તોફાની ટોળાંને કાબૂમાં લેવા પોલીસને નવા, અદ્યતન શસ્ત્રોથી સજ્જ કરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હોટલાઈન-ભાલચંદ્ર જાની
કોમી રમખાણો, વિદ્યાર્થી આંદોલનો કે રાજકીય પક્ષોના ઉગ્ર વિરોધ વખતે ફાટી નીકળતી હિંસાને ડામવા પોલીસને નવા, અદ્યતન શસ્ત્રોથી સજ્જ કરવાની જરૂર છે.
નીટ પેપર લીક મુદ્દે કોક્રોચ જનતા પાર્ટી દ્વારા બે-ત્રણ સપ્તાહ પૂર્વે દિલ્હીમાં જંતરમંતર ખાતે જે આંદોલન થયું તેના પરિણામ સ્વરૂપ આખા દેશમાં છાત્ર આંદોલન કે રાજકીય પક્ષની ચળવળને કેવી રીતે કન્ટ્રોલમાં લેવી તે મુદ્દો છોડાયો છે.
શાંતિપૂર્ણ આંદોલન એકાએક હિંસક રૂપ ધારણ કરે, પ્રદર્શનકારીઓ પોલીસ પર પથ્થરો ફેંકવા લાગે, આસપાસના વાહનો, ઇમારતોને નુકસાન પહોંચાડે ત્યારે બેકાબૂ ટોળાને અંકુશમાં રાખવાનું કામ ખૂબ કપરું બને છે. દિલ્હી જંતરમંતર ખાતે જે ગડબડી મચી ગઇ તેમાં સ્થાનિક પોલીસ અને રેપિડ એક્શન ફોર્સને પહેલેથી જ તહેનાત કરવામાં આવી હતી. આમ છતાં હિંસાખોરી થઈ, પથ્થરમારો થયો જેમાં કેટલાંક વિદ્યાર્થીઓ ઘવાયા તો તેનાથી વધુ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં.
દાયકા પૂર્વે મુંબઈના રમાબાઈ આંબેડકરનગર ખાતે પોલીસે કરેલા આડેધડ ગોેળીબારમાં દસ દલિતોના અપમૃત્યુ થયાં હતાં. ગણેશોત્સવ વખતે એવી જ ઘટનાનું સુરતમાં એક્શન રિપ્લે થયું. ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા ચોક્કસ રસ્તા પરથી જ સરઘસ કાઢવાના મુદ્દે પોલીસ અને ભાવિકો વચ્ચે નાનું છમકલું થયું હતું. પણ વાત વધી પડતા પોલીસે ગોળીબાર કરવો પડયો અને સાત શ્રધ્ધાળુઓ ત્યાંને ત્યાં ઢળી પડયાં. પરંતુ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન ઘટે એ માટે કયા પગલા લેવાવા જોઈએ અને તોફાને ચઢેલાં ટોળાને અસરકારક રીતે સામનો કરી શકાય એ માટે પોલીસ દળને કયા પ્રકારના શસ્ત્રો-વાહનોથી સુસજ્જિત કરવું જોઈએ એની છણાવટ કરવાનું કોઈને સુઝયુ નહીં.
સાંકડા રસ્તા પર પાંચ-દસ હજાર માણસોનું ટોળું મરવા-મારવા ઉપર ઉતરી આવ્યું ત્યાં હાથમાં માત્ર દંડૂકો લઈને ઊભેલાં ૧૦૦-૨૦૦ જમાદારો ટોળાંને કઈ રીતે કન્ટ્રોલમાં રાખી શકવાના હતાં? સાઈકોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો એકલ-દોકલ માણસ પોલીસની સામે થવાની હિંમત કરી શકતો નથી. પરંતુ હજારો માણસો જ્યાં એક સાથે તોફાને ચઢ્યાં હોય તો સાવ બીકણમાં બીકણ મનુષ્ય પણ એકાદ પથ્થર ફેંકી આવવાનો અટકચાળો કર્યા વિના રહી શકતો નથી. આવું દંગલ ગંભીર સ્વરૂપ પકડે એની પહેલાં જ શાંતિ સ્થાપી દેવી હોય તો ટોળાબાજી તોડયા વિના બીજો કોઈ ઉપાય નથી. એક વખત ટોળું વિખરાવા માંડે ત્યાર પછી તોફાનીઓનું ઝનૂન આપોઆપ ઓસરવા માંડે છે. સામાન્ય રીતે સૌથી પહેલાં ફરજ પરનો પોલીસ અધિકારી માઈક દ્વારા ટોળાંને વિખરાઈ જવાની મૌખિક ચેતવણી આપવાનું મુનાસિબ સમજે છે. તેમ છતાંયે જો દંગલબાજો કાબૂમાં ન આવે તો લાઠીચાર્જનો હુકમ આપવામાં આવે છે. લાકડીઓથી પણ કામ ન થાય તો કોઈક વખત વૉટર ટેન્કરમાંથી તોફાનીઓ તરફ પાણીનો જોરદાર (વોટર કેનોન) મારો ચલાવીને તેમને છૂટા પાડવાની કોશિશ કરવામાં આવે છે. આ તુક્કો પણ નિષ્ફળ નિવડે તો ટિયરગેસ (અશ્રુવાયુ)ના શેલ ફોડીને ટોળામાં અંધાધૂંધી ફેલાવવાનો પ્રયાસ સુરક્ષા દળો કરે છે. એક જમાનામાં આ કિમિયો લગભગ સફળ નીવડતો હતો. પરંતુ આજકાલના તોફાનીઓ તો ટિયરગેસને પણ ગાંઠતા નથી. છેવટના ઉપાય તરીકે પોલીસે ફાયરીંગનો આશરો લેવો પડે છે. અલબત્ત, ગોળીબાર કરતાં પહેલાં તેમ કરવાની મૌખિક સૂચના પણ આપવામાં આવે છે અને હવામાં એકાદ-બે રાઉન્ડ ફાયર પણ કરવામાં આવે છે. ત્યારબાદ જ બંદૂકનું નાળચું તોફાનીઓ તરફ ફેરવવામાં આવે છે. બને ત્યાં સુધી પગમાં જ ગોળી મારવી એવો શિરસ્તો છે. જો કે લાશો જરૂર પડે છે અને મોટે ભાગે નવાણિયા જ કુટાય છે. કારણ કે બુલેટ પર કોઈ ચોક્કસ તોફાનીનું નામ લખેલું હોતું નથી.
સામાન્ય રીતે તોફાની ટોળાને કાબુમાં રાખવા પોલીસ શરૂઆતમાં સંરક્ષણાત્મક પગલાં લે છે. અર્થાત દેખાવકારોને કોઇ ઇજા ન થાય, મામલો વધુ બીચકે નહીં તેની તદેકારી લેવાય છે. આ સુરક્ષા કર્મચારીઓ મોટે ભાગે હાઇ ઇમ્પેક્ટ રાયટ હેલ્મેટ, પારદર્શક વાઇઝર, નેક ગાર્ડથી સજ્જ હોય છે. જેથી ચળવળકરનારાના પથ્થર મારા સામે જાતને બચાવી શકાય. ઉપરાંત દરેક પોલીસ ખૂબ જ ટકાઉ પોલીકાર્બોનેટ શિલ્ડ (ઢાલ), ગેસ ગન તથા બોડી પ્રોટેક્ટર આપવામાં આવે છે.
આંદોલનના સ્થળે ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે (તેમની રેન્ક મુજબ) પિસ્તોલ, સેલ્ફ લોડિંગ રાયફલ અથવા એ.કે.- ૪૭ હોય છે. અલબત્ત, આવા ઘાતક હથિયારનો ઉપયોગ આંદોલન ખૂબ જ ઉગ્ર- હિંસક સ્વરૂપ ધારણ કરે ત્યારે જ ઉપરી અધિકારીના આદેશ પછી કરી શકાય છે.
ભૂતકાળ પર દ્રષ્ટિ કરીયે તો હિંસા પર ઉતરી આવનાર ટોળાંને વિખેરી નાખવા સારું રસાયણનો ઉપયોગ કરવાની શરૂઆત આ સદીની શરૂઆતમાં થઈ હતી. લગભગ ૮૦-૯૦ વર્ષ પહેલાં ફ્રાન્સમાં પોલીસ ખાતાએ હુલ્લડબાજો પર ઈથાઈલ બ્રોમોએસીટેટ નામના રસાયણના ગોળા વરસાવવાનો કિમીયો અજમાવ્યો હતો. ત્યાર પછી ૧૯૨૮માં કાઉલસન અને સ્કાઉટન નામના વિજ્ઞાાનીઓએ ઓર્થો અને ક્લોરોબેંઝલ મૈલાનના ઈટ્રાઈલ નામના રસાયણોનું સંમિશ્રણ કરીને અશ્રુવાયુ બનાવ્યો હતો. એને 'સીએસ' ના ટૂંકા અક્ષરે ઓળખાવવામાં આવ્યો. આપણે ત્યાં સીએસનો પહેલવહેલો પ્રયોગ ૧૯૫૮માં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ સીએસનો ઉપયોગ ઘણો વધી ગયો હતો. પરંતુ ધીરે ધીરે તોફાનીઓએ 'સીએસ' નો સામનો કરવાના નુસખા ખોળી કાઢ્યા એટલે વિજ્ઞાાનીઓને ગોળા (શેલ) માં નવું રસાયણ વાપરવાની ફરજ પડી. ૧૯૭૧માં ક્લોરોએસીટોફીનોનનો પ્રયોગ કરવામાં આવ્યો. તેનું ટૂંકુ નામ સીએન રાખવામાં આવ્યું. અશ્રુગેસ ચાર પ્રકારના હોય છે. જલન પેદા કરે તેવો, ધડાકા સાથે ફાટે તેવો, ધૂમાડો ફેલાવે તેવો અને પ્રવાહી સાથે ભળી જાય તેવો. અશ્રુવાયુને ટોળા સુધી પહોંચાડવા માટે કાં તો તેને ગોળામાં ભરવામાં આવે છે અથવા તો એમ કે -૩ પ્રકારના ગ્રેનેડને તેનું વાહન બનાવવામાં આવે છે. લોંગરેન્જ શેલ ૧૩૫ મીટર દૂર સુધી પહોેંચી શકે છે. આ શેલને ૩૭ મીલીમીટરનું નાળચું ધરાવતી ગેસ ગનમાંથી છોડવામાં આવે છે. શોર્ટરેન્જ શેલ ૯૦ મીટરનું અંતર જ કાપી શકે છે. શેલ જમીન પર અથડાતા જ તે તેમાંથી અશ્રુવાયુ બહાર નીકળે છે અને આસપાસ ઊભેલાં લોકોને આંખમાં બળતરા થવા માંડે છે. એમકે-૩ ગ્રેનેડને હાથેથી પણ ફેંકી શકાય છે અથવા રાયફલ દ્વારા પણ દાગી શકાય છે. આ ગ્રેનેડ પડે ત્યાં ૪૦થી ૬૦ સેકન્ડ માટે અશ્રુગેસનું સામ્રાજ્ય છવાઇ જાય છે. થ્રીવે ગ્રેનેડ જમીન સાથે અથડાતા તેના ત્રણ હિસ્સા પડી જાય છે. ત્રણેય હિસ્સા વારાફરતી અશ્રુગેસ ઓકી કાઢે છે એટલે તેનો પ્રભાવ વધારે સમય સુધી વર્તાય છે. ડયૂલ શેલ ૧૦૦ મીટર સુધી પહોંચવાની હેસિયત ધરાવે છે. પણ જમીન પર પછડાતા અગાઉ હવામાં જ એ બે ભાગમાં વહેંચાય જઈને અશ્રુ ગેસ ફેલાવે છે. ટુ ઈન વન શેલની કરામત જરા અલગ છે.ગેસ ગન મારફતે છોડવામાં આવે તો આ સેલના પણ હવામાં જ બે ભાગ પડી જાય છે. એક ભાગમાંથી અશ્રુગેસ નીકળે છે અને બીજો ભાગ ધડાકાભેર ફાટે છે. કાન ફાડી નાખે તેવો ધડાકો જો કે હુલ્લડખોરોેને બીવડાવવા માટે જ છે.
૩૦૩ રાયફલ અને એસએલઆરમાંથી છોડી શકાતા ગ્રેનેડને પ્લાસ્ટિકનું કવર કઢાવવામાં આવ્યું હોય છે અને તેમાં વધુ માત્રામાં અશ્રુગેસ સમાઈ શકે છે. વીઆઈપીની સુરક્ષામાં પરોવાયેલા વિશિષ્ટ પ્રકારની પેનગન રાખે છે. આ ગનમાં અશ્રુગેસે ભર્યો હોય છે. અને હાથેથી જ તેને છથી આઠ ગજ દૂર ફાયર કરી શકાય છે. જેમ્સ બોન્ડના પિક્ચરોની હિરોઈનોને ગુંડાઓથી બચવા માટે સ્પ્રેનો ઉપયોગ કરતી તમે કદાચ જોઈ હશે. 'સ્પાડ' નામે ઓળખાતા આ સ્પ્રેનું આખું નામ સેલ્ફ પ્રોટેક્શન એરૉસોલ ડિવાઈસ છે. છ થી આઠ ફૂટ દૂર રહેલાં દુશ્મનની આંખમાં બળતરાં પેદા કરવા માટે તેનો ઉપયોગ થાય છે. મહત્ત્વપૂર્ણ સરકારી ઈમારતો, બેન્કો વગેરે સ્થળોના ચાવીરૂપ સ્થાનોએ ઈલેક્ટ્રિક ગ્રેનેડ રાખવામાં આવે છે. લૂંટારાઓ, ત્રાસવાદીઓ કે અસામાજિક તત્ત્વો મકાનનો કબજો લેવા આવે ત્યારે કન્ટ્રોલરૂમમાંથી જ રિમોટ કન્ટ્રોલ વડે આ ગ્રેનેડ ફોડવામાં આવે છે. અચાનક ઠેકઠેકાણેથી અશ્રુવાયુ નીકળવા માંડે તો કોઈપણ એકાદ ક્ષણ માટે તો હેબતાઈ જ જાય.
હવે તો ભારતમાં ટેકનપૂર ખાતે આવેલા સીમા સુરક્ષા દળના વેપન યુનિટમાં આવા ટિયરગેસ અને ગ્રેનેડ તૈયાર કરવામાં આવે છે. બધું થઈને અહીં લગભગ સવા બસો માણસો કામ કરે છે. સ્વાસ્થ્યના કારણોસર ત્રણ વર્ષથી વધુ અહીં કોઈ કર્મચારીને રહેવા દેવામાં આવતો નથી. અશ્રુગેસનું મિશ્રણ બનાવતાં કર્મચારીઓએ ગેસ માસ્ક પહેરવું ફરજિયાત છે. ટેકનપૂરના આ યુનિટની જેમ જ દિલ્હીમાં આવેલી બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નામની સંસ્થા હુલ્લડખોરો સામે પોલીસનું પલ્લું ભારે કરવા માટે જાતજાતના શસ્ત્રો વિકસાવી રહી છે. આ સંસ્થાએ અગ્નિવર્ષા નામનું સાત નાળચાવાળું લોન્ચર બનાવ્યું છે. આ લોન્ચરના લેટેસ્ટ વર્ઝનને માર્ક - ।। નામ આપવામાં આવ્યું છે. ઉપલાં ત્રણ નાળચાંમાં ટિયરગેસ ભરેલા ગ્રેનેડ હોય છે અને નીચેના ચાર ખાનામાં સ્મોક બોમ્બ રાખવામાં આવે છે. આ લોન્ચરની પ્રહાર મર્યાદા ૧૩૫ મીટરની છે.
કેટલાક હિંમંતબાજ હુલ્લડખોરો ટિયર ગેસના શેલને ઊંચકીને પોલીસ તરફ ફગાવે છે પણ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતા નવા શેલ્સ ફાટતાં જ એટલા બધા ગરમ બની જાય છે કે તોેફાની તેની અડકવાની હિંમત ન કરી શકે.
ઉગ્રવાદીઓ અને હિંસક બનેલા તોફાનીઓને વિખેરવા માટે રબરની બુલેટ્સનો પણ સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૨૦ ગ્રામ વજનની આ રબર બુલેટ શરીરના જે અંગમાં લાગે તે અંગમાં ભયંકર પીડા થાય છે. હુલ્લડબાજ પાંચ-દસ મિનિટ માટે સુધબુધ ખોઈ બેસે છે. રબરની માફક ૩૫ ગ્રામ વજનની પ્લાસ્ટિકની બુલેટ્સ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ગુંદર જેવા ચિકણા 'ફોમ' પદાર્થને પણ તોફાનીઓના સ્વાગત માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. આ પદાર્થનો ફુવારો તોેફાનીનાં શરીર પર સજ્જડપણે ચોેંટી જાય એટલે બાપડો હલી પણ શકતો નથી.
છાશવારે થતાં આંદોલનો માત્ર આપણા દેશની જ સમસ્યા નથી. બ્રિટનમાં, ફ્રાંસમાં, અમેરિકામાં, જર્મનીમાં બધે જ રમખાણ નિયંત્રણના નવા નુસખા વિચારાય છે, અમલમાં મુકાય છે, તથા એની
ફેરવિચારણા પણ થાય છે. રમખાણ નિયંત્રણનું સંશોધન સતત ચાલતું જ રહે છે.
આંદોલનકારો હંમેશા દાવો કરે છે કે તેમની ચળવળ શાંત અને અહિંસક હોય છે, છતાં સરકાર વધુ પડતો બળપ્રયોગ કરીને ભયનું વાતાવરણ ફેલાવે છે. શાસન દ્વારા થતા બળપ્રયોગ સામે સરકારે પણ લોકવિરોધને પરિણામે અદાલતી કે અન્ય તપાસ નીમવી પડે છે.
ખાસ કરીને બ્રિટનમાં હવે ટોળાંને વિખેરવા ટીયરગેસ વાપરવાનું નિયંત્રણ છે. વેસ્ટ યોર્કશાયર મેટ્રોપોલીટન પોલીસના ેએક ઉચ્ચ અધિકારીના અહેવાલ પ્રમાણે નજીકથી ફોડાયેલો ટીયરગેસનો ટોટો શારીરિક ઇજાઓ પહોંચાડે તે વાત તો નિ:શંક છે, આ વાયુ આંખોમાં દાહક બળતરા ઉપરાંત કોમળ પોપંચાની દીવાલોને નુકસાન કરે છે, ગળા, નાક, અને છાતીમાં તીવ્ર બળતરા થાય છે. ટીયરગેસનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય તો સતત ખાંસી ચાલુ થાય છે અનેઅસરપામેલા માણસોને ઉલટીઓ થવા માંડે છે.
ટીયરગેસની એક અન્ય તકલીફ એ છે કે બંધબારણે ઘરમાં બેઠેલા નાગરીકોને પણ વાયુ ગૃહપ્રવેશ કરે છે ત્યારે સજા ભોગવવી પડે છે.
ટોળાંને વિખેરવા પાણીનો સતત મારો ચલાવવાના પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. આ સાધનની મર્યાદા એ છે કે એનો ઉપયોગ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય તે વિસ્તારમાં અને વોટર પાઇપનો છેડો પહોંચે તેટલો દૂર સુધી જ થઇ શકે છે. દિલ્હીમાં એકવાર પોલિસ દ્વારા સાડા પાંચ મિનિટમાં પાંચ ટન જેટલું પાણી વપરાઇગયુ ંપછી નવો પુરવઠો નહીં હોવાથી પોલિસે તુરત જ પીછેહઠ કરવી પડી હતી.
પાણીના મારાની અવરોધક અસર પણ ખૂબ જ ઓછી છે. વ્યક્તિ એક વખત પલળે પછી ફરીથી ભીંજાવાનો કોઇ ડર રહેતો નથી. બ્રિટનમાં અલ્સ્ટરની પોલીસે પાણીના મારા સાથે રંગીન પ્રવાહી છોડવાનો નુસખો પણ અજમાવી જોયો હતો. કદાચ પાછળથી ધરપકડ કરવી સહેલી બને તે માટે આમ કરાયું હશે. આમ છતાં આંદોલનકારો કે બિન આંદોલનકારો બધાને આ પદ્ધતિ નિયંત્રણના સાધન જેવી નહીં પણ સજા કરવાના સાધન જેવી લાગી. આંદોલનમાં ભાગ નહીં લેનારાઓનાં વસ્ત્રોને પણ જ્યારે રંગીન પ્રવાહીનો રંગ બેઠો ત્યારે કપડા બગડયાનો લોકોમાં તીવ્ર રોષ પેદા થયો અને આ પદ્ધતિ અંગે પુન:વિચારણા કરવામાં આવી.
આ સિવાય ટોળાને વિખેરવા માટે ગોળીબારનો સહારો લેતાં અગાઉ પ્લાસ્ટીકબુલેટનો મારો ચલાવવાની પદ્ધતિ હવે આપણે ત્યાં નવી નથી. અગાઉની રબરની બુલેટનું સ્થાન હવે પ્લાસ્ટીક બુલેટે લીધું છે.
રબરબુલેટથી મૃત્યુઆંક મર્યાદિત રહે છે પણ એ દ્વારા થતી ગંભીર ઇજાઓ અને શરીરના અંગોને હંમેશને માટે નકામાં થઇ જવાની બાબત ચલાવી લઇ શકાય તેમ નથી.
રમખાણ નિયંત્રણમાં વપરાતી પ્લાસ્ટીક બુલેટ સામાન્યપણે ૧૦ સે.મી. લંબાઇની ૩૮ મી.મી. ત્રિજીયા ધરાવતી ગોળી છે, આ બુલેટનું વજન ૧૩૫ ગ્રામ હોય છે અને કલાકના ૨૫૦ કી.મી.ના વેગથી ગતિકરે છે. એક કુશળ ફાસ્ટબોલર દ્વારા ફેંકાતા દડાની ગતિ કરતાં આ ગતિ અંદાજે બે ઘણી હોય છે.
બ્રિટન-અમેરિકામાં પોલીસ ૧૯૮૦ ના દાયકાથી, રમખાણો નિયંત્રણ કરવા ટીયર ગેસ, મરી સ્પ્રે, રબર બુલેટ, સ્ટન ગ્રેનેડ અને ઇલેક્ટ્રિક ટેઝરનો પણ ઉપયોગ કરે છે. કેટલાક કિસ્સાઓમાં, રમખાણોની ટુકડીઓ લાંબા અંતરના એકોસ્ટિક ઉપકરણો, પાણીની તોપો, બખ્તરબંધ વાહનો, વજ્ર હવાઈ દેખરેખ માટે ડ્રોન, પોલીસ ડૉગ, અથવા ઘોડા પર સવાર પોલીસનો પણ ઉપયોગ કરી શકે છે. રમખાણો નિયંત્રણ કરનારા વ્યક્તિઓ સામાન્ય રીતે રમખાણોના હેલ્મેટ, ફેસ વિઝર, બોડી આર્મર (વેસ્ટ, ગરદન રક્ષક, ઘૂંટણના પેડ, વગેરે), ગેસ માસ્ક અને રમખાણોની ઢાલ જેવા રક્ષણાત્મક ઉપકરણો પહેરે છે. ભલે રમખાણોની યુક્તિઓ ભીડને નિયંત્રિત કરવામાં અસરકારક હોય, તે તોફાનીઓ અને પોલીસ બંને પર નોંધપાત્ર માનસિક અસરો પણ લાવી શકે છે. આ મુકાબલા દરમિયાન તીવ્ર ભય, તણાવ અને હિંસાના સંપર્કમાં આવવાથી લાંબા ગાળાની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ચિંતા, પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને વધેલી આક્રમકતા, જે વિરોધીઓ અને પોલીસ અધિકારીઓના સુખાકારીને અસર કરી શકે છે.
અત્યાર સુધી બેકાબુ ટોળાને વિખેરવા માટે પોલીસ ટિયર ગેસ શેલ, પાણીના ધોધ, રબ્બરની બુલેટ્સ તથા લાઠીચાર્જ જેવી વિકલ્પોનો ઉપયોગ કરતી હતી. જોકે હવે આ બેકાબુ ટોળાને વિખેરવા માટે સાયલન્ટ ગાર્ડિયન પ્રોટેક્શન સિસ્ટમ (એસજીપીએસ) નામની ટેકનોલોજી અસ્તિત્વમાં આવી છે જેને સામાન્ય ભાષામાં 'પેઇન ગન' તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષોના આકરા સંશોધન તથા લગભગ ૧૦૦ મિલીયન અમેરિકન ડોલરના રોકાણ પછી આ નવી ટેકનોલોજીનું આગમન શક્ય બન્યું છે. એસજીપીએસ ટેકનોલોજીમાં મિલીમીટર વેવ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખાસ પ્રકારના બીમ છોડીને બેકાબુ ટોળાને ક્ષણભરમાં વિખેરી શકે છે. જોકે આ વિકલ્પ પરંપરાગત વિકલ્પોની સરખામણીમાં થોડો ખર્ચાળ હોવાના કારણે એનો વ્યાપક રીતે ઉપયોગ કરવાનું ટાળે છે.
આ ટેકનોલોજીમાં શક્તિના મોજા જેવું બીમ પ્રકાશની ઝડપથી ગતિ કરીને ત્વચા પર જ્યારે આપાત થાય છે ત્યારે ઘડીની છઠ્ઠી ક્ષણમાં એટલી બધી દાહકતાની લાગણી ઉભી કરે છે કે વ્યક્તિ પાસે એ જગ્યા છોડીને ભાગી જવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી રહેતો. આ ટેકનોલોજી વિશે વાત કરતા સંશોધક કહે છે કે ''એસજીપીએસ ટેકનોલોજીમાં લગભગ ૩૦ કિલોવોટ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. આની મદદથી અડધા માઇલ દુરથી પણ બેકાબુ ટોળાને કાબુમાં લઈ શકાય છે. આ બીમ શરીરના એક ઇંચના ૬૪માં ભાગ સુધી અંદર જાય છે અને શરીરના કોષોમાં જે પાણીનો ભાગ રહેલો હોય છે એને ગરમ કરી નાખે છે. આ પ્રક્રિયાને કારણે શરીરમાં ભારે દાહકતા અનુભવાય છે. જોકે શરીર પર દાઝયાનું નિશાન સુદ્ધાં નથી દેખાતું. આ કિરણો કાચમાંથી પણ પસાર થઈ શકે છે. માત્ર જાડી દિવાલ આ બીમથી બચાવી શકે છે. જો આ બીમનો મારો ચલાવવામા આવી રહ્યો હોય ત્યારે તોફાની તત્વ દિવાલ પાછળ સંતાઈને આખું શરીર બચાવી લે તો આ બીમની ઘાતક અસરથી બચી શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ આધુનિક ટેકનોલોજીવાળા સાધનો ધરાવતા સુરક્ષા દળના જવાનો પર કરવામાં આવ્યો ત્યારે તેઓ પણ ઉભી પુંછડીએ ભાગી નીકળ્યા હતા.
આ પેઇન ગન ગમે તેવા વાતાવરણમાં કામ કરી શકે છે. સહારાના ધગધગતા રણમાં કે પછી ઉત્તર ધુ્રવની કડકડતી ઠંડીમાં એ સરખું જ પરિણામ આપે છે. આ ગન પર રેતીની કોઈ અસર નથી થઈ શકતી અને એ મહત્તમ ૧૨૫ ડિગ્રી ફેરનહિટ સુધીના તાપમાનમાં કામ કરે છે.''
જેની ઝીનું આંદોલન જે રીતે પ્રસરતું જાય છે તેમજ વિરોધ પક્ષો ચૂંટણીઓ નજીક આવતા આંદોલન વધુ ઉગ્ર બનાવે તેવી વકી છે. આ સિવાય વિવિધ ધાર્મિક મૂદ્દે પણ અમુકે રાજ્યોમાં વાતાવરણ ડહોળાય તેવી સંભાવના છે. આમ કોમી રમખાણો, વિદ્યાર્થી આંદોલનો કે રાજકીય પક્ષોના ઉગ્ર વિરોધ વખતે ફાટી નીકળતી હિંસાને ડામવા પોલીસને નવા, અદ્યતન શસ્ત્રોથી સજ્જ કરવાની જરૂર છે.
ખાસ તો એ વાતની નોંધ લેવાની છે કે સત્તાવાળાઓ ટોળાને વિખેરવા ગમે એટલા બિન હાનિકારક શસ્ત્રો વસાવે પણ ભીડમાં ઘૂસેલા લોકોમાં વિવેકબુધ્ધિ નથી હોતી. આવા ટોળામાં અસામાજીક તત્ત્વો ઘૂસી જાય છે અને પોતાની મેલી મુરાદ પુરી કરે છે. જેમકે દુકાન લૂંટવી, પોલીસોને ટાર્ગેટ બનાવવા વગેરે… જે રાજકીય પક્ષના દેખાવકારો પોલીસને ટાર્ગેટ બનાવે તે પક્ષની માન્યતા રદ્દ કરવા સુધીના પગલાં ભરાય તો જ દેખાવકારો હિંસક બનતાં અટકી શકશે.









