તુંબહ તુંબા

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- 'મા, મા, મને ખાશો મા! હું તો તમારો દીકરો!' ડોશીએ ચીભડાને એક કોરે મૂકી દીધું. થોડી વારે તેમાંથી છોકરો નીકળ્યો. ડોશીએ તેનું નામ પાડયું, 'સાંગો.'
ન વેમ્બરની ચૌદમીએ બાળદિન હતો. તે નિમિત્તે ગિજુભાઈની બાળવાર્તાઓને યાદ કરીએ. ગિજુભાઈ ગયાને આજે સત્યાશી વર્ષ થયાં, છતાં તેમની વાર્તાઓ લીલીછમ છે, તેનું એક કારણ કે તે માત્ર બાળકો માટે નથી. આ રહી તેમની વાર્તા 'ટશુકભાઈ.'
એક હતી ડોશી. તે પાદર લાકડાં લેવા ગઈ.તેણે વેલા પર ચીભડું દીઠું.ડોશીએ તોડીને ઘેર આણ્યું. હાથપગ ધોઈને ખાવા જાય છે ત્યાં ચીભડું બોલ્યું, 'મા, મા, મને ખાશો મા! હું તો તમારો દીકરો!' ડોશીએ ચીભડાને એક કોરે મૂકી દીધું. થોડી વારે તેમાંથી છોકરો નીકળ્યો. ડોશીએ તેનું નામ પાડયું, 'સાંગો.' પછી તો થોડા થોડા દિવસે ચીભડામાંથી છોકરા નીકળવા માંડયા. ડોશીએ નામ પાડયાં 'શરવણ', 'લાખો', 'લખમણ' અને 'ટશુકભાઈ.' પાંચે દીકરા ખાઈપીને મોટા થયા. એક દિ ડોશી જંગલમાં લાકડાં વીણતી હતી ત્યાં સિંહ મળ્યો, 'ડોશી, તને ખાઉં!' ડોશીએ સમજાવ્યું, 'તું તો મારો ભાઈ થાય. મને ખાય તો તારા ભાણેજો રખડી પડે ને.' સિંહે વિચાર્યું, 'આને એકલીને ખાવા કરતાં, ભાણેજોની સાથે કાં ન ખાઉં?' સિંહ અને ડોશી ચાલ્યા ઘેર. ભાણેજોએ સિંહની સારી ચાકરી કરી. પછી સિંહ વાર્તા કહેવા બેઠો :
પહેલાં તે ખાશું સાંગો શરવણ,
પછી તે ખાશું લાખો લખમણ,
પછી તે ખાશું ટશુકભાઈને,
પછી તે ખાશું ડોહલીબાઈને.
સિંહ ભાણેજોને કહે, 'ભાણાભાઈ, હવે તમારો વારો.' છોકરાઓ બોલ્યા :
હાથડા તે થોભશે સાંગો શરવણ,
પગડા તે ઝાલશે લાખો લખમણ,
માથડું તે કાપશે ટશુકભાઈ રે,
દીવડો તે થોભશે ડોહલીબાઈ રે.
આ સાંભળી સિંહના પેટમાં ફાળ પડી.પૂંછડું માથે લેતોક જંગલમાં નાઠો.
ડોશીએ પેટે પાટા બાંધીને પાંચ દીકરા ઉછેર્યા તો ખરે ટાણે ઢાલ બનીને ઊભા. આ વાર્તા પરિવારભાવનાને પોષે છે, સાહસને બિરદાવે છે. પાંચ છોકરા સિંહનું ડોકું ન કાપી શકે, પણ હિંમતભર્યો હુંકાર કરી સિંહને બિવડાવી શકે.
યાદ છે વાર્તા સૂપડકન્ના રાજાની? વગડામાં ભટકી ગયેલા રાજાને લાગી ભૂખ. માળામાં બેઠેલાં બે ચકલાંની ડોક મરડી નાખી. શેકીને ખાઈ ગયો. રાજાને પાપ લાગ્યું. તરત તેના કાન સૂપડા જેવા થઈ ગયા. રાજાની શરમનો પાર નહિ. ગુપચુપ મહેલમાં પેઠો. સાતમે માળે રહેવા લાગ્યો. કોઈને મળે જ નહિ ને. હજામતનો દિવસ આવ્યો. રાજાએ એકલા ધનિયા હજામને બોલાવ્યો. ચેતવણી આપી, 'મારા કાનની વાત કોઈને કરી છે, તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ!' ધનિયાની નિંદર ઊડી ગઈ. આવી ચટાકેદાર વાત અને કોઈને કરાય નહિ? એ વગડે ગયો, અને ઝાડને કહી આવ્યો. થયું એવું કે કઠિયારે તે જ ઝાડ કાપ્યું અને લાકડામાંથી વાજિંત્રો બનાવ્યાં : તબલાં, સારંગી ને ઢોલ. રાજાને ભેટ આપ્યાં. રાજાએ ભોંયતળિયે સંગીતનો જલસો ગોઠવ્યો. પોતે સાતમે માળેથી સાંભળે. તબલાં બોલવા માંડયાં :
'રાજા સૂપડકન્નો, રાજા સૂપડકન્નો!'
સારંગી તીણા સ્વરે બજી ઊઠી :
'તને કોણે કહ્યું, તને કોણે કહ્યું?'
ઢોલક ચૂપ થોડું રહે? ઢમઢમવા લાગ્યું:
'એ તો ધનિયો હજામ!'
રાજાની પોલ ખૂલી ગઈ. એણે ધનિયાને ઘાણીએ ઘાલ્યો હશે?
કોર્પોરેટ બોસ લોકો, સંપ્રદાયના વડાઓ, મહાન નેતાઓ, મહેલને સાતમે માળે મુશ્તાક બેઠા હોય છે- કોણ જાણવાનું છે આપણું કદરૂપું રહસ્ય? પણ યે પબ્લિક હૈ, યે સબકુછ જાનતી હૈ. આજે નહિ તો કાલે વાત ઢોલ વગડીને સામે આવવાની જ છે : રાજા સૂપડકન્નો!
ત્રીજી વાર્તા ભટજીની, જે કાશીથી ચાર વેદ અને છ શાસ્ત્ર ભણીને આવેલા. કોઈ ગામે કથા કરવા ગયા. ગામવાળા કહે, અમારા સવાલના જવાબ આપો તો કથા કરવા દઈએ. ન આપી શકો તો તમારી પોથી અહીં મૂકી જવાની. ભટજી કહે, કબૂલ. ગામવાળાએ પૂછયું, 'તુંબહ તુંબા' એટલે શું? ભટ પોથીપાનાં જોઈ વળ્યા પણ અર્થ જડે નહિ.પોથી ગામમાં છોડીને પાછા જવું પડયું. એને ભાઈ હતો, ભણેલો નહિ પણ ગણેલો. એણે બીડું ઝડપ્યું. ગામવાળાએ પેલી જ શરત મૂકી : તંબહ તુંબા એટલે શું? ભટ કહે, ભાઈ તમે ભૂલ્યા.
પહેલાં તો હોય ખેડં ખેડા,
પછી વાવં વાવા
પછી વેલં વેલા
પછી ફૂલં ફૂલા
ને પછી તુંબહ તુંબા.
બધા કહે : ભટ ભારે, ભટ ભારે, ભટ ભારે. બરાબર કળી ગયા. ભટને જમાડયા, પોથી પુસ્તક પાછાં આપ્યાં, દક્ષિણા પણ આપી.
તુંબહ તુંબાનો જમાનો ચાલે છે. સાચા જ્ઞાન-વિજ્ઞાનની કોને પડી છે? કોઈ કહે છે, એલોપથી અને વેક્સીન નકામાં છે. (વેક્સીન ન હતે, તો શીતળા, પોલિયો અને ધનુર્વાથી માણસો આજે પણ મરતા હોત.) કોઈ કહે છે, વિમાનની શોધ કુબેરે કરી હતી.(રચના એરો ડાઇનેમિક્સના કયા સિદ્ધાંતો પર થઈ હતી? છેલ્લાં ત્રણ હજાર વર્ષથી આપણે કેમ વિમાન ઉડાવ્યું જ નહોતું?) કેટલાંક ભૂગોળનો વિષય આજે પણ પુરાણો પ્રમાણે ભણાવે છે: જંબૂદ્વીપ, શાકદ્વીપ,તેને ફરતા દુગ્ધસમુદ્ર, (દૂધનો), ઈક્ષુસમુદ્ર, (શેરડીના રસનો), ઘૃતસમુદ્ર (ઘીનો), દધિસમુદ્ર (દહીંનો) ઇત્યાદિ.
કિમ્ બહુના? (વધુ શું કહેવું?)




