપી દેવાઈ. બધાએ ભરોસો મુકીને લીધી. હવે અચાનક અકાળ મૃત્યુ વધ્યા ત્યારે દુનિયાભરમાં એ મામલો ચગ્યો છે, પણ લીધી વેક્સિન પછી થોડી કાઢી શકાય છે? માટે આવા પરિવર્તનો કમ્પલસરી નહિ પણ તબક્કાવાર ઓપ્શનલ શરુ કરવા જોઈએ. પણ એ તો નેહરુનો નિર્ણય હોય તો ચિંતા કરે જનતા!
બાકી રેગ્યુલરની સમાંતર એનાથી ઓછા ભાવે ઈ૧૦ વૈકલ્પિક લોન્ચ કર્યું હોત તો નવા વાહનો સાથે લોકો આપોઆપ માઈલેજની ઘટ છતાં એ લઈ લેત. ગડકરીસાહેબ એમ તો હોશિયાર ને મિલનસાર છે. એમણે સાંભળવા ગમે એવી નિખાલસ વાતો આંકડા સાથે કરી છે. પણ ફટાફટ બનેલા હાઈવેની ક્વોલિટી એવી કે એના પર હીંચકા આવે છે, એવું આમ થયું લાગે છે. ઇરાદો સારો, અમલ ઉતાવળો. એ ખરું કે ભારતને પેટ્રોલની આયાત પરનો આધાર ઓછો કરવાનો છે ને ઈ૨૦થી ખાસ્સી બચત થશે, પણ એવી કમાણી ક્ડના ભાવ ઘટયા ત્યારે પણ અહીં ઊંચા ભાવ રાખી અધધધ થઈ છે, એનો ફાયદો પણ પબ્લિકને વર્ષો સુધી મળ્યો નથી, તો આ બચત પણ ભ્રષ્ટાચાર ગળી જશે?
ફાસ્ટ ફોરવર્ડ
'જે જેટલું વધુ નુકસાન કરવાની ક્ષમતા કે શક્તિ ધરાવે એ એટલો મોટો માણસ ગણાય છે!'
- અરુણ કમલ









