ગાળપુરાણ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અપશબ્દોનો ઈતિહાસ કેવો છે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
'ચાણક્ય' ચંદ્રપ્રકાશ દ્વિવેદી અને વિદૂષી દેવાંગના દેસાઈના અભ્યાસ દ્વારા આપણને સાંસ્કૃતિક અને સામાજિક રીતે અભદ્ર ભાષાપ્રયોગનો આખો ભૂતકાળ જાણવા મળે છે !
અચાનક શિક્ષણપદ્ધતિને બદલે ગાળો પર જે ચર્ચા ચાલવા લાગી આપણે ત્યાં એમાં સૌથી ઉત્તમ અને સૌથી લાંબો લેખ ચાણક્ય જેવી સિરિયલ અને પૃથ્વીરાજ ચૌહાણ જેવી ફિલ્મ બનાવનાર વિદ્વાન ચંદ્રપ્રકાશ દ્વિવેદીનો હતો ! ચંદ્રપ્રકાશ દ્વિવેદી મુળ આરએસએસ બેકગ્રાઉન્ડમાંથી આવે. પણ એમનો સાહિત્ય અને સંસ્કૃતિ બાબતે પ્રખર વિદ્વત્તા તો વર્ષોથી પ્રસિદ્ધ છે. દસેક હજાર શબ્દોનો એ લેખ એમના અભ્યાસની છડી પોકારે એવો હતો. આખો લેખ તો યથાવત એક કોલમમાં સમાવવો શક્ય નથી. પણ અપશબ્દો કે અભદ્ર શબ્દપ્રયોગો ભારતના વારસામાં સંસ્કૃતિના દાયરાની બહાર નહોતા. ને આજની માફક માત્ર સ્ત્રીને ટાર્ગેટ થતી ગાળો નહોતી. જનનાંગોનો ઉલ્લેખ ગંદો ના ગણાતો એવો પણ એક કાળખંડ હતો. બધી જ વિગતો સંદર્ભો ચંદ્રપ્રકાશ દ્વિવેદીના જાહેરમાં રહેલા લેખમાંથી તારવી એમાં જરૂર પડે ત્યાં થોડી સમજૂતી ઉમેરી ખાસ જીજ્ઞાસુઓ માટે આ ભારતનો અભ્યાસલેખ પ્રસ્તુત છે…
ભારતના પ્રખ્યાત વિદ્વાન દેવાંગના દેસાઈના પુસ્તક 'ઇરોટિક સ્કલ્પચર્સ ઓફ ઇન્ડિયા'માં અસભ્ય કે અશ્લીલ કહી શકાય તેવા શબ્દોના સંદર્ભમાં એક પ્રકરણ છે. પુસ્તકમાં પ્રાચીન ભારતીય જીવનમાં અશ્લીલોક્તિ અને જુગુપ્સોક્તિ (અભદ્ર ભાષા)ના સંદર્ભમાં ઐતિહાસિક પુરાવાઓ છે. પુસ્તકમાં રજૂ થયેલા સંશોધન મુજબ પ્રાચીન ભારતમાં કેટલાક ધાર્મિક અનુષ્ઠાનો/યજ્ઞાો અને સામાજિક ઉત્સવો પર અસભ્ય કે અશ્લીલ કહી શકાતી ભાષાનો સમાજ પ્રયોગ કરતો હતો.
અતીતમાં એવું માનવામાં આવતું હતું કે અભદ્ર ભાષા અને મુદ્રાઓમાં જાદુઈ શક્તિઓ હોય છે. પુરાણકાળમાં એવું વિશ્વાસ કરવામાં આવતો હતો કે ભાષા અને સંકેતોમાં રહેલી અભદ્રતા બુરાઈ, ખતરા અને દુર્ભાગ્યને દૂર કરે છે તથા તે ફળ પ્રાપ્તિમાં સહાયક બને છે. જે. ગોંડે વૈદિક સંસ્કૃતિમાં ભાષાની અભદ્રતાની અનુષ્ઠાનો રેખાંકિત કર્યા છે. એ મુજબ અભદ્ર ભાષા ( જેમકે ગાળ) દુષ્ટ શક્તિઓ અને દુર્ભાગ્યને દૂર કરે છે અથવા તેમને બીજી દિશામાં ભટકાવી દે છે. તે 'પવિત્ર' કરે છે! ઉદાહરણ તરીકે, શતપથ બ્રાહ્મણ મુજબ વાતચીત, સંવાદ અથવા ઉપદેશમાં ઉપહાસ, કલંકિત કરવું/ગાળ દેવી, વ્યંગ્ય કરવો કે નીચા દેખાડવું ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ માટે હોય છે. કાત્યાયન શ્રૌતસૂત્રમાં પણ આ જ વિચારની પુનરાવૃત્તિ છે.
ક્યાંક ત્યારે એવું પણ માનવામાં આવતું હતું કે અસભ્ય ભાષા વરસાદ લાવવામાં મદદ કરે છે. દક્ષિણ ભારતમાં વરસાદ મેળવવા માટે મહિલાઓ દ્વારા અભદ્ર ગીતો ગાવામાં આવતા હતા. દેવયાત્રા નામના ઉત્સવમાં દેવયાત્રા દરમિયાન નૃત્ય કરતી કન્યાઓ દ્વારા અશ્લીલ ગીતો ગાવા અને અભદ્ર ઇશારા કરવા એ દેવયાત્રાનો હિસ્સો ગણાતો. તેનો ઉદ્દેશ ફર્ટીલીટી ફળદ્રુપતાને પ્રોત્સાહન આપવાનો હતો, જેથી સંતાનપ્રાપ્તિ થાય. અશ્લીલ શબ્દો મોસમી ઉત્સવો જેવા કે હોળી, વસંતોત્સવ, મદન મહોત્સવ અને અન્ય ઉત્સવો પર બોલાતા હતા. હોળીના ઉત્સવ પર અશ્લીલ ટુચકા કહેવાની કે ગાળો કહેવાની પરમ્પરા આજે પણ ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ જીવીત છે. એ ઉત્સવનું એક વિશેષ અંગ હતું જેને 'ભાંડ બધાઈ' કહેવાતું હતું. હિન્દીમાં 'ભાંડ' શબ્દનો વિશેષણ તરીકે અર્થ થાય છે - બેશરમ, અપમાનજનક, અશ્લીલ અને અભદ્ર.
એકબીજાને અપશબ્દ કે ગાળ કહેવાથી ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોડના દોષ અથવા પાપથી મુક્ત કરે છે. (પેજ ૯૬) દુર્ગાપૂજાના દસમા દિવસે શબરોત્સવમાં અભદ્ર અભિવ્યક્તિ ઉત્સવનો હિસ્સો હોય છે. જીમૂતવાહને પોતાના 'કાલવિવેક'માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જે વ્યક્તિ ભગ-લિંગ સાથે સંબંધિત શબ્દો, ગીતો અને ક્રિયામાં ભાગ નથી લેતો તેના પર દેવતાઈ કોપ થાય છે. ગ્રામીણ બંગાળમાં આજે પણ આ પરંપરા જીવંત છે. ખુણેખાંચરે દેવી જયાની ઉપાસનામાં નગ્ન થઈને નાચવું, ખરાબ બોલવું અને પોતાની ઉપાસના સ્વીકાર ન કરવા બાળકના લાડની જેમ ક્રોધ કરવો જેવી પરંપરાઓ પણ હતી. દેવી સન્માનમાં ગુજરાતના લોકનાટય 'ભવાઈ'માં અમુક અભદ્ર લગાતા વેશ ભજવાતા એવો ઉલ્લેખ દેવાંગનાબહેન કરે છે. એનું કારણ એ કે, જયારે મનોચિકિત્સકોનું સમાજમાં અસ્તિત્વ નહોતું ત્યારે પણ મનના વિકારનું આ રીતે જાહેર કેથોર્સિસ યાને વિરેચન થઇ જાય તો મેન્ટલ હેલ્થ સ્વસ્થ રહે. ધૂંધવાટ કે ગુસ્સો અંદર કોઈ ઘટના કે વ્યક્તિ માટે ઘૂંટીને સ્ટ્રેસથી તબિયત ખરાબ થાય એવું ના બને.
પણ સામાન્ય માણસને આવું આજે નથી સમજાતું તો ત્યારે કેમ સમજાવવું ? એટલે એવું મનાતું અશ્લીલ પ્રદર્શન દુરાત્માઓને ડરાવે છે. મેઘની ગર્જના અને વીજળી રાક્ષસો છે જેને ભવનો પર અશ્લીલ પ્રદર્શનથી દૂર રાખી શકાય છે. ગુજરાતની કેટલીક સાર્વજનિક ઇમારતોમાં એકલદોકલ યૌન દ્રશ્યોની ઉપસ્થિતિ શૃંગાર ઉપરાંત આવી રક્ષણાત્મક ભૂમિકા તરફ સંકેત કરે છે. (પેજ ૯૭). ખજુરાહોના પ્રખ્યાત મંદિરો સાથે જોડાયેલી દંતકથાઓમાં આ વિશ્વાસની સ્થાપના આપણને પૃથ્વીરાજ રાસોના મહોબાખંડમાં મળે છે. અનુષ્ઠાનમાં અશ્લીલતાનો ઉપયોગ - ભાંડ યજ્ઞા કહેવાતો હતો જે વિવાહેતર સંબંધોના પાપથી મુક્ત થવા માટે કરવામાં આવતો હતો. એક દંતકથા અનુસાર ખજુરાહોમાં મૈથુન શિલ્પોનો પ્રયોગ રાણી હેમવતીના એક્સ્ટ્રા મેરિટલ અફેરના પાપથી મુક્તિ માટે શરુ થયેલો.
એક દક્ષિણ ભારતીય પરંપરામાં વરસાદની આવશ્યકતા હોય, ત્યારે મહિલાઓ પુરુષની એક માટીની મૂર્તિ બનાવીને તેને પાલખીમાં રાખે છે, અને તેને અશ્લીલ ગીતો ગાતા ગાતા ઘેર-ઘેર ફેરવીને અંતમાં ખેતરમાં સ્થાપિત કરે છે. વિખ્યાત અશ્વમેધ યજ્ઞામાં અનુષ્ઠાનિક મૈથુન સાથે યૌન સંવાદ યજ્ઞાનો મહત્વપૂર્ણ હિસ્સો હતો. રાજાની ચારે રાણીઓ તેમાં ભાગ લેતી. અગ્ર મહિષી અશ્વ સાથે શયન કરતી હતી અને અબ્યુઝીવ લેન્ગવેજનો પ્રયોગ કરતી (પેજ ૧૦૦). 'ભારતીય વિવાહ સંસ્થા કા ઈતિહાસ : અધ્યાય, ચાર અગ્નિ ઔર યજ્ઞા' પુસ્તકમાં વિશ્વનાથ કાશીનાથ રાજવાડેએ આનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે.
મહાવ્રત અનુષ્ઠાન જેમાં પ્રજાપતિ માટે સોમ યજ્ઞા કરવામાં આવતો હતો, તેમાં પણ કેટલાક રસપ્રદ તથ્યો જોવા મળે છે. આ અનુષ્ઠાનમાં એક પુઆંચલી (ગણિકા) અને એક બ્રહ્મચારી યજ્ઞાવેદીની ઉત્તરમાં એકબીજાને ગાળો (અશ્લીલ શબ્દો) આપતા હતા. આ પરસ્પર અપમાન ફળદ્રુપતા (ઉર્વરતા) વધારવા માટે સમર્પિત કરવામાં આવતું હતું. એવી આજે લુપ્ત વિધિમાં જ અનુષ્ઠાનમાં દક્ષિણ દિશામાં એક પડદા પાછળ સમાગમને તાંત્રિક વિધિની જેમ લેવાના ઉલ્લેખો છે. (પેજ ૧૦૩)
ફર્ટિલિટી ફેસ્ટિવલ ભારતમાં ઉજવાતા એવું અલ્ટ્રા મોડર્ન કલ્ચર આપણા દેશમાં હતું ! ખેતી અને પરિવાર બેઉમાં પ્રસન્નતા માટે સંગમ જરૂરી છે. એ સમયે ઘરોને સજાવવા, સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરવા સાથે આનંદ પ્રમોદ માટે અશ્લીલ ભાષા અને કામુક ચેષ્ટા/હાવભાવ સામેલ થતા. હોળીના દિવસે અશ્લીલતા / અભદ્ર શબ્દોથી રાક્ષસી હોલિકા અને દાનવ ધોંડાને દૂર રાખશે અને હોલિકાનો નાશ કરવામાં સહાયક બને એવી માન્યતા હતી. ચૈત્ર માસના મદન મહોત્સવોના વર્ણનો આજના સમાજમાં લખી શકાય નહી, પણ ૮મી શતાબ્દીમાં દામોદરગુપ્ત અને ૧૨મી શતાબ્દીમાં જીમૂતવાહને મદન મહોત્સવના દિવસે 'અશ્લીલોક્તિ' અને 'જુગુપ્સોક્તિ' (અભદ્ર ભાષા)ના પ્રયોગનો ઉલ્લેખ કર્યો છે. લક્ષ્મીધરે ઉદક મહોત્સવના દિવસે આસવ (દારુ) અને આસન (કામસૂત્ર) સાથે અશ્લીલ શબ્દો અને ગીતોના પ્રયોગનું વર્ણન કર્યું છે. એક પ્રકારે માહોલ બનાવવા માટે !
જેવું કે પહેલાં શબરોત્સવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કલિકાપુરાણ મુજબ આ ઉત્સવમાં ભગ-લિંગ (જાતીય અંગો) સાથે સંબંધિત ગીતો, સમાગમ અને સામુહિક વિલાસ રચવાનો ઉલ્લેખ છે. ૧૪મી શતાબ્દીમાં ચંદેશ્વરે દેવી સમાજને આ પ્રકારના સ્વૈરાચારની આવશ્યકતા દૈવી પ્રકોપથી બચવા માટે હોવાની વાત કરી છે. ૧૭મી શતાબ્દીના મધ્યકાલીન ભારતની એક બંગાળી રચના 'બૃહદ ધર્મપુરાણમાં' ઉલ્લેખ છે કે પ્રજનનના અંગોના સંબંધમાં બોલવું, આ ઉત્સવના પ્રારંભ થવા પર થાય છે, કોઈને અંગત લક્ષ્ય બનાવવા સિવાય સાહજિક પારદર્શક ક્રિયા હોય તો દેવતાઓ એનાથી નારાજ નહિ પણ પ્રસન્ન થાય છે.
બંગાળ કે દક્ષિણ જ નહિ, ઉત્તર ભારતમાં પણ ક્રોધ ઉપરાંત મસ્તી ખાતર અપશબ્દો બોલાતા. ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત 'રામચરિતમાનસ'માં શિવ વિવાહના ઉત્સવ પર બાબાએ ગારીની સામાજિક પરંપરાનો ઉલ્લેખ કર્યો છે કે, હિમાચલે આદરપૂર્વક બધા જ વરયાત્રીઓ - વિષ્ણુ, બ્રહ્મા અને બધી જાતિના દેવતાઓને બોલાવ્યા. 'નારીવૃંદ સુર જેવન્ત જાની, લગી દેન મૃદુ ગારિ !' સ્ત્રીઓની મંડળીઓ દેવતાઓને જમતા જાણીને કોમળ વાણીથી ગાળો દેવા લાગી. અલબત્ત, આ ગાળો એટલે કાનમાંથી કીડા ખરે એવી ગંદી ગાળો નહિ. ફટાણા જેવા ઉપાલંભ જેમાં વિનોદ હોય. રમુજી મોજ માટેના પારિવારિક અપશબ્દો. જેમ કોઈ કાઠિયાવાડી મા સંતાનને નવરીના કહે એવું કૈંક. એટલે તો આગળ ચોપાઈ છે. ગારી મધુર સ્વર દેહી સુંદરી બિન્ગ્ય બચન સુનાવહી….બધી સુંદર સ્ત્રીઓ મીઠા સ્વરોમાં ગાળો યાને વ્યંગવચનો સંભળાવવા લાગી. દેવગણો આ વિનોદ સાંભળીને ખૂબ જ સુખ અનુભવે છે, એટલા માટે ભોજન કરવામાં વધુ વાર લગાડી રહ્યા છે. વિવાહ જેવા મંગળ ઉત્સવ પર આવા શબ્દોનો પ્રયોગ કદાચ બે અજાણ્યા પરિવારો વચ્ચે સ્નેહનો સંબંધ જોડાય એનું આઈસબ્રેકિંગ હોઈ શકે ! માનસમાં અન્ય ઉલ્લેખો છે, જાતે વાંચજો ગીતા પ્રેસનું વર્ઝન લઈને કે ગારિ ગાન સુની અતિ અનુરાગે…જેવન્ત દેહી મધુર ધૂન ગારિ… સમય સુહાવની ગારિ બિરાજા… એ પંક્તિઓ ક્યાં આવે છે !
પણ 'દેહી પરસ્પર મંગલ ગારિ' જેવા આ શુભ પ્રસંગોની ટીખળ ઉપરાંત વિરોધ તરીકે પણ ગાળોનો ઉલ્લેખ છે. જ્યારે સીતા સ્વયંવરમાં ધનુષ્ય તૂટયા પછી આવેલા કેટલાક દુષ્ટ રાજાઓએ ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું ત્યારે જનકપુરની નારીઓ દુષ્ટ રાજાઓને ગાળો દેવા લાગી.. 'સબ મિલિ દેહી મહીપન્હ ગારિ' રામના વનવાસના સમયે અયોધ્યાવાસીઓ કૈકયીને ગાળો દે છે : જહં તહં દેહિ કૈકઇહી ગારિ… દેહી કુચાલીહિ કોટિક ગારિ…ગારિ સકલ કૈકઈહી દેહિં…
રાવણ મામા મારીચને અપમાનિત કરતા શબ્દો કહે છે : સુનત જરા દિન્હીસી બહુ ગારિ.. અને લંકાવાસીઓ રાવણને… 'સબ મિલી દેહિં રાવનહિ ગારિ… રાજ કરંત એહીં મૃત્યુ હંકારી' સૌ મળીને રાવણને ગાળો દેવા લાગ્યા કે રાજ્ય કરતા કરતા એણે મૃત્યુને બોલાવી લીધું છે. અને દૈવી સ્થિતપ્રજ્ઞા વ્યક્તિત્વ એને કહેવાય એજેને ફરક ના પડે ગાળોથી. સબ કે પ્રિય, સબ કે હિતકારી, દુખ સુખ સરિસ પ્રસંસા ગારિ… પ્રશંસાથી છકે નહિ ને ગાળોથી ડગે નહિ એ પૂજાય ! સમજજો, કે પેલી મજાકમાં દેવાતી ગાળો યાને અભદ્ર શબ્દો અલગ. એ કોઈને હર્ટ કરવા માટે નથી. ગમ્મત ખાતર છે.
અને આ રીતે રોષ કે અકળામણથી બોલાયેલા અભદ્ર શબ્દો અલગ.
'રામલલા નહછૂ', 'જાનકી મંગળ' અને 'પાર્વતી મંગળ' જેવા ગ્રંથોમાં પણ ગાળોની લોકપરંપરાનો ઉલ્લેખ છે. જુગાર રમવામાં સ્ત્રીઓ પણ ગાળો આપે ને નવોઢાને પણ ગાળો શીખવાડવામાં આવે. એ ગાળો ખરેખર કેવી હતી એના ઉલ્લેખો લુપ્ત થઇ ગયા છે. શરમમાં કદાચ ભાષાશાસ્ત્રીઓ એનું સમ્પાદન છોડતા ગયા. ગોંડલ મહારાજા ભગવદસિંહજી જેવો અભિગમ ના રાખ્યો કે એકેડેમિક હેતુથી શબ્દકોશ ભગવદગોમંડલમાં સ્લેંગ ગણાય એવી ગાળો પણ સમાવાય. એક જગ્યાએ એવો ઉલ્લેખ મળે છે વિનોદમાં કે હિમાચલને ગાળો રમતગમ્મતમાં મળે ત્યારે શિવજી હશે છે કે માતા છે જ નહિ તો આપણને કોણ ગાળો આપે !
અર્થાત્ એ વખતે અમુક શબ્દો ઇનસેસ્ટ યાને મા બહેનની ગાળોના હશે ? આ બધું મધ્યયુગમાં રચાયું તો ત્યારના સમાજની વાત હશે ? સંસ્કૃતમાં ગાળો તો છે પણ એ ય મધુર લાગે એવી મોટા ભાગની. વિષ્ટા, કુલટા, નીચ, દુષ્ટ, મૂઢ ટાઈપ. એકદમ આકરી ગાળો કદાચ કોઈ અભ્યાસુ વિદ્વાનને ખબર હોય, પ્રચલિત નથી જાહેર મર્યાદામાં.
હા, સ્થાનિક બોલીઓમાં ગાળો વજનદાર જોખાતી થઇ. મરાઠી ભાષામાં એક પુસ્તક છે : 'મરાઠી ભાષેતીલ અસભ્ય મ્હણી આણિ વાકપ્રચાર' તેના સંપાદક અભ્યાસક છે : અશ્વિની કુમાર દત્તાત્રેય મરાઠે. મરાઠેજીએ પોતાના પુસ્તકમાં અસભ્ય મ્હણી એટલે કે કહેવતોની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, તેના માનસશાસ્ત્રીય અને સામાજિક પાસાઓનું વિષદ અધ્યયન કર્યું છે. તેઓ તો કોઈપણ ભાષાના અસભ્ય શબ્દોને અશ્લીલ માનવા માટે તૈયાર નથી, કારણ કે વ્યુત્પત્તિના અનુસાર અશ્લીલનો અર્થ 'સૌંદર્યનો અનુભવ ન કરાવનાર' થાય છે !
સ્ત્રીઓ ગાળો બોલે એ બાબતે ચોપાઈની જેમ મરાઠેના અભ્યાસમાં પણ એમને ૯૦ ટકા અસભ્ય કહેવતો મહિલાઓમુખે સાંભળવા મળેલી. મરાઠી ભાષામાં પ્રકાશિત આર.સી. ઢેરે દ્વારા સંપાદિત પુસ્તક 'શીવી આણિ સમાજેતિહાસ' માં ગાળોની પરંપરા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે મહારાષ્ટ્રમાં શિલાઓ પર જે અનેક દાનલેખ પ્રાપ્ત થયા છે તેમાંથી ઘણા દાન લેખોમાં 'ગધેગાળ' નામથી પ્રસિદ્ધ ગાળનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. દાન લેખના અંતમાં શાપાશીર્વાદત્મક વચનોનો ઉલ્લેખ હોય છે - 'આ દાન શાસન જે માનશે તેનું કલ્યાણ થશે અને જે તેનો ભંગ કરશે તેને યાતનાઓ ભોગવી પડશે, તેનું અકલ્યાણ થશે.' ગધેગાળની એક વિશેષતા એ પણ છે કે જેવી તે શબ્દાંકિત થઈ શકે છે તેવી જ તે દ્રશ્યાંકિત પણ થાય! ગધેગાળનો અર્થ ગધેડાના નામથી આપેલી ગાળ. 'તું ગધેડો છે' આ ગધેગાળ નથી. લેખોમાં અંકિત દાનશાસનનો જે ભંગ કરશે તેની માતા અથવા પત્નીનો ઉપભોગ ગધેડો કરશે - આવી છે પ્રાચીન ગધેગાળ! મણિકપુર, તાસગાંવમાં કાવ્યમય ભાષામાં ગધેગાળ ઉત્ખનિત કરવામાં આવી છે. વેળૂસ, કોપરાડ, કાલવાર, કાટી, બિંડકીન, બેહરલી, મિરજ ઈમામ દરગાહ, તાજ બાવડી ઇત્યાદિ સ્થાનો પર લેખોમાં શબ્દ અને શિલ્પ બંનેમાં અંકિત ગધેગાળ દેખાઈ આવે છે. સંગમેશ્વર,કર્ણેશ્વર, રાજલી, ધર્મપુરી સ્થાનોના લેખમાં કેવળ શિલ્પોમાં અંકિત ગધેગાળ મળે છે. ક્યાંક 'ખર બર માદર ઈ ઉ સવાર બાશદ' જેવો ફારસી લેખ પણ મળે છે ! એ પુસ્તક મુજબ વિદેહમુક્ત ગોવિંદપ્રભુથી લઈને અક્કલકોટના સ્વામી સમર્થ અને ચક્રધરથી લઈને તુકારામ કે મોરોપંત સુધી અનેક યુગપુરુષોની વાણીમાં આવા લોકબોલીના શબ્દો સહજ આવતા.
જો કે આપણા વારસામાં ભાષાનું અલગ સૌન્દર્ય હોય છે. જેમ કે ઋગ્વેદ ૧૦.૯૫.૧૪ પુરુરવા ઉર્વશી સંવાદમાં 'નિ:તે ઉપસ્થે' એવો શબ્દ પ્રયોગ છે. શબ્દ ભવ્ય લાગે પણ એનો અર્થ ધરતીના પૃષ્ઠભાગમાં એ પ્રકારનો થાય ! વૈદિક કાળના વિરોધીઓએ ત્યારે જે અલૌકિક ગણાતા એવા ક્રિયાક્લાપોને વખોડવાના શરુ કર્યા ને એમાં કદાચ ભારતમાં ગાલિપ્રદાન આવી ગયું. મૂળ તો ગાળ એ ક્રોધ અને હતાશાની સુપરલેટીવ ડિગ્રી બતાવતું મેનીફેસ્ટેશન છે.
અહીં ઇતિહાસાચાર્ય વિશ્વનાથ કાશીનાથ રાજવાડેના 'ભારતીય વિવાહ સંસ્થેચા ઇતિહાસ'નાઉલ્લેખ કરવો આવશ્યક છે. આ પુસ્તકના ચોથા પ્રકરણ 'અગ્નિ અને યજ્ઞા' માં અશ્વમેધ યજ્ઞાની ભૂમિ પર ત્વિજ અને રાજાની પત્નીઓ વચ્ચેનો અનુષ્ઠાનિક સંવાદ (વિલાપ) બિભત્સ લાગે એવો છે, પણ આચાર્યજી લખે છે, કે લોકો એને બિભત્સ ગણી દૂર ના રહે એ માટે ધાર્મિક વિધિઓમાં આ સામેલ કરતુ કે નવ રસમાં આ રસનું સંતુલન રહે. કદાચ આપણા પૂર્વજો મનોભાવોને રોજબરોજને બદલે કોઈ યોગ્ય અવસરે વ્યક્ત કરી તણાવમુક્ત થવા માંગતા હશે અને એવું પણ હોય કે ગાળ યાને કોઈના અપમાન કે સેક્સ્યુસલ કોન્ટેકસ્ટથી ગુસ્સો શમી જાય તો વધુ ભીષણ સંગ્રામ ના થાય. અને જીવનમાં થોડો આનંદ વિનોદ રહે એ પણ ભાવ હોય. મોટે ભાગે આ લેખના સંદર્ભોમાં નેગેટીવ આચરણ કરતા પાત્રો સિવાય અભદ્ર અપશબ્દો કોઈને પર્સનલી ટાર્ગેટ કરી આપવાની વાતો નથી. જનરલ ફન એક્સપ્રેશન છે. આખરે ભારતના સનાતન ઋષિઓ જીવનવિરોધી નહિ પણ એના રસિક ઉપાસક હતા ! એટલે જ પર્સનલી, માતા બહેનોની ગંદી ગાળોનો રોજીંદા જીવનમાં પણ ઉપયોગ કર્યા વિના હાસ્યપ્રેરક એવી જેન્ડર ન્યુટ્રલ વેજ ગાળોનું ડિફેન્સ મિકેનિઝમ શોધી સનાતન સંજ્ઞા જીવંત રાખી છે !









