Ravi Purti

Noble Prize વિજેતાઓએ પણ આપઘાત કરીને જીવન ટૂંકાવવું પડયું છે!

By GS Team
5 Sep 20268 mins read
Noble Prize વિજેતાઓએ પણ આપઘાત કરીને જીવન ટૂંકાવવું પડયું છે!
  • લપછપ- કૌશિક કુમાર દીક્ષિત
  • તેઓને જીવન કેમ 'મરવા' જેવું લાગ્યું હશે?! જગવિખ્યાત સન્માન પણ 'જીવવા' માટેનું પ્રેરક બળ પૂરું પાડવામાં સરિયામ નિષ્ફળ!
    નોબલ પુરસ્કાર વિજેતાઓ પૈકી કોઈ નિરાશાની ગર્તામાં ધકેલાઈને તો, કોઈ વળી જીવનનાં કષ્ટ-દુ:ખ સહન નહિ કરી શકવાથી… કોઈને પોતાનાં કામકાજો નષ્ટ થઇ જવાના ડરથી…કોઈ પોતાની નિંદા સહન નહિ શકવાથી…આપઘાતના માર્ગે ગયા અને જીવનને Bye Bye કરી દીધું! તેઓ પૈકી તમામે તમામ પુરુષો જ છે અને મહિલા કોઈ જ નહિ!

યા સુનારી કાવાબાતાને સાહિત્યનો નોબલ પુરસ્કાર ઈ.સ.૧૯૬૮માં મળ્યો હતો… તેઓ ચારેક વર્ષના હતા ત્યારે તેમનાં મા-બાપ મૃત્યુ પામ્યાં હતાં એટલે, પછી તેઓ પોતાનાં દાદા-દાદી જોડે રહેવા લાગ્યાં. એમની દાદી મૃત્યુ પામી ત્યારે યાસુનારી સાત વર્ષના હતા. એમની એક મોટી બહેન હતી જેને એમનાં કાકીએ દત્તક લઇ લીધી હતી, તેઓ અગિયારેક વર્ષના હશે ત્યારે તે બહેન મૃત્યુ પામી અને, દાદા મૃત્યુ પામ્યા ત્યારે તેઓ પંદર વર્ષના હતા…આમ, પંદરેક વર્ષની વય સુધીમાં તેમણે તમામ સ્વજનોને ગુમાવી દીધાં હતાં.
સમગ્ર જીવન દરમ્યાન, જીવનનો અંત આણવા માટે કોઈ મજબૂત કારણ હોતું જ નથી. વ્યક્તિ ક્ષણિક આવેગમાં આપઘાત કરી લે છે અને, જીવન ટૂંકાવી નાખે છે. કોઈ સામાન્ય માણસને આપઘાતના વિચારો આવે અથવા તે એક વાર આપઘાત કરી પણ લે તો આપણે તેનું દુ:ખ ભલે કરીએ પણ, તે વિષે વધુ વિચારીએ નહિ! પરંતુ, નોબલ પુરસ્કાર વિજેતા જયારે પોતાનું જીવન ટૂંકાવીને આપઘાત કરી લે ત્યારે શું સમજવું?
વ્યક્તિને નોબલ પુરસ્કાર ક્યારે મળે?…અને, એટલી ઊંચાઈએ પહોંચી ગયા પછી પણ, જીવન પ્રત્યે અસંતોષ રહી ગયો હોય-જીવન પ્રત્યે કશી ફરિયાદ હોય-વધુ જીવન જીવવું ગમી નહિ રહ્યું હોય…એવું શક્ય છે?
અર્નેસ્ટ હેમિંગ્વે
અર્નેસ્ટ હેમિંગ્વેની બધી જ કૃતિઓને અમેરિકનો પોતાના દેશની ઉત્કૃષ્ટ કૃતિઓ સમજે છે. અર્નેસ્ટ હેમિંગ્વે વાર્તાકાર હતા-પત્રકાર હતા અને રમતવીર પણ હતા. તેમનું મોટા ભાગનું સર્જન તેઓ ૨૦ વર્ષથી ૫૦ વર્ષ વચ્ચે હતા ત્યારે એમણે કર્યું હતું. એમણે ૭ નવલકથાઓ-૬ લઘુકથાઓ લખી છે તેમજ બે બિનકાલ્પનિક રચનાઓ પણ લખી. તેમની ૩ નવલકથાઓ તેમજ ૪ વાર્તાસંગ્રહો તેમના અવસાન બાદ પ્રગટ થયેલાં! આ નોબલ પુરસ્કાર વિજેતા સાહિત્યકારે નોબલ મળ્યાને ૭ વર્ષ બાદ ૬૧ વર્ષની ઉંમરે પોતાના માથે ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું!
યાસુનારી કાવાબાતા
જાપાનીઝ સાહિત્યકાર યાસુનારી કાવાબાતાએ ૭૨ વર્ષની ઉંમરે બાથરૂમમાં ગેસ-ગીઝર સાથે છેડછાડ કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું! એમના આપઘાતને ઘણા લોકોએ (એમની વિધવા પત્ની સહિત) આકસ્મિક મૃત્યુ લેખાવ્યું હતું પરંતુ, એમને મરી જવાના વિચારો હમેશા આવ્યા કરતા હતા… એમને વિમાન દુર્ઘટનામાં મરી જવાની મહેચ્છા હતી! એમની (પત્ની ઉપરાંત) એક પ્રેમિકા હતી જેણે પણ આપઘાત કરી લીધો હતો…અને, એ પ્રેમિકાના વિરહમાં તેઓ પોતે દુ:ખી હતા. એમની પ્રેમિકાએ સ્યુસાઈડ નોટ લખી હતી પણ, યાસુનારીએ એવી કોઈ સ્યુસાઈડ નોટ છોડી નહોતી. આ મહાન સર્જકે એક સમયે પોતે લખ્યું હતું કે, જેઓને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેઓ કદાપિ આત્મહત્યા કરતાં નથી! અને, એમણે પોતે જ (નોબલ પુરસ્કાર મળ્યાને લગભગ ચારેક વર્ષ) આપઘાત કરી લીધો! યાસુનારી કાવાબાતા નોબલ પુરસ્કાર જીતનાર સર્વ પ્રથમ જાપાનીઝ વ્યક્તિ હતા!
જહોન હાવર્ડ નોર્થ્રોપ
૧૯૪૬નો રસાયણશાસ્ત્રનો નોબલ પુરસ્કાર ભાગીદારીમાં જહોન હાવર્ડ નોર્થ્રોપને મળ્યો હતો, નોબલ પુરસ્કારમાં એમના ભાગીદાર હતા, જેમ્સ બેચેલર સમનર તેમજ વેન્ડલ મેરેડીથ! તા. ૦૫-૦૭-૧૮૯૧માં જન્મેલા નોર્થ્રોપ તા.૨૭-૫-૧૯૮૭ના રોજ આપઘાત કરીને જીવન છોડી ગયા હતા…નોર્થ્રોપ એક જીવ-રસાયણશાસ્ત્રી હતા અને એમણે અમેરિકાની કેલીફોર્નીયા યુનિવર્સિટીમાં વિજ્ઞાનના પ્રોફેસર તરીકે લાંબો સમય સેવાઓ પણ આપી હતી. એન્ઝાઈમ ઉપર એમનું કામ જગત સદાને માટે યાદ રાખશે. એમની માતા કોલેજમાં વનસ્પતિ-વિજ્ઞાન ભણાવતી હતી તેમજ એમના પિતા કોલમ્બિયા યુનિવર્સીટીમાં પશુ-વિજ્ઞાનના પ્રોફેસર હતા. નોબલ પુરસ્કાર વિજેતા જહોન હાવર્ડ નોર્થ્રોપના જન્મને માત્ર બે જ અઠવાડિયા પહેલાં એમના પિતાનું લેબોરેટરીમાં વિસ્ફોટ થવાથી મૃત્યુ થઇ ગયું હતું. આમ, પોતાના પિતાને એમણે જીવનમાં કદાપિ નજરે જોયા નહોતા તેમ એમના પિતાએ પણ પોતાના આ બાળકને કદાપિ જોયું નહોતું. નોર્થ્રોપનો એક દીકરો સમુદ્ર-વિજ્ઞાની તેમજ બીજો દીકરો નોબલ પુરસ્કાર વિજેતા ફ્રેડરિક સી રોબિન્સને પરણ્યો હતો! આપઘાતનું કોઈ કારણ શોધ્યું જડે નહિ તો પણ, ઘડપણજન્ય તકલીફોથી ત્રાસીને નોર્થ્રોપે ૯૫ વર્ષની ઉંમરે આપઘાત કરી લીધો હતો! એમણે આપઘાત માટે કઈ યુક્તિ અજમાવી હતી તે હજુ સુધી દુનિયાને સુસ્પષ્ટ નથી.
હંસ ફિશર
જર્મન રસાયણશાસ્ત્રી હંસ ફિશર તા. ૨૭-૭-૧૮૮૧ના રોજ જન્મ્યા હતા તેમજ તા.૩૧-૩-૧૯૪૫ના રોજ ૬૪ વર્ષની વયે એમણે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જેમની આખી જિંદગી એક પ્રોફેસર તરીકે વીતી તેવા હંસ ફિશરે વનસ્પતિઓમાં હરિતકણ તેમજ મનુષ્યોમાં રક્ત ઉપર પણ એમનાં સંશોધનોએ મનુષ્યોનું જીવન બદલી નાખ્યું! હાર્વર્ડ યુનિવર્સીટીએ હંસ ફિશરને માનદ ડોક્ટરેટ આપ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ અંતિમ દિવસો દરમ્યાન, પોતાની શોધો અને પોતાના કામનો વિનાશ થઇ જવાના ડરથી નિરાશ થઈને એમણે આપઘાત કરી લીધો! પોતે સાઇનાઇડનો ઉપયોગ કરીને આપઘાત કર્યો હતો. એમના ગુરુ એમિલ ફિશરે પણ આપઘાત કરીને મોત વહાલું કર્યું હતું…
પર્સી વિલિયમ બ્રીજ્મેન
૨૦૧૪માં જેમની યાદમાં આંતરાષ્ટ્રીય ખનીજ સંઘ દ્વારા એક ખનીજનું નામ બ્રીજ્મેનીટ રાખવામાં આવ્યું તે ભૌતિકવિજ્ઞાની પર્સી વિલિયમ બ્રીજ્મેનનું નામ મોર્ડન ફિઝીક્સ માટે કદાપિ ભૂલી શકાય તેમ નથી. પોતે હાર્વર્ડ યુનિવર્સીટીના એક ઉજ્જવળ વિદ્યાર્થી! એંશી વર્ષની જિંદગીને આરે ઊભા રહી આ વિભૂતિએ ૧૯૪૬નો ભૌતિક વિજ્ઞાનનો નોબલ પુરસ્કાર જીત્યો હતો. બબ્બે યુનિવર્સિટીઓએ જેમને માનદ ડોક્ટરેટ આપ્યું હતું. જેમના નિવાસસ્થાનને અમેરિકાએ ૧૯૭૫ દરમ્યાન, રાષ્ટ્રીય ઐતિહાસિક સ્થળ તરીકે સ્મારક જાહેર કર્યું! કેન્સરની લાંબી બિમારીને લીધે પર્સી વિલિયમ બ્રીજ્મેને આપઘાત કર્યો હતો. સ્યુસાઈડ નોટમાં એમણે લખ્યું હતું કે, સમાજ માટે કોઈ વ્યક્તિને આવું કામ સ્વયં કરવા માટે મજબૂર કરવાનું યોગ્ય નથી. આ અંતિમ દિવસ હશે જે દિવસે આ કામ હું મારી જાતે કરી લઈશ.
હેરી માર્ટીન્સન
૧૯૭૪માં સ્વીડીશ લેખક એવીડ જોન્સન સાથે ભાગીદારીમાં સાહિત્યનો નોબલ પુરસ્કાર મેળવનાર સ્વીડીશ સાહિત્યકાર હેરી માર્ટીન્સન માટે એમ કહેવાય છે કે, એમની રચનાઓ ઝાકળનાં ટીપાંને પકડે છે તેમજ આખા બ્રહ્માંડને તેમાં પ્રતિબિંબિત કરે છે! તેઓ સાહિત્યકાર ઉપરાંત, એક કુશળ નાવિક પણ હતા. સિત્તેર વર્ષની પરિપક્વ ઉંમરે હેરી માર્ટીન્સનને સાહિત્યનો નોબલ પુરસ્કાર મળ્યો. હેરી માર્ટીન્સનના પિતાની એક નાનકડી દુકાન હતી. તેમને ચાર મોટી અને બે નાની બહેનો હતી. પોતે છ વર્ષના હતા ત્યારે પિતા ગુજરી ગયા અને, બાદમાં પોતાની મા તેનાં બધાં સંતાનોને છોડીને દૂર ક્યાંક જતી રહી…આમ, બાળપણમાં અનાથ જીવન વ્યતીત કરનાર હેરી માર્ટીન્સને ૧૯૩૫માં પોતાના બાળપણને પ્રતિબિંબિત કરતી નવલકથા 'ફલાવરીંગ નેટલ' લખી. ૧૯૨૦થી ૧૯૨૭ સુધી પોતે દરિયામાં જહાજો હાંકનાર નાવિક તરીકે કામ કર્યું. ૧૯૨૭માં એમણે ૨૩ વર્ષની ઉંમરે સાહિત્ય ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું. સિત્તેર વર્ષની ઉંમરે નોબલ પુરસ્કાર મળ્યો હોવા છતાં, સર્વત્ર પોતાની નિંદા થઇ રહેલી જોઇને તેમજ પોતે નવા જમાનામાં અપ્રસ્તુત હોવાનું લાગી આવતાં તા.૧૧-૦૨-૧૯૭૮ના રોજ સ્ટોકહોમની એક સરકારી હોસ્પિટલમાં મોટી કાતર વડે પોતાનું પેટ પોતાની જાતે ચીરી નાખીને આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું!

જગતના સૌથી નાના ત્રણ દેશ!
વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ…
વેટિકનમાં વ્યક્તિ દીઠ વાર્ષિક ૭૪ લીટર શરાબની ખપત છે… મોનાકોમાં જમીનના ભાવ દુનિયાની કોઈ પણ જમીનના ભાવ કરતાં વધુ જોવા મળી રહ્યા છે… પાણી સહિત મોટા ભાગની જીવનજરૂરી ચીજ-વસ્તુઓ નાઓએરોએ અન્ય દેશો પાસેથી આયાત કરવી પડે છે.

જ ગતના સૌથી નાના દેશ(વેટિકન સિટી) કરતાં જગતનો સૌથી મોટો દેશ (રશિયા) ૩૯ મિલિયન ગણો (એટલે કે, ૩,૯૦,૦૦,૦૦૦ ગણો)… ત્રણ કરોડ નેવું લાખ ગણો વધુ મોટો છે! હાલ, રશિયાની વસ્તી આશરે ૧૪ કરોડ ને ૩૪ લાખ છે જયારે વેટિકન સિટીની વસ્તી ૮૦૦થી વધુ નથી! અહિ વસ્તી-વિસ્તારની દૃષ્ટિએ જગતના સૌથી નાના ત્રણ દેશો વિષે જાણીએ…
વેટિકન સિટી
વસ્તી અને વિસ્તાર બંને દ્રષ્ટિએ જગતનો સૌથી નાનો દેશ વેટિકન સિટી છે. વેટિકન સિટીનું ક્ષેત્રફળ માત્ર ૦.૪૪ સ્ક્વેર કિ.મી. છે! પૂરું ૧ કિલોમીટર પણ નહિ. િંખ્રસ્તી ધર્મનું કેન્દ્રસ્થાન ગણાઈ રહેલું આ વેટિકન સિટી એ દેશ છે જ્યાં પોપનું નિવાસ સ્થાન આવેલું છે. ઇસુ ખ્રિસ્તનું અનુસરણ નહિ કરવાના આશયથી આ જ વેટિકનમાં સંત પીટરને જાહેરમાં ફાંસી પર ઊંધા લટકાવવામાં આવેલા! એ વર્ષે મોટે ભાગે ઈ.સ.૬૪નું હતું. ઈતિહાસકારોએ ઇતિહાસમાં વેટિકનને એક ખૂબ ગંદા શહેર તરીકે નોંધ્યું છે. આ દેશનાં પાણી તેમજ દારુ ઈતિહાસનાં પૃષ્ઠો પર સૌથી વધુ બદનામ છે.
લગભગ ૧,૨૦૦ વર્ષથી પોપ લોકો વેટિકનમાં જ રહેતા આવ્યા છે. માઈકલ એન્જેલોની એક માત્ર હસ્તરચિત કૃતિ વેટિકનમાં રાખવામાં આવેલી છે. તમારે વેટિકનની એક પગપાળા પ્રદક્ષિણા કરવી હોય તો, માત્ર ૪૦ મિનીટનું એ કામ છે. આ દેશની અર્થવ્યવસ્થા વેપાર પર નહિ પણ, દાન પર આધાર રાખે છે. વેટિકનના સ્થાનિક લોકો દુનિયામાં સૌથી વધુ શરાબ પીનારા લોકો છે…વ્યક્તિ દીઠ વાર્ષિક ૭૪ લીટર શરાબની અહિ
ખપત છે.
મોનાકો
માત્ર ૨.૧ સ્ક્વેર કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા મોનાકોમાં બધું મળીને ૩૮,૦૦૦ લોકો રહે છે. જો, વિશ્વનો સૌથી ગીચ વસ્તીવાળો નાનામાં નાનો દેશ શોધવો હોય તો એક માત્ર નામ મોનાકો જ છે. વિચાર કરો તમે…૧ સ્ક્વેર કિ.મી. વિસ્તારમાં અહિ ૧૯,૦૦૦ લોકો વસી રહ્યા છે એમ કહેવાય! મોનાકો એવો દેશ છે જ્યાં 'આવક વેરો' લોકોએ ભરવો નથી પડતો. આ દેશમાં ૪૦% લોકો ખૂબ જ અમીર છે-શ્રીમંત છે. અહિના નાગરિકો માટે જુગાર-કેસીનો વગેરે પર પ્રતિબંધ છે. જો,કે ૧૯મી સદીમાં અહિના એક શાહી પરિવારે દેવાળું ફૂંકેલું જેને દેવામુક્ત કરવા માટે અહિ મોન્ટે કાર્લો કેસીનો શરુ કરવામાં આવેલો… મોનાકોના નાગરિક નથી તે લોકો મોનાકોમાં કેસીનો રમી શકે છે! મોનાકો પર ૧૨૯૭થી ગ્રીમાલ્ડી શાહી પરિવારનું રાજ ચાલી રહ્યું છે. મોનાકોમાં કોઈ એરપોર્ટ નથી! તમે મોનાકોનો રાષ્ટ્રધ્વજ જુઓ તો, તમને તે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રધ્વજની સાવ નકલ હોય તેવું લાગે. મોનાકોમાં એવો એક રોડ છે જ્યાં જમીનના ભાવ દુનિયાની કોઈ પણ જમીનના ભાવ કરતાં વધુ જોવા મળી રહ્યા છે. મોનાકોને પોતાનું લશ્કર નથી!
નાઓએરો
પહેલાં એ દેશનું નામ નૌરુ હતું… તાજેતરમાં જ (મે-૨૦૨૬ દરમ્યાન) આ દેશની સરકારે દેશનું નામ બદલીને 'નાઓએરો' કર્યું! ઇન્ટર નેશનલ કન્ટ્રી કોડ પણ જે અંગ્રેજીમાં એનઆરયુ હતો તે હવે, બદલાઈને એનઆરઓ થઇ ગયો! દેશનું નામ-પરિવર્તન થયું ત્યારે તેના રાષ્ટ્રપતિ ડેવિડ એડેઆંગ એવું બોલ્યા હતા કે, આ નામ-પરિવર્તન સ્વદેશી વારસાનું સન્માન સમજવાનું છે… આ એક નવું નામ નથી પણ, દેશવાસીઓ પહેલેથી જ જે નામનો ઉપયોગ કરતાં આવ્યા છે તે આ નામ છે! નાઓએરો ૨૧ સ્ક્વેર કિ.મી. વિસ્તારમાં ફેલાયેલો દેશ છે જ્યાં કુલ ૧૨,૧૦૦ લોકો વસી રહ્યા છે. વિશ્વનો ત્રીજો સૌથી નાનો દેશ એટલે, નાઓએરો! આ દેશની કોઈ આધિકારિક રાજધાની નથી પણ, સરકારી કાર્યાલય યારેન જીલ્લામાં આવેલું છે. આ દેશની ભાષાનું કોઈ પર્યાપ્ત લિખિત વ્યાકરણ જોવા મળી નથી રહ્યું અને તેથી જ યુનેસ્કોએ નાઓએરોની રાષ્ટ્રભાષાને ખૂબ જ 'સંકટ ગ્રસ્ત' ગણાવી છે. એક સમયે આ દેશ ફોસ્ફેટ નામની ખનિજ માટે પ્રખ્યાત હતો અને ત્યાંનું ફોસ્ફેટ ઊચ્ચ ગુણવત્તાનું રહેતું. પણ, ફોસ્ફેટનો ભંડાર ખતમ થવા સાથે દેશ પણ દેવામાં ડૂબી ગયો અને હાલ પણ આ દેશની સ્થિતિ આર્થિક રીતે એટલી મજબૂત નથી…

  • જગતના સૌથી નાના દેશોમાં ઉપરના ત્રણ દેશો પછી ક્રમાનુસાર તુવાલુ (૨૫ સ્ક્વેર કિ.મી.)- સાન મારીનો (૬૧ સ્ક્વેર કિ.મી.)-લિક્ટેન્સ્ટાઈન(૧૬૦ સ્ક્વેર કિ.મી.)-માર્શલ દ્વિપ સમૂહ (૧૮૧ સ્ક્વેર કિ.મી.)-સેન્ટ કીટ્સ -નેવિસ (૨૬૨ સ્ક્વેર કિ.મી.)-માલદીવ્સ (૨૯૮ સ્ક્વેર કિ.મી.)નો સમાવેશ થાય છે.