દુનિયામાં કેટલીય બ્રાન્ડ નામશેષ થઈ છે, તો કેટલીય નવી બની છે

- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- બ્રાન્ડ બિલ્ડિંગ અને પ્લાનિંગ બરાબર હોય તો એનું આયુષ્ય વધારી શકાય છે. બ્રાન્ડમાં સતત નવીનતા લાવતી રહેવી જરૂરી છે
વિ શ્વના માર્કેટિંગના ક્ષેત્રમાં બ્રાન્ડ્સ જન્મે છે, ખીલે છે, ઘરડી થઈ જાય છે અને મૃત્યુ પણ પામે છે. ભાગ્યે જ કોઈ ક્ષીણ થયેલી કે મૃત્યુ પામેલી બ્રાન્ડ પુન:જીવીત થાય છે. દા. ત. એક જમાનામાં વનસ્પતિ ઘીની ડાલ્ડા બ્રાન્ડ ઘણી પ્રખ્યાત હતી પરંતુ ડાલ્ડામાંથી બનેલી મીઠાઈઓથી લોકો મોં મચકોડતા. હવે ડાલ્ડા ઘીની બ્રાન્ડ ભાગ્યે જ જોવા મળે છે. બહુ જ વર્ષો પહેલા પનામાં પાસીંગ શો, સીર્ઝસ, કેવેન્ડર, તાજછાપ, કેપસ્ટન જેવા બ્રાન્ડઝ ધરાવતી સીગરેટોનું ધૂમ વેચાણ થતું. હવે આ બ્રાન્ડઝ બજારમાં ખાસ જોવા મળતી નથી કે તેમાંની કેટલીક તો બજારમાંથી જ અદ્રશ્ય થઈ ગઈ છે. બજારમાંથી માત્ર બ્રાન્ડો જ અદ્રશ્ય થઈ જાય છે તે ઉપરાંત કંપનીઓ પણ અદ્રશ્ય થઈ જાય છે.
એક જમાનામાં સીત્તેરથી સો ટેક્ષ્ટાઇલ મીલોથી ધમધમતી અમદાવાદીનગરીમાં હવે બહુ જ ઓછી ટેક્ષ્ટાઇલ મીલો કામ કરે છે. ભારતને સ્વતંત્રતા મળી પછી સરકારને વિચાર આવ્યો કે આપણે પોતાની સ્વદેશી બ્રાન્ડની કાર બનાવીએ. તેનું નામ એમ્બેસેડર રાખવામાં આવ્યું. તેને માટે કહેવાતુ કે તેના હોર્ન સિવાય તમામ પાટર્સ અવાજ કરે છે. હવે એમ્બેસેડરનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. એમ્બેસેડરનું તે પછી સ્થાન ફીયાટે લીધું અને તે પછી અનેક જાપાનીઝ બ્રાન્ડઝની મોટરકારોએ માત્ર ભારતમાં જ નહીં પણ અમેરિકાના કાર માર્કેટમાંં પણ પોતાના વિશાળ વેચાણ દ્વારા ધરતીકંપ સજર્યો. ટોયોટાએ અને અન્ય જાપાનીસ કારો, અમેરિકન કાર માર્કેટને કબજે કરવા માંડયું અને અમેરિકા ગભરાઈ ગયું. જાપાનીઝ ટોયોટાએ હજી કાર માર્કેટમાં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું છે. એક જમાનામાં ગરીબ લોકો માટે લ્યુના સ્કુટરનું સર્જન થયું હતું. તેનું ભારતમાં ધૂમ વેચાણ થયું પરંતુ હવે શહેર કે નગરો કે ગામોના રસ્તા પર લ્યુના જોવાનુ ભાગ્યે જ મળે છે.
કંપનીઓની વાત કરીએ તો કેલીકો મીલને પણ યાદ કરવી પડે જે હવે કાલગ્રસ્ત થઇ ગઇ છે. કંપનીઓ અને બ્રાન્ડઝ ઘણીવાર નિષ્ફળ જાય છે તો કેટલીક કંપનીઓ કે પ્રોડકસ એક જમાનામાં લોકપ્રિય થઇને અસ્ત પામે છે. દા. ત. હવે કોઈ ભાગ્યે જ એક જમાનામાં લોકપ્રિય પીણું વીમટો પીતું હશે. તે બ્રાન્ડ જોવા મળતી નથી. એક જમાનામાં ખૂબ જ પ્રખ્યાત એવી કીંગફીશર એરલાઇન્સ જે દરરોજની ૪૦૦ ફલાઇટસ ઉડાડતી હતી પરંતુ તેની સામે જાતજાતની બાબતોમાં પેસેન્જર્સની ફરિયાદો વધવા માંડી અને કંપનીએ તેમની કામગીરીમાં સુધારો ના કરતા તે તદ્દન બંધ
પડી ગઈ.
૧૯૪૭ પહેલા લગભગ સમગ્ર ભારત પર પોતાની હકૂમત ચલાવતી બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપની હવે બંધ પડી ગઈ છે અને ઇંગ્લેન્ડમાં તે 'મ્યુઝીયમ પીસ' બની ગઈ છે. એક જમાનામાં ટાટા કંપનીની નેનો તેના નીચા ભાવને કારણે શરૂઆતમાં ખૂબ વેચાઈ પરંતુ ટાટા કંપની તેના વેચાણને ટકાવી કે વધારી શકી નહીં અને હવે ભારતના રસ્તાઓ પર નેનો જોવા મળતી નથી.
અમેરિકાની વિરાટ ફાયનાન્સીયલ કંપની લેહમાન બ્રધર્સ પણ અમેરિકામાં ઇ.સ. ૨૦૦૮માં ફાયનાન્સીયલ અને હાઉસિંગ ક્રાઇસીસ (કટોકટી) સર્જાતા બંધ પડી ગઈ છે. ફોટોગ્રાફીમાં આમૂલ પરિવર્તન આવ્યું અને લોકોએ સ્માર્ટ ફોનને હોંશભેર અપનાવી લીધું હોવાથી કોડાક કંપનીને હવે કોઇ સંભારતું નથી. જેમ ડાયલવાળા ટેલીફોન્સ હવે મૃત: પ્રાય થઇ ગયા છે. હવે કોઇએ જૂના જમાનાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મનું સર્જન કરવું હોય તો જૂના જમાનાને દર્શાવવા આંગળીથી ડાયલને ફેરવાતા ટેલીફોન ખોળવો પડે. અમેરિકાની કોકોકોલા કંપની જે ભારતમાં પણ કોકોકોલા અને અન્ય પીણાંઓનું વેચાણ કરતી હતી તેનો સરકારે ઇ.સ. ૧૯૭૭માં દેશનિકાલ કર્યો અને કોકા-કોલા બ્રાન્ડની ગેરહાજરીને કારણે દેશમાં થમ્સ-અપ બ્રાન્ડની રચના થઇ અને તેનું ધૂમ વેચાણ થયું પરંતુ છેવટે કોકો-કોલાનું દેશમાં પુનરાગમન થતા તેણે પોતે થમ્સ અપ કંપની અને તેની બ્રાન્ડને ખરીદી લીધી અને તેણે ફરીથી એકવાર ભારતમાં અને જગતમા તેની સૌથી હરીફ પેપ્સી કોલા બનાવતી કંપની સામે બજાર યુધ્ધ શરૂ કર્યું.
ઘણી બ્રાન્ડઝ બજારમાં નિષ્ફળ જાય છે તેમાં અમેરિકાની જનરલ મોટર્સ કંપનીએ પણ ભારતમાં શેવરોલેટ કારનું ઉત્પાદન બંધ કરવું પડયું. કારણ કે ભારતના લોકોને પણ કાર પસંદ ના પડી. ફોર્ડ કંપનીએ પણ પોતાની કારનું મેન્યુફેકચરીંગ એકમ ભારતમાં બંધ કરવું પડયું. ભારતમાં એક જમાનામાં સત્યમ કોમ્પ્યુટર સર્વીસીઝનું ભારે માન હતું. તે ટેકનોલોજી જાયન્ટને નામે ઓળખાતી કંપની તેના સ્થાપકના ભ્રષ્ટાચારોને લીધે ૨૦૦૯માં બંધ થઈ ગઈ.
૨૦૧૯માં જેટ એરવેઝ પણ તેની નાણાકીય મીસ મેનેજમેન્ટને કારણે (જબરજસ્ત નાણાકીય દેવાને કારણે ૨૦૧૯માં બંધ પડી ગઈ. અત્યારના જગતમાં સૌથી લોકપ્રિય બ્રાન્ડઝ ગુગલ, એપલ, માઇક્રોસોફટસ, એમેઝોન, ડોટ કોમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેનસેન્ટ, ઓરેકલ, આઇબીએમ, માસ્ટર કાર્ડ, મેકડોનાલ્ડ, વીસા અને વોલમાર્ટ છે તે તમામ અમેરિકાની બ્રાંડઝ છે. ભારતમાં બાટા એક જમાનામાં ઘણી લોકપ્રિય બ્રાન્ડ હતી પરંતુ તે બ્રાન્ડ હવે ઝાંખી થઇ ગઇ છે. જગતભરના ઠંડા પીણાના બજારમાં કોકોકોલા અને પેપ્સી બ્રાન્ડઝ પ્રભુત્વ ભોગવે છે એક જમાનામાં જગતના કાર બજારમાં બ્રિટનની 'રોલ્સરોય'નો વટ હતો જે હવે ભૂસાઇ ગયો છે. હવે મર્સીડીઝનો વટ પડે છે.
ભારતમાં ચાની લોકપ્રિય બ્રાન્ડઝમાં ટાટા ટી પ્રીમીયમ, ટાટા ટી ગોલ્ડ, બુ્રક બોન્ડ રેડ લેબલ, તાજમહલ, લીપ્ટન વગેરે હતી અને છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં ચાની વાઘબકરી બ્રાન્ડે અદ્ભુત પ્રગતિ સાધી છે. તેણે હવે ચાના વર્લ્ડ- વાઇડ બજારમાં ધમાકાભેર પ્રવેશ કર્યો છે. હવે આપણે અમદાવાદમાં વાઘ બકરી યુનિવર્સિટીની સ્થાપનાની રાહ જોઈએ છે.
એક બાબત અતિ અગત્યની છે અને તે એ કે એક સારી પ્રોડકટ કે પ્રોડકટસ કંપનીના ઉત્પાદન કેન્દ્રમાં આવે તો તેનું 'બ્રાંડ બીલ્ડીંગ' કેવી રીતે કરવું. દા.ત. કોકોકોલા અને પેપ્સીના બ્રાન્ડઝ એટલી મશહૂર છે કે તેની આગળ કેમ્પા કોલાની બ્રાંડ ઝાંખી જણાય છે. ફરીથી યાદ કરી લો કે જેમ માનવીના કે કોઇપણ જીવંત પદાર્થનું પોતાનું જીવનચક્ર હોય છે તેમ બ્રાન્ડના જીવનચક્રમાં પણ જન્મ, કિશોરાવસ્થા, યુવાની, ઘડપણ અને મૃત્યુ હોય છે. બ્રાન્ડનું પ્લાનિંગ અને બીલ્ડીંગ બરાબર હોય તો બ્રાન્ડની વૃધ્ધાવસ્થા અને મૃત્યુને તે ઘણા વર્ષો પાછળ ઠેલી શકે છે. બ્રાન્ડનું સર્જન કરવાની અને તેનું બીલ્ડીંગ કરવાની કુશળતા મોટા ભાગની કંપનીઓમાં હોતી નથી. તેથી તેઓએ બહારના કોઇ સલાહકારની મદદથી બ્રાંડ બિલ્ડીંગ કરવાનું હિતાવહ છે.




