સોશિયલ સ્ટેટસથી ફેશન સ્ટેટમેન્ટ બનેલાં હેર કલરનું 30 અબજ ડોલરનું ગ્લોબલ માર્કેટ

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો નવો હેર કલર વાયરલ થયો. મીમ્સ બનીને ગ્લોબલી સોશિયલ મીડિયામાં વરસ્યો. આ હેર કલર પણ જબરી બલા છે, એના વિશે આટલી વાતો જાણવા જેવી છે…
રો મન સામ્રાજ્યનો સૂરજ સોળે કળાએ તપતો હતો ત્યારે બે હજાર વર્ષ પહેલાં રોમમાં એક કાયદો ઘડાયો હતો. કાયદા પ્રમાણે દેહવ્યાપાર કરતી મહિલાઓ અન્ય મહિલાઓથી અલગ પડે તે માટે તેમણે વાળ પીળા કે ઘેરા સોનેરી કરાવવા પડતાં. રોમમાં અન્ય મહિલાઓ એવા કેશ કરાવી શકતી નહીં. જો ફેશન માટે પણ તેમણે સોનેરી વાળ કરાવ્યા હોય તો એમનો સામાજિક બહિષ્કાર થઈ જતો.
એ પછી સમય બદલાયો. થોડા દાયકા બાદ રોમન સેનાએ જર્મની અને યુરોપના ઉત્તરના વિસ્તારોમાં હુમલા કર્યા. ત્યાંથી રોમન સૈનિકો હજારો ગુલામો લઈ આવ્યા. ઉત્તરી યુરોપના આ નાગરિકોના વાળ કુદરતી રીતે જ આછા સોનેરી અને ભૂરા હતા. રોમમાં મહિલાઓને આ વાળનું એટલું આકર્ષણ થવા લાગ્યું કે પછી તો ગુલામોના વાળમાંથી વિગ બનવા માંડી અને તેનું મોટું માર્કેટ બન્યું. કુલિન ઘરની મહિલાઓ પણ વનસ્પતિમાંથી બનેલો સોનેરી હેર કલર કરવા માંડી. એ ટ્રેન્ડ એવો ચાલ્યો કે મધ્યયુગમાં યુરોપના રાજ પરિવારો અને જમીનદારોના ઘરની મહિલાઓમાં સોનેરી રંગ ખાનદાન, પ્રતિષ્ઠા, સત્તા અને વૈભવનો રંગ ગણાવા લાગ્યો.
કેશમાં કલર કરવાનું તો રોમન સામ્રાજ્યના હજારો વર્ષ પહેલાં જ શરૂ થઈ ગયું હતું. સિંધુ ખીણ, મેસોપોટેમિયા, ઈજિપ્ત અને ચીન આ ચાર પ્રાચીન સંસ્કૃતિઓએ અલગ અલગ સમયે વાળને રંગવાની રીતો શોધી કાઢી હતી. સંશોધકોને મળેલા પુરાવા પ્રમાણે પ્રાચીન ઈજિપ્તમાં વાળ રંગવાનું ચારેક હજાર વર્ષ પહેલાં ખૂબ કોમન હશે. તેનો અર્થ એવો થાય કે વાળમાં કલર કરવાની ટેકનિક તો પ્રાચીન ઈજિપ્તમાં એનાથીય અગાઉ વિકસી ગઈ હશે. મેંદીની વનસ્પતિ કલર બનાવવા માટે સૌથી મહત્ત્વનો સોર્સ હતો. ગળીનો છોડ પણ હેર કલરના મેકિંગમાં ઉપયોગી ગણાતો હતો. આજ સુધી મેંદી અને ગળી હેર કલર બનાવવામાં છૂટથી વપરાય છે.
સંશોધકોએ એસેરિયન પ્રજા ઈ.સ. પૂર્વે ૨૧૦૦માં જે પદ્ધતિથી હેર કલર કરતી હતી તેની જૂનામાં જૂની રેસિપી શોધી કાઢી છે. તેલ, પહાડીઓમાંથી મેળવાતી ખાસ પ્રકારની ચીકણી માટી, મધ, વનસ્પતિનું મિશ્રણ અને ક્યારેક તો પ્રાણીઓનું તાજું લોહી પણ હેર કલર બનાવવા માટે વપરાતું. ઈજિપ્ત, સિંધુ ખીણ, મેસોપોટેમિયાથી શરૂ થયેલી કેશ કલરની આ પદ્ધતિ મધ્યયુગમાં ખૂબ વિકસી.
ને પછી એમાં એન્ટ્રી થઈ મોડર્ન સાયન્સની, જ્યાંથી હેર કલર મેકિંગની પરંપરાગત પદ્ધતિ સમૂળગી બદલી ગઈ.
ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં કે ફોટો એડિટિંગ એપ્સમાં વાળનો કલર ચેન્જ કરવાના ટૂલ્સ આવે છે. આપણે ચંદ સેકન્ડોમાં વાળનો કલર ચેન્જ કરાવી શકીએ છીએ. સલોનમાં જઈને ગણતરીની મિનિટોમાં ગમતો હેર કલર કરાવવાની આજે મોકળાશ છે. સ્કીન ટોન પ્રમાણે સેંકડો ઓપશન્સ અવેલેબલ છે, પરંતુ અહીં સુધી પહોંચેલી મોડર્ન હેર ડાઈની શોધ ૧૯મી સદીના છઠ્ઠા દાયકામાં અજાણતા થઈ ગઈ હતી અને પછીના એક સૈકામાં આ પ્રોડક્ટના દમ પર વિશ્વમાં વિશાળ બિઝનેસ ખડો થયો હતો.
૧૯મી સદીના મધ્યાહને મલેરિયાનો ઈલાજ શોધવાના સંશોધનોએ જોર પકડયું હતું. બ્રિટિશ કેમિસ્ટ વિલિયમ હેનરી પર્કિન ૧૮૬૩માં મલેરિયાની દવા બનાવવાની મથામણ કરતા હતા. તે વખતે તેમણે અકસ્માતે જ હેર કલરનું કેમિકલ કોમ્બિનેશન શોધી કાઢ્યું. ત્યાં સુધી વનસ્પતિમાંથી બનતા હેર કલર એટલા ટકાઉ ન હતા. પર્કિને શોધેલી આ પદ્ધતિથી વાળમાં લાંબો વખત કલર ટકતો હતો. મલેરિયાની દવા શોધવામાં તો પર્કિનને સફળતા ન મળી, પરંતુ મોડર્ન હેર ડાઈની શોધ તેમના નામે નોંધાઈ ગઈ.
૧૯૦૭માં ફ્રેન્ચ કેમિસ્ટ યૂજિન શ્યૂલરે પ્રથમ કમર્શિયલ સિન્થેટિક હેર ડાઈ બનાવી ને તેને નામ આપ્યું ઓરેઅલ. તેમણે આ હેર ડાઈ વેચવા ૧૯૦૯માં કંપની રજિસ્ટર કરી, જેનું નામ છે લોરીઅલ. યૂજિન શ્યૂલરને હેર ડાઈ કમર્શિયલી સક્સેસફુલ બનાવીને ઘરે ઘરે પહોંચાડવાનો શ્રેય મળે છે. આજે ૧૧૭ વર્ષ પછી પણ લોરીઅલ હેર ડાઈ માટે જગ વિખ્યાત છે અને દુનિયાની સૌથી મોટી કોસ્મેટિક-પર્સનલ કેર પ્રોડક્ટ બનાવતી કંપની છે. ૧૯૪૭માં જર્મનીની કોસ્મેટિક કંપની હેન્કેલે હેર કલરને વધુ યુઝરફ્રેન્ડલી બનાવ્યો. ઘરમાં જાતે જ વાળને કલર કરી શકાય એવી પ્રોડક્ટ આ કંપનીએ ૮૦ વર્ષ પૂર્વે લોંચ કરી ને એ પછી હેર ડાઈના ગ્લોબલ માર્કેટે પાછું વળીને જોયું નથી.
આજે પ્લાન્ટ બેઝ્ડ કુદરતી હેર કલર અને સિન્થેટિક હેર કલર એમ બંનેની સરખી ડિમાન્ડ છે. કારણ કે દુનિયામાં ગ્રે-વ્હાઈટ હેરની સમસ્યા વધતી જાય છે એટલે હેર કલરના માર્કેટમાં પણ વાર્ષિક છ ટકાના દરે ઉછાળો આવી રહ્યો છે. જગતની ૮૦ વસતિના વાળનો રંગ બ્લેક કે લાઈટ બ્રાઉન છે. ૧૨ ટકા વસતિનો કલર સોનેરી અને સિલ્વર છે. માત્ર આઠ ટકા લોકોના વાળ જ જન્મથી ગ્રે-વ્હાઈટ હોય છે. ગ્રે-વ્હાઈટ હેર ન હોય એ સિવાયના તમામ લોકોને ઉંમર વધે તેમ વાળનો કલર બદલાય છે. ગ્રે-વ્હાઈટ હેરને ઘડપણની નિશાની માનવામાં આવે છે. તેથી યંગ દેખાવા કરોડો લોકો હેર ડાય
કરે છે.
વળી, વર્ક સ્ટ્રેસ, બદલાતી લાઈફ સ્ટાઈલ, ખોરાક જેવા અનેક કારણોથી જગતમાં કરોડો લોકોના માથે અકાળે સફેદ વાળ આવી જાય છે. ૧૯૮૫ પછી જન્મેલા લોકોની આમ જુઓ તો અત્યારે ગ્રે હેરની ઉંમરની નથી, પણ આ વયજૂથથી છેક જેન-ઝી સુધી ૩૦ ટકા યંગ જનરેશનના માથે અકાળે સફેદી આવી ગઈ છે!
તેના પરિણામે હેર ડાઈનું ગ્લોબલ માર્કેટ ૩૦ અબજ ડોલરને પાર થઈ ચૂક્યું છે. ૨૦૧૫માં હેર ડાઈનો વૈશ્વિક વેપાર ૨૦ અબજ ડોલર હતો. એક દશકામાં જ લગભગ ૯ ટકાના દરે વધારો થયો છે. આગામી આઠ જ વર્ષમાં હેર કલરનું માર્કેટ ૪૭ અબજ ડોલરે પહોંચી જાય તેવો અંદાજ છે. આ આંકડાં બતાવે છે કે સેંકડો સદીઓ પહેલાં જે હેર કલર મર્યાદિત લોકોની સામાજિક પ્રતિષ્ઠા નક્કી કરતો હતો એ આજે કરોડો લોકો માટે ફેશન સ્ટેટમેન્ટ બની ગયો છે.
હેર ડાઈના પ્રોડક્શનમાં ભારતનો દબદબો
કુદરતી હેર ડાઈના મેકિંગમાં ભારત સૌથી આગળ છે. વનસ્પતિઓમાંથી બનતી, ખાસ તો મેંદી, ગળી બેઝ્ડ હેર ડાઈનું મોટાપાયે ઉત્પાદન ભારતીય કંપનીઓ કરે છે અને દુનિયાના ૧૫૦ દેશોમાં એક્સપોર્ટ કરે છે. ભારતીય કંપનીઓ અમેરિકા-જર્મની-ફ્રાન્સ-ચીનની કંપનીઓને કાચી સામગ્રી પણ ખૂબ પ્રમાણમાં આપે છે. કેમિકલ બેઝ્ડ કમર્શિયલ હેર ડાઈના ઉત્પાદનમાં અમેરિકા, ચીન, જર્મની આગળ છે. કાચી સામગ્રીમાં કેમિકલ ભેળવીને આ દેશોમાં જે ડાઈ બને છે તેની દુનિયાભરમાં ડિમાન્ડ રહે છે એટલે સૌથી વધુ નિકાસ કરતાં પાંચ દેશો છે - અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ચીન અને ઈટાલી.
એશિયન દેશોમાં હેર ડાઈનો ઉપયોગ વધારે થાય છે. બ્રિટન, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ જેવા દેશો હેર ડાઈની જથ્થાબંધ આયાત કરે છે. છેલ્લાં થોડાં વર્ષોથી બ્રાઝિલમાં હેર કેર અને કલરિંગનું મોટું માર્કેટ ખડું થયું છે. ઉત્પાદક હોય અને વપરાશ પણ ખૂબ થતો હોય એવા દેશોમાં ચીન-ભારત અને અમેરિકા તો ખરા જ. નિકાસ કરવા ઉપરાંત આ દેશોમાં હેર ડાઈનો અબજોનો વેપાર છે. ભારતમાં તો નોંધાયા ન હોય એવા હેર ડાઈના ગૃહ ઉદ્યોગો પણ વર્ષે હજારો-લાખો પેકેટ્સ માર્કેટમાં ઠાલવે છે.
ટ્રમ્પને નવી હેરસ્ટાઈલ અને હેર કલર્સનું વળગણ
દુનિયાભરના નેતાઓમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હેરસ્ટાઈલ સૌથી વધારે ચર્ચામાં રહે છે. ટ્રમ્પે છેલ્લાં દસ વર્ષમાં ત્રણ-ચાર વખત હેરસ્ટાઈલ બદલી છે. કપાળ પર ઊંચા સીધા વાળની છાજલી જેવી હેરસ્ટાઈલ ટ્રમ્પની ઓળખ ગણાય છે. પહેલી વખત પ્રમુખપદની ચૂંટણી લડયા ત્યારે ૨૦૧૬માં એવી હેરસ્ટાઈલ રાખતા હતા. એ વખતે પણ ટ્રમ્પ વિગ પહેરતા હોવાની અટકળો ચાલતી હતી એટલે ટ્રમ્પે એક શોમાં કોમેડિયન જિમી ફોલનને પોતાના વાળ વિખેરવાની છૂટ આપી હતી, જેથી લોકોને લાગે કે ટ્રમ્પના વાળ અસલી છે! ૨૦૧૯માં તેમણે હેરસ્ટાઈલ અને હેરકલર બંને બદલ્યા હતા. એકાદ વર્ષમાં ફરીથી નવી હેરસ્ટાઈલ જોવા મળવા માંડી હતી. બાઈડેન સામે પરાજય થયો પછી ટ્રમ્પ થોડો વખત ગોલ્ફ ક્લબ સિવાય ક્યાંય જોવા મળતા ન હતા. તે વખતે પણ તેમણે નવી હેરસ્ટાઈલ બનાવી હતી. તેમણે ત્યારે વાળમાં બ્રાઉન કલર કરાવી લીધો હતો. ૨૦૨૪માં બીજી ટર્મ માટે ચૂંટણી કેમ્પેઈન શરૂ કર્યું ત્યારે જૂના અંદાજની હેરસ્ટાઈલમાં દેખાયા હતા. ચર્ચા તો એવી પણ થવા લાગી હતી કે ટ્રમ્પ વિગ પહેરે છે. જોકે, ટ્રમ્પે એવી અફવાને મજાક ગણાવતા કહ્યું હતું કે મેં વિગ નથી પહેરી. જો તમે વિગ પહેરી હોય તો એ તમારા માથા પર બહુ વાર ટકે નહીં, જ્યારે હું તો આખો દિવસ કેમ્પેઈન કરું છું. હવે ટ્રમ્પની લેટેસ્ટ હેરસ્ટાઈલ ચર્ચામાં છે. ટ્રમ્પના નવા લૂકમાં હેર કલર ચેન્જ થયેલો જણાયો. સોનેરી હેરને બદલે વચ્ચેથી ઓળેલા ટ્રમ્પના બ્રાઉન હેરની સ્ટાઈલ અમેરિકાના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને એક સપ્તાહથી એના જ મીમ્સ બની રહ્યાં છે.




