પાંદડાંમાં વસે પરમાત્મા

- આજકાલ-પ્રીતિ શાહ
- પીપલ બાબા માને છે કે કોઈ પણ પાનમાં-પત્તામાં - પરમાત્મા છે, કારણ તેમાં ક્લોરોફિલ, ફોટો સિંથેસિસ અને ઑક્સિજન જનરેશન છે.
૧૯ ૬૬માં ચંડીગઢમાં જન્મેલા આઝાદ જૈનના નાની અને શિક્ષિકાએ એવું સંસ્કારબીજ વાવ્યું કે આજે સ્વામી પ્રેમ પરિવર્તન ત્રણ કરોડ વાવનારા 'પીપલ બાબા' તરીકે ઓળખાય છે. ચોથા ધોરણમાં ભણતા ત્યારે શિક્ષિકાની વાત મનમાં એવી ઊતરી ગઈ કે તે જ દિવસે માળીની સાથે સાઇકલ પર બેસીને નર્સરીમાંથી નવ છોડ લઈ આવ્યા. જે આજેય પૂણેમાં રેંજ હિલ રોડ અને કેન્ટોનમેન્ટમાં છે. પિતા આર્મીમાં બ્રિગેડીયર હતા, તેથી ઘણી જગ્યાએ મોટા ઘરોમાં રહેવાનું બન્યું. ઘરના બેકયાર્ડમાં તેઓ નર્સરી બનાવી દેતા.
અંગ્રેજી વિષયમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરનાર આઝાદ જૈને જુદી જુદી કંપનીઓમાં તેર વર્ષ સુધી ઇંગ્લિશ એજ્યુકેશન ઑફિસર તરીકે કામ કર્યું. એ પછી પણ કૉલેજ અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને ભણાવ્યું, પરંતુ ૧૯૭૭માં મિસ વિલિયમ્સ અને નાનીએ કહેલી વૃક્ષ વાવવાની યાત્રા સતત ચાલુ રહી. પીપલ બાબા પોતાના અનુભવે કહે છે કે માટી, પાણી, પક્ષી, પશુ તમને કોઈ સમસ્યા આપતા નથી. માત્ર મનુષ્ય જ સમસ્યા આપે છે. કહેવાય છે ને કે 'ચેરિટી બિગિન્સ એટ હોમ'. ઘર, સ્કૂલ, ઑફિસ, ફેક્ટરી, પ્લાન્ટ - આ જગ્યાએ જે બની શકે તે કરો. આ જ સાચો સત્સંગ છે. નાની પાસેથી તેઓ શીખ્યા છે કે વૃક્ષ, છોડ, હવા, પાણી અને માટી જ સનાતન છે. એ સિવાય અન્ય કંઈ નહીં. શહેરોમાં થતો વિકાસ, સિમેન્ટના જંગલો, રોડ, દીવાલો સહુ એની જગ્યાએ છે, પરંતુ એ વિચારો કે તમે શું કરી શકો છો ? તેઓ પોતાની જાતને પર્યાવરણવિદ નથી માનતા, પણ હેપી ગાર્ડનર માને છે. તેઓએ હાઈવે, સ્ટેટ હાઈવે, મિલિટરી સ્ટેશન, કેન્ટોનમેન્ટ એરિયા, ગવર્મેન્ટ બોડી, બગીચા, સ્કૂલ વગેરે જગ્યાએ વૃક્ષો વાવ્યા. એમાંય નાનીએ શીખવેલું કે જે વૃક્ષ કોઈ ન વાવે તે વાવવાના. તપાસ કરતાં ખબર પડી કે પીપળો તો સ્વયંભૂ પ્રગટ થાય છે. દીવાલ, ફૂટપાથ, નદીકિનારે પીપળો જોવા મળે છે અને તેનું ધામક મહત્ત્વ પણ છે. વૃક્ષ વાવવાનો હેતુ છાયા મેળવવાનો અને ફળ મેળવવાનો હોવાથી પીપળો, વડ, કચનાર, જાંબુ, પિલખન, ગુલર, લીમડો, જંગલ જલેબી જેવાં વૃક્ષોને પસંદ કર્યા. વૃક્ષ વાવીને તેની સંભાળ પણ તેઓ લે છે, તેથી તેમણે વાવેલાં વૃક્ષોમાંથી પંચાણું ટકા વૃક્ષો બરાબર વિકસે છે. શરૂઆતમાં તેઓ અઠવાડિયામાં ત્રણ વખત પાણી પાવા જાય છે અને ત્રણ મહિને ખાતર નાખે છે.
પીપલ બાબા કામ રાત્રે કરે છે, દિવસે જગ્યાની રેકી કરે છે, પરંતુ કામ સાંજ પછી રાત્રે શાંતિથી કરે છે, જેથી અવરજવર કે ટ્રાફિકની સમસ્યા ન નડે. તેમણે સવા કરોડ પીપળાનાં વૃક્ષ વાવ્યાં છે. તેમને ૨૦૧૦માં વનીકરણ માટે નેશનલ ઍવૉર્ડ મળ્યો, ત્યારે અભિનેતા જ્હૉન અબ્રાહમે તેમના કામની પ્રશંસા કરીને તેને સંગઠિત કરવાની વાત કરી હતી. ટીમ ન હોય તો લાંબુ ન ચાલી શકાય અને તેમાંથી જ 'ગીવ મી ટ્રીઝ' ટ્રસ્ટની ૨૦૧૧માં દિલ્હીમાં શરૂઆત કરી. આજે તેઓ અનેક સ્વયંસેવકોને તાલીમ આપી રહ્યા છે, જેથી તેમની ઉપસ્થિતિ ન હોય ત્યારે પણ કામ ચાલુ રહે. તેઓ કહે છે કે, 'ચાળીસ વર્ષ સુધી મોટરસાઇકલ પર લાખો કિમી. ફર્યો. ભારતને જોયું. જમીન પાસેથી, વડીલો પાસેથી અને માળી અને ખેડૂતો પાસેથી, પંચાયતોમાં બેસીને ઘણું શીખ્યો. નાની કહેતાં કે, 'ક્યારેય અહંકાર ન કરીશ. પ્રકૃતિને તેં નહીં, પણ પ્રકૃતિએ તને પસંદ કર્યો છે. તે જ પૈસા, પાણી, બાલટી, પાવડો, લોકો, જમીન, જંગલો, સોશિયલ મીડિયા આપશે. સરકારને તારી પાછળ લગાવશે. આ પ્રકૃતિનું કામ છે. કોઈને બદલવાનો પ્રયત્ન ન કરો. ન ચીજ કે ન માનવી. હિમાલય, અરવલ્લી, ગંગા, યમુના કોઈને તારી જરૂર નથી. પ્રકૃતિએ કામ કરવાનું આપ્યું છે. આ એક તક છે ખુશ રહેવાની. તું ચિંતા કર્યા વિના કામ કર.'
પીપલ બાબા માને છે કે કોઈ પણ પાનમાં-પત્તામાં - પરમાત્મા છે, કારણ તેમાં ક્લોરોફિલ, ફોટો સિંથેસિસ અને ઑક્સિજન જનરેશન છે. પત્તાથી અને પત્તામાં જ આપણે જીવીએ છીએ. મંદિર કે ગુરુદ્વારાની દીવાલ ઑક્સિજન આપતી નથી, પરંતુ ઘાસનું તણખલું તમને ઑક્સિજન આપે છે. જેન-ઝીમાં તેમને અખૂટ વિશ્વાસ છે. તેઓ કહે છે કે તેમનામાં સમજ છે, સંવેદના છે. ઘણા યુવાનો આજે નોકરી છોડીને પર્યાવરણ-ખેતીમાં કારકિર્દી બનાવી રહ્યા છે. તેઓ વૃક્ષો વાવવા ઉપરાંત બાયોડાયવર્સિટી, વનીકરણ, સ્પેશ્યલ ફોરેસ્ટી, વાઇલ્ડ લાઇફ, ખેડૂતોને શીખવવાનું અને નવી ટૅક્નિકના પ્રયોગો કરે છે. તેઓ કહે છે કે વૃક્ષ કાપનારની સંખ્યા ઘટાડવી શક્ય નથી, તેથી વૃક્ષ વાવવાની સંખ્યા વધારવી જોઈએ. ભારતના એકવીસ રાજ્યોના સવા બસો જિલ્લાઓમાં ૬.૭૦ લાખ એકર જમીનને કેનોપી, વેજિટેશન, ફોરેસ્ટમાં બદલનાર સાઠ વર્ષના પીપલ બાબા સોનાને બદલે વૃક્ષમાં મૂડીરોકાણ કરવાનું કહે છે. તેઓ કહે છે કે બાળકોને મોલમાં લઈ જવાને બદલે જંગલ, બગીચા, સફારી, પ્રકૃતિ, હરિયાળી બતાવો. તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, પરંતુ દર અઠવાડિયે કે મહિને અમુક સમય પ્રકૃતિ સાથે ગાળવો. આ સંસ્કાર બહુ જરૂરી છે. પ્રકૃતિની સાથે જ સ્વાસ્થ્ય અને સુખાકારી જોડાયેલા છે. જ્યાં હરિયાળી ત્યાં ખુશાલી.
કન્ટેન્ટ ક્રિએટર ડૉક્ટર
- આજે તે ત્રણ દિવસ તેના દર્દીઓને તપાસે અને ત્રણ દિવસ ઇન્સ્ટાગ્રામ, યુટયૂબ અને પોડકાસ્ટ દ્વારા સાચી માહિતી લોકો સુધી પહોંચે તેના માટે રીલ બનાવે છે
સ્ત્રીરોગ વિશેષજ્ઞા અને વૈજ્ઞાનિક ડૉ. તનયા નરેન્દ્રનો જન્મ પ્રયાગરાજમાં થયો હતો. માતા-પિતા બંને ગાયનેકોલોજિસ્ટ હોવાથી નાનપણથી જ તનયાને જે જાણવાની જિજ્ઞાસા રહેતી તેનો માતા-પિતા પાસેથી સંતોષકારક ઉત્તર મળતો. અભ્યાસમાં તેજસ્વી તનયાએ સુભારતી યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ યુનિવર્સિટી ઑફ ઓક્સફર્ડમાં પ્રવેશ મેળવ્યો. ક્લિનિકલ એમ્બ્રિયોલોજીમાં માસ્ટર કર્યું અને યૌન સ્વાસ્થ્ય શિક્ષણવિદ્ તથા ભ્રૂણવિજ્ઞાની બની. તે રૉયલ સોસાયટી ફૉર પબ્લિક હેલ્થની રજિસ્ટર્ડ ડૉક્ટર અને ફેલો છે. આજે તે અલાહાબાદમાં પ્રેક્ટિસ કરે છે. અત્યંત સફળ અને તેજસ્વી કારકિર્દી ધરાવનાર બત્રીસ વર્ષની તનયા એવા લોકો પર નારાજ છે અથવા તો તેમના પર ગુસ્સો આવે છે કે જે લોકો ડૉક્ટર પાસે જવાને બદલે પોતાના રોગનું સમાધાન સ્માર્ટફોનમાં શોધે છે.
તનયા કહે છે કે કિશોર વયની છોકરીઓ તેને પીરિયડ કેમ અનિયમિત આવે છે તે માટે ગુગલમાં સર્ચ કરે છે. તાવ આવે ત્યારે માતા-પિતા ડૉક્ટર પાસે જવાને બદલે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જુએ છે. યુવાનો સારું પ્રોટીન શેમાંથી મળે તે સ્માર્ટફોનમાં શોધવામાં વ્યસ્ત હોય છે. આમ લાખો ભારતીયો ડૉક્ટરના ક્લિનિક પર જવાને બદલે સ્માર્ટફોનમાં તેનો ઉપાય શોધે છે. આજે ઇન્ટરનેટને કારણે મેડિકલનું જ્ઞાન પહેલાં કરતાં વધુ ઝડપથી અને સ્વતંત્ર રીતે મળવા લાગ્યું છે, પરંતુ સાથોસાથ તે સમાંતર રીતે મોટી સમસ્યા ઊભી કરે છે, કારણ કે તેનાથી ખોટી કે ભ્રામક માહિતી ખૂબ ઝડપથી ફેલાય છે અને તેનો દુષ્પ્રચાર પણ થાય છે. ડૉક્ટરોએ ક્યારેય કલ્પના નહીં કરી હોય કે તેમણે તેમની કારકિર્દીમાં કન્ટેન્ટ ક્રિયેટર બનવું પડશે. ખોટી માહિતીને ફેલાતી અટકાવવા માટે આ કરવું જરૂરી છે.
ડૉ. તનયા નરેન્દ્ર ઑનલાઇન ઘણી માહિતી આપે છે અને તે ડૉ. ક્યૂટેરસ તરીકે જાણીતી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના વીસ લાખ ફોલોઅર છે. સ્ત્રીરોગ, જાતીય શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપતી વિશ્વની કદાચ આ સૌથી મોટી કોમ્યુનિટી છે. એ ક્યારેય ઇન્ફ્લુએન્સર બનવા માગતી નહોતી, પરંતુ સ્ત્રીરોગ, જાતીય શિક્ષણ, પીરિયડ અંગેની ખોટી માહિતી અને દુષ્પ્રચારથી થાકીને અને વધુ તો અકળાઈને સ્ત્રીરોગ અંગેના વીડિયો બનાવવા માંડયા, જેથી તેમના સુધી સાચી માહિતી પહોંચે. ડૉ. તનયાએ પીરિયડ અંગે, ગર્ભનિરોધક સાધનો વિશે, જાતીય શિક્ષણ અને સ્ત્રીઓની પ્રજનનક્ષમતા તેમજ તેનાં અંગો વિશે લોકોને સમજાય તેવી ભાષામાં વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા. સામે ખૂબ ત્વરિત પ્રતિસાદ મળવા લાગ્યો. પીરિયડ અને પ્રજનનક્ષમતા વિશે મૂંઝવતી સમસ્યા વિશે સૌથી વધારે પ્રશ્નો પૂછાવા લાગ્યા. તે કહે છે કે ભારતમાં પીરિયડ અને જાતીય બાબતો અંગે જાહેરમાં બોલવામાં લોકો સંકોચ અનુભવે છે.
આજે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે 'ડૉ. ગુગલદની સલાહ લે છે. ભારતમાં આશરે એક અબજ લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે અને પચાસ કરોડથી વધુ સોશિયલ મીડિયા વાપરે છે. આજે સ્વાસ્થ્ય અંગેની ઑનલાઇન માહિતી મેળવવાની ભૂખ અભૂતપૂર્વ રીતે વધી છે. તેની સામે એક હેવાલ પ્રમાણે છાસઠ ટકા ભારતીયો સ્વાસ્થ્ય સંબંદૃી ઑનલાઇન માહિતીમાં કોઈ ને કોઈ કૌભાંડનો ભોગ બને છે અથવા છેતરાય છે. તેથી ડૉ. તનયા લોકોને જાગૃત કરવા માગે છે. તેણે 'ડૉ. ક્યુટેરસ - એવરીથિંગ નોબડી ટેલ્સ યુ અબાઉટ યોર બોડી' નામનું પુસ્તક ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં પ્રકાશિત કર્યું છે અને તેનો અનેક ભાષામાં અનુવાદ પણ થયો છે. તે એચપીવી રસી અંગે પણ કામ કરીને સ્ત્રીઓમાં જાગૃતિ ફેલાવે છે. એચપીવી રસી સ્ત્રીઓને સર્વાઇકલ કૅન્સર અર્થાત્ ગર્ભાશયના મુખના કૅન્સર સામે કેવી રીતે રક્ષણ આપે છે તે સમજાવે છે, કારણ કે ભારતમાં સ્ત્રીઓમાં આ કૅન્સર બહુ મોટા પ્રમાણમાં થાય છે અને સ્ત્રીઓને થતાં કૅન્સરમાં તે બીજા નંબરે આવે છે. ઘણા ડૉક્ટરો માને છે કે આ રસી લગ્ન પછી કે મોટી ઉંમરે લેવામાં આવે તો વાંધો નથી, પરંતુ આ માહિતીને ખોટી જણાવતા ડૉ. તનયા કહે છે કે આ રસી નવથી પિસ્તાળીસ વર્ષની ઉંમર સુધીમાં લેવી જોઈએ અને ત્રીસ વર્ષની ઉંમર પછી દર વર્ષે પેપ સ્મીયર ટેસ્ટ કરાવવો જોઈએ. તો ભારતની લાખો સ્ત્રીઓની જિંદગીને બચાવી શકાય. તેણે નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોટોકોલમાં આ રસીનો સમાવેશ કરવા સરકારને અરજી કરી છે.
સોશિયલ મીડિયા પર નારાજગી સાથે પ્રવેશ કરનારી ડૉ. તનયા નરેન્દ્ર વિચારતી હતી કે ક્લિનિક સંભાળવું કે કન્ટેન્ટ ક્રિયેટર બનવું, પરંતુ આજે તે ત્રણ દિવસ તેના દર્દીઓને તપાસે અને ત્રણ દિવસ ઇન્સ્ટાગ્રામ, યુટયૂબ અને પોડકાસ્ટ દ્વારા સાચી માહિતી લોકો સુધી પહોંચે તેના માટે રીલ બનાવે છે. ડૉ. તનયા અહીં અટકતી નથી, પરંતુ તે કહે છે કે કન્ટેન્ટ ક્રિયેટર બનવાથી તે વદૃુ સારી ડૉક્ટર બની છે. દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિથી વિચારોનું-માર્ગદર્શનનું આદાનપ્રદાન વધુ સારી રીતે કરતી થઈ છે અને તેમને સમજતી થઈ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક ઍવૉર્ડ મેળવનાર ડૉ. તનયા ફોર્બ્સના એકસો ડિજિટલ સ્ટાર્સમાં સમાવેશ પામી છે.









