Ravi Purti

દિલ્હીના વિરોધ પ્રદર્શનોમાં ઉપસી આવેલું 'જેન-ઝી કલ્ચર'

By GS Team
26 Jul 20266 mins read
દિલ્હીના વિરોધ પ્રદર્શનોમાં ઉપસી આવેલું 'જેન-ઝી કલ્ચર'
  • સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
  • જેન-ઝી પાસે એક્સપ્રેસ થવા માટે જુદી ભાષા છે. ઓછા શબ્દોમાં 'ડીપ' મીનિંગ કાઢી શકતી નવી જનરેશને મીમ કલ્ચરથી ઈન્સ્પાયર્ડ થઈને પ્રદર્શન જેવા ગંભીર માહોલને હળવાશથી ભરી દીધો…

ભા રતમાં હિંસક-અહિંસક વિરોધ પ્રદર્શનોનો ઈતિહાસ ૧૭૦ વર્ષ જૂનો છે. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી શરૂ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ગાંધીયુગમાં સ્વરૂપ બદલ્યું. ગાંધીજીએ આખી દુનિયામાં પહેલી વખત અહિંસક વિરોધ પ્રદર્શનનો લાર્જ સ્કેલ સફળ પ્રયોગ કરી બતાવ્યો પછી આખી દુનિયામાં અહિંસક, શાંતિપૂર્ણ આંદોલનોનો યુગ શરૂ થયો.
સો-સવા સો વર્ષના ઈતિહાસમાં વિરોધ પ્રદર્શનોની તાસીર ઘણી બદલાઈ ગઈ. ગાંધીયુગમાં પણ યુવાનો મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાતા હતા અને ક્રાંતિકારી સૂત્રોચ્ચારોથી બ્રિટિશ અધિકારીઓને ચીડવતા હતા. વંદે માતરમ્ કે ઈન્કલાબ ઝિંદાબાદ, ભારત માતા કી જય… કરો યા મરો… સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે… તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા.. આઝાદી.. આઝાદી…ના નારા એ યુગમાં બેહદ પોપ્યુલર રહ્યા. વંદે માતરમ્… સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ… બિદ્રોહી જેવી કવિતાઓ અને બંકિમબાબુથી રવિન્દ્રનાથ ટાગોર, રામ પ્રસાદ બિસ્મિલ, કાઝી નઝરૂલ કે ગુજરાતમાં મેઘાણી જેવા કવિઓની કવિતાઓ આંદોલનકારીઓ ગણગણતા હતા.
ગાંધીયુગમાં દેશને આઝાદી મળી પછી પહેલું દેશવ્યાપી આંદોલન ઈમરજન્સી વખતે થયું. ઈમરજન્સીમાં દુષ્યંત કુમારથી લઈને રામાધારી સિંહ દિનકર, અટલ બિહારી વાજપેયી જેવા કેટલાય કવિઓની વિદ્રોહી કવિતાઓ પ્રદર્શન છાવણીઓમાં ગૂંજતી હતી. સંપૂર્ણક્રાંતિ… હમ છીન કે લેંગે આઝાદી… લોકશક્તિ ઝિંદાબાદ… જેવા સૂત્રોચ્ચારોએ ઈન્દિરા સરકારની ઊંઘ ઉડાડી દીધી હતી.
ઈમરજન્સી સામે જનઆંદોલન પછી તો દેશમાં કેટલાય મોટા આંદોલનો થયા ને એમાં સરકાર સામે ક્રાંતિના સૂત્રોચ્ચારો થતાં રહ્યાં, પરંતુ ૨૧મી સદીમાં, ટીવીના યુગમાં થયેલું અન્ના આંદોલન દેશના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ બન્યું. તત્કાલિન યુપીએ સરકારના મંત્રીઓના કૌભાંડોથી ત્રસ્ત થયેલી મિલેનિયલ જનરેશન પરિવર્તન લાવવા મેદાનમાં ઉતરી. તે વખતે દુષ્યંત કુમારથી અટલ બિહારી વાજપેયી, રાહત ઈન્દોરીથી કુમાર વિશ્વાસ સહિતના કવિઓની કવિતાઓથી દિલ્હીનું આકાશ ગૂંજતું હતું.
દેશમાં છેલ્લાં સો વર્ષમાં અનેક જનઆંદોલન થયા અને દરેક જનરેશને વિરોધની પોતીકી પદ્ધતિ શોધી કાઢી, એક્સપ્રેસ થવા માટે કોઈ શાયરની પંક્તિઓ ઉછીની લીધી તો કોઈ લોકનેતાના સૂત્રનો સહારો લીધો. દરેક જનરેશનને પોતાની ભાષા હોય છે, જેન-ઝીને પણ પોતાની ભાષા છે. એ ભાષા દેશની અગાઉની દરેકેદરેક જનરેશનથી જુદી છે. સોશિયલ મીડિયા અને મીમ્સના પ્રભાવમાં વિકસેલી આ ભાષાની અસર દિલ્હીના પ્રોટેસ્ટમાં આખા દેશે જોઈ. ઈનફેક્ટ, આ વિરોધ પ્રદર્શનોની પેરેલલ પહેલી વખત જેન-ઝી ભાષા અને કલ્ચરનું પણ પ્રદર્શન યોજાયું! એનાથી એક ઈમેજ ઉપસે છે કે દેશની જેન-ઝી આક્રમક છતાં આનંદી છે, સાહસી છતાં સંવેદનશીલ છે.


મીમ કલ્ચર વચ્ચે દેશ આખામાં થયેલું આ પહેલું મોટું આંદોલન હતું. જેન-ઝી માટે ટોન્ટ મારવામાં આવતો કે આ તો દરેક આંદોલનને ઓનલાઈન સપોર્ટ કરતી જનરેશન છે, પણ પહેલી વખત જેન-ઝીએ ખરા અર્થમાં ગ્રાઉન્ડ ગજવ્યું. દેશમાં સૌથી વધુ છ-સાત કલાક ઓનલાઈન રહેતી જેન-ઝીના આંદોલનમાં મીમ અને ઓનલાઈન કમેન્ટ્સ-ચેટ્સની ભાષાનો પડઘો પડયો. જો તમે ઈન્સ્ટા રીલ્સમાં જેન-ઝી કન્ટેન્ટ ક્રિએટર્સને જોતાં હશો તો આ ભાષા તમને ફેમિલિયર લાગી હશે.
ગાંધીયુગ ને અનુગાંધીયુગની જનરેશન પોતાની વાત મૂકવા લાંબાં નિબંધો કે ન્યૂઝપેપરના આર્ટિકલ્સનો સહારો લેતી હતી. ૨૦મી સદીના અંતે કે ૨૧મી સદીની શરૂઆતની જનરેશન એક-બે વાક્યોથી કામ ચલાવતી હતી, ત્યાં જેન-ઝી બે-પાંચ શબ્દોથી કામ પાર પાડે છે. ઓનલાઈન કમેન્ટ્સ કે ચેટમાં ટૂંકા રિએક્શનની આદત હોવાથી આંદોલનમાં એની સ્પષ્ટ અસર દેખાઈ.
ઉદાહરણો જુઓ: પોલીસે લાઠીચાર્જ કરીને સારી એવી ધોલાઈ કરી. કેટલાયને દોડાવી દોડાવીને માર્યા. તેનાથી એક તરફ દેશભરમાં આક્રોશ હતો ને જેન-ઝી પણ ઉકળી ઉઠી હતી. છતાં રીલ્સ અને બેનર્સમાં હળવો અંદાજ દેખાયો: થેંક્સ ફોર કાર્ડિયો, દિલ્હી પુલીસ! પ્રદર્શન દરમિયાન પોલીસે દોડાવ્યા તેને સારી એક્સરસાઈઝ ગણાવીને આવી ગંભીર બાબતને પણ હળવાશથી લીધી. કેટલાય છોકરા-છોકરીઓએ પ્રદર્શનમાં જતાં પહેલાં લખ્યું: 'દિલ્હી પોલીસ કે દંડે ખાને જા રહે હૈ!'
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે સંસદમાર્ચ થયા પછીય રાજીનામાની કોઈ હિલચાલ તો સ્વાભાવિક રીતે થવાની ન હતી. એ પછી વળી નવા બેનરો આવ્યાં, 'ધર્મેન્દ્ર પ્રધાન કે પાસ દૂસરા ઓફર નહીં હૈ ઈસલિયે રિઝાઈન નહીં કર રહે!' આટલો રમૂજી અને હળવો અંદાજ ક્યારેય જોયો છે? દેશમાં પહેલી વખત કોઈ આંદોલન પાર્લામેન્ટના ગેટ સુધી પહોંચ્યું. ખૂબ લાંબાં ચાલેલા ખેડૂત આંદોલનો વખતે પણ ક્યારેય પ્રદર્શનકારીઓ સંસદના ગેટ સુધી પહોંચી શક્યા નથી. સંસદ પર હુમલો થયો ત્યારે પહેલીવાર ગેટ બંધ કરવાની નોબલ આવેલી. એ પછી આ જેન-ઝી આંદોલનમાં આંદોલનકારીઓ છેક સંસદના ગેટ સુધી પહોંચી જતાં ગેટ બંધ કરવા પડયા. આ અસાધારણ ઘટનાને જેન-ઝીએ કેવી રીતે લીધી ખબર છે? એકદમ સાધારણ બાબત હોય એમ મીમ્સ બન્યાં: 'બ્રો! અપન પાર્લામેન્ટ કી ડોરબેલ બજા કે ભાગ ગયા!' સરકારના પેટમાં ઉલચવાલચ થતું હતું ને જેન-ઝી માટે એ મસ્તી હતી. કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય જેવો આ સીન કહેવાય!
જેન-ઝી પોલિટિકલ ટ્રેન્ડ કેટલો ક્વિક પકડી શકે છે એ પણ બતાવ્યું. પીએમ મોદીએ ઈટલી જઈને મેલોનીને મેલોડી આપી ત્યારે આ જ જનરેશન તેને કૂલ ગણાવીને હાર્ટ ઈમોજી આપતી હતી. મહિનામાં જરૂર પડી તો આ બાબતને સટાયરમાં બદલી નાખી. મેલોડી ખાતા-ખવડાવતા હોવાના પોસ્ટર્સ તો બનાવ્યા જ, પરંતુ દિલ્હીમાં કેટલાકે તો ઠેર-ઠેર પોલીસને સુદ્ધાં મેલોડી ખવડાવી, બોલો!
પેટ્રોલમાં ૨૦ ટકા પેટ્રોલ મિક્સ કરવાની વાત હોય કે દેશમાં નકલી ચીજવસ્તુઓના ત્રાસનો મુદ્દો હોય - દરેક બાબતે હળવાશથી થોડામાં ઘણું કહેવાની જેન-ઝીની આવડત ધ્યાન ખેંચે એવી હતી. પોલીસે ટીઅસ ગેસ છોડયો એ વાતને જેન-ઝીએ બેહદ રમૂજથી છતાં આકરા કટાક્ષમાં આ રીતે કહી: બ્રો યે પેટ્રોલ મેં ઈથેનોલ મિલાને જૈસા નહીં હૈ.. ધીસ ઈઝ ૧૦૦ પર્સેન્ટ ઓથેન્ટિક ટીઅસ ગેસ!


ઈસ્ટાના દૌરમાં થયેલા આ જેન-ઝી આંદોલનમાં 'ન્યૂ ઈન્ડિયા'ની તાસીરનો પડઘો પડયો. જેન-ઝી લેંગ્વેજ લાઈક, 'નો કેપ' (સીધી બાત નો બકવાસ) હોય કે આઈવાયકેવાયકે (ઈફ યુ નો યુ નો!) હોય કે ડેલૂલૂ (ભ્રમમાં રહેવું) હોય કે ક્રેશ આઉટ (નાટકીય બિહેવ, ઈમોશનલી અસફળ) કે પછી કોઈ જુગાડ નિકાલ… બિન્દાસ… બવાલ જેવા શબ્દો કે લેંગ્વેજથી સોશિયલ મીડિયા તો ઉભરાયું જ, પરંતુ પ્રદર્શનકારીઓની પોતાની રીલ્સ જ ધૂમ મચાવતી રહી. જો અન્ના આંદોલનની સફળતાનો યશ ટીવી મીડિયાને આપવામાં આવતો હોય તો આ જેન-ઝી આંદોલનની ક્રેડિટ રીલ્સને આપવી પડશે.
જેટલા પ્રદર્શનકારીઓ એટલા મોબાઈલ, જેટલા મોબાઈલ એટલા કેમેરા, જેટલા કેમેરા એટલી રીલ્સ અને જેટલી રીલ્સ એટલી ઈમ્પેક્ટ - આ મેથડથી જેન-ઝી આંદોલનમાં અભૂતપૂર્વ ભીડ એકઠી થઈ. એવરેજ પ્રદર્શનકારીએ સોશિયલ મીડિયામાં આંદોલનનું લાઈવ કવરેજ કર્યું ને તેની અસર દિલ્હીમાં જ નહીં, દિલ્હીથી હજાર-બે હજાર કિલોમીટર દૂરના શહેરો-ગામડાં સુધી થઈ. મોદીના જૂના ભાષણો મીમ્સનું મટિરિયલ બન્યા, મોદીના જ સૂત્રોમાંથી ફની વન લાઈનર્સ ક્રિએટ થયાં.
વેલ, સ્લેંગ લેંગ્વેજમાં ઠઠ્ઠા મશ્કરી કરીને પોલીસને ચીડવતી આ જનરેશન એટલી સંવેદનશીલ પણ ખરી કે કલાકો સુધી ખડેપગે રહેલા પોલીસ કર્મચારીઓને પાણીની બોટલો અને નાસ્તો પણ વહેંચે.
ઈન્ટરેસ્ટિંગલી, કદાચ એમાંથી બહુ ઓછાએ ગાંધીવિચારો વાંચ્યા-સમજ્યા હશે, પરંતુ તેમની અમુક ટ્રિક્સમાં અદ્લ ગાંધીજીના આંદોલનનો પડઘો પડતો હતો. જેમ કે, પોલીસ કર્મચારીઓ આખો દિવસ લાઠીચાર્જ કરીને પાછા ફરતા હતા ત્યારે જેન-ઝીએ ગાંધીગીરીની સ્ટાઈલમાં વિનમ્રતાથી તાળીઓ પાડીને રોકડું પરખાવી લીધું: 'વેલડન દિલ્હી પુલીસ. ઘર જાકર અપને બચ્ચો કો બતાના કી હમ આપકી ઉમ્ર કે બચ્ચો કો પીટ કે આયે હૈ!'

સો વર્ષથી દરેક જનરેશનમાં લોકપ્રિય રહેલાં સૂત્રોચ્ચારો
દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન એક નારો ખૂબ બોલાયો: ઈન્કલાબ ઝિંદાબાદ… પર્સિયન ભાષામાંથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ ન જાણતી યુવાપેઢીને ભગતસિંહે લગાવેલા આ નારામાં આજેય રિવોલ્યૂશન દેખાય છે. છેક ૧૯૨૧માં હસરત મોહાનીએ આ નારો પોપ્યુલર કર્યો હતો. ત્યારથી છેક જેન-ઝી સુધીની દેશની દરેક જનરેશન આ નારો લગાવે છે. જય હિંદનો નારો સુભાષબાબુએ આપ્યો હતો ને ત્યારથી એનો પ્રભાવ દેશના દરેક આંદોલનોમાં પડઘાય છે. ભારત માતા કી જય… આ નારો સ્વતંત્રતા આંદોલનના છેલ્લાં દશકામાં પોપ્યુલર થયો હતો. આજેય આંદોલનોને આ નારા વગર ચાલતું નથી. સત્યમેવ જયતે અને વંદે માતરમનો પણ એટલો જ ઊંડો પ્રભાવ જોવા મળ્યો છે. આઝાદીના આંદોલનથી લઈને ઈમરજન્સી હોય કે ૧૯૮૫નું આંદોલન હોય કે પછી અન્ના આંદોલન.. વંદે માતરમનો નારો પ્રત્યેક જનરેશને લગાવ્યો છે. દેશ આઝાદ થયા પછી અમૃતકાળમાં પ્રવેશ્યો છે છતાં આજેય 'આઝાદી… આઝાદી… હમે ચાહિએ આઝાદી..'નો નારો પણ છેક જેન-ઝી જનરેશન સુધીના તમામ પ્રદર્શનોમાં ગૂંજતો રહે છે.