હનુમાન અંશ કરતાં લાલો શી રીતે ચડિયાતી ફિલ્મ છે?

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'હનુમાન અંશ' ચમત્કારો અને પરચાથી ભરપૂર છે, પણ 'લાલો'માં આ તત્ત્વો નથી. 'હનુમાન અંશ'માં કામનાઓ વિરોધ નથી. ફિલ્મનાં અમુક દ્રશ્યોમાં લોકો કામનાપૂર્તિ માટે જ નીમ કરોલી બાબા પાસે આવે છે, ને એમની કામના પૂરી પણ થાય છે. બીજી બાજુ, 'લાલો'માં અહંકાર ઓગાળવાની વાત છે, અહીં આત્મનિરીક્ષણ પર ભાર મૂકાયો છે. જો કારાગારમાંથી છૂટવું હશે તો તમારે જાતે જ પરિશ્રમ કરવો પડશે!
સૌ થી પહેલાં તો, એક કબૂલાત. બે જુદી જુદી ફિલ્મોની, અથવા કહો કે, બે જુદી જુદી કલાકૃતિની તુલના ન કરવી જોઈએ. પ્રત્યેક કૃતિનું પોતાનું સૌંદર્ય હોવાનું, પોતાની સુવાસ હોવાની અને પોતાના સ્વતંત્ર સંદર્ભો હોવાના. આમ છતાંય સીમાચિહ્નરૂપ બની ગયેલી ગુજરાતી ફિલ્મ 'લાલો' અને આજકાલ તરખાટ મચાવી રહેલી હિન્દી ફિલ્મ 'હનુમાન અંશ'ની અપીલ, ટોન અને સફળતામાં એટલું બધું સામ્ય છે કે આ બન્ને ફિલ્મોને પાસે-પાસે મૂકીને ચકાસવાનું સહેજે મન થાય.
આગળ વધતા પહેલાં 'હનુમાન અંશ' વિશે વાત કરી લઈએ. આ ફિલ્મ નીમ કરોલી બાબાના જીવન પર આધારિત છે. નીમ કરોલી બાબાનું મૂળ નામ લક્ષ્મીનારાયણ શર્મા (જન્મ: ૧૯૦૦, મૃત્યુ ૧૯૭૩). મૃત્યુનાં ૫૩ વર્ષ પછી પણ તેઓ રિલેવન્ટ છે, એમનું મહાત્મ્ય છે. માત્ર ભારતમાં જ નહીં, પશ્ચિમમાં પણ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં સાઇકોલોજીના પ્રોફેસર રહી ચુકેલા ડૉ. રિચર્ડ આલ્પર્ટ એમના શિષ્ય બન્યા, સ્વામી રામદાસ નામ ધારણ કર્યું અને ૧૯૭૧માં 'બી હિઅર નાઉ' નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકે નીમ કરોલી બાબાને અમેરિકા-યુરોપમાં ફેમસ કરી દીધા. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ એમની કાચી જુવાનીમાં નીમ કરોલી બાબા પાસેથી આધ્યાત્મિક જ્ઞાન લેવા ભારત આવ્યા હતા. જોકે ત્યાં સુધીમાં બાબાનું નિધન થઈ ચૂક્યું હતું. સ્ટીવ જોબ્સની સલાહ માનીને ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, નીમ કરોલી બાબાના આશ્રમમાં થોડો સમય રહી ચૂક્યા છે. માર્ક ખુદ કબૂલે પણ છે કે, કૈંચી ધામ (નીમ કરોલી બાબાનો નૈનિતાલ સ્થિત આશ્રમ)માં રહેવાથી એને ઘણો લાભ થયો હતો, આંતરિક સ્પષ્ટતા મળી હતી.
નીમ કરોલી બાબા તો ગામડાગામમાં ઉછરેલા સીધા-સરળ ગામઠી માણસ. પરંપરાગત ભણતરની દ્રષ્ટિએ અલ્પશિક્ષિત, પણ આત્મજ્ઞાનના મામલામાં ખૂબ આગળ વધી ગયેલા સિદ્ધ સાધક. તેમણે નિશ્ચિતપણે 'કંઈક' ભાળી લીધું હતું. તેઓ હનુમાન ભક્ત હતા, અને તેઓ માનતા હતા કે રામ સુધી પહોંચવા માટેનું સૌથી ઉત્તમ માધ્યમ હનુમાનભક્તિ છે. નીમ કરોલી બાબા પર આસ્થા ધરાવનારા કેટલાય શ્રદ્ધાળુઓએ એમને હનુમાનજીનો અવતાર
ગણે છે.
'હનુમાન અંશ' એક વેલ-મેઇડ ફિલ્મ છે. ફિલ્મનો કથાપ્રવાહ એવો ખળખળ કરતો વહેતો જાય છે કે નીમ કરોલી બાબા વિશે કશું જ ન જાણતા પ્રેક્ષકો પણ સતત જકડાઈ રહે છે. પર્ફોર્મન્સીસ, સિનેમેટોગ્રાફી, પ્રોડક્શન ડિઝાઇન, બેકગ્રાઉન્ડ સ્કોર - બધું મસ્ત છે. ગીતો અને ભજનો લૂપમાં મૂકીને એકધારાં સાંભળતાં રહેવાનું મન એટલાં સરસ. નીમ કરોલી બાબાનું ગુજરાત કનેક્શન જોઈને આપણને ઑર મજા પડે છે. તરુણ વયે ગૃહત્યાગ કર્યા પછી બાબા પરિભ્રમણ કરતાં કરતાં ગુજરાત પહોંચ્યા હતા અને કચ્છ, રાજકોટ તેમજ મોરબી નજીક વવાણિયા ગામે ઘણું રહ્યા હતા. તેઓ ભાવનગર અને જૂનાગઢમાં રહ્યા હતા તેવી પણ નોંધ છે.
જેમ 'લાલો' એના ડિરેક્ટર અંકિત સાખિયાની પહેલી ફિલ્મ છે, એમ 'હનુમાન અંશ' પણ એના ડિરેક્ટર વિશાલ ચર્તુવેદીની પહેલી ફિલ્મ છે. અંકિત સાખિયા એન્જિનીયર છે, તો વિશાલ ચર્તુવેદી એમબીબીએસ ડૉક્ટર છે. ૨૦૦૬માં, બિલકુલ આકસ્મિક રીતે તેઓ નીમ કરોલી બાબાના કૈંચી ધામ પહોંચી ગયા હતા. એક વાર એમની કાર અચાનક અધરસ્તે અટકી પડી. વિશાલ ચતુર્વેદીને થયું કે લાવને, આ પગથિયાં દેખાય છે તે ચડીને જોઉં તો ખરો કે ઉપર છે શું. તેઓ ઉપર ગયા ને એમણે શું જોયું? નીમ કરોલી બાબાનો કૈંચી ધામ આશ્રમ. બાબા સાથેનો એ એમનો પહેલો સ્પર્શ. એ વખતે એમણે કલ્પનામાંય વિચાર્યું હશે ખરું કે નીમ કરોલી બાબા મારા દિલ-દિમાગ-જીવન પર એવા છવાઈ જવાના છે ભવિષ્યમાં હું એમના જીવન પર એક ફિલ્મ બનાવીશ?
૨૦૧૧માં વિશાલ ચતુર્વેદી પોતાની ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસને સંપૂર્ણપણે તિલાંજલિ આપી દે છે અને મુંબઈ આવીને લેખક અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સ્ટ્રગલ કરવા માંડે છે. દરમિયાન નીમ કરોલી બાબા પણ એમણે ખૂબ બધું રિસર્ચ કરી લીધું છે. ત્યાર પછી સમય આવે છે, એક મોટા ઓટીટી પ્લેટફોર્મ સામે નીમ કરોલી બાબા પર ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મૂકવાનો. એમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે અમને એવી કોઈ ઇન્ડિયન સ્ટોરી સંભળાવો જેમાં ફોરેનરોને પણ રસ પડે. વિશાલ ચતુર્વેદીને લાગ્યું કે નીમ કરોલી બાબાના જીવન સાથે સ્વામી રામ દાસ, સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ જેવા ધૂરંધરોનાં નામ જોડાયેલાં છે. આના કરતાં બહેતર ઇન્ડિયન સ્ટોરી બીજી કઈ હોવાની? ઓટીટીની બે મહિલા એક્ઝિક્યુટિવ્ઝને એમણે પોતાની જાત નિચોવીને નરેશન આપ્યું. પરિણામ? રિજેક્શન. ઓટીટીના એક્ઝિક્યુટિવ્ઝે આ પ્રોજેક્ટને હાથ લગાડવાની ચોખ્ખી ના પાડી દીધી. વિશાલ ચતુર્વેદી કહે છે, 'જુઓ, આ લાઇન જ એવી છે કે એમાં ડગલે ને પગલે રિજેક્શન સહન કરવા પડે. મને તો અગાઉ હજાર વખત રિજેક્શન મળી ચૂક્યાં હશે, લેકિન જિસ તરહ ઇન લોગોંને રિજેક્ટ કિયા, જિસ ભાષા કા પ્રયોગ કિયા, વો ડિરોગેટરી થા.'
વિશાલ ચતુર્વેદીએ નિર્ણય કરી લીધો: હવે તો હું કોઈ પણ ભોગે હું આ ફિલ્મ બનાવીને જ રહીશ! પોતે જ રાઇટ-ડિરેક્ટકર અને કૉ-પ્રોડયુસર. ફિલ્મનું બજેટ સાવ ટાંચું - માંડ ૧.૭થી બે કરોડ રૂપિયા. શૂટિંગ શરૂ થવાની અણી પર હતું ત્યાં હીરો માંદો પડી ગયો. હવે? શો મસ્ટ ગો ઓન. વિશાલ ચતુર્વેદીએ પોતાના યુનિટમાં સેકન્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા શોભિનવ સત્યા નામના જુવાનિયાને પકડયો, એનું ઓડિશન લીધું અને ફેંસલો સુણાવી દીધો: તું હવે કેમેરાની પાછળ નહીં, કેમેરાની આગળ કામ કરીશ. નીમ કરોલી બાબાનો રોલ હવે તારે કરવાનો છે!
ઓગસ્ટના પ્રારંભમાં 'હનુમાન અંશ' રિલીઝ થઈ, કશાય પ્રમોશન વગર. ફદિયાં હોય તો પ્રમોશન કરેને? પહેલા દિવસની કમાણી માત્ર દસ લાખ રૂપિયા. પહેલું વીક પૂરું થયું ને ૨૫૦ થિયેટરોમાંથી ૨૨૫ થિયેટરોમાંથી ફિલ્મ ઉતારી લેવામાં આવી… ને પછી કોણ જાણે શું ચમત્કાર થયો કે ફિલ્મને એકાએક પાંખો આવી. જેણે જેણે ફિલ્મ જોઈ હતી તેમણે તેના વિશે પોઝિટિવ વાતો કરવા માંડી. વર્ડ-ઓફ-માઉથથી ફિલ્મ એવી ઉપડી કે બોલિવુડ સ્તબ્ધ થઈ ગયું. ૯ સપ્ટેમ્બર સુધીમાં ફિલ્મે ભારત અને વિદેશમાં કરેલી કમાણીનો આંકડો ૧૬૯ કરોડને વટાવી ગયો. મૂળ બજેટ કરતાં ૮૪ ગણા કરતાંય વધારે બિઝનેસ!
'લાલો'ના કેસમાં બિલકુલ આમ જ થયું હતુંને? 'લાલો' તો સાવ પચાસ લાખમાં બની ગયેલી. 'હનુમાન અંશ'ની જેમ અહીં પણ લગભગ અજાણ્યા કલાકાર-કસબીઓ. સાવ નબળા ઓપનિંગ પછી આ થિયેટરોમાંથી ફિલ્મનો સફાયો નીકળી જવાની તૈયારીમાં હતો… ને ત્યાં દ્વારિકાધીશની એવી અણધારી કૃપા વરસી કે આ ફિલ્મે ગુજરાતી સિનેમાના રેકોર્ડ્ઝ તોડી નાખ્યા, ૧૨૦ કરોડ કરતાંય વધારેનું બોક્સઓફિસ કલેક્શન કર્યું, આખા બોલિવુડનું ને ભારતનું ધ્યાન ખેંચ્યું. લેટેસ્ટ ન્યુઝ પ્રમાણે, હવે તેલુગુ ભાષામાં તેની રીમેક બનવાની છે, જેમાં વિજય દેવરકોન્ડા જેવો સુપરસ્ટાર કૃષ્ણ ભગવાનનો રોલ કરશે.
'લાલો' જોઈને ઓડિયન્સ ભાવવિભોર થઈ જતું હતું, પ્રેક્ષકો રડી પડતા હતા. 'હનુમાન અંશ'ની સ્ક્રીનિંગ્સમાં પણ આવાં જ દ્રશ્યો જોવા મળે છે. 'લાલો'માં રિપીટ વેલ્યુ હતી, 'હનુમાન અંશ' પણ લોકો એક કરતાં વધારે વખત જોઈ રહ્યા છે. 'લાલો'ની જેમ 'હનુમાન અંશ'નું સંગીત પણ ફિલ્મને જુદા જ સ્તર પર મૂકી દે છે. 'લાલો' અને 'હનુમાન અંશ' બન્ને બહુ જ જેન્યુઇન ફિલ્મો છે. એકમાં કૃષ્ણ છે, તો બીજામાં રામ-સીતા અને હનુમાન છે. બન્ને સીધી જ પ્રેક્ષકોના હૃદયને, એમની આસ્થાના મૂળને ઝંકૃત કરી દે છે. સૌથી મહત્ત્વની વાત: આ બન્ને ફિલ્મો ઓડિયન્સ માટે સાઇકોથેરાપી જેવું કામ કરે છે. તેઓ પ્રેક્ષકોને સધિયારો આપે છે, એમનામાં આશાનો સંચાર કરે છે, જાણે કે એમને જીવન જીવવાનું બળ પૂરું પાડે છે.
બન્ને ફિલ્મો વચ્ચે જે ફર્ક છે તે આ છે: 'હનુમાન અંશ' ચમત્કારો અને પરચાથી ભરપૂર છે. સાદું વાસણ અક્ષયપાત્ર બની જાય ને રાંધ્યા ધાન ખૂટે જ નહીં, બાબા તાળું મારેલા બંધ લોક-અપમાંથી આરપાર આવ-જા કરતા રહે, બાબા એક જ સમયે બે અલગ અલગ ભૌગોલિક સ્થળોએ હાજરાહજૂર હોય, બાબા પત્નીને પોતાની જીભ પર ઊગી નીકળેલા અંકુરનાં દર્શન કરાવે … રેશનલ લોકોને આ બધામાં અંધશ્રદ્ધા દેખાઈ શકે છે. સામે પક્ષે, 'લાલો'માં કોઈ ચમત્કારો નથી, કોઈ પરચા નથી. અહીં તો દિશાભાન ભૂલેલા નાયકની ભીતરમાં ભંડારાયેલું એનું ખુદનું જ ઉચ્ચતમ સ્વરૂપ કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં પ્રોજેક્ટ થાય છે. 'હનુમાન અંશ'માં કામનાઓ વિરોધ નથી. ફિલ્મનાં અમુક દ્રશ્યોમાં લોકો કામનાપૂર્તિ માટે જ નીમ કરોલી બાબા પાસે આવે છે, ને એમની કામના પૂરી પણ થાય છે. 'હનુમાન અંશ' જાણે કે આડકતરી રીતે કહે છે કે તમે જેવા છો એવા બની રહેશો તોય વાંધો નથી, જો ભગવાનની કૃપા હશે તો મનવાંછિત ફળ મળી જશે. આ બાજુ, 'લાલો'માં અહંકાર ઓગાળવાની વાત છે, અહીં આત્મનિરીક્ષણ પર ભાર મૂકાયો છે. જો કારાગારમાંથી છૂટવું હશે તો તમારે જાતે જ પરિશ્રમ કરવો પડશે! આ દ્રષ્ટિએ 'લાલો'નું કથાકથન, એનો સંદેશો 'હનુમાન અંશ' કરતાં વધારે બળકટ છે. 'હનુમાન અંશ' કરતાં 'લાલો'માં આધ્યાત્મિક ઊંચાઈ અને ઊંડાણ બન્ને વધારે છે.
સરખામણી બૂરી બલા છે, પણ શું થાય? મન માંકડું શબ્દપ્રયોગ અમસ્તો જ અસ્તિત્ત્વમાં આવ્યો નથી!
શો સ્ટોપર
'ધૂરંધર'માં સ્ટોરી જેવું કંઈ હતું જ ક્યાં?
- તિગ્માંશુ ધુલિયા (ફિલ્મમેકર)




